બૂશર, ફ્રાન્સવા (જ. 1703; અ. 1770) : રકોકો શૈલીમાં સર્જન કરનાર ફ્રેંચ ચિત્રકાર. ફ્રાન્સના રાજા લૂઈ પંદરમા અને માદામ દ પૉમ્પેદુના તેઓ પ્રીતિપાત્ર હતા.

કલા-અભ્યાસ તેમણે શરૂઆતમાં પોતાના પિતા પાસે અને પછીથી ફ્રાન્સવા લેમોઇં પાસે કર્યો. તેમણે પોતાની જે આગવી શૈલી ઉપજાવી તે ફ્રાન્સની તત્કાળ વિલાસી જીવનશૈલી સાથે સુસંગત હતી. સુંદર નગ્ન નવયૌવનાઓનું વનઉપવનોની પૃષ્ઠભૂમિકામાં તેઓ કામુક રીતિનું આલેખન કરતા. આ નગ્ન નવયૌવનાઓના શારીરિક સૌંદર્યને તેઓ કેટલીક વાર બીભત્સતાની હદે લઈ જતા હોય એવું પણ લાગે. તેમના પીંછી-સંચાલનના કૌશલ્ય અને નયનરમ્ય રંગઆયોજનને કારણે તેમનાં ચિત્ર વધુ આકર્ષક બનતાં હતાં.

તેમની મહત્વની ચિત્રકૃતિઓમાં ‘ન્યૂડ લાઇંગ ઑન અ સોફા’, ‘ટ્રાયમ્ફ ઑવ્ વિનસ’ અને ‘માર્કાઇઝ દ પૉમ્પેદુ’નો સમાવેશ થાય છે.

અઢારમી સદીના ફ્રાન્સના ધનિકોને તેમની વિલાસરંગી કલા માફક આવી ગઈ હોવાથી તેમણે ચિત્રો દ્વારા ઘણી કમાણી કરી. રાજા લૂઈ પંદરમાએ પોતાના વર્સાઇલ મહેલની કલા-સજાવટ બૂશરના માર્ગદર્શન હેઠળ કરાવી હતી; આમ છતાં તેમના સમકાલીન વિવેચક દેનિસ દિદેરોએ તેમની કલાને અનૈતિક ગણાવી તેનો વિરોધ કર્યો હતો.

અમિતાભ મડિયા