બૅંકોની ધારાકીય સુરક્ષા

January, 2000

બૅંકોની ધારાકીય સુરક્ષા : ભારતમા બૅંકિંગનો વ્યવસાય કરતી સંસ્થાઓને વિવિધ કાયદાઓ દ્વારા અપાયેલું રક્ષણ. 1949 પહેલાં ભારતમાં બૅંકોને ધારાકીય સુરક્ષા નહિવત્ હતી. 1949માં બૅંકિંગ નિયંત્રણ ધારાથી બૅંકોને ધારાકીય સુરક્ષા આપવાનું શરૂ થયું. 1956માં કંપની ધારા અને તેના વખતોવખતના સુધારાથી મર્યાદિત જવાબદારીવાળી મંડળીઓની વ્યવસ્થાવાળી બૅંકોને વધારે પ્રમાણમાં ધારાકીય સુરક્ષા મળી. સહકારી ક્ષેત્રે બૅંકોની સ્થાપના થવા માંડી તેથી સહકારી કાયદા અને બૅંકિંગ ધારાથી સહકારી બૅંકોને પણ સુરક્ષા આપવામાં આવે છે. 19 જુલાઈ 1969 અને ત્યારબાદ રાષ્ટ્રીયકરણ પામેલી મોટી બૅંકોને રાષ્ટ્રીયકરણ બાદ 1970માં બૅંકિંગ કંપનિઝ (ઍક્વિઝિશન ઍન્ડ ટ્રાન્સફર ઑવ્ અન્ડરટેકિંગ) ધારા હેઠળ રક્ષણ આપવામાં આવ્યું છે. આ બધા ધારાઓ હેઠળ બૅંકને અસ્તિત્વ ટકાવી રાખવા તેમજ સરળતાથી વાજબી નફો કરાવતી પ્રવૃત્તિઓ કરવા માટેની સુરક્ષા આપવામાં આવી છે. વિદેશી બૅંકોને બૅંકિંગ નિયંત્રણ ધારાની કેટલીક જોગવાઈઓ લાગુ પાડવામાં આવી છે કે જેથી એ બૅંકોને ભારતમાં એમના વ્યવહારો પૂરતું ધારાકીય રક્ષણ મળે છે. વળી બૅંકિંગ પ્રવૃત્તિઓ ઇન્ડિયન કૉન્ટ્રાક્ટ ઍક્ટ અને ઇન્ડિયન લિમિટેશન ઍક્ટ અને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ ઍક્ટ હેઠળ આવે છે. આ બધા કાયદાઓથી બૅંકિંગ પ્રવૃત્તિઓનું નિયમન થાય છે. આ ધારાઓની કેટલીક કલમોથી બૅંકોને ધારાકીય સુરક્ષા પણ આપવામાં આવી છે.

કૉન્ટ્રાક્ટ ઍક્ટ હેઠળ કરાર કરનારા બે પક્ષકારોનાં સામાન્ય હક અને ફરજો નક્કી થયાં છે. આ કાયદાની કેટલીક જોગવાઈઓ હેઠળ બૅંક અને તેના ગ્રાહકને સામાન્ય પક્ષકારો ગણવામાં આવ્યા નથી. બૅંક સમક્ષ ગ્રાહક થવા રજૂઆત કરતી બધી જ વ્યક્તિઓને ગ્રાહક તરીકે સ્વીકારવા બૅંક બંધાયેલી નથી. સરળ વ્યવહારો અને સુરક્ષા સંદર્ભમાં ગ્રાહકને તેની સધ્ધરતા અને શાખ નક્કી કરવા માટે જરૂરી વિધિ કરવાનું તે જણાવી શકે. ગ્રાહક સુરક્ષા ધારા હેઠળ પણ બૅંકને આ પ્રકારનો આગ્રહ રાખવાની છૂટ આપવામાં આવી છે. લિમિટેશન ઍક્ટ હેઠળ દેવું રદ કરવાની ત્રણ વર્ષની સમયમર્યાદાની જોગવાઈમાંથી બૅંકોને મુક્ત રાખી રક્ષણ આપવામાં આવ્યું છે. બૅંક થાપણદારોની દેવાદાર હોય છે. લેણદાર ઉઘરાણી નહિ કરે તો પણ દેવાદાર મુદત પૂરી થયે પૈસા ચૂકવવા બંધાયેલો છે. આ કલમમાંથી બૅંકને મુક્ત રાખવામાં આવી છે. આથી બાંધી મુદતની થાપણ કે એવા અન્ય દેવાદર્શક દસ્તાવેજોની મુદત પૂરી થાય છતાં બૅંક તે પૈસા સ્વયંભૂ ચૂકવવા બંધાયેલી નથી. ગ્રાહક જ્યારે પોતાની લેણી રકમ માંગે ત્યારે તે ચૂકવવા બૅંક બંધાયેલી છે. ગ્રાહક માંગે ત્યારે પણ જો વાજબી કારણસર બૅંક પૈસા નહિ ચૂકવે તો તે સામે પણ તેને ધારાકીય સુરક્ષા મળેલી છે. બધા નિયમોનું પાલન કરીને લેણદારો-થાપણદારો પોતાની રકમ માંગે અને વાજબી કારણોસર જો બક નહિ ચૂકવી શકતી હોય તો પોતાને ત્યાં નોંધાયેલી (scheduled) તેવી બકોને નાદારી સામે સુરક્ષિત રાખવા રિઝર્વ બૅંક ઑવ્ ઇન્ડિયા જરૂરી મદદ કરવા માટે ધારાકીય રીતે બંધાયેલી છે. એવિડન્સ ઍક્ટ હેઠળ પણ ચોક્કસ શરતો હેઠળ અદાલતોમાં, અન્ય અધિકારીઓ અને અધિકૃત સંસ્થાઓ સમક્ષ ગ્રાહકોના હિસાબો અને અન્ય માહિતી ગોપનીય રાખવાની ધારાકીય સુરક્ષા બૅંકોને આપવામાં આવી છે.

નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ ઍક્ટ હેઠળનો એક દસ્તાવેજ તે ચેક છે. ચેક વિવિધ રીતે ઉપયોગમાં લેવાય છે. એક રીત ચેકને ક્રૉસ કરવાની છે. ચેકને ક્રૉસ કરવો એટલે એના જમણા ઉપલા ખૂણા પર બે ત્રાંસી સમાંતર લીટીઓ દોરવી અથવા ચેકના વચલા ભાગ પર બે ઊભી સમાંતર લીટીઓ દોરવી. આવી લીટીઓ દોરનાર એટલે કે ક્રૉસિંગ કરનાર બૅંકને સૂચના આપે છે કે ચેક પર જેનું નામ લખ્યું છે તે અથવા તો ક્રૉસિંગ કરતાં પહેલાં ચેકની પાછળ જેની તરફેણમાં છેલ્લો શેરો પૈસા ચૂકવવા માટે થયો હોય તેને ચેકના પૈસા રોકડા આપવાને બદલે એના ખાતામાં જમા કરવા. આ વ્યક્તિનું ખાતું જે બૅંકમાં હોય તે બૅંકમાં ચેક જમા કરાવશે. ક્લિયરિંગની પ્રક્રિયા પૂરી થયે તે બૅંક ચેકની રકમ એ ખાતેદારના ખાતામાં જમા આપશે. ખાતેદારને જો જરૂર પડે તો નવો ચેક લખી તે રકમ અથવા જેટલી જરૂર હોય એટલી પણ સિલકથી ઓછી રકમ મેળવી શકે છે. આમ, ચેકનું ક્રૉસિંગ કરવાથી નાણાકીય વ્યવહારો સુરક્ષિત થતા દેખાય છે; છતાં ગ્રાહકે બૅંકમાં રજૂ કરેલા ચેકનાં નાણાં તેના ખાતામાં જમા થયા પછી તેણે ઉપાડી લીધાં હોય અને પાછળથી સંજોગોવશાત્ એવું પુરવાર થાય કે ચેક અંગેની ગ્રાહકની માલિકી ખામીવાળી હતી તો ચેકનો સાચો માલિક ખામીવાળા ચેકનાં નાણાં નકલી ગ્રાહકને મેળવી આપવામાં બૅંકે મદદગારી કરી છે તેવો આક્ષેપ કરી શકે. આવું થયું હોય તો નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ ઍક્ટ અનુસાર બૅંકને આ બાબતમાં આપવામાં આવેલી સુરક્ષા હેઠળ બૅંક બચાવ કરી શકે કે તેણે ક્રૉસ કરેલ ચેકનાં નાણાં ગ્રાહક વતી તેના પોતાના માટે પ્રામાણિકપણે (in good faith) અને કોઈ પણ પ્રકારની બેદરકારી વિના મેળવ્યાં છે. આમ, ચેકની માલિકી ખામીવાળી હોવાનું પુરવાર થાય તો પણ બૅંકે તે ચેકનાં નાણાં પ્રાપ્ત કર્યા માત્રથી જ ચેકના સાચા માલિક પરત્વે ઍની કોઈ જવાબદારી ઊભી થતી નથી.

સૂર્યકાન્ત શાહ