બૂચ, ગજેન્દ્રરાય ગુલાબરાય (જ. 15 સપ્ટેમ્બર 1902, વસાવડ, જિ. રાજકોટ; અ. 17 નવેમ્બર 1927, સૂરત) : ગુજરાતી કવિ. જ્ઞાતિએ વડનગરા નાગર. પિતા જસદણમાં પોલીસ સુપરિન્ટેન્ડન્ટ, તેથી પ્રાથમિક કેળવણી જસદણમાં, માધ્યમિક કેળવણી ગોંડલની સંગ્રામજી હાઈસ્કૂલ તથા ગિરાસિયા કૉલેજમાં. ઉચ્ચ કેળવણી જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજમાં. 1919માં મૅટ્રિક, 1923માં બી.એ., સંસ્કૃત ઓનર્સ સાથે પ્રથમ વર્ગમાં પ્રથમ આવતાં ભાઉદાજી પ્રાઇઝ મેળવેલું. 1923થી 1925 દરમિયાન બહાઉદ્દીન કૉલેજમાં ફેલો. 1925માં એમ.એ. ત્યારે વેદાંતમાં પ્રથમ આવવા બદલ સુજ્ઞ ગોકુળજી ઝાલા પ્રાઇઝ મેળવ્યું. 1925થી 1927 (અવસાન સુધી) સૂરતની કૉલેજમાં અંગ્રેજીના પ્રાધ્યાપક. એમના જીવન અને વિચાર પર બહાઉદ્દીન કૉલેજના સંસ્કૃતના વિદ્વાન પ્રાધ્યાપક મહાદેવ મલ્હારરાવ જોષીની પ્રગાઢ અસર હતી. અંગ્રેજી, ગુજરાતી અને સંસ્કૃત ભાષાનું એમનું વાચન વિશાળ હતું.
એમની માત્ર એક જ કૃતિ નામે ‘ગજેન્દ્રમૌક્તિકો’ 1927માં રમણલાલ કનૈયાલાલ યાજ્ઞિક (1895–1960) દ્વારા પ્રસ્તાવના સહિત સંપાદિત થયેલી મરણોત્તર પ્રગટ થઈ છે. તેમાં કાવ્યો, નિબંધો, પત્રો આદિ સંગ્રહાયેલાં છે. એમાં મૌલિક અને અનૂદિત મળી સાઠેક કાવ્યરચનાઓ છે. આ કાવ્યોની રચના એમના જીવનના 1922થી 1927 સુધીનાં 5 વર્ષના ગાળામાં મુખ્યત્વે થયેલી. તેમાંય છેલ્લા વર્ષમાં થયેલી એમની રચનાઓ મહત્વની છે. આરંભમાં એમનાં કાવ્યોમાં પંડિતયુગના નરસિંહરાવ, ન્હાનાલાલ, કાન્ત, કલાપી, બોટાદકર આદિ કવિઓની છાયા છે. અને પછીથી એમની વૈયક્તિક સાહજિક, સરળ, પ્રૌઢ, અર્થઘન શૈલીની છટા પ્રગટ થાય છે. ‘ગિરનારની યાત્રા’ કવિનું સૌથી વિશેષ મહત્વાકાંક્ષી ચિંતન અને પ્રકૃતિને ગૂંથતું પ્રલંબકાવ્ય કેટલીક સુંદર કલ્પના અને ચિત્રાત્મકતાથી સભર છે. એમનાં કેટલાંક ચિંતનપ્રધાન અને ભાવનાપ્રધાન કાવ્યો પણ ધ્યાનાર્હ છે. એમના નિબંધોમાં સરળતા અને પ્રાસાદિકતા અને પત્રોમાં સ્વાભાવિકતા અને હૃદયની કુમાશ વર્તાય છે.
મનોજ દરુ