બૂચ, નટવરલાલ પ્રભુલાલ

January, 2000

બૂચ, નટવરલાલ પ્રભુલાલ (જ. 19 ઑક્ટોબર 1906, પોરબંદર) : ગુજરાતી કવિ ને હાસ્યકાર. મૂળ વતન ગોંડલ. મૅટ્રિક્યુલેશન (1923). સંસ્કૃત અને અંગ્રેજી સાથે ર્ફ્ગ્યુસન કૉલેજ, પુણેથી બી.એ. (1927); સંસ્કૃત વિષય સાથે એમ.એ. (1929); રાષ્ટ્રભાષા કોવિદ. 1930થી 1939 દરમિયાન દક્ષિણામૂર્તિ વિનયમંદિર અને 1939થી 1948 દરમિયાન ઘરશાળા હાઈસ્કૂલ, ભાવનગરમાં અંગ્રેજીના શિક્ષક; 1948થી 1958 ગ્રામદક્ષિણામૂર્તિ, અંબાલામાં ઉપનિયામક, 1958માં લોકસેવા મહાવિદ્યાલય લોકભારતી, સણોસરામાં પ્રાધ્યાપક અને ઉપનિયામક. 1981થી નિવૃત્ત.

એક સંનિષ્ઠ કેળવણીકાર હોવા ઉપરાંત એમણે મુખ્યત્વે હાસ્યનિબંધો, હાસ્યરસનાં કાવ્યો અને પ્રહસનો લખ્યાં છે. વળી કેટલાંક પુસ્તકોના અનુવાદો કર્યા છે. ‘રામરોટી પહેલી’ (1939), ‘રામરોટી બીજી ઉર્ફે બનાવટી ફૂલો’ (1953), ‘રામરોટી ત્રીજી’ (1968), ‘છેલવેલ્લું’ (1982), ‘હળવાં ફૂલ’ (1983), ‘કાગળનાં કેસૂડાં’ (1986) એમનાં પુસ્તકો છે. ‘રામરોટી ત્રીજી’ અને ‘કાગળનાં કેસૂડાં’માં એમની હળવી પદ્યરચનાઓ સંગ્રહાયેલી છે. ‘રામરોટી ત્રીજી’માં એમણે અનેક મધ્યકાલીન અને અર્વાચીન કવિઓની કાવ્યકૃતિઓનાં પ્રતિકાવ્યો આપ્યાં છે. એમની આ પ્રકારની રચનાઓ મૂળ સર્જન જેટલી મનોરમ અને આસ્વાદ્ય હોવા ઉપરાંત સ્વતંત્ર કાવ્યો જેવું સ્થાન ધરાવે છે. ‘રામરોટી પહેલી’, ‘રામરોટી બીજી’, ‘રામરોટી ત્રીજી’ અને ‘છેલવેલ્લું’માં સંગ્રહાયેલા હાસ્યનિબંધોમાં વિષયનાં વ્યાપ અને વૈવિધ્ય છે, એમાં એમની સાહજિક હાસ્યવૃત્તિ વર્તાય છે. રમૂજી ટુચકા, શબ્દરમત, કટાક્ષ, ર્દષ્ટાંતો, સૂત્રો, માનવસ્વભાવનું વૈચિત્ર્ય આદિનો આશ્રય લઈ હાસ્ય નિષ્પન્ન કરવાની મુગ્ધ કરે એવી એમની કળા છે. આ નિબંધોમાં એમણે માનવસ્વભાવની સારીનરસી લાક્ષણિકતાઓ માર્મિકતાથી પ્રગટ કરી છે. ગંભીર વસ્તુને હળવા ર્દષ્ટિકોણથી જોવાની એમની ખાસિયત નોંધપાત્ર છે. નૈસર્ગિક હાસ્ય ઉપજાવવાની કળા એમને ઊંચી કોટિના હાસ્યલેખક તરીકે પ્રતિષ્ઠા અર્પે છે. ‘હળવાં ફૂલ’ એમનાં પ્રહસનો અને હાસ્યરસપ્રધાન નાટિકાઓનો સંગ્રહ છે. એમાં પણ માનવસ્વભાવની નિર્બળતાઓ, વિચિત્રતાઓ, કુટિલતાઓનો ઉપહાસ માર્મિક રીતે ઉપસાવ્યો છે. માનવસ્વભાવની પરખ અને એમાંથી હાસ્ય ઉપજાવવાની એમની વિશિષ્ટ સૂઝ સંવાદોમાં સરસ રીતે પ્રગટ થાય છે. ‘કાગળનાં કેસૂડાં’ને ગુજરાતી સાહિત્ય પરિષદનું 1986–1987નું જ્યોતીન્દ્ર દવે હાસ્ય પારિતોષિક પ્રાપ્ત થયું હતું.

એમણે ‘ગાંધીજીનો જીવનસંદેશ’ (1962), ‘ઈશુને પગલે’ (1967), ‘આપણો ભારતદેશ’ (1968), ‘એક પરિવાર’ (1969), ‘ડેવિડ કૉપરફીલ્ડ’ (1970), ‘સમાનતા’ (1981), ‘નગદનારાયણ’ (1988) આદિ અનૂદિત પુસ્તકો આપ્યાં છે. એમના અનુવાદો સ્વાભાવિક અને મૂળ કૃતિના સર્જનાત્મક અને ચિંતનાત્મક અંશોને તેમજ હાર્દને સુપેરે અભિવ્યક્ત કરે છે. ‘ઈશુને પગલે’ એ ટૉમસ અ કેમ્પિસના ખ્યાતનામ પુસ્તક ‘ધી ઇમિટેશન ઑવ્ ક્રાઇસ્ટ’નો રોચક અનુવાદ છે. 1998માં યજ્ઞ પ્રકાશન સમિતિ(વડોદરા)એ એ પુસ્તક થોડા સુધારા-વધારા સહિત પ્રસિદ્ધ કર્યું છે. ‘બૂચકાકા’ નામે જાણીતા નટવરલાલ બૂચે ‘ઉદેપુર મેવાડ’ (1937) નામે નિબંધપુસ્તક અને ‘ગ્રામદક્ષિણામૂર્તિ અને લોકભારતી’ (1976) નામે પરિચયપુસ્તિકા આપ્યાં છે. ‘બાળગીત’ (1985) નામે એમનો બાળકાવ્યોનો સંગ્રહ પ્રગટ થયો છે. ‘નૃસિંહપ્રસાદ’ (1984) અને ‘સુભાષિતસુધા’ (1994) એમની સંપાદિત કૃતિઓ છે.

1996માં દર્શક ફાઉન્ડેશન તરફથી એમને દર્શક ઍવૉર્ડ એનાયત થયો હતો.

મનોજ દરુ