બૅંક ખાતાં : બૅંકિંગ સેવા પ્રાપ્ત કરવા માટે ઇચ્છુક હોય તેવા સમાજના વિવિધ આર્થિક સ્તરના ગ્રાહકોની જરૂરિયાતને અનુરૂપ બૅંકના હિસાબી ચોપડામાં ખોલવામાં આવતાં ખાતાં. બૅંકો સમાજના જુદા જુદા વર્ગોમાંથી થાપણો એકત્રિત કરીને તેમાંથી ધિરાણ કરે છે. બૅંકે થાપણો ઉપર ચૂકવેલા વ્યાજ કરતાં લોન લેનાર ગ્રાહકો પાસેથી તેને મળેલા વ્યાજનો તફાવત બકની કમાણીનો મુખ્ય પાયો છે. જ્યારે કોઈ વ્યક્તિ, પેઢી કે કંપની પોતાનાં ફાજલ નાણાં સુરક્ષિત રાખવા માટે અથવા તેની ધંધાકીય કે સામાજિક જરૂરિયાતને અનુરૂપ ધિરાણ મેળવવા માટે બૅંકમાં ખાતું ખોલાવે ત્યારે બૅંકર અને ગ્રાહકના સંબંધો અસ્તિત્વમાં આવે છે. બૅંકોમાં સામાન્ય રીતે (1) ચાલુ ખાતું (Current Account), (2) બચત ખાતું (Savings Account), (3) બાંધી મુદતની થાપણનું ખાતું (Fixed Term Deposit Account), (4) આવર્તક થાપણ ખાતું (Recurring Deposit Account) અને (5) બિનરહેવાસી ભારતીયોનું ખાતું (Non-resident Indians’ Account) – એમ જુદા જુદા પાંચ પ્રકારનાં ખાતાં ખોલવામાં આવે છે.
ચાલુ ખાતું : વેપારીઓ અને ઉદ્યોગપતિઓ પોતાની ધંધાકીય સરળતા, તરલતા અને ચુકવણીની સુગમતા માટે બકમાં આ પ્રકારનું ખાતું ખોલાવે છે. આ પ્રકારના ખાતામાં ગ્રાહકને ગમે તેટલી વાર ગમે તેટલી રકમ જમા કરાવવાની અથવા ઉપાડવાની બક છૂટ આપે છે. આ ખાતાની થાપણ ઉપર સામાન્ય રીતે બૅંક વ્યાજ આપતી નથી, પરંતુ બકે ઠરાવેલી રકમ ખાતામાં રાખી મૂકવામાં ગ્રાહક નિષ્ફળ જાય તો બક નિયમ મુજબ પ્રતિમાસ કમિશન અથવા સર્વિસ ચાર્જ વસૂલ કરે છે. વળી બૅંક ગ્રાહકની આ પ્રકારના ખાતામાં ટૂંકા ગાળાની નાણાકીય જરૂરિયાત સંતોષવા માટે તારણ ઉપર અથવા તારણ વિના અતિરિક્ત ઉપાડ(overdraft)ની સુવિધા પૂરી પાડે છે અને તે માટે વ્યાજ વસૂલ કરે છે.
બચત ખાતું : સામાન્ય રીતે પગારદાર અથવા મધ્યમવર્ગનો માનવી પોતાની બચત એકત્રિત કરવા માટે બૅંકમાં આ પ્રકારનું ખાતું ખોલાવે છે. બાળકોનું શિક્ષણ, માંદગી, સામાજિક પ્રસંગ અંગે ભવિષ્યમાં આવતા ખર્ચને પહોંચી વળવા માટે આવું ખાતું ઉપયોગી નીવડે છે. સામાન્ય રીતે બચત ખાતું રૂ. 100ની થાપણથી અથવા ચેકની સુવિધા જોઈતી હોય તો રૂ. 500 અથવા બૅંકે નિયત કરેલી થાપણથી ખોલવામાં આવે છે. કોઈ માસ દરમિયાન આ નિયત કરેલી રકમ કરતાં ગ્રાહકના ખાતામાં ઓછી રકમ જમા રહે તો બક આવા ગ્રાહક પાસેથી સર્વિસચાર્જ વસૂલ કરે છે. બચત ખાતા ઉપર રિઝર્વ બૅંકે નિર્ધારિત કરેલા દરે છ છ મહિને વ્યાજ ગણવામાં આવે છે. આવું વ્યાજ દરેક માસની દસમી તારીખથી તે માસની આખરી તારીખ દરમિયાન બચત ખાતામાં રહેલી ઓછામાં ઓછી રકમ ઉપર ગણવામાં આવે છે. આ ખાતામાં દરરોજ ગમે તેટલી વાર રોકડ રકમ અથવા પોતાના નામજોગ ચેક જમા કરી શકાય છે, પરંતુ ત્રાહિત વ્યક્તિના નામજોગ ચેક જમા કરી શકાતા નથી. બચત ખાતામાંથી એક વર્ષમાં વધુમાં વધુ 60 વાર અને કેટલીક બૅંકો વધુમાં વધુ 100 વાર ઉપાડ કરવા દે છે, પરંતુ જો વધારે વાર ઉપાડ કરવામાં આવે તો બૅંક સર્વિસચાર્જ વસૂલ કરે છે.
મુદતી થાપણ ખાતું : મુદતી એટલે કે બાંધી મુદતની થાપણવાળા ખાતામાં 46 દિવસ(કોઈ કોઈ વાર 30 દિવસ)ની મુદતથી માંડીને 5 વર્ષની મુદત સુધી નાણાં રાખી શકાય છે. જે લોકો પાસે તાત્કાલિક જરૂર ન પડે તેવાં ફાજલ નાણાં સંચિત હોય તેઓ વધુ વ્યાજ કમાવાના ઇરાદાથી બાંધી મુદતની થાપણમાં પોતાનાં ફાજલ નાણાં રોકે છે. આવી થાપણ માટે ચાલુ કે બચત ખાતાની જેમ પાસબુક આપવામાં આવતી નથી, પરંતુ બાંધી મુદતની થાપણની પહોંચ (Fixed Deposit Receipt – F.D.R.) આપવામાં આવે છે. બાંધી મુદતની થાપણનાં નાણાં બક પાસે વધુ લાંબા તથા નિશ્ચિત સમય માટે રહેતાં હોવાથી બૅંક તેવાં નાણાંનું લાંબા ગાળાનું ધિરાણ કરીને પોતે વધુ વ્યાજ કમાઈ શકે છે. વળી આવી થાપણો એકત્રિત કરવાનું વહીવટી ખર્ચ પણ ઓછું આવે છે. તેથી રિઝર્વ બૅંકે નિર્ધારિત કરેલી વ્યાજ આપવાની મહત્તમ મર્યાદામાં રહીને બૅંક આ ખાતાં ઉપર અન્ય ખાતાંઓની સરખામણીમાં નિ:સંકોચપણે ઊંચા દરે વ્યાજ આપે છે. આવી થાપણ પાકવાની તારીખ અગાઉ તેની રકમ ઉપાડવામાં આવે તો જેટલી અવધિ માટે બૅંક પાસે થાપણ રહી હોય તે અવધિને અનુરૂપ વ્યાજના જુદા જુદા દરોમાંથી જે દર ઓછો હોય તે દરે વ્યાજ આપવામાં આવે છે. બાંધી મુદતની થાપણ ઉપર પાકવાની તારીખ પછી વ્યાજ આપવાની બૅંકની જવાબદારી હોતી નથી, છતાં જો ગ્રાહક થાપણ પાક્યાનો સમય વીતી ગયા પછી થાપણનું નવીનીકરણ (renew) કરાવે તો બૅંકિંગ પ્રથાને અનુસરીને બૅંક સંબંધિત થાપણ પાક્યાની અગાઉની તારીખથી તેનું નવીનીકરણ કરી આપે છે અને તેના પર વ્યાજ આપે છે.
આવર્તક થાપણ ખાતું : ઓછી બચત કરી શકે તેવા ગ્રાહકો તેમની સગવડ અને અનુકૂળતા પ્રમાણે બચત કરીને વ્યાજ કમાઈ શકે તે હેતુથી બૅંક આવર્તક થાપણ સ્વીકારે છે. સામાન્ય રીતે 6 માસથી 120 માસ સુધીના ગાળા દરમિયાન ગ્રાહક દર મહિને પોતાના ખાતામાં નિર્ધારિત હપતા મુજબની રકમ જમા કરે છે. ગ્રાહક છેલ્લા હપતાની રકમ જમા કરે ત્યારથી 30 દિવસ પછી જમા કરેલી રકમ તેને વ્યાજ સાથે પરત કરવામાં આવે છે. થાપણના સમયગાળામાં ગ્રાહક જો કોઈ મહિનામાં હપતો ભરવામાં નિષ્ફળ જાય તો તે માસના હપતાની રકમ બૅંક બીજા મહિને દંડનીય વ્યાજ સાથે વસૂલ કરે છે.
બિનરહેવાસી ભારતીયોનું ખાતું : વિદેશમાં વસતા બિનનિવાસી ભારતીયો ભારતની બૅંકમાં એન. આર. આઈ. (Non-resident Indian) ખાતાં ખોલાવી શકે છે. તેના બે પ્રકારો છે : (1) નૉન-રેસિડન્ટ એક્સટર્નલ ખાતું અને (2) ફૉરેન કરન્સી નૉન-રેસિડન્ટ ખાતું. પ્રથમ પ્રકારનું ખાતું રૂપિયાના ચલણમાં ખોલવામાં આવે છે અને તેમાં મળતા વ્યાજ ઉપર કોઈ કર લાગતો નથી. તેની રકમ ખાતેદાર જરૂર પડે ત્યારે પરદેશ મોકલી શકે છે. બીજા પ્રકારનું ખાતું વિદેશી ચલણમાં ખોલી શકાય છે. આ ખાતું વિદેશી ચલણમાં હોવાથી રૂપિયાના હૂંડિયામણમાં થતા ફેરફારની અસર આ ખાતા ઉપર થતી નથી. ખાતેદાર જરૂર પડે ત્યારે મુદ્દલ અને વ્યાજની રકમ પરદેશ મોકલી શકે છે. આ ખાતામાં મળતા વ્યાજ ઉપર પણ કોઈ કર લાગતો નથી.
ઉપર્યુક્ત ખાતાં ઉપરાંત બકિંગ વ્યવસાયમાં કૅશ સર્ટિફિકેટ થાપણ યોજના, હાઉસિંગ થાપણ યોજના, એન્યૂઇટી થાપણ યોજના વગેરે અન્ય યોજનાઓ પણ અમલમાં હોય છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે