બુખારેસ્ટ : રુમાનિયા દેશનું પાટનગર તથા મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 44° 28´ ઉ. અ. અને 26° 08´ પૂ. રે. તે રુમાનિયાના અગ્નિભાગમાં ડેન્યૂબની શાખાનદી દિમ્બોવિતાના બંને કાંઠા પર વસેલું છે. 1862થી તે દેશની રાજધાનીનું સ્થળ હોવા ઉપરાંત સાંસ્કૃતિક અને વાણિજ્યમથક પણ છે.
ઓગણીસમી અને વીસમી સદીના સંક્રાંતિકાળ દરમિયાન અહીંના નગર-આયોજકોએ આ શહેરને પૅરિસ જેવી સૌંદર્યનગરી બનાવવાના હેતુથી તેના વ્યવસ્થિત વિભાગો પાડ્યા અને તે મુજબનું આયોજન કર્યું. સુયોજિત પુનર્નિર્માણને કારણે અહીં ઘણા પહોળા રાજમાર્ગો જોવા મળે છે. શહેરના મધ્યભાગમાં ઘણી આધુનિક હોટેલો, કાર્યાલયોની ઇમારતો, દુકાનો તેમજ જૂના આવાસો આવેલા છે. 1937માં બાંધેલા પ્રજાસત્તાક મહેલમાં હવે રુમાનિયાનું રાષ્ટ્રીય કલાસંગ્રહાલય રાખવામાં આવેલું છે. તેની નજીકમાં જ 19મી સદીના અંતભાગમાં બનાવેલું સંગીત સભાગૃહ પણ છે. મૂળ પર્શિયન વિસ્તારમાં 1702માં બાંધેલો ભવ્ય ‘વિક્ટરી રોડ’ અહીંનો પ્રખ્યાત રાજમાર્ગ ગણાય છે. આ માર્ગ પર ઑપેરા થિયેટર તેમજ સુશોભિત દીવાલો અને કોતરણીવાળા દરવાજા સહિતનું સ્ટાવરોપૉલિયોસ દેવળ આવેલાં છે. વળી 18મી સદીનું કેટ્યુલેસક્યુ દેવળ, નૅશનલ આર્ટ ગૅલરી, તથા 14મી સદીની વિવિધ ચીજવસ્તુઓ ધરાવતું, રત્નો, દાગીના અને શસ્ત્રોનો સમાવેશ કરતું ઐતિહાસિક સંગ્રહાલય પણ છે. વિશાળ બગીચાઓ, વૃક્ષોથી છવાયેલ મોટાં મકાનો, રેસ્ટોરાં અને 19મી–20મી સદીની સુંદર જાહેર ઇમારતો આ શહેરની આગવી લાક્ષણિકતા છે. અહીં 210 હેક્ટર વિસ્તારમાં પથરાયેલ સાંસ્કૃતિક અને આરામ-ઉદ્યાનમાં પ્રાચીન લોકસંસ્કૃતિના સર્વોત્તમ નમૂનાઓ સંગ્રહાયેલા છે. સેંકડો વર્ષ જૂનાં સંગ્રહસ્થાનો અને થિયેટરો અહીંનાં મુખ્ય આકર્ષણ-સ્થાનો બની રહ્યાં છે. રુમાનિયન સ્થાપત્યના પ્રાચીન નમૂનાઓ આ સંગ્રહાલયોમાં જળવાયેલા છે. આ ઉપરાંત આ શહેરમાં 70 જેટલાં ફાર્મહાઉસ, જળચક્કીઓ, પવનચક્કીઓ તથા સમગ્ર દેશની સંસ્કૃતિને રજૂ કરતી ગ્રામકુટિરો પણ જોવા મળે છે. આ શહેરમાં ઘણા ચૉક આવેલા છે, તે પૈકી ભવ્ય ગણાતા પ્રજાસત્તાક તથા પૅલેસ ચૉક વિશેષ ઉલ્લેખનીય છે. બાયઝેન્ટાઇન શૈલીથી બાંધેલાં ઘણાં નાનાંમોટાં દેવળો પણ છે. જૂના શહેર વિભાગમાં 15મી સદીનો રાજમહેલ તથા 16મી સદીના જૂના દેવળના અવશેષો પણ જોવા મળે છે. નવા વહીવટી મથકની રચના કરવા માટે જૂના શહેરની મધ્યમાં આવેલ વિશાળ વિસ્તારમાંથી 18મી સદીનું એક ઐતિહાસિક દેવળ તેમજ અન્ય ઇમારતો તોડી નાખવામાં આવેલી છે. દ્વિતીય વિશ્વયુદ્ધના અંત પછી બુખારેસ્ટનો વિસ્તાર ઝડપથી પ્રસર્યો છે. આજે આ શહેરનાં પરાં સરોવરો, ઉદ્યાનો તેમજ વૃક્ષોથી શોભતાં બહુમાળી મકાનો ધરાવે છે.
બુખારેસ્ટ નગર દેશનું સૌથી મહત્વનું આર્થિક કેન્દ્ર છે. અહીંના મુખ્ય ઉદ્યોગોમાં ઇજનેરી ઉદ્યોગ, રસાયણ-ઉદ્યોગ, કાપડ-ઉદ્યોગ, ખાદ્યપદાર્થ-ઉદ્યોગ તથા કૃષિ-યંત્રસામગ્રી, રાચરચીલાં અને મોટરવાહનોના ઉદ્યોગોનો સમાવેશ થાય છે. અહીંના ઘણાખરા નિવાસીઓ સરકારી નોકરીઓમાં કે કારખાનાંઓમાં કામ કરે છે. મોટાભાગના લોકો ખ્રિસ્તી ધર્મ પાળે છે.
દંતકથા મુજબ આ સ્થળ 15મી સદી દરમિયાન સ્થપાયેલું. બુકર નામના એક ભરવાડની સ્મૃતિમાં તેને બુખારેસ્ટ નામ અપાયેલું કહેવાય છે. 15મીથી 19મી સદી સુધી શરૂઆતમાં તુર્કોએ અને પછીથી રશિયનોએ અહીં શાસન કરેલું. 1861માં મોલ્દાવિયા વાલેશિયાનાં સ્વતંત્ર રાજ્યોના જોડાવાથી રુમાનિયા બન્યું અને 1862થી તેના પાટનગર તરીકે બુખારેસ્ટ પસંદગી પામ્યું. 1977માં અહીં ભૂકંપ થયેલો, તેમાં આશરે 1,500 જેટલા લોકો મૃત્યુ પામેલા અને માલમિલકતનું ઘણું નુકસાન થયેલું. તે પછીથી આ શહેરનું પુનર્નિર્માણ કરવામાં આવેલું છે. આ શહેરની વસ્તી 23,43,800 (1993) છે.
નિયતિ મિસ્ત્રી