બુદ્ધદત્ત : જાણીતા બૌદ્ધ ટીકાકાર. બૌદ્ધ મૂળગ્રંથોના ત્રણ અતિપ્રસિદ્ધ ટીકાકારોમાં તેમનો સમાવેશ થાય છે. ઈસવી સનના પાંચમા શતકમાં દક્ષિણના ચોળ રાજાઓના રાજ્યમાં કાવેરીતટે ઉરગપુર(ઉરિયાઊર)માં તેઓ જન્મેલા અને દક્ષિણ ભારતના નૂતન વૈષ્ણવ સુધારક વેણ્હુદાસ (વિષ્ણુદાસ) કે કણ્હદાસે (કૃષ્ણદાસ) કાવેરીને કિનારે ખાસ ઊભા કરેલા પ્રખ્યાત મઠમાં રહીને જ તેમણે તેમની બધી કૃતિઓ રચી હતી. તેમની કૃતિઓનાં નામ : (1) ‘અભિધમ્માવતાર’, (2) ‘રૂપારૂપવિભાગ’, (3) ‘વિનય-વિનિચ્છય’, (4) ‘ઉત્તરવિનિચ્છય’ અને (5) ‘મધુરત્થ-વિલાસિની’. તેઓ બુદ્ધઘોષના સમકાલીન હતા. બૌદ્ધગ્રંથોનું અધ્યયન કરીને તેઓ શ્રીલંકાથી ભારત પાછા ફરતા હતા ત્યારે માર્ગમાં અહીંના ભિખ્ખુઓની વિનંતીથી સિંહાલીમાં રચાયેલી ટીકાઓનો પાલિમાં અનુવાદ કરવા શ્રીલંકા જઈને રહેલા બુદ્ધઘોષને મળ્યા. તેમનો આવો સારો હેતુ જાણીને તેમની વિદ્વત્તા તથા બુદ્ધિમત્તા ચકાસીને ઉમદા સ્વભાવના બુદ્ધદત્તે કહ્યું, ‘તમારું આ કામ પૂર્ણ થાય એટલે મને મોકલશો તો હું તમારા તે સઘળા પરિશ્રમનો સંક્ષેપ કરીશ’. ઉપકારવશ બુદ્ધઘોષે પોતાના અનુવાદો તેમને મોકલ્યા અને તેમણે તેમનો સંક્ષેપ ચાર ગ્રંથોમાં કર્યો. ‘અભિધમ્મ’ ઉપરની ટીકાઓનો સંક્ષેપ ‘અભિધમ્માવતાર’માં કર્યો. આ ગ્રંથ પાલિ ગદ્ય તેમજ પદ્યમાં છે. ‘વિનયપિટક’ ઉપરની ટીકાઓનો સંક્ષેપ ‘વિનયવિનિચ્છય’માં છે. તે સળંગ પદ્યમાં છે. ‘ઉત્તરવિનિચ્છય’ સમન્તપાસાદિનો સંક્ષેપ છે. તે પણ પદ્યમાં છે. બાકીનું ‘રૂપારૂપવિભાગ’માં ટૂંકાવ્યું છે. તે ગદ્યમાં છે. તેમની પાંચમી કૃતિ ‘મધુરત્થવિલાસિની’ તે ‘બુદ્ધવંસ’ ઉપરની તેમની પાલિ ટીકા છે. ‘અભિધમ્માવતાર’ અને ‘રૂપારૂપવિભાગ’ લંડનની પાલિ ટૅક્સ્ટ સોસાયટીએ 1915માં એક ગ્રંથમાં પ્રકાશિત કર્યા છે. ‘વિનયવિનિચ્છય’ અને ‘ઉત્તરવિનિચ્છય’ પણ બીજા ગ્રંથ રૂપે ત્યાંથી જ પ્રકાશન પામ્યા છે. આ ચારેયનું સુંદર સંપાદન શ્રીલંકાના મહાન ભિખ્ખુ એ. પી. બુદ્ધદેવે કર્યું છે. ‘જિનાલંકાર’ નામનો એક ગ્રંથ બુદ્ધદત્તે રચેલો એવો એક મત છે. આ દેશદાઝવાળા કવિની અસાધારણ બુદ્ધિમત્તા તથા વિદ્વત્તાની પ્રશંસા તેમના સમકાલીન વિદ્વાનોએ કરી છે. તેમનું વસ્તુનું આયોજન સુંદર છે. મન, મનના ગુણધર્મો, પ્રાકૃતિક ગુણવત્તા અને નિર્વાણ, બુદ્ધઘોષનો સંક્ષેપ છતાં મનોવિજ્ઞાન તેમજ દર્શનને તેમણે તદ્દન નવા રૂપે રજૂ કર્યાં છે. તાર્દશતા તેમની શૈલીનો ખાસ ગુણ છે. શબ્દભંડોળ પણ બુદ્ધઘોષ કરતાં વધારે વિપુલ છે. આજ પર્યંત જીવંત રહેલી થેરવાદ બૌદ્ધધર્મની અભિધમ્મપરમ્પરાના અધ્યયનમાં બુદ્ધદત્તની સેવા અમૂલ્ય છે.
જયન્ત પ્રે. ઠાકર