બૃહત્સંહિતા (ઈ. સ. 505) : વરાહમિહિરે વૃદ્ધ વયે રચેલો ફલિત જ્યોતિષશાસ્ત્રનો ગ્રંથ. એનો અનુવાદ અરબી ભાષામાં બરૂનીએ કર્યો છે.
આ ગ્રંથ મૂળ પ્રત ઉપરથી ડૉ. કર્નેએ સૌપ્રથમ છાપ્યો. અંગ્રેજી ભાષાન્તર રૉયલ એશિયાટિક સોસાયટીએ તેના પાંચમા પુસ્તક તરીકે પ્રગટ કર્યું. બિબ્લિઑથેકા ઇંડિકા(કલકત્તા)એ મૂળ ‘બૃહત્સંહિતા’ પ્રગટ કરી. તેની સાથે મૂળ અને ભાષાન્તર જગન્મિત્ર છાપખાના (રત્નાગિરિ) દ્વારા પ્રગટ કરવામાં આવ્યાં.
‘બૃહત્સંહિતા’ સંહિતાગ્રંથોમાં ખૂબ જ માન્ય અને પ્રમાણભૂત ગ્રંથ તરીકે જાણીતો હતો અને પ્રજાજીવનમાં પ્રચલિત હતો; તેમ છતાં વરાહમિહિરના જાતક ગ્રંથોનો આજે જેટલો ઉપયોગ થાય છે તેટલો આ બૃહત્સંહિતાનો થતો નથી.
આ સંહિતા સૃષ્ટિના કુદરતી પદાર્થો અને માનવજીવન ઉપરની એમની અસરને વર્ણવે છે. પાશ્ચાત્ય દેશોએ સંહિતાઓના સિદ્ધાંતોનો પરિણામગામી ઉપયોગ કર્યો છે. પરિણામે ભૌતિક સંશોધનક્ષેત્રે પાશ્ચાત્ય દેશો હરણફાળ ભરી શક્યા છે.
આ ગ્રંથ સૃષ્ટિપદાર્થો ઉપરાંત પર્યાવરણનાં તત્વો અને તેની અસરોને જ્યોતિષના સંદર્ભમાં સમજાવે છે. અગ્નિ, જળ, વાયુ, પૃથ્વી અને આકાશ જેવાં પંચમહાભૂતોના ગુણતત્વ વગેરે દ્વારા થતાં પરિવર્તનોને તે સૈદ્ધાંતિક સ્વરૂપ આપે છે.
જાતક વિદ્યાશાખામાં ગ્રહ, નક્ષત્ર, જન્મસમય વગેરેને આધારે વ્યક્તિના વ્યક્તિત્વ અને ભવિષ્યકથનના સિદ્ધાંતો સ્થાપવામાં આવે છે. અહીં સામુદ્રિક વિદ્યા, અંગવિદ્યા, શકુનવિદ્યા, પશુ-પ્રાણીઓ, જળ, વાયુ, ધરતીકંપ, આકાશી પદાર્થો, કુદરતી સાહજિક પ્રક્રિયાઓ, ઉત્પાતો વગેરે દ્વારા ભાવિ બનાવોના સાર્વત્રિક સંકેતો આપવામાં આવ્યા છે.
‘બૃહત્સંહિતા’ ખરેખર બૃહદ્ ગ્રંથ છે. તેમાં કુલ પાંચ ખંડોમાં વિવિધ વિદ્યાઓ અંગે નીચે મુજબ નિરૂપણ કરવામાં આવ્યું છે. :
ખંડ 1 : જ્યોતિષવિદ્યા અને ગ્રહોના સંચરણ તેમજ સંક્રાન્તિનું તેમજ તેની અસરોને નિરૂપે છે. આ ખંડમાં આકાશી પદાર્થોનું સરસ અને વાસ્તવિક નિરૂપણ છે.
ખંડ 2 : કૃષિ તથા વૃષ્ટિવિદ્યાને નિરૂપે છે. વર્ષાનાં લક્ષણો, રોહિણી, સ્વાતિ જેવાં નક્ષત્રો વગેરેને વર્ષાના સંદર્ભમાં તે સમજાવે છે. ધરતીકંપ, ઉલ્કા, ઇન્દ્રધનુષ્ય, પ્રતિસૂર્ય તથા કૃષિઉત્પાદનોની વૃદ્ધિના યોગોને તે દર્શાવે છે.
ખંડ 3 : અહીં રાજ્યવિદ્યા (political science) અને વાસ્તુવિદ્યાનું નિરૂપણ છે. ભૂગર્ભજળસ્રોત, મંદિર-મહાલય, પ્રતિમા, દેવપ્રતિમા અને તેની પ્રતિષ્ઠા વિશેના નિયમો અને સિદ્ધાંતો આપે છે.
ખંડ 4 : પ્રાણી અને શકુનવિદ્યાને તે નિરૂપે છે. વિવિધ પ્રાણીઓનાં તથા વિવિધ પુરુષ-સ્ત્રીનાં ગુણલક્ષણો તેમજ સ્ત્રી-પુરુષ-સંયોગ અને કામક્રીડાના સિદ્ધાંતો તે આપે છે. જમીનમાંથી કે સમુદ્રમાંથી પ્રાપ્ત થતાં નંગ, તેમનો ઉપયોગ અને અસરો તે વર્ણવે છે. પરંપરાગત પક્ષીઓની વાણી વગેરેનાં રહસ્યોને તે સ્ફુટ કરે છે.
ખંડ 5 : નક્ષત્રવિદ્યાનો પરિચય આપે છે. વિવિધ નક્ષત્રો અને એમનાં ફળ, કર્મ, ગુણ, ગ્રહોનું ગોચરફળ, નક્ષત્ર-જન્મફળ, રાશિ, લગ્નસમયના ગ્રહયોગો, નક્ષત્રપુરુષ અને તેના પૂજાવિધિનાં નિરૂપણ અને સમજ તે આપે છે.
આ સંહિતાઓના આધારે જ ભારતીય જ્યોતિષશાસ્ત્રમાં લોકજ્યોતિષ અને નક્ષત્રજ્યોતિષની તેમજ પશુ-પક્ષીની વાણીના આધારે ભવિષ્યકથન કરવાની એક લોકપરંપરા શરૂ થઈ છે.
‘સંહિતા’ના ફળકથનનો આધાર કુદરતી આકાશી પદાર્થોના નિરીક્ષણમૂલક અનુભવ છે.
બટુક દલીચા