બુલબુલ (Bulbul) : ભારતવર્ષનું ખૂબ જાણીતું પંખી. ઈરાનમાં બારે માસ જોવા મળતું બુલબુલ (nightingale) એના સ્વરની મીઠાશ, એકધારી આલાપસરણી અને એની હલક માટે ખૂબ જાણીતું છે. એ કશાય રૂપરંગના ચમકારા વિનાનું સાદું નાનકડું સુકુમાર પંખી હોવા છતાં તે કેવળ તેની વાણીના સામર્થ્યથી વસંતના આગમનની જાણ કરાવે છે; વનકુંજોમાં તેનું ગાન ખીલી ઊઠે છે. એમ કહેવાય છે કે તેના કંઠની ઉત્તમતામાં અન્ય કોઈ પંખી તેની હરોળમાં ઊભું રહી ન શકે. 4–5 મહિના પૂરતું તે ઇંગ્લૅન્ડમાં જોવા મળે છે. ભારતમાં તો ઈરાની બુલબુલ ક્યારેય જોવા મળતું નથી.

કેન્દ્રીય બુલબુલ અને ઈરાની બુલબુલનો વર્ગ એક છે, પણ કુળ જુદાં છે. કેન્દ્રીય બુલબુલની ગુજરાતમાં તો ફક્ત ત્રણ જ જાતો દૃષ્ટિગોચર થાય છે. તે ત્રણેય બારે માસ રહેનારી છે. એમાંય બાગબગીચા, વાડી, ઝાડી તથા ગામ કે શહેરની ભરવસ્તીમાં નજરે પડતું જે બુલબુલ છે તેને ‘હડિયો બુલબુલ’ (red vented bulbul) કહે છે.

તેનાં ડોક અને માથું કાળાં હોય છે. માથે કલગી જેવી અણીદાર ટોપી હોય છે. પીઠ અને પાંખો પર ચડાઊતરી ભીંગડાં જેવાં કાળાશ પડતાં ભૂખરા રંગનાં ગોળાકાર પીછાં હોય છે ને એની કિનારી સફેદ લાગે છે. પેટ ધોળું, કેડ પણ ધોળી ને લાંબી પૂંછડીને છેડે પણ ધોળો રંગ હોય છે; પૂંછડીની વચ્ચે ખાંચ હોય છે. નીચે પૂંછડીના મૂળમાં લાલ ફૂમતું એ તેને ઓળખવાની નિશાની છે. તેથી ઘણા તેને ‘લાલદુમ’ બુલબુલ પણ કહે છે.

બુલબુલ

નર અને માદા એક જ રંગનાં હોય છે. ચાંચ રંગે કાળી, પાતળી, લાંબી, કઠોર, વચ્ચેથી સહેજ વળેલી હોય છે. આંખો ઘેરા તપખીરિયા રંગની અને પગ પણ એ રંગના હોય છે. સ્વભાવે યુગ્મચર અને વિસામો ખાધા સિવાય ડાળે ડાળે ભમવાની તથા બંને નર-માદાને ઉભડક બેસવાની ટેવને લીધે અને ‘પીક…. પેરો….. પીક….. પેરો’ એવા માત્ર બે મીઠા બોલ ઉચ્ચારતું હોવાને કારણે તે જાણીતું બનેલું છે.

વરસમાં બે વખત ઈંડાં મૂકે છે. ફાગણથી દિવાળી સુધીનો કાળ એનો ગર્ભાધાનકાળ ગણાય છે. જમીનથી આશરે 11 મીટર ઊંચે નાનાં ઝાડવાં-ઝાંખરાંમાં ઘાસનાં મૂળ કે તરણાં ગૂંથીને નાજુક છતાં દૃઢ, વાડકી જેવો ગોળ માળો બનાવી તેમાં પરાળ કે વાળ પાથરી રતાશ પડતાં સફેદ રંગનાં ઘેરા અને આછા લાલ રંગનાં ટપકાં અને રેખાઓવાળાં 3–4 લંબગોળ ઈંડાં મૂકે છે.

તીડ, ગોલ્લાં જેવા જંતુનો ખોરાક હોવા છતાં તે સ્વભાવે ફળાહારી છે; તેથી શોખીનો તેને પાળે છે.

લાલ ફૂમતાવાળું આવું જ બુલબુલ (red whiskered bulbul) દક્ષિણ ગુજરાત, મુંબઈ અને આબુમાં જોવા મળે છે; પણ તેને ગાલ પર લાલ થોભિયા જેવા ડાઘ હોય છે. ગાલ થોડા સફેદ અને કલગી વધારે ઊંચી, અણીદાર અને આગળ ઝૂકેલી હોય છે. એને સિપાહી બુલબુલ કે લાલ થોભિયા બુલબુલ કહે છે. એ પણ બહુ રૂપાળું અને મીઠી બોલીવાળું બુલબુલ છે.

કચ્છી બુલબુલ (white cheeked bulbul) : આ ત્રીજી જાતનું બુલબુલ કદમાં અને રૂપરંગની બાબતમાં ગુલદુમ જેવું છે. સાવ સાદું, ઉપરથી લીલાશ પડતું, ભૂખરું, નીચેથી લીલી ઝાંયવાળું, ફિક્કું, સફેદ, પણ આંખ સુંદર, લાલ ને પહોળી, સ્પષ્ટ; આંખ ઉપરનો લીટો એટલે જાણે સફેદ ભ્રમર. લાલ છોગાને બદલે ખૂલતા કેસરી રંગનું ઉપગુચ્છ હોય છે. આ ઉપરાંત તેના ગાલ સફેદ અને માથા ઉપર આગળ ઝૂકતી મોટી અર્ધગોળાકાર કાળી કલગી હોય છે. નર અને માદા એકસરખા રંગનાં હોય છે. ગ્રીષ્મ ઋતુનો અંત અને વર્ષા ઋતુનો આરંભ એના ગર્ભાધાન માટે અનુકૂળ સમય ગણાય છે. જમીનથી આશરે 1થી 11 મીટર ઊંચે બાવળનાં ઝાડવાં કે કંથેરની કાંટીમાં અત્યંત ઝીણી ડાળીઓ અને મૂળિયાંનો વાટકી ઘાટનો ત્રણેક આંગળ પહોળો સુંદર નાજુક માળો ગૂંથે છે. તેમાં રતૂમડા શ્વેત રંગનાં એક છેડેથી અણીદાર 3–4 ઈંડાં મૂકે છે. ઈંડાં પર મેલા લાલ રંગનાં છાંટણાં, ટપકાં કે ડાઘા હોય છે. તેના માળામાં ક્યારેક કરોળિયાનાં જાળાં કે વાળ વગેરે પણ જોવા મળે છે.

બળદેવભાઈ કનીજિયા