બુલડોઝર : બુલડોઝર સામાન્ય રીતે ‘ક્રાઉલર અથવા ટ્રૅક’ પ્રકારનું ટ્રૅક્ટર છે. ભૂતકાળ(ઈ. સ. 1856)માં ખેંચાણબળ માટે જે યંત્રનો ઉપયોગ કરવામાં આવ્યો તે ‘ટ્રૅક્શન મોટર’ તરીકે જાણીતું થયું. ત્યારપછી વર્ષ 1906 દરમ્યાન ટ્રૅક્શન અને મોટર એ બંને શબ્દો પરથી આ યંત્ર ટ્રૅક્ટર તરીકે ઓળખાતું થયું. અમેરિકા અને અન્ય દેશોએ વરાળ દ્વારા તેમજ આંતરિક દહન એંજિન (આઈ. સી. એંજિન) દ્વારા ચાલતાં ટ્ર્રૅક્ટરો બનાવ્યાં. અત્યારે બધા જ પ્રકારનાં બુલડોઝરો અને ચાર પૈડાંવાળાં ટ્રૅક્ટરો ફક્ત આઈ. સી. એંજિન દ્વારા જ ચાલે છે.

સ્ટીમ એંજિન ઉપર લાકડાના ટ્રૅકની જોડીનો ઉપયોગ કરીને સૌપ્રથમ ‘કેટરપિલર ટ્રૅકટાઇપ’ ટ્રૅક્ટર 1904માં અમેરિકાની ‘હોલ્ટ મૅન્યુફેક્ચરિંગ’ કંપનીએ બનાવેલ હતું. ઈ. સ. 1906માં વરાળની જગ્યાએ ગૅસોલિનનો ઉપયોગ શરૂ થયો. નવું ક્રાઉલર ટ્રૅક્ટર વધુ પ્રચલિત બન્યું. ઈ. સ. 1925માં હોલ્ટ અને બેસ્ટ સંસ્થાએ ભેગાં મળીને કેટરપિલર ટ્રૅક્ટર કંપની બનાવી. તેણે સારી ગુણવત્તાવાળું અને આઈ. સી. એન્જિન સાથેનું સૌપ્રથમ બુલડોઝર બનાવ્યું, જે દુનિયામાં આજે પ્રચલિત છે.

બુલડોઝરના વિવિધ ભાગો : બુલડોઝરમાં ચાલક બળ ધરાવનાર ટ્રૅક્ટર જેવા યંત્ર ઉપરાંત મુખ્યત્વે વળાંકવાળી લોખંડની એકત્રિત પ્લેટોની ગોઠવણી અથવા પૈડાંની આગળ જોડાયેલ ચોકઠા સાથે માટી, ખડક વગેરેને ધક્કો મારનાર અથવા ઘસડનાર પાવડો હોય છે તેની પહોળાઈ અંદાજે 1.8 મીટરથી 7.5 મીટર અને ઊંચાઈ 0.6 મીટરથી 2.1 મીટર હોય છે. પાવડો સીધો, ખૂણાવાળો અથવા ચીપિયા આકારનો વળાંકવાળો હોય છે.

ચીપિયા આકારનો પાવડો અને સીધો પાવડો ટ્રૅક્ટરની આડી ધરી ઉપર સીધો ઊભો ગોઠવેલો હોય છે, જે માટીને સીધી આગળ ધકેલે છે. ચીપિયા આકારનો પાવડો તેના આકારના કારણે સીધા પાવડાની સરખામણીમાં વધારે જથ્થામાં માટી એકત્રિત કરે છે અને ધકેલે છે. ખૂણાવાળા પાવડામાં તેના છેડા બીજા ભાગ કરતાં આગળ રહે છે, જે વસ્તુને ધકેલવામાં કે ખાઈઓ પૂરવામાં વધારે ઉપયોગી થાય છે. પાવડો લોખંડના તારના દોરડા અથવા હાઇડ્રોલિકથી નિયંત્રિત થાય છે. હાઇડ્રોલિક રચના વધારે પ્રચલિત છે. સીધો અને ચીપિયા આકારનો પાવડો ઊંચોનીચો થઈ શકે છે તેમજ તેની એક બાજુ નીચે અને બીજી બાજુ ઉપર રાખી ત્રાંસો ગોઠવી શકાય છે. તેવી જ રીતે પાવડાનું ટેરવું આગળ અથવા પાછળ કરી શકાય છે. ખૂણાવાળા પાવડાનું ટેરવું તેમ કરી શકાતું નથી. સામાન્ય અર્થમાં બુલડોઝરને ટ્રૅક્ટર ગણવામાં આવે છે; પરંતુ તેની કાર્યપદ્ધતિ, ક્ષમતા અને ઉપયોગ જોતાં બુલડોઝર ટ્રૅક્ટર કરતાં ઘણી રીતે જુદું પડે છે.

ઉપયોગ : બુલડોઝર મુખ્યત્વે જમીન-વિકાસનાં કામો કરતાં પહેલાં જમીન પરથી ઝાડી-ઝાંખરાં દૂર કરવા તેમજ જમીનને સમતલ કરવા માટે તેનું ખોદકામ કરવાથી માંડીને તેની માટીની એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરફેર કરવા માટે ઉપયોગી છે. ખેતરમાં મોટી નીકો, ઢાળિયાં, પાળા, પાણીની નહેરો, ખેત-તલાવડી, રસ્તા વગેરે બનાવવા; જમીનને સમતલ કરવા; ઢોળાવવાળી જમીનમાં ટેરેસિંગ કરવા તેમજ પડતર જમીનોના વિકાસ માટે તે ખૂબ જ ઉપયોગી યંત્ર છે. કામની જરૂરિયાત અને પ્રકાર પ્રમાણે બુલડોઝર સાથે લેવલિંગ બ્લેડ, ડિચર વગેરે લગાવી શકાય છે. ભારતમાં બુલડોઝરના ઉત્પાદકોમાં ભારત અર્થ મુવર્સ લિમિટેડ બૅંગલોર (હો.પા. 66, 90, 165, 180, 230, 320, 410 અને 770); ટાટા એન્જિ. લોકોમોટિવ–મુંબઈ (હો.પા. 55, 72, 119); એલ. ઍન્ડ ટી. અર્થમુવર–બૅંગલોર (હો.પા. 72, 135, 212); હિન્દુસ્તાન મોટર્સ લિમિટેડ–તિરુવલ્લુર (તામિલનાડુ) (હો.પા. 65, 112, 200, 388); અશોક લેલૅન્ડ–ચેન્નાઈ (હો.પા. 200) તથા એસ્કોર્ટ જે.સી.બી. લિમિટેડ, વલ્લભગઢ (હો.પા. 72)નો સમાવેશ થાય છે.

હાલ ભારતમાં સામાન્ય રીતે વપરાતાં 90 હોર્સપાવરવાળાં બુલડોઝરની કિંમત 30થી 32 લાખ રૂપિયા જેટલી થાય છે.

નારણભાઈ પટેલ