બીવરબ્રુક, મૅક્સવેલ ઍૅટકન, બૅરન
January, 2000
બીવરબ્રુક, મૅક્સવેલ ઍૅટકન, બૅરન (જ. 1879, ઑન્ટેરિયો, કૅનેડા; અ. 1964) : કૅનેડાના અગ્રણી રાજકારણી અને અખબાર જૂથના સાહસિક ઉદ્યોગપતિ. 1910માં તેઓ બ્રિટન જઈને વસ્યા. ત્યાં તેઓ બ્રિટનની પાર્લમેન્ટના સભ્ય બન્યા (1911થી 1916) અને બૉનાર લૉના પ્રેસ સેક્રેટરી બન્યા. 1918માં લૉઇડ જ્યૉર્જ જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે તેમને માહિતી ખાતાના પ્રધાન બનાવાયા.
1919માં તેમણે ‘ડૅઇલી એક્સપ્રેસ’ વૃત્તપત્ર ખરીદી લીધું અને પોતાની સૂઝ, ખંત અને લગનના પરિણામે તે દૈનિકને વિશ્વભરમાં સૌથી વધુ વંચાતું અખબાર બનાવ્યું. 1921માં તેમણે ‘સન્ડે એક્સપ્રેસ’ની સ્થાપના કરી અને 1924માં ‘ઈવનિંગ સ્ટાન્ડર્ડ’ ખરીદી લીધું.
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, તાતી જરૂરત ધરાવતાં વિમાનોના ઉત્પાદન માટે ચર્ચિલે તેમની ચીવટભરી અને દક્ષતાપૂર્ણ વહીવટી કાબેલિયત અને શક્તિનો ઉપયોગ કરેલો. ત્યારપછી તેમને પુરવઠા ખાતાના મંત્રી બનાવાયા (1941–42). છેલ્લે તેઓ લૉર્ડ પ્રિવી સીલ બન્યા હતા.
મહેશ ચોકસી