બૂમરાહ જસપ્રીત જસબીરસિંહ

March, 2023

બૂમરાહ જસપ્રીત જસબીરસિંહ (જ. 6 ડિસેમ્બર 1993, અમદાવાદ) : ભારતના જમણેરી બૉલર. માત્ર સાત વર્ષની વયે પિતાની છત્રછાયા ગુમાવનાર બૂમરાહના ક્રિકેટઘડતરમાં તેની માતા દલજીત કૌરનો સૌથી વિશેષ ફાળો છે. અમદાવાદની નિર્માણ સ્કૂલના પ્રાથમિક વિભાગમાં હેડમાસ્ટર તરીકે કામ કરતા દલજીતે પોતાના પુત્રને ભણવા કરતાં રમતગમતમાં વધુ રુચિ જોતાં તેને કિશોર ત્રિવેદીની દેખરેખ હેઠળ ક્રિકેટનું કોચિંગ શરૂ કરાવ્યું. 175 સેન્ટિમીટર ઊંચાઈ ધરાવતા અને શીખ કુટુંબમાંથી આવતા બૂમરાહનું સ્વપ્ન શ્રીલંકાના ફાસ્ટ બૉલર લસિથ મલિંગા જેવા બૉલર બનવાનું હતું.

સંગીત સાંભળવાના શોખીન જસપ્રીત બૂમરાહને પ્રથમ કક્ષાનું ક્રિકેટ રમે તે પહેલાં જ 2013માં મુંબઈ ઇન્ડિયન્સે ખરીદી લીધેલ. તે જ વર્ષે 27-10-2013ના રોજ ગુજરાત તરફથી રણજી ટ્રૉફી રમી પોતાની પ્રથમ કક્ષાની ક્રિકેટની શરૂઆત કરી. સરેરાશ 142 કિલોમીટર ઝડપથી બૉલિંગ કરનાર બૂમરાહની બૉલિંગ કરવાની પદ્ધતિ તેના આદર્શ લસિથ મલિંગાને મળતી આવે છે.

ટેસ્ટ, વનડે અને ટી-20 એમ ક્રિકેટના ત્રણેય વિભાગમાં બૂમરાહે સૌપ્રથમ મૅચ વિદેશની ધરતી ઉપર રમી છે. એમાં પણ ટેસ્ટમાં તો તેણે પોતાની પ્રથમ 104 વિકેટ પૈકી 100 વિકેટ વિદેશની ધરતી ઉપર મેળવી છે. પોતાની વિદેશમાં એકસોમી વિકેટ દક્ષિણ આફ્રિકાના સેન્ચ્યુરીયન ટેસ્ટના ચોથા દિવસે રેસી વાનડર હુસેનને આઉટ કરી પોતાની 23મી ટેસ્ટમાં આ સિદ્ધિ મેળવી હતી.

પાંચમી જાન્યુઆરી, 2018ના રોજ દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ ક્રિકેટની શરૂઆત કરનાર બૂમરાહે 2018ના વર્ષમાં 45 વિકેટ વિદેશની ધરતી ઉપર (ભારત તરફથી સૌથી વધુ વિકેટ) મેળવી તેમાં પણ મેલબૉર્ન ટેસ્ટમાં 86 રનમાં 9 વિકેટ લઈ ઑસ્ટ્રેલિયામાં એક જ ટેસ્ટમાં સૌથી વધુ વિકેટનો નવો વિક્રમ સ્થાપ્યો. (ફાસ્ટ બૉલરમાં) પોતાની કારકિર્દીના પ્રથમ વર્ષમાં કુલ 48 વિકેટ લઈ અગાઉ ભારતના સ્પીનર દિલીપ દોશીનો 1979માં 40 વિકેટનો વિક્રમ પણ પોતાના નામે કર્યો.

જમણા હાથથી બૉલિંગ કરતા બૂમરાહના ક્રિકેટ જીવનમાં ઈજાના કારણે વારંવાર મૅચો ગુમાવવી પડી છે. આમ છતાં જ્યારે પણ તે ટીમમાં ફરીથી રમવા આવે છે ત્યારે તેના દેખાવમાં હંમેશાં સુધાર જ જોવા મળ્યો છે. (22 માર્ચ, 2022 સુધી) 29 ટેસ્ટની કારકિર્દીમાં માત્ર 21-73 રનની સરેરાશથી 123 વિકેટ લેનાર બૂમરાહે 109 વિકેટ વિદેશની ધરતી ઉપર લીધી છે. સરેરાશ જ 49.2 દડામાં એક વિકેટ લેનાર બૂમરાહ ભારત તરફથી શ્રેષ્ઠ સરેરાશથી 100 વિકેટ લેનાર બૉલર છે.  8 વખત દાવમાં 5 વિકેટ લેનાર બૂમરાહનો શ્રેષ્ઠ દેખાવ 30-8-2019ના રોજ વૅસ્ટ ઇન્ડીઝ સામે કીંગ્સ્ટનના મેદાન ઉપર 27 રનમાં 6 વિકેટ લઈ કર્યો છે. એટલું જ નહીં તેના આ દેખાવ સમયે હૅટ્રિક પણ મેળવી છે. અને આવી હૅટ્રિક લેનાર તે ભારતનો માત્ર ત્રીજો ખેલાડી બન્યો છે. અગાઉ હરભજન અને ઇરફાન પઠાણે આવું પરાક્રમ કરેલ.

ગુજરાતી વાનગી ઢોકળા ખાવાના શોખીન જસપ્રીત બૂમરાહે વનડે પ્રવેશ 23 જાન્યુઆરી, 2016ના રોજ ઑસ્ટ્રેલિયા સામે સિડની ઉપર કરેલ. અને પોતાની પ્રથમ વિકેટ તરીકે ઑસ્ટ્રેલિયાના અત્યંત સફળ ખેલાડી સ્ટીવ સ્મિથની વિકેટ લીધી હતી. અત્યાર સુધીમાં ત્રણ વખત મૅન ઑફ ધ મૅચનો ઍવૉર્ડ મેળવનાર બૂમરાહે બૉલિંગમાં પોતાનો શ્રેષ્ઠ દેખાવ શ્રીલંકાના પલકેલે મેદાન પર માત્ર 27 રનમાં પાંચ વિકેટ લઈ કરેલ છે. (તા. 27-8-2017ના રોજ) 22 માર્ચ, 2022 સુધીમાં 70 વનડે રમેલ બૂમરાહે 25.42 રનની સરેરાશથી 113 વિકેટ ઝડપી છે. આ પૈકી પોતાની 100મી વિકેટ 57મી મૅચમાં શ્રીલંકા સામે લીધી હતી. આમ વનડેમાં 100 વિકેટ લેનાર બન્યો. બૂમરાહ ભારત તરફથી મહંમદ શમી (56 મૅચમાં) પછી સૌથી ઝડપી 100 વિકેટ લેનાર બન્યો, એટલું જ નહીં તેની વિકેટદીઠ 21.88ની સરેરાશ ભારત તરફથી શ્રેષ્ઠ છે. ભારત તરફથી વનડે ક્રિકેટમાં 100 વિકેટ લેનાર તે 20મો ખેલાડી છે.

ટી-20 ક્રિકેટમાં પણ બૂમરાહનો દેખાવ શ્રેષ્ઠ જ છે. એમાં પણ મૅચની અંતિમ ઓવરોમાં ઓછા રન આપવાની કલા પણ તેની પાસે જ છે. યોર્કર બૉલિંગથી કોઈ પણ ખેલાડીની વિકેટ લઈ શકતા બૂમરાહનો ટી-20માં શ્રેષ્ઠ દેખાવ 11 રનમાં 3 વિકેટ છે. જે તેણે 20-6-2016ના રોજ ઝીમ્બાબ્વે સામે હરારે ખાતે લીધો હતો. અત્યાર સુધીમાં તેણે 57 મૅચમાં 67 વિકેટ લીધી છે જે ભારત તરફથી બીજા નંબરની સૌથી વધુ વિકેટ છે.

પ્રથમ કક્ષાના ક્રિકેટની શરૂઆત પહેલાં જ આઈ.પી.એલ.માં મુંબઈ ઇન્ડિયન તરફથી રમતા બૂમરાહે 2021ની સિઝન સુધીમાં કુલ 107 મૅચમાં 130 વિકેટ લીધી છે. આઈ.પી.એલ.માં 14 રનમાં 4 વિકેટ એ તેનો મૅચમાં શ્રેષ્ઠ દેખાવ છે.

માત્ર બૉલર તરીકે જ જાણીતા બૂમરાહે પ્રથમ કક્ષાના ક્રિકેટમાં 11 ડિસેમ્બર, 2020ના રોજ ઑસ્ટ્રેલિયા ‘એ’ ટીમ સામે ત્રણ ચોગ્ગાની મદદથી અણનમ 55 રન કર્યા છે જે તેની કારકિર્દીની એક માત્ર અડધી સદી છે. ટેસ્ટમાં પણ તેણે 12 ઑગસ્ટ, 2021ના રોજ ઇંગ્લૅન્ડ સામે લૉર્ડ્ઝના મેદાન ઉપર દસમા ક્રમે રમવા આવી 96 મિનિટમાં 64 દડા રમી ત્રણ ચોગ્ગાની મદદથી અણનમ 34 રન કરેલ છે જે તેનો ટેસ્ટમાં શ્રેષ્ઠ દેખાવ છે. વર્ષ 2021માં રોહિત શર્મા ભારતીય ટીમનો સુકાની બન્યા પછી બૂમરાહને ઉપસુકાની પદ સંભાળવા મળ્યું છે જે તેની અત્યાર સુધીની ક્રિકેટ કારકિર્દીનું શ્રેષ્ઠ વળતર છે.

જગદીશ શાહ