બૅંક ડ્રાફ્ટ : કોઈ એક બૅંકની એક શાખાએ તે જ બૅંકની બીજી શાખાને લેખિત સૂચના દ્વારા તેમાં જણાવેલી નિશ્ચિત રકમ નિશ્ચિત વ્યક્તિને ચૂકવી આપવા માટે કરેલો આદેશ. કોઈ એક વ્યક્તિ અન્ય સ્થળે રહેતી બીજી વ્યક્તિને સહેલાઈથી નાણાં મોકલવા માગે તો તે વ્યક્તિ કાં તો પોતાનું ખાતું હોય તે બૅંકમાં અથવા અન્ય કોઈ પણ બકમાં જઈને બૅંક-ડ્રાફ્ટ ખરીદીને તે દ્વારા અન્ય વ્યક્તિને નાણાં મોકલી શકે છે. બૅંક-ડ્રાફ્ટ ડિમાન્ડ ડ્રાફ્ટ પણ કહેવાય છે. બૅંક-ડ્રાફ્ટ ખરીદવા માટે ખરીદનારે નિશ્ચિત ફૉર્મ ભરીને મોકલવાની રકમ તથા ડ્રાફ્ટ ખરીદવાના કમિશનની રકમ બંને એકસાથે જે તે બૅંકમાં જમા કરાવવી પડે છે. આ ફૉર્મમાં તેણે (1) નાણાં મોકલનાર વ્યક્તિનું નામ, (2) નાણાં મોકલનાર વ્યક્તિનું સરનામું, (3) નાણાં મેળવનાર વ્યક્તિનું નામ, (4) નાણાં મેળવવાનું સ્થળ (ગામનું નામ), (5) મોકલવાનાં નાણાંની રકમ અને (6) કમિશનની રકમ જણાવવાં પડે છે અને નિર્ધારિત ફૉર્મમાં સહી કરવી પડે છે. આ વિધિ કર્યા પછી બૅંકની શાખા બૅંક-ડ્રાફ્ટ કાઢી આપીને તેની એક નકલ ગ્રાહકને/ખરીદનારને આપે છે અને બીજી નકલ નાણાં ચૂકવનાર શાખાને આગોતરી સૂચના (advice) તરીકે મોકલે છે. બૅંકે કાઢી આપેલા ડ્રાફ્ટમાં (1) તારીખ, (2) નાણાં મેળવનારનું નામ, (3) નાણાંની રકમ, (4) ડ્રાફ્ટ કાઢી આપનાર બૅંકનું નામ અને શાખાનું સરનામું અને (5) ડ્રાફ્ટ, જે બૅંક ઉપર કાઢી આપવામાં આવે છે તેનું નામ અને શાખાનું સરનામું બતાવેલાં હોય છે અને બૅંકના  જવાબદાર અધિકારીએ તેના પર સહી કરેલી હોય છે.

બૅંક-ડ્રાફ્ટ કઢાવનાર વ્યક્તિ જેને નાણાં મોકલવાનાં હોય છે તેને ટપાલ કે અન્ય કોઈ રીતે આ ડ્રાફ્ટ મોકલી આપે છે. નાણાંને સુરક્ષિત રાખવા માટે સામાન્ય રીતે ડ્રાફ્ટને ક્રૉસ કરવાની પ્રથા છે. આવો ડ્રાફ્ટ મળ્યેથી મેળવનાર વ્યક્તિ પોતાના ખાતામાં તેને જમા કરાવીને ચૂકવનાર બૅંક પાસેથી નાણાં વસૂલ કરી શકે છે; પરંતુ જો ડ્રાફ્ટ ક્રૉસ્ડ કરેલો ન હોય તો નાણાં ચૂકવનાર બકમાં પોતાની ઓળખાણ આપીને તે રોકડ નાણાં મેળવી શકે છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે