બીસ્કેનો ઉપસાગર : પશ્ચિમ યુરોપના ફ્રાન્સ અને સ્પેન દેશો વચ્ચેના કિનારાઓ વચ્ચેનું ઍટલાન્ટિક મહાસાગરનું વિસ્તરણ. આ ઉપસાગર ફ્રાન્સની પશ્ચિમે તથા સ્પેનની ઉત્તરે વિસ્તરેલો છે. આ ઉપસાગરની મહત્તમ પહોળાઈ આશરે 480 કિમી. જેટલી છે. તેનું આ નામ સ્પેનના ખડકાળ કિનારા પર રહેતા બાસ્ક લોકો (Basques) પરથી પડેલું છે. સ્પેનના કિનારા પર આવેલાં મુખ્ય શહેરોમાં બિલબાઓ, સાન સેબાસ્ટિયન, ગિજૉન અને સાન ટૅન્ડર તથા ફ્રાન્સ કિનારા પર બ્રેસ્ટ, નેન્ટ્સ, બૉર્ડોક્સ, બેયૉન અને રૉશ ફૉર્ટ બંદરો આવેલાં છે. ઍડોર, શાર્નેટ, ગેરોન અને લૉઇર નદીઓનાં મુખ ફ્રાન્સ તરફ છે.

આ ઉપસાગર તેમાં ઉદભવતા તોફાની ઝંઝાવાતો તથા તેમાંથી પરિણમતાં મોટાં ભરતી-મોજાં માટે જાણીતો બનેલો છે. 1588માં આવેલા દરિયાઈ તોફાને ઇંગ્લૅન્ડ પર હુમલો કરવા માટે સ્પેનથી નીકળેલાં લાકડાંનાં વહાણોને છિન્નભિન્ન કરી નાખેલાં. પ્રાચીન રોમનો આ ઉપસાગરને કૅન્ટાબ્રિયન સમુદ્રના નામથી ઓળખતા હતા.

ગિરીશભાઈ પંડ્યા