બૅંક હૉલિડે : રાજ્ય સરકાર દ્વારા પરક્રામ્ય સંલેખ (વટાવખત) અધિનિયમ (Negotiable Instrument Act) હેઠળ બૅંકો માટે ઘોષિત કરેલી જાહેર રજા. ભારત સરકારના ગૃહમંત્રાલયના તા. 8–5–1968ના જાહેરનામા ક્રમાંક 39/1/68/જેયુડી–3 સાથે વંચાણમાં લેતાં વટાવખત અધિનિયમ(1881)ની કલમ 25ના ખુલાસાને અનુસરીને રાજ્ય સરકાર દર વર્ષે પોતાના રાજ્યમાં બૅંક હૉલિડે વિશે પરિપત્ર બહાર પાડે છે. આ બૅંક હૉલિડેની જાહેર રજાઓમાં રાજ્યમાં ઊજવાતા જાહેર તહેવારો; 26મી જાન્યુઆરી, 15મી ઑગસ્ટ તથા બીજી ઑક્ટોબર જેવા ત્રણ રાષ્ટ્રીય તહેવારો તથા બૅંકના અર્ધવાર્ષિક અને વાર્ષિક હિસાબ-દિન અંગે 1લી એપ્રિલ તથા 30મી સપ્ટેમ્બરના રોજ અપાતી રજાઓનો સમાવેશ કરવામાં આવે છે. આ સિવાય જો કોઈ રાષ્ટ્રીય નેતાનું મરણ થાય તો રાજ્ય સરકાર તે દિવસે આ નિયમ મુજબ વધારાની રજા જાહેર કરે છે. સમગ્ર બકિંગ વ્યવસ્થા પર નિયમન કરનાર મધ્યસ્થ બૅંક/રિઝર્વ બૅંક ઑવ્ ઇન્ડિયા આ રજા જાહેર કરતી નથી, પણ મધ્યસ્થ બૅંકને આ રજા પર કાપ મૂકવાની સત્તા હોય છે, તેની રૂએ 1998ની સાલમાં એક પ્રસંગે ચાર રજાઓ સાથે આવતી હતી, બૅંકો સળંગ ચાર દિવસ બંધ રહે તો તેની અસર નાણાકીય વ્યવહાર પર પડે એમ હતું. આ મુશ્કેલી દૂર કરવા ચાર દિવસોમાંના વચ્ચેના એક દિવસે બૅંક ચાલુ રાખવા મધ્યસ્થ બૅંકે વ્યાપારી બૅંકોને હુકમ કર્યો હતો. ભારતના બૅંકિંગ ઇતિહાસમાં આ પ્રથમ ઘટના હતી.
બૅંક હૉલિડેના કારણે નાણાકીય જવાબદારીમાંથી ઉદભવતા પ્રશ્નોનો નિકાલ આ રીતે થાય :
હૂંડી બૅંક હૉલિડેના દિવસે પાકતી હોય તો તે પછીના બૅંકના કામકાજના દિવસે નાણાં ચૂકવવામાં આવે છે. મુદતી થાપણ અને ચેકનાં નાણાં પણ બીજા દિવસે ચૂકવવામાં આવે છે. બૅંક હૉલિડેના દિવસે મુદતી થાપણ પાકતી હોય તો બીજા દિવસે તેને તે જ તારીખથી પુન: તાજી કરાવી શકાય છે. આખા વર્ષ દરમિયાન આપવામાં આવતી બૅંક હૉલિડેનો આંકડો ચોક્કસ નથી; પરંતુ રવિવાર ઉપરાંત પંદરથી વીસ બૅંક હૉલિડે સમગ્ર વર્ષ દરમિયાન આપવામાં આવે છે. જાહેર પ્રજા તથા ખાસ કરીને વેપારીઓ, પેઢીઓ પોતાના નાણાકીય વ્યવહારોનું આયોજન કરી શકે તે માટે અગાઉથી જ આ રજાઓ જાહેર કરવામાં આવે છે. સરકાર ટૂંકી મુદતે પરિપત્ર બહાર પાડીને પણ રજા જાહેર કરી શકે છે. પંચાંગમાં આ રજાઓ લાલ શાહીથી અથવા અલગ પડે તેવી શાહીથી દર્શાવવામાં આવે છે. બૅંકના નોટિસ-બૉર્ડ ઉપર પણ આ રજાઓ દર્શાવવામાં આવે છે.
બૅંકો જો બે દિવસથી વધારે બંધ રહે તો અર્થતંત્ર ઉપર ગંભીર અસર પડે છે; કારણ કે બૅંકોમાં જે ચેકો જમા કરેલા હોય અથવા કરવાના હોય તેનું ક્લિયરિંગ થઈ શકતું ન હોવાથી ચેક દ્વારા થતા નાણાકીય વ્યવહારો અટકી જાય છે. જો રોકડાં નાણાં જોઈતાં હોય તોપણ બૅંક બંધ હોવાથી મળી શકતાં નથી. આથી નાણાકીય વ્યવહારો પર અસર પડે છે. વળી બૅંકના વ્યવહારો વ્યાજ સાથે સંકળાયેલા હોય છે. બૅંક હૉલિડે હોય તોપણ વ્યાજની ગણતરી થતી હોય છે. આ જ રીતે ધિરાણ ઉપર પણ અસર પડે છે. બૅંક હૉલિડેના કારણે એકંદરે કરોડો રૂપિયાનું આપણા દેશને નુકસાન થતું હોય છે. પશ્ચિમના દેશોમાં બૅંક હૉલિડે નથી. ભારતમાં સ્થપાયેલ વિદેશી બૅંકો બૅંક હૉલિડેના દિવસે ચાલુ રહે છે અને આ બૅંકો ક્લિયરિંગની સેવા મળતી નહિ હોવાથી ચેક ક્લિયર કરવા સિવાયની સેવાઓ આપે છે.
અશ્વિની કાપડિયા