બીબી અજાણીની દરગાહ
January, 2000
બીબી અજાણીની દરગાહ (દાંડી) : ગુજરાત રાજ્યમાં દાંડીના દરિયાકિનારે આવેલી બીબી અજાણી(હાજિયાણી)ની દરગાહ. તે ‘માઇસાહેબા મજાર’ તરીકે જાણીતી છે. આ સ્થાનક દાઉદી વહોરા કોમનું છે. અસલમાં આ મુઘલકાલીન દરગાહ છે; પરંતુ તેનું મકાન ઈ. સ. 1792માં (હિ. સં. 1207) બનાવવામાં આવેલું અને તેનું સમારકામ ઈ. સ. 1967(હિ. સં. 1382)માં કરવામાં આવેલું છે. દરગાહની ઇમારત વિશાળ ચોક વચ્ચે ઉત્તરાભિમુખ ઊભી છે. એનો 8 મીટર × 8 મીટર ચોરસ મધ્યખંડ 10 મીટર જેટલી ઊંચાઈ ધરાવે છે. ખંડમાં પ્રવેશવા માટે ઉત્તર અને દક્ષિણ દિશામાં એક એક પ્રવેશદ્વાર છે. ઉત્તર બાજુના મુખ્ય પ્રવેશદ્વારમાં ખંડની બહારના ભાગમાં બે સ્તંભો ઉમેરીને પ્રવેશચોકીની રચના કરેલી છે. દરગાહની અંદર ચાર ખૂણાની ચાર અને પૂર્વ તથા પશ્ચિમની દીવાલોના મધ્ય ભાગમાંની મળીને કુલ છ કમાનો કરી છે, જેના પર દરગાહનો ઘુમ્મટ ટેકવાયેલો છે. દરગાહની મધ્યમાં ત્રણ મજારો છે, જેમાંની મધ્યની નૂરબીબી(મા)ની, પશ્ચિમ તરફની ફાતિમાબીબી(દીકરી)ની અને પૂર્વ તરફની રતન આઈની છે. પહેલી બે મજારો ઈ. સ. 1494–95(હિ. સં. 900)ની મનાય છે. રતન આઈની મજાર પર ઈ. સ. 1829–30(હિ. સં. 1244)નો લેખ છે. આ ત્રણેય મજારોને ઉપરથી ઢાંકતો સીસમના લાકડાનો મંડપ કરેલો છે. દરગાહ પર અર્ધકંદાકાર ઘુમ્મટ છે, જેની ટોચે પાંચ માટલાંની ઉતરડ અને તેના પર શ્રીફળની રચના કરેલી છે. દરગાહના ચારેય ખૂણે બે મીટર ઊંચા મિનારા કર્યા છે. પ્રવેશચોકી પર સપાટ ધાબું કર્યું છે. દરગાહની બહાર પૂર્વ બાજુએ મુજાવર અને મૌલવીસાહેબની આરસની કબરો છે. દરગાહની ઇમારતને ફરતો ખુલ્લો વિશાળ ચોક છે, જેમાં નિવાસસ્થાનો ઊભાં કર્યાં છે. આ દરગાહમાં હજારો હિંદુ-મુસ્લિમ યાત્રાળુઓ નાતજાતના ભેદ સિવાય બાધા-માનતા કરવા આવે છે. મા(નૂરબાઈ)ની મજાર પર ઈંડાં, રૂ અને સફેદ ચાદર ચડાવવાની બાધા, કર્ણપાક અને કોઢ જેવા કિસ્સાઓમાં રાખવામાં આવે છે. ઈંડાંની બાધા વિશેષ રખાય છે.
પ્રવીણચંદ્ર પરીખ