બીલીમોરિયા બંધુ [દીનશા (જ. 1906; અ. 13 ફેબ્રુઆરી 1972) અને એડી (જ. 1900; અ. 16 ફેબ્રુઆરી 1981)] : મૂક ચિત્રોના જમાનામાં ખૂબ લોકપ્રિય થયેલા આ બંને ભાઈઓ બીલીમોરાના વતની હતા અને ભદ્ર પારસી પરિવારનાં સંતાન હતા. મૂક ચિત્રોના સમયમાં જ્યારે અભિનેતાનો આકર્ષક ચહેરો અને શરીરસૌષ્ઠવ જ મહત્વનાં ગણાતાં ત્યારે બંનેને ફિલ્મોમાં ખૂબ સફળતા મળી હતી; ખાસ તો બંનેના અંગ્રેજ જેવા દેખાવને કારણે વિદેશી ઢબનાં ચિત્રો માટે નિર્માતાઓ આ બંને ભાઈઓ પર પસંદગી ઉતારતા.

દીનશાનો વાન થોડો શામળો પણ દેખાવ આકર્ષક હતો. તેમના અભિનયમાં આધુનિકતાનો પુટ હતો. અરદેશર ઈરાનીની ઇમ્પીરિયલ ફિલ્મ કંપનીમાં સુલોચના સાથે તેમની જોડી હતી. એ જમાનામાં આ જોડી રોનાલ્ડ કોલમૅન અને વિલ્મા બૅન્કીના નામે જાણીતી હતી. તેમનું પ્રથમ ચિત્ર ‘ધ નર્સ’ ઉર્ફે ‘દયા કી દેવી’ હતું. ‘ડાકુ કી લડકી’, ‘અનારકલી’, ‘સૌભાગ્યસુંદરી’, ‘સુલોચના’, ‘નૂરજહાં’, ‘દો ઘડી કી મૌજ’, ‘ઇન્દિરા, એમ.એ.’ અને ‘બમ્બઇ કી બિલ્લી’ ચિત્રોમાં આ જોડીએ કામ કર્યું હતું. ‘કિસાનકન્યા’માં પદ્માદેવી અને ‘રાજપૂતાની’માં ગૌહર નાયિકા હતાં. ચલચિત્રો સવાક્ થતાં સંવાદકૌશલ્યના અભાવને કારણે ઘણા કલાકારો ફેંકાઈ ગયા. દીનશાનું પણ એવું જ થયું. પ્રથમ ચિત્ર ‘દેવી દેવયાની’ તેમના નબળા અવાજને કારણે ન ચાલ્યું. સુલોચના સાથે જ સવાક્ ચિત્રો ‘જંગલ ક્વીન’, ‘અનારકલી’, ‘ન્યૂ સર્ચલાઇટ’, ‘બાહરી દુનિયા’ અને ‘પ્રેમ કી જ્યોતિ’માં તેમણે કામ કર્યું, પણ 1940 પછી અભિનય છોડીને સાઉન્ડ રેકૉર્ડિસ્ટ બની ગયા. ‘બંદિની’ જેવા ઉચ્ચ કોટિના ચિત્રનું સાઉન્ડ રેકૉર્ડિંગ તેમણે કર્યું હતું. 65 વર્ષની ઉંમરે હૃદયરોગના હુમલામાં તેમનું નિધન થયું.

એડી બીલીમોરિયાનું બાળપણ પુણે નજીક ફૌજી છાવણી ખિડકીમાં વીત્યું હતું. કારકિર્દીની શરૂઆત તેમણે જીઆઈપી રેલવેના ફાયરમૅન તરીકે કરી હતી. સિનેમા સાથે તેઓ મિકૅનિક તરીકે જોડાયા હતા. તેના કારણે ધીમે ધીમે પ્રોજેક્ટર ચલાવવાનું શીખી ગયા. ઇમ્પીરિયલ ફિલ્મ કંપનીમાં પોતાના ભાઈ દીનશાને મળવા તેઓ ઘણી વાર જતા. એક વાર દિગ્દર્શક આર. એસ. ચૌધરીની તેમના પર નજર પડતાં ‘પંજાબ મેલ’ ચિત્રમાં નાની ભૂમિકા આપી. એ પછી અભિનેતા તરીકે તેમની સાથે જોડાઈ ગયા. ‘દોધારી તલવાર’ તેમનું પ્રથમ ચિત્ર હતું. ‘વૅનિશિંગ હોપ્સ’, ‘રેડ સિગ્નલ’, ‘રાજરમણી’ અને ‘વસ્લ કી રાત’ ચિત્રોમાં કામ કર્યા બાદ 1929માં તેઓ રણજિત કંપની સાથે જોડાયા. ત્યાં ગૌહર તથા માધુરી સાથે તેમની જોડી જામી. ગૌહર સાથે તેમની જોડી ‘રાજરાની’થી લોકપ્રિય બની. ‘પહાડી કન્યા’ અને ‘દિલબર’માં ગૌહર સાથે સફળતા મળ્યા બાદ માધુરી સાથે ‘બગદાદ કી બુલબુલ’, ‘માઇ હીરો’, ‘વિજયલક્ષ્મી’, ‘સિપહસાલાર’ અને ‘રૉયલ રોમાન્સ’ ચિત્રો સફળ થયાં. આ ઉપરાંત ‘બિલવેડ રોમ’, ‘વિલાસી આત્મા’, ‘બૉમ્બે ધ મિસ્ટીરિયસ’ અને ‘બાંકે સાંવરિયા’માં પુતલીબાઈ, શાંતાકુમારી વગેરે નાયિકાઓ સાથે પણ તેમણે કામ કર્યું.

એડી બીલીમોરિયાને સ્ટંટ ફિલ્મોમાં ખૂબ લોકપ્રિયતા મળી. બોલપટનો યુગ શરૂ થયા બાદ ‘મિસ 1933’ કૉલેજિયનોમાં ખૂબ લોકપ્રિય થયું હતું.  1934માં રજૂ થયેલું ‘તૂફાન મેલ’ ચિત્ર પિસ્તોલબાજી તથા તલવારબાજીને કારણે સફળ થયું હતું. ‘કાશ્મીરા’, ‘નાદિરા’, ‘સિતમગર’, ‘વીર બબ્રુવાહન’, ‘કીમતી આંસૂ’, ‘વિશ્વમોહિની’, ‘તૂફાની તરુણી’, ‘નૂર-એ-વતન’, ‘લહરીલાલ’, ‘રંગીલા રાજા’, ‘જમીન કા ચાંદ’ તથા ‘પૃથ્વીપુત્ર’ ચિત્રોમાં તેઓ નાયક હતા. 1940 પછી તેઓ ચરિત્ર-અભિનેતા બની ગયા. 1948 પછી તો જુનિયર કલાકાર તરીકે તેઓ નાની નાની ભૂમિકામાં જોવા મળતા હતા.

હરસુખ થાનકી