બુલફાઇટ : માણસ તથા આખલા વચ્ચે લડાઈ રૂપે પ્રસ્તુત કરાતી રમત, આખલાયુદ્ધ. જોકે આ રમત અત્યંત ક્રૂર છે. તેમાં મોટેભાગે આખલાનો પ્રાણ લેવાય છે. કોઈ વાર માણસ પણ ભોગ બને છે. ધાર્મિક પરંપરા તરીકે વર્ણવાતી આ રમત સ્પેન, મૅક્સિકો તથા દક્ષિણ અમેરિકાના સ્પૅનિશભાષી દેશો પૂરતી મર્યાદિત છે. કોઈ કોઈ વાર ફ્રાન્સમાં દક્ષિણમાં તથા પૉર્ટુગલમાં પણ તે રમાય છે.
આ પ્રકારની રમતનો આરંભ ઘણો પ્રાચીન છે. પ્રાચીન રોમમાં આવી રમત રમાતી હતી. સમય જતાં તે સ્પૅનિશ દ્વીપકલ્પમાં પ્રસરી. તેમાં વિસિગોથ લોકો ઘાતકી રીતે આખલાની હત્યા કરતા. ઈ. 711માં મૂર જાતિએ આ પ્રદેશમાં પ્રવેશ કર્યો. તેમણે રમતમાં ધરખમ સુધારા કર્યા. તેમણે કેવળ પર્વના દિવસે જ આ રમત પ્રસ્તુત કરવાનો નિયમ બનાવ્યો. આખલા પર આક્રમણ કરવા કેળવાયેલા ઘોડાનો સવારી માટે ઉપયોગ ચાલુ કર્યો. પદચારી સહાયકો કપડું હલાવી આખલાને આક્રમક સવાર તરફ વાળતા. સમય જતાં ઘોડેસવારના બદલે પદચારીનું આકર્ષણ વધવા લાગ્યું. તેમાંથી આખલાને ક્રીડાંગણમાં આમતેમ દોડાવીને, થકવીને મારી નાખવાની વર્તમાન રમત પ્રચલિત બની. સ્પેનના રોન્દાના ફ્રાન્સિસ્કો રોમેરોએ નાનું રાતું કપડું (muleta) તથા તલવાર(estoque)નો ઉપયોગ ચાલુ કર્યો. 1726થી રમત વર્તમાન સ્વરૂપે રમાય છે.
એક સાંજની રમત(corrida)માં ત્રણ મૅટાડૉર (= ઘાતકર્તા) મળીને છ આખલાનો વધ કરે છે. દરેક આક્રમણ આશરે 15 મિનિટ ચાલે છે. સાંજે 5 વાગ્યે અથવા અન્ય ઠરાવેલા સમયે એક પછી એક મૅટાડૉર તેમના સહાયકો સાથે સંગીતની સૂરાવલિના તાલે ક્રીડાંગણમાં પ્રવેશ કરે છે. મૅટાડૉર ધંધાદારી રમનારા હોય છે. તેમને દરેક ખેલદીઠ 25,000 ડૉલર સુધીનો પુરસ્કાર અપાય છે. તેઓ વિશિષ્ટ વસ્ત્રો પરિધાન કરે છે. ક્યારેક આવો એક વેશ હજારો ડૉલરના ખર્ચે તૈયાર થાય છે. ક્રીડાંગણ ફરતા કોટમાં રાખેલું દ્વાર ઉઘાડી આખલાને છોડવામાં આવે છે. સામે ઊભેલો મૅટાડૉર રાતું કપડું ધરી તેને ડાબાજમણી થોડી વાર દોડવા દે છે. 460 કિગ્રા.ના પશુ સામેના મૅટાડૉરના હાવભાવ તેને દર્શકોની આંખોમાં વીરોચિત સ્થાન અપાવે છે. નર્તનપૂર્વક કપડું ધરીને લઈ લેવું; મોં પર ભયના સ્થાને શાંતિ ધરવી તથા પશુનાં અણીદાર શિંગડાંની શક્ય તેટલા નિકટ જવું. આખલો કપડાનો રાતો રંગ જોઈ ભડકે છે અને તેના પર ધસે છે એવી માન્યતા સાચી નથી. આ પ્રાણીઓમાં રંગ પારખવાની શક્તિ જ હોતી નથી. પણ તેઓ નાની-સરખી ફર ફર તરત પારખે છે અને તેને સ્પર્ધક માની ઉત્તેજિત થઈ જાય છે. મૅટાડૉર સ્ફૂર્તિથી કપડું હલાવી આખલાને બીજી દિશામાં વાળીને કપડું પાછળ સંતાડી દે છે. આક્રમણનો આખલાનો સ્વભાવ જ હોય છે. તે માટે તેને કેળવવો પડતો નથી. આ પ્રાણીને બીજાં પ્રાણીની સરખામણીમાં એક વર્ષ વધારે જીવિત રાખીને પછી કતલખાને મોકલી દેવાય છે. શિખાઉ રમનાર ત્રણ વર્ષની વયના અને પૂર્ણ મૅટાડૉર ચાર વર્ષના આખલા સાથે કામ પાડે છે. રમતના બીજા ભાગમાં પિકાડૉર નામના ઘોડેસવાર સહાયકો ભાલા (lance) વડે આખલા પર ત્રણ વાર ઘા કરે છે. આ સમયે રણશિંગું વગાડવામાં આવે છે. પછી ત્રીજા પ્રકારના સહાયકો આગળ આવી આખલાનાં શિંગડાંમાં કાંટાળી લાકડીઓ ભરાવી તેનું માથું નમાવે છે. આખલો થાક અને ઝનૂનની મિશ્ર લાગણીમાં મૅટાડૉરના કપડા તરફ ધસે છે. તે કપડું તલવાર પર વીંટીને અંતિમ ઘા માટે તૈયાર થઈ જાય છે. તેની કેટલીક પદ્ધતિઓ છે : મૅટાડૉર ઘૂંટણભર બેસી આખલાના નાક સામે તલવાર ધરે છે; તે ઊભો રહે છે અને સ્થિર રહીને નાક પર તલવાર ધરે છે; તલવાર અને કપડું પીઠ પાછળ રાખે છે; અથવા કપડામાંથી તલવાર બહાર કાઢી મૅટાડૉર આખલા સામે પ્રત્યક્ષ આવે છે. છેલ્લી રીત ઘણી ભયભરેલી છે. આ થોડીક ક્ષણો ઘણી ઉત્તેજનાભરી હોય છે.
બુલફાઇટને સાંસ્કૃતિક ઘટના તરીકે ખપાવવામાં આવે છે. પણ, તે લોકોની હીનવૃત્તિઓને ઉત્તેજિત કરીને પૈસા કમાવાનો એક હલકી કોટિનો ધંધો થઈ ગયો છે. મૅટાડૉરો થોડા સમયમાં કરોડપતિ થઈ જાય છે. જોકે એમાં ચૂક કરનારા પ્રાણ પણ ખુએ છે.
સ્પેનમાં વસંત તથા ગ્રીષ્મ, મૅક્સિકોમાં શિયાળો અને પેરૂમાં પાનખર આ રમતની ઋતુ ગણાય છે. વેનેઝુએલા, કોલમ્બિયા અને દક્ષિણ ફ્રાન્સમાં વિશેષ પર્વો પર બુલફાઇટ યોજાય છે. પૉર્ટુગલમાં સ્પેનની રીતે રમત પ્રયોજાય છે. પૉર્ટુગલમાં મહત્વનો ફરક એ છે કે ક્રીડાંગણમાં જનસમૂહ સમક્ષ આખલાની હત્યા કરાતી નથી. તેને કતલખાને મોકલી દેવાય છે.
ભારતમાં દક્ષિણમાં પર્વો પર ગામોની સીમમાં વિશાળ જનસમૂહ ખુલ્લામાં બે આખલાઓ લડાવીને ઉત્સવ ઊજવે છે. જોકે આ લડાઈ સામાન્ય કક્ષાની હોય છે. તેમાં જબરો આખલો નબળાને પીછેહઠ કરાવે છે અને રમત પૂરી થાય છે તેમાં આખલાની હત્યા થવા દેવાતી નથી.
બંસીધર શુક્લ