બૃહત્કથા : પૈશાચી ભાષામાં પ્રાચીન ભારતીય વાર્તાકાર ગુણાઢ્યે રચેલો વાર્તાગ્રંથ. રામાયણ અને મહાભારતની સમકક્ષ ગણાતી ગુણાઢ્યની બૃહત્કથા પૈશાચી પ્રાકૃતમાં ‘વડ્ડકહા’ નામે રચાઈ હતી, જે મળતી નથી. પરંતુ તેનાં ત્રણ રૂપાંતરો આપણને પ્રાપ્ત થાય છે : (1) બુદ્ધસ્વામીકૃત અપૂર્ણ ‘બૃહત્કથા – શ્લોકસંગ્રહ’ (આઠમી-નવમી સદી), (2) ક્ષેમેન્દ્રકૃત ‘બૃહત્કથા-મંજરી’ (અગિયારમી સદી) અને (3) સોમદેવકૃત ‘કથાસરિત્સાગર’ (અગિયારમી સદી). બૃહત્કથામંજરી અને કથાસરિ-ત્સાગર કાશ્મીરમાં રચાયાં છે. જ્યારે બૃહત્કથાશ્લોકસંગ્રહ નેપાળમાંથી પ્રાપ્ત થાય છે, જોકે તે નેપાળમાં જ રચાઈ હોવાનું પ્રમાણ નથી. આના આધારે મૂળ ‘બૃહત્કથા’ના સ્વરૂપની આપણે માત્ર ઝાંખી જ મેળવી શકીએ. ‘બૃહત્કથા’ તેના મૂળ સ્વરૂપમાં ક્યારે રચાઈ તે જાણવા માટે કોઈ આધારભૂત સાધન નથી. દંડી, બાણભટ્ટ અને સુબન્ધુ ‘બૃહત્કથા’નો ઉલ્લેખ કરે છે તે પરથી એમ કહી શકાય કે બૃહત્કથા ઈસવી સનના છઠ્ઠા શતકથી પૂર્વે રચાઈ હશે. ડૉ. સુશીલકુમાર દે તો ‘બૃહત્કથા’ને ‘પંચતંત્ર’ના ઉદભવ સાથે સાંકળી ઈસવી સનના ચોથા સૈકામાં મૂકે છે. દંડી તેને ‘ભૂતભાષા’માં રચાયેલી કહે છે; પરંતુ તેઓ આ કથાને ‘ગદ્ય’માં હોવાનું માને છે, જેમાં થોડા શ્લોકો પણ છે. દંતકથા પ્રમાણે પૈશાચી પ્રાકૃત વિન્ધ્યના વનપ્રદેશની લોકભાષા છે. ગ્રિયર્સન આને વાયવ્ય સરહદના કૈકય તેમજ પૂર્વ ગાંધારની ભાષા ગણે છે. કદાચ પૈશાચી પ્રાકૃત કરતાં સંસ્કૃતની વધુ નજીક હતી.
‘બૃહત્કથા’ના ઉદભવ વિશે એની જ કથા પરથી તૈયાર થયેલાં ક્ષેમેન્દ્ર અને સોમદેવનાં કાશ્મીરી સંસ્કરણો તથા નેપાલમાહાત્મ્ય નામના પુરાણગ્રંથમાં નીચેની દંતકથા મળે છે :
એક વાર પાર્વતીની ઇચ્છાથી શિવે વાર્તા કહી. આ બૃહદવાર્તા શિવના એક ગણ પુષ્પદન્તે છુપાઈને સાંભળી લીધી અને પછી પોતાની પત્ની જયાને એ જ વાર્તા કહી. જયાએ એ જ કથા પાર્વતીને કહી. આથી પાર્વતીએ ગુસ્સે થઈને પુષ્પદન્તને ગણમાંથી ભ્રષ્ટ થવાનો શાપ આપ્યો. શાપનિવારણ માટે આજીજી કરતાં પાર્વતીએ કહ્યું કે પુષ્પદન્તની જેમ જ શાપિત યક્ષ કાણભૂતિને તે મળે અને આ કથા કહે ત્યારે તેના શાપનો અંત આવશે. પુષ્પદન્તના મિત્ર માલ્યવાનને પણ સ્વર્ગમાંથી પતન પામવાનો શાપ મળેલો અને તે પણ કાણભૂતિ પાસેથી ઉપર્યુક્ત કથા સાંભળે ત્યારે શાપમુક્ત થાય તેવું હતું.
હવે શાપિત પુષ્પદન્ત કૌશામ્બીમાં વરરુચિ કાત્યાયન થઈને જન્મ્યા. તેઓ નંદના અમાત્ય બન્યા અને નિવૃત્ત થઈને વિન્ધ્ય વનમાં ગયા. ત્યાં તેમણે કાણભૂતિને વિદ્યાધરોના સાત રાજાઓની આ કથા કહી અને તેઓ શાપમાંથી મુક્તિ પામ્યા. પુષ્પદંતનો મિત્ર માલ્યવાન પ્રતિષ્ઠાન નગરીમાં ‘ગુણાઢ્ય’ તરીકે જન્મ્યો તથા સમય જતાં સાતવાહન રાજાનો માનીતો બન્યો. એક વાર રાજા જળક્રીડા કરતો હતો ત્યારે રાણીએ मोदकै: — ‘પાણી ન છાંટો’ એમ કહ્યું. સંસ્કૃતના અજ્ઞાનને કારણે સંધિ છૂટી ન પાડતાં રાજા मोदकै: — લાડુથી એમ સમજ્યો અને હાંસીપાત્ર થયો. ગુણાઢ્યે રાજાને છ વર્ષમાં સંસ્કૃત શીખવી દેવા કહ્યું; પરંતુ શર્વવર્મા નામના બીજા પંડિતે છ મહિનામાં જ રાજાને સંસ્કૃત શીખવી દેવા કહ્યું. ગુણાઢ્યે પ્રતિજ્ઞા લીધી કે આમ થાય તો હું સંસ્કૃત કે પ્રાકૃત પ્રયોજવાનું છોડી દઉં. શર્વશર્માએ એમ કરી બતાવ્યું અને પ્રતિજ્ઞા મુજબ ગુણાઢ્ય વનમાં ગયો. વનમાં કાણભૂતિએ તેને પેલી કથા કહી અને કાણભૂતિ શાપમુક્ત થયો. ગુણાઢ્યે એ કથા પૈશાચી ભાષામાં રચી, પરંતુ રાજાએ તે સાંભળવાની ના પાડતાં ગુણાઢ્યે વનમાં પ્રાણીઓને તે કહી અને એક પછી એક કથાનાં પાનાં તે અગ્નિમાં હોમતો ગયો. છ લાખ શ્ર્લોકોની છ કથાઓ તો અગ્નિશરણ થઈ ગઈ. દરમિયાન આ વાત રાજાને કાને પડતાં તે વનમાં ધસી આવ્યો અને એક લાખ શ્લોકની સાતમી કથા તેણે બચાવી લીધી. આ બચેલી કથા તે જ ગુણાઢ્યની ‘બૃહત્કથા’.
આ કથાની નેપાળી આવૃત્તિમાં ગુણાઢ્યનો જન્મ મથુરામાં બતાવ્યો છે અને તે ઉજ્જયિનીના મદન રાજાનો આશ્રિત હતો એમ કહ્યું છે. ગુણાઢ્ય અને શર્વવર્માની શરતનો નિર્દેશ આ આવૃત્તિમાં છે જ નહિ. એની પરંપરા મુજબ તો પુલસ્ત્ય ઋષિના કહેવાથી આ કથા ગુણાઢ્યે પૈશાચી ભાષામાં રચી હતી. બાણ ગુણાઢ્યની આ કથાને શિવની લીલા સાથે સાંકળે છે. કદાચ નેપાળી આવૃત્તિની કથા શૈવ સંપ્રદાયની હશે, જે બાણે સાંભળી હોવાનો સંભવ છે.
કીથના મત મુજબ, ગુણાઢ્યની પ્રવૃત્તિ કૌશામ્બી કે ઉજ્જયિની સાથે સંકળાયેલી છે. ભાસે પોતાનાં નાટકો માટે બૃહત્કથામાંથી પ્રેરણા મેળવી હતી એમ જો પુરવાર થાય તો ગુણાઢ્યનો સમય નિશ્ચિત થઈ શકે.
પારુલ માંકડ