બુશ, લિયૉપૉલ્ડ, બૅરૉન ફૉન (Buch, Leopold, Baron Von) (જ. 26 એપ્રિલ 1774, એંગરમુંડી, પ્રશિયા; અ. 4 માર્ચ 1853, બર્લિન, પશ્ચિમ જર્મની) : ભૂસ્તરશાસ્ત્રી અને ભૂગોળવેત્તા. યુરોપભરમાં તેમનાં અન્વેષણો જાણીતાં બનવાથી તેઓ જર્મનીના એક પ્રખર ભૂસ્તરશાસ્ત્રી તરીકે પંકાયા.
1790થી 1793 સુધી તે વખતે ખ્યાતનામ બનેલા અબ્રાહમ ગોટલોબ વર્નરના હાથ નીચે ફ્રાયબર્ગમાં અભ્યાસ કર્યો. 1796માં તેઓ ખાણ-ઇન્સ્પેક્ટર તરીકે નિમાયા, પરંતુ તેઓ અમીર કુટુંબના નબીરા હોવાથી છૂટા થઈ ગયા અને ભૂસ્તરશાસ્ત્રના અભ્યાસમાં લાગી ગયા. 1797માં તેમણે આલ્પ્સમાં સંશોધનાત્મક અભ્યાસ શરૂ કર્યો. પછીના વર્ષે તેઓ ઇટાલી ગયા, જ્યાં તેમણે વિસુવિયસના જ્વાળામુખીનાં અવલોકનો કર્યાં, ત્યારે વર્નરની (જ્વાળામુખી) ખડકો માટેની દરિયાઈ ઉત્પત્તિજન્ય સંકલ્પનામાં ક્ષતિ હોવાનું ધ્યાન પર આવ્યું. (વર્નરની માન્યતા : સમુદ્રતળ પર કણજમાવટથી થતા નિક્ષેપોમાંથી બેસાલ્ટ તૈયાર થાય છે.) ત્યારપછી (1802) તેમણે ઓવર્ન (Auvergne) પર્વતોની મુલાકાત લીધી અને ‘જ્વાળામુખી સંકલ્પના’ પર આવી ગયા, જેમાં બેસાલ્ટ જ્વાળામુખી પ્રક્રિયાથી બને છે એમ દર્શાવ્યું. તેમના અભ્યાસથી જ્વાળામુખી વિશેની જાણકારી વિસ્તૃત બની રહી. વળી વર્નર એમ પણ માનતા હતા કે જમીનમાં રહેલા કોલસાની હાજરીથી જ્વાળામુખી પ્રક્રિયા થાય છે. બુશે જણાવ્યું કે કોલસો તો દહનશીલ દ્રવ્ય છે. આમ તેમણે વર્નરની માન્યતાને નિરર્થક પુરવાર કરી. વળી બુશે જોયું કે જ્વાળામુખી પર્વતો ઠરેલા ઘનિષ્ઠ ગ્રૅનાઇટ પર રહેલા છે. તેના આધારે તેમણે એવું અર્થઘટન કર્યું કે મૂળભૂત ખડકોની નીચેના ઊંડાણમાંથી પ્રવાહી આવે છે અને તેથી જ્વાળામુખી બને છે. બુશનું આ નિરીક્ષણ વર્નરના સિદ્ધાંતને છેલ્લા ફટકારૂપ હતું.

લિયૉપૉલ્ડ, બૅરૉન ફૉન બુશ
1806માં તેઆ સ્કૅન્ડિનેવિયા ગયા, ત્યાં કરેલાં અવલોકનો પરથી ઉત્તર જર્મનીનાં મેદાનોમાં મળી આવતા ખડકોનો ઉદભવસ્રોત પ્રસ્થાપિત કરી આપ્યો. વળી, ફ્રેડરિકશાલ્ડથી એબો સુધીનો સ્વીડનનો ભાગ દરિયામાંથી ક્રમશ: ઉત્થાન પામી રહ્યો છે એવું અવલોકન નોંધનાર બુશ પ્રથમ હતા. તેમણે કરેલાં સ્કૅન્ડિનેવિયન અવલોકનો ‘Reise durch Norwegen und Lappland’ (1810) (Travels through Norway and Lapland, 1813)માં નોંધાયેલાં છે.
બુશે 1815માં કૅનરી (Canary) ટાપુઓની મુલાકાત લીધી, ત્યાં તેમણે જ્વાળામુખીરચનાના સંકુલોનો અભ્યાસ કર્યો. તેમણે જોયું કે જ્વાળામુખીઓને કારણે તો આ ટાપુઓનું અસ્તિત્વ છે. ત્યારપછીથી તેઓ હેબ્રાઇડ્ઝમાં ફર્યા, સ્કૉટલૅન્ડ અને આયર્લૅન્ડના કિનારાઓ ખૂંદ્યા અને ત્યાં પણ તેમણે બેસાલ્ટનો અભ્યાસ કર્યો.
જર્મની પાછા ફર્યા પછી તેની ઉત્પત્તિ સમજાવી શકાય એ હેતુથી આલ્પ્સની રચના વિશેનો અભ્યાસ ચાલુ રાખ્યો. છેવટે તેમણે તારવ્યું કે પૃથ્વીના પોપડાનાં મોટા પાયા પર થતાં ઉત્થાનોમાંથી તે પરિણમેલા છે.
42 શ્રેણીવાળા જૂથમાં તેમણે જર્મનીના ભૂસ્તરીય નકશા તૈયાર કર્યા, જે 1826માં પ્રકાશિત થયા. તે વિશિષ્ટ પ્રકારના છે.
છેવટે તેમની માન્યતા ર્દઢ બની કે બેસાલ્ટ અને ગ્રૅનાઇટ જળકૃત ખડકોમાંથી ઉત્પન્ન થયા નથી; પણ તે આગ્નેય ઉત્પત્તિ ધરાવે છે.
આમ, બુશ સમર્થ નિરીક્ષક હતા. થાકથી તે ક્યારેય કંટાળતા નહોતા. દૂર દૂરના પ્રદેશોમાં ભમનાર, ખૂણેખૂણો ખૂંદી વળનાર, ઓગણીસમી સદીના ભૂસ્તરશાસ્ત્ર પર છવાઈ જનાર ભૂસ્તરશાસ્ત્રી તરીકે તેઓ યાદ રહેશે; તેમનાં લખાણોની દૂરગામી અસર રહી છે.
ગિરીશભાઈ પંડ્યા