બૂચ, અરવિંદ (જ. 20 ફેબ્રુઆરી 1920, જૂનાગઢ, ગુજરાત; અ. 28 જુલાઈ 1998, અમદાવાદ) : અગ્રણી ગાંધીવાદી મજૂર-નેતા અને મજૂર મહાજન સંઘના પૂર્વ પ્રમુખ. પિતા નવરંગલાલ અને માતા લજ્જાબહેન. પત્નીનું નામ પુષ્પાબહેન.
પુણેની ર્ફ્ગ્યુસન કૉલેજમાંથી 1941માં વિજ્ઞાનના સ્નાતક થયા બાદ તુરત પોરબંદરની મહારાણા મિલમાં જોડાયા. 1942માં તેઓ મજૂર મહાજન સંઘમાં દાખલ થયા. ખંડુભાઈ દેસાઈ અને શ્યામપ્રસાદ વસાવડા જેવા સંઘના સ્થાપક નેતાઓ પાસેથી તાલીમ મેળવી, ઉત્તરોત્તર પ્રગતિ સાધી તેઓ સંઘના પ્રમુખપદે પહોંચ્યા, જે હોદ્દા પરથી 1986માં તેઓ સ્વૈચ્છિક રીતે નિવૃત્ત થયા; પરંતુ સંઘની કારોબારી સમિતિએ તેમને પ્રમુખપદ માટે ફરી આમંત્રિત કરતાં ઑગસ્ટ 1989થી પુન: તેઓ સંઘના પ્રમુખ બન્યા. આ કારકિર્દી દરમિયાન કાપડ-ઉદ્યોગના કામદારોના હિતની સતત ચિંતા સેવી, કાપડ-ઉદ્યોગના માલિકો સામે મજદૂરો દ્વારા શાંતિમય લડતો ચલાવી તથા મજૂર મહાજન સંઘને એક નમૂનેદાર સંસ્થા તરીકે વિકસાવી. તેમની આ અસાધારણ કામગીરીને લીધે વિવિધ ઉદ્યોગના 30 જેટલા કામદાર સંઘોના પણ તેઓ પ્રમુખ બન્યા; જેમાં કેમિકલ ઉદ્યોગ કામદાર સંઘ, મીઠાપુર અને ગુજરાત સ્ટેટ ટ્રાન્સપૉર્ટ વર્કર્સ ફેડરેશન એ બે ખાસ ઉલ્લેખનીય છે. વળી, માનવ કલ્યાણ ટ્રસ્ટ, વિમલભાઈ શાહ ટ્રસ્ટ, ગુજરાત ઇલેક્ટ્રિસિટી બૉર્ડ, ડેટા જુનિયર એન્જિનિયર્સ અને ડેપ્યુટી એન્જિનિયર્સ ટ્રસ્ટ, સૌરાષ્ટ્ર કામદાર કલ્યાણ સંઘ જેવી સંસ્થાઓમાં પ્રમુખ કે ચૅરમૅનપદે પણ તેમણે સેવાઓ આપેલી.
1955થી ’83ના ગાળા દરમિયાન કામદાર સંઘોની કામગીરીના સંદર્ભે તેમણે કુલ 28 વાર વિદેશપ્રવાસ કર્યો હતો; જેમાં એશિયા, યુરોપ અને અમેરિકાના વિવિધ દેશોના પ્રવાસનો સમાવેશ થાય છે.
‘સેવા’ અને ‘મહિલા બૅંક’ જેવી ઘણી સંસ્થાઓના તેઓ સ્થાપક પ્રમુખ અને ચૅરમૅન રહ્યા હતા.
કામદારોની સેવાઓની પ્રશસ્તિ રૂપે 1985માં ભારત સરકારે તેમનું ‘પદ્મશ્રી’ના ખિતાબથી બહુમાન કર્યું હતું. વળી હિંદ મઝદૂર સભાએ તેમની કામદારોની 50 વર્ષની સતત સેવા માટે તેમને ‘મે ડે’ (May day)ના સન્માનથી પણ વિભૂષિત કર્યા હતા. ઔદ્યોગિક શાંતિને પ્રોત્સાહિત કરવા બદલ ‘ટેક્સ્ટાઇલ એસોસિયેશન ઑવ્ ઇન્ડિયા’ દ્વારા પણ તેમને ઍવૉર્ડ એનાયત થયો હતો. તેમને ‘વિશ્વગુર્જરી’ ઍવૉર્ડ પણ એનાયત થયો હતો. ભારતના રાષ્ટ્રપ્રમુખ દ્વારા વિશ્વભારતી યુનિવર્સિટી, શાંતિનિકેતનના સભ્યપદે તેમની નિમણૂક થઈ હતી.
55 વર્ષોની પ્રદીર્ઘ મજૂરમંડળોની પ્રવૃત્તિઓમાં તેમણે સદાયે કામદારોના પડખે ઊભા રહેવાનું પસંદ કર્યું હતું. જીવનનાં અંતિમ વર્ષોમાં પણ ભારત સરકાર વિરુદ્ધ બંધ મિલોના કામદારોની તરફદારી માટે 1,200 દિવસનો ફૂટપાથ-સત્યાગ્રહ આદર્યો હતો. આવા પ્રદીર્ઘ સત્યાગ્રહનું આ કદાચ અનન્ય ઉદાહરણ હશે.
રક્ષા મ. વ્યાસ