બીરબલ સહાની ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ પેલિયોબોટની, લખનૌ
January, 2000
બીરબલ સહાની ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ પેલિયોબોટની, લખનૌ : ભારતમાં લખનૌ ખાતેની વનસ્પતિ-જીવાશ્મવિજ્ઞાનની એક નામાંકિત સંસ્થા. ઉપર્યુક્ત એક જ વિષયને વરેલી દુનિયાની તે પ્રથમ સંસ્થા છે. તેના આદ્ય સંસ્થાપક લખનૌ વિશ્વવિદ્યાલયના વિજ્ઞાનશાખાના અધ્યક્ષ અને અશ્મીભૂત વનસ્પતિઓના વિશ્વવિખ્યાત અન્વેષક પ્રા. બીરબલ સહાની હતા. તેની શિલારોપણવિધિ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના વરદ હસ્તે કરાવી એક જ સપ્તાહ બાદ 10 એપ્રિલ 1949માં 58 વર્ષની ઉંમરે તેઓ અવસાન પામ્યા. ત્યારબાદ તેમનાં પત્ની સુશ્રી સાવિત્રીદેવીએ આ સંસ્થાનું સુકાન સંભાળ્યું છે.
પ્રા. બીરબલ સહાનીને આ સંસ્થા સ્થાપવાની પ્રેરણા પ્રા. એમ. એસ. રંધાવા પાસેથી મળી હતી અને ‘Current Science’ નામના સામયિક(4 એપ્રિલ 1946)માં તેમણે લખેલા ‘A Museum of Evolution’ લેખમાં આ અંગેનો વિચાર-પ્રસ્તાવ અભિવ્યક્ત કર્યો હતો.
પાયાનાં–મૂળભૂત સંશોધનો ઉપરાંત આ સંસ્થામાં થતાં વ્યવહારુ (applied) સંશોધનો આ પ્રમાણે છે : (1) ભૂસ્તરવિદ્યાની ર્દષ્ટિએ ભારતના વિવિધ પ્રકારના ખડકોની આયુર્મર્યાદાનું માપન; (2) ભારતના વિવિધ કોલસાઓ પરનાં સંશોધનો અને (3) પરાગરજનું વનસ્પતિ-સંગ્રહાલય (herbarium) સ્થાપી પરાગવિજ્ઞાન(palynology)માં સ્વપરાગિત અને પરપરાગિત પરાગરજનો વિનિમય.
આજે તેમાં ઘણા નવા વિભાગો ઉમેરાયા છે; જેમાં સજીવોના નામકરણનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જીવાશ્મો એકત્રિત કરી તેમના સ્વરૂપને આધારે મૂળ વનસ્પતિનું પુનર્રચન (reconstruction) કરવામાં આવે છે અને રૂપાંતરિત વનસ્પતિઓનાં જીવાશ્મોનાં પ્રાચીન સ્થાનો ખોદવામાં આવે છે.
સંસ્થાના મુખ્ય સંશોધનાત્મક પ્રદાનમાં દખ્ખણની શિલાઓનાં સોપાનો (traps : સ્વીડન ભાષાના શબ્દ તરીકે ‘પગથિયા’ના અર્થમાં વાપરવામાં આવે છે) અને બિહારની રાજમહાલની ટેકરીઓમાંથી મળેલા જીવાશ્મ–પેન્ટોક્ઝાયલીનો સમાવેશ થાય છે. પેન્ટોક્ઝાયલીને અનાવૃત-બીજધારી વનસ્પતિઓના આઠમા ગોત્ર (order) તરીકે ઓળખવામાં આવ્યું છે. યુગો પૂર્વેની આ વિનષ્ટ વનસ્પતિઓને આ સંસ્થામાં પુનર્રચિત કરવામાં આવી છે. આ ભગીરથ કાર્યને સમગ્ર વિશ્વમાં બિરદાવવામાં આવ્યું છે.
તેમના સંગ્રહાલયમાં અશ્મીભૂત મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ અને બીજ એકત્ર કરી તેમના સંખ્યાબંધ નમૂનાઓ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. તે પૈકી Pentoxylon અને Williamsonia gigas – રાજમહાલની ટેકરીઓમાંથી મેળવેલી અશ્મીભૂત વનસ્પતિઓના નમૂના ઉલ્લેખપાત્ર છે.
પ્રા. બીરબલ સહાનીએ કેમ્બ્રિજના આઠ વર્ષના અભ્યાસ દરમ્યાન વનસ્પતિ-જીવાશ્મવિજ્ઞાની પ્રા. એ. સી. સિવાર્ડના અંતેવાસી રહી ઘણાં પારિતોષિકો પ્રાપ્ત કર્યાં છે. તેમના ગુરુની સ્મૃતિમાં આ સંસ્થામાં પ્રા. એ. સી. સિવાર્ડ મેમૉરિયલ વ્યાખ્યાનમાળાનું આયોજન પ્રતિવર્ષ કરવામાં આવે છે.
આ સંસ્થાનું મુખપત્ર ‘The Palaeobotanist’ નિયમિત પ્રકાશન પામે છે. ‘Records of the Geological Survey of India’માં પણ તેમના ઘણા સંશોધનલેખો પ્રકાશિત થયા છે.
પ્રા. એ. આર. રાવ, પ્રા. ટી. એસ. મહાબલે, પ્રા. એસ. ડી. ચિત્તલ, પ્રા. ડી. ડી. પંત, પ્રા. જે. સેન, પ્રા. એ. કે. ઘોષ જેવા પ્રાધ્યાપકવૃંદે ભારતમાં અશ્મીભૂત વનસ્પતિઓ પર સંશોધનો કરી આ સંસ્થાને વિશ્વના નકશા પર સ્થાન અપાવ્યું છે. પ્રા. સુરંગ, પ્રા. લખ્ખનપાલ, પ્રા. ડી. સી. ભારદ્વાજ, એસ. સી. ડી. સાહ અને પ્રા. આર. વી. સિથોલેનાં નામ પણ આ સંસ્થાના ઉત્કર્ષ સાથે જોડાયેલાં છે.
ચંદ્રકુમાર કાંતિલાલ શાહ