બુચ્ચિબાબુ (જ. 1916, ગંતૂર; અ. 1967) : તેલુગુના લોકપ્રિય નવલકથાકાર તથા નવલિકાકાર. ‘બુચ્ચિબાબુ’ એમનું તખલ્લુસ હતું. એમનું મૂળ નામ શિવરાજુ વ્યંકટ સુબારાવ હતું. તેઓ મધ્યમ વર્ગના બ્રાહ્મણ કુટુંબમાં જન્મ્યા હતા, અને એમનું શિક્ષણ ગંતૂર અને ચેન્નાઈમાં થયું હતું. તેઓ અંગ્રેજી સાહિત્યના વિષયમાં એમ.એ. થયા હતા તથા અનંતપુર અને વિશાખાપટ્ટનમની કૉલેજોમાં અંગ્રેજીના પ્રાધ્યાપક હતા. 1945માં તેઓ આકાશવાણીના કાર્યક્રમ વિભાગમાં અધ્યક્ષ તરીકે જોડાયા.
એમની વાર્તાઓ પ્રતિષ્ઠિત સામયિકો ‘ભારતી’, ‘નવોદય’ અને ‘યુવા’માં પ્રગટ થવા લાગી. એમની વાર્તાઓનાં 18 પુસ્તકો પ્રગટ થયાં છે. એમની ઉત્કૃષ્ટ વાર્તાઓ છે ‘આશાપ્રિયા’ ‘અમોનિઘ’, ‘નીંબીચિંડી’, ‘માડુકોટુલુ’, ‘એ બોરા આલુગુલુ’, ‘કથાકાલુ ઓંકા નાયિકા’ ઇત્યાદિ. સ્ત્રીપુરુષ-સંબંધ એમની વાર્તાઓનું મુખ્ય વસ્તુ હોય છે. પાત્રાલેખનમાં મનોવૈજ્ઞાનિક અભિગમ વાર્તાઓને રસપ્રદ બનાવે છે. એમની વાર્તાઓમાં કાળ માનવના વ્યક્તિત્વમાં કેવું પરિવર્તન લાવે છે, તેનું નિરૂપણ આશ્ચર્યજનક રીતે થયું છે. એ કારણે એમની કેટલીક વાર્તાઓ લઘુનવલ જેવી બની ગઈ છે. ‘આશાપ્રિયા’ અને ‘ગુરીન્ચી કથા શ્યાવુ’માં નાયિકાના સ્વભાવમાં અને વ્યક્તિત્વમાં જે પરિવર્તન થાય છે તે પ્રસંગોને કારણે નહિ, પણ સમયના વહેણને કારણે થયેલું દર્શાવાયું છે. ‘મેંડામિટ્ઠુ’ વાર્તામાં એક સ્ત્રીના શરીરમાં ત્રણ એકબીજાથી ભિન્ન એવી સ્ત્રીઓ વસે છે, તેનું કુશળતાથી નિરૂપણ થયું છે. ધન, જ્ઞાન અને સત્તા એ ત્રણ એના માનસને કેવી રીતે ઘડે છે, એ દર્શાવી એ ત્રણેનો કુમેળ દર્શાવાયો છે. એમની 3 નવલકથાઓ છે. ‘ચિવારકુ મિગીબેડી’ (1957) મનોવૈજ્ઞાનિક નવલકથા છે. એમાં નાયકને માતૃપ્રેમ મળ્યો ન હોવાથી એ દરેક સ્ત્રીમાં માને ઢૂંઢે છે અને તેથી સમાજ જોડે તેને સંઘર્ષ થાય છે. એની 2 વર્ષમાં 6 આવૃત્તિઓ થઈ છે. એ ઉપરાંત એમણે રેડિયોનાટકો પણ લખ્યાં છે. એમણે તેલુગુમાં ચેતનાપ્રવાહ-શૈલીનો પ્રથમ વાર પ્રયોગ કર્યો. એ સંગ્રહને આંધ્રપ્રદેશ સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો. ‘અંતરંગકથાનામુ’ એ એમની અધૂરી રહેલી આત્મકથા છે.
ચન્દ્રકાન્ત મહેતા