બીથોવન, લુડવિગ ફાન
January, 2000
બીથોવન, લુડવિગ ફાન (જ. 16 ડિસેમ્બર 1770, બોન, જર્મની; અ. 26 માર્ચ, 1827, વિયેના, ઑસ્ટ્રિયા) : ઓગણીસમી સદીના સમગ્ર યુરોપિયન સંગીત પર ઘેરી અસર કરનાર સમર્થ સંગીતકાર.
પિતૃપક્ષે તેમના દાદા નેધર્લૅન્ડ્ઝના મૂળ વતની હતા. નામમાં જર્મન ફોન(Von)ને સ્થાને ડચ ફાન(Van)નો ઉપયોગ પણ ડચ મૂળિયાં પ્રતિ ઇશારો કરે છે. કુટુંબમાં સંગીતના સાધકો ન હોવા છતાં બાળપણમાં બીથોવનને સંગીતમય વાતાવરણ મળ્યું અને તેમાં જ તેઓ ઊછરીને મોટા થયા. નાની ઉંમરે જ તેમની સંગીતપ્રતિભા ઝળકી ઊઠી અને સમકાલીન પીઢ સંગીતકારો મોઝાર્ટ તથા હેડને પણ તેમની પ્રશંસા કરી.
વિયેનામાં મોઝાર્ટ પાસે સંગીત શીખવાની બીથોવનની ઇચ્છા પાર પડી નહિ, કારણ કે તેમને પોતાની મા સાથે રહેવાનું થયું. બોનમાં સી. જી. નીફે (1748–98) તેમના પ્રથમ શિક્ષક હતા. નીફે બોનના એક સામાન્ય સંગીતકાર હતા અને ત્યાંના રંગમંચ માટે પાર્શ્વસંગીત આપતા હતા; પરંતુ બીથોવનનો પાયો તૈયાર કરવામાં તેઓ સફળ રહ્યા. જે. એસ. બાખ અને માન્હિમના સિમ્ફનીકારોની રચનાઓ તેમણે બીથોવન સમક્ષ રજૂ કરી.
બોનમાં પિતાની કૌટુંબિક જવાબદારી બીથોવનને પોતાને ખભે લેવી પડી. તેમ છતાં 1792માં બાવીસ વરસની ઉંમરે તેઓ વિયેનામાં સ્થિર થઈ શક્યા. અહીં તેમણે જોસેફ હેડન, જે. જી. આલ્બ્રેખ્ટ્ સ્બર્ગર અને એ. સાલિયેરી પાસે સંગીતશિક્ષણ લેવાનું શરૂ કર્યું. વિયેનાના ફૅશનેબલ સમાજમાં તુરત જ સમર્થ પિયાનોવાદક તરીકે બીથોવનને ખ્યાતિ મળી. પ્રિન્સ લિખ્નૉવ્સ્કી અને બ્રુન્સ્વિક જેવાં સંગીતરસિક કુટુંબો સાથે તેમને પરિચય થયો. આ સમય દરમિયાન તેમને અનેક પ્રેમસંબંધો થયા. પોતે ઉત્કટ રાગને વશ થતા હોવા છતાં તેમણે લગ્ન કર્યું નહિ.
ભવિષ્યમાં થનારા વજ્રાઘાતનાં લક્ષણો તેઓ ત્રીસ વરસથી પણ નાના હતા ત્યારથી જ જણાવવાં શરૂ થયાં : 1796થી બહેરાશ શરૂ થઈ. 1801 સુધીમાં આ વ્યાધિ વધી ગયો. વાતચીત માટે નોટબુક અને લેખિનીનો ઉપયોગ કરવો પડતો. જિંદગીનાં અંતિમ દસ વરસોમાં આ બહેરાશે પૂર્ણ સ્વરૂપ ધારણ કર્યું.
તેમને કારકિર્દીના આરંભથી જ મુક્ત વ્યવસાયી (free lance) પદ્ધતિએ જીવનનિર્વાહ કરવાનો નિશ્ચય કર્યો હતો. તેમને વારંવાર નાણાંની તંગીનો અનુભવ થતો હતો. કાસલના ઉમરાવ (count) જેરોમે બોનાપાર્તેના ‘કાપેલમાઇસ્ટેર’ (ચર્ચના ગાયકવૃંદના કન્ડક્ટર) તરીકેની નોકરી સ્વીકારવાની અણી પર હતા ત્યાં કેટલાક વિયેનાવાસી ધનિક મિત્રોએ તેઓ વિયેનામાં જ રહે તો તેમને નિયમિત અને નિશ્ચિત ખાસ્સી આવક મળી રહેશે તેવો સધિયારો આપ્યો. આથી, નોકરી સ્વીકારવાનો પ્રશ્ન ન રહ્યો. તે પછી તેમની આર્થિક સ્થિતિ નબળી રહી નહોતી.
સંગીત : સમકાલીન સંગીત-પરંપરાનાં બધાં સ્વરૂપો(genres)ની શ્રેષ્ઠ રચનાઓ (masterpieces) બીથોવન પાસેથી મળી.
તેમના માટે સંગીત એ જીવનની બંધિયાર પરિસ્થિતિમાંથી છુટકારો મેળવવાનું અને માનવતાને પોતાની રીતે અભિવ્યક્ત કરવાનું માધ્યમ હતું. કલામાં પોતે ભોગવેલી યાતનાઓ જ નહિ, પણ જીવનભર સેવેલા આદર્શોને પણ તેમણે સ્પષ્ટ અભિવ્યક્તિ આપી.
ઑર્કેસ્ટ્રલ સંગીત : [સીમફની અને કન્ચર્ટો (concerto)] : તેમણે વિચારોના વિરોધાભાસને ઑર્કેસ્ટ્રા(વાદ્યવૃંદ)નાં વાદ્યોનો પરસ્પરવિરોધી પ્રભાવ ઉત્પન્ન કરતી સન્નિધિ (juxtaposition) વડે અભિવ્યક્ત કરવાનો તરીકો પસંદ કર્યો જણાય છે.
તેમની ચાર સિમ્ફનીઓમાં જોરદાર કથનાત્મક (programmatic) પદ્ધતિ અખત્યાર કરવાનું વલણ જણાય છે. (પ્રસંગો, ઘટના કે કથાવસ્તુનું કેવળ વાદ્યો દ્વારા થતું નિરૂપણ તે કથનાત્મક પદ્ધતિ.)
આદર્શ નાયકના યુદ્ધ, વિજય, મૃત્યુ અને સ્મશાનયાત્રાનું આલેખન કરતી E Flatમાં લખેલી ત્રીજી સિમ્ફની તે ‘ઇરોઇકા’ (Eroica, 1803).
નિયતિના આઘાતો પર વિજય પામતા માનવીના મનોબળને આલેખતી C Minorમાં લખેલી પાંચમી સિમ્ફની તે ‘ફેઇટ નોકિન્ગ ઍટ ધ ડૉર’ (1804–08).
નિસર્ગમાંથી પ્રેરણા મેળવીને ગ્રામીણ ગોપજીવનને આલેખતી Fમાં લખેલી છઠ્ઠી સિમ્ફની તે ‘પેસ્ટોરેલ’ (1808).
આનંદ, વીરરસ અને પ્રેમ દ્વારા નિર્વાણનું આલેખન કરતી D Minorમાં લખેલી ‘ઑડ ટુ જૉય’ બાવીસ વરસની ઉંમરથી જ જર્મન કવિ શિલરના કાવ્ય ‘ઑડ ટુ જૉય’ને ઑર્કેસ્ટ્રા સાથે ગોઠવવાનું સ્વપ્ન બીથોવને સેવેલું. આ સ્વપ્ન 1823માં તેમની નવમી સિમ્ફનીમાં સાકાર થયું. તેમાં, પહેલી જ વાર યુરોપિયન સંગીતમાં માનવઅવાજ ઑર્કેસ્ટ્રા સાથે સિમ્ફનિક સ્વરૂપે સંકળાયો. વીરરસને આનંદની અનુભૂતિ સાથે નિરૂપતી આ રચના જીવનના સૌથી વધુ દુ:ખદાયી અને કષ્ટદાયી સમય દરમિયાન લખાઈ હતી.
અગાઉના સિમ્ફનીકારો કરતાં બીથોવન ઘણી રીતે જુદા પડે છે, કારણ કે તેમણે સિમ્ફનીનું સ્વરૂપ ઘણું બદલી નાખ્યું. ગત(movement)ને છેડે આવતા સંકેત (coda) તેમણે વિકસાવ્યા અને લંબાવ્યા. વિલંબિત ગત(minute)ને વધુ દ્રુત બનાવી તો ક્યારેક તે ગતને સ્થાને સચેત ગતિવાળી ગતિ ‘સ્કૅર્ઝો’ મૂકીને સંગીતને વધુ જીવંત બનાવ્યું. છેલ્લી ગત ‘ફિનાલે’માં કેટલીક વાર તેમણે ‘ફર્સ્ટ-મુવમેન્ટ-સોનાટા’નું સ્વરૂપ ઉપયોગમાં લીધું છે, તો કેટલીક વાર ‘રૉન્ડો’નું સ્વરૂપ ઉપયોગમાં લીધું છે.
સિમ્ફની-સ્વરૂપમાં આવો માળખાગત ફેરફાર કરવા પાછળનો તેમનો હેતુ અભિવ્યક્તિને મોકળું મેદાન આપવાનો હતો. આ રીતે તેમણે પછી આવનારા રંગદર્શી (romantic) સ્વરાંકનકારો (જેવા કે બર્લિયોઝ, બ્રકનર, બ્રાહ્મ્સ, શુબર્ટ, શુમન, ચાઇકૉવ્સ્કી, મૅન્ડલ્સન) માટે માર્ગ મોકળો કરી આપ્યો અને એ રીતે નવી શૈલીના અગ્રયાયી (forerunner) બનવાનું શ્રેય તેમને મળ્યું.
કથનાત્મક વલણ વિનાની તેમની સિમ્ફનીઓમાં C Majorમાં લખેલી પહેલી (1799); D Majorમાં લખેલી બીજી (1802); B Flatમાં લખેલી ચોથી (1806), A Majorમાં લખેલી સાતમી (1812) અને F. Majorમાં લખેલી આઠમી(1812)નો સમાવેશ થાય છે.
તેમના ઑર્કેસ્ટ્રલ સંગીતમાં કન્ચર્ટો પણ અગત્યનું સ્થાન ધરાવે છે. તેમણે કુલ સાત કન્ચર્ટો લખ્યાં છે. તેમાંથી 1806માં D Majorમાં લખેલ ‘કન્ચર્ટો ફૉર વાયોલિન ઍન્ડ ઑર્કેસ્ટ્રા’ સૌથી વધુ ખ્યાતિ પામ્યો છે. બીજા જ વર્ષે તેમણે તેને ‘કન્ચર્ટો ફૉર પિયાનો ઍન્ડ ઑર્કેસ્ટ્રા’માં ઉતાર્યો.
આ ઉપરાંત તેમણે અન્ય પાંચ કન્ચર્ટો લખ્યાં જે બધાં જ પિયાનો અને ઑર્કેસ્ટ્રા માટે છે :
1. C Majorમાં લખેલો પહેલો (1789).
2. B Flatમાં લખેલો બીજો (1795).
3. C Minorમાં લખેલો ત્રીજો (1800).
4. G Majorમાં લખેલો ચોથો (1806).
5. ‘એમ્પરર’ નામે જાણીતો બનેલો E Flatમાં લખેલો પાંચમો (1809).
ચૅમ્બર મ્યુઝિક : એકથી માંડીને પંદરેક વાદ્યોના સંયોજનથી રચાતું સંગીત તે ‘ચૅમ્બર મ્યુઝિક’. ઑર્કેસ્ટ્રલ સંગીત વિરાટ કદનું સંગીત છે; કારણ કે તેમાં સામાન્ય રીતે 200થી 300 વાદ્યોનું સંયોજન હોય છે. આથી તેને માટે વિરાટ સભાખંડ અનિવાર્ય બને છે; જ્યારે ચૅમ્બર મ્યુઝિક સામાન્ય કદના ખંડમાં પણ વગાડી શકાય છે.
વિરાટ શક્તિવાળા ઑર્કેસ્ટ્રલ સંગીતની માફક ચૅમ્બર મ્યુઝિક અને તેમાં પણ સ્ટ્રિન્ગ-ક્વાર્ટેટ(ચાર તંતુવાદ્યોના જૂથ)માં પણ ઉચ્ચ કોટિની પ્રતિભાનું દર્શન થાય છે. 1824થી 1827ની વચ્ચે લખેલાં છેલ્લાં પાંચ સ્ટ્રિન્ગ-ક્વાર્ટેટ આજે બીથોવનના ચૅમ્બર મ્યુઝિકનાં સર્વોચ્ચ શિખર ગણાય છે; પરંતુ વિધિની વક્રતા એ છે કે તેમના મૃત્યુ પછી ઘણાં વર્ષો સુધી વિવેચકો આ પાંચ સ્ટ્રિન્ગ-ક્વાર્ટેટને સમજવામાં નિષ્ફળ ગયા હતા.
તેમના બધા જ ‘પિયાનો સૉનાટા’માં પ્રશિષ્ટ સ્વરૂપોનો ઉપયોગ થયો છે. કેટલાક સૉનાટાના ‘અડાજિયો’(ધીમી ગત)માં તેઓ પોતાના જીવન અંગેના પ્રતિભાવ વ્યક્ત કરતા હોય એવું સ્પષ્ટ જણાય છે. ઘણી વાર મંદ્ર સપ્તકના ‘બાસ’(તળિયાના અવાજ)માંથી મુક્ત થવા માંગતી હોય તે રીતે મેલડી (Melody) તાર સપ્તકમાં ચાલુ રહે છે.
કોરલ (choral) રચનાઓ : ચર્ચ માટેનાં વૃંદગાનને કોરલ કહે છે. બીથોવનની એક માત્ર ‘ઓરેટોરિયો’ રચના (વાદ્યોની સંગત વિનાનું ધાર્મિક વૃંદગાન) ‘ક્રાઇસ્ટ ઑન ધ માઉન્ટ ઑવ્ ઑલિવ્ઝ’ની શબ્દરચના (ટૅક્સ્ટ) ‘ગૉસ્પેલ્સ’માંથી લેવામાં આવી છે. સંગીત વડે તેમણે સૈનિકોની તથા તેમની અંતિમ ક્ષણોને નાટ્યાત્મક ઉઠાવ આપ્યો છે. મૃત્યુ અગાઉ બીથોવને બીજો ‘ઓરેટોરિયો’, ‘ધ વિક્ટરી ઑવ્ ધ ક્રૉસ’ લખવાનું આયોજન વિચારેલું પણ તે ફળીભૂત ન થયું.
તેમણે સાત ‘કેન્ટાટા’ (વાદ્યોની સંગત વિનાના ધાર્મિક વૃંદગાનનો બીજો એક પ્રકાર) લખ્યા છે. ‘ઑન ધ ડૅથ ઑવ્ ધી એમ્પરર જોસેફ ધ સૅકન્ડ’ અને ‘ઑન ધી એક્સેશન ઑવ્ ધી એમ્પરર લિયોપોલ્ડ ધ સેકન્ડ’ – બંને 1790માં લખેલ છે. 1814માં લખાયેલ કેન્ટાટા ‘ધ ગ્લૉરિયસ મોમેન્ટ’નો મુખ્ય વિષય પ્રેમ છે.
બીથોવને બે ‘માસ’ (સમગ્ર ઑર્કેસ્ટ્રાની સંગત સાથેનું ધાર્મિક વૃંદગાન) લખ્યા છે. 1807માં લખેલ ‘માસ ઇન C Major’નો વિષય છે સર્વશક્તિમાન ઈશ્વર આગળ ચચુગ્રે શ્રદ્ધાળુ પૂરી શ્રદ્ધાથી જાતને ન્યોછાવર કરે છે તે અંગેનો.
1823માં Dમાં લખેલ બીજો ‘માસ’ ‘મિસા સોલેમિસ’ નામે પ્રખ્યાત બન્યો છે. તે વિરાટ કદના ગાયકવૃંદ અને ઑર્કેસ્ટ્રા માટે લખાયેલ છે. વિરાટ ઑર્કેસ્ટ્રામાં ટ્રૉમ્બોન્સ (ફૂંક મારીને વગાડવાનું વિશાળ કદનું ધાતુનું વાદ્ય), ટિમ્પની (સુનિશ્ચિત સ્વરવાળાં ઢોલ) અને ઑર્ગનનો પણ સમાવેશ થાય છે.
ધાર્મિકેતર ગાન-રચનાઓ : અંગ્રેજ પ્રકાશક થૉમ્સન માટે તેમણે 126 સ્કૉટિશ, વેલ્શ અને આઇરિશ લોકગીતો હાર્મનાઇઝ કરી આપ્યાં હતાં.
તેમના લીડર(એક પ્રકારનાં જર્મન ગીત)માં કાવ્યાત્મકતાની સાથે સાંગીતિક અભિવ્યક્તિનો સુમેળ જોવા મળે છે. તેમના લીડર તેઓના સમકાલીન શુબર્ટને માટે માર્ગદર્શક બન્યા. બંનેના લીડરનું વલણ રંગદર્શી છે.
‘ધ બ્યૂટિફુલ શૂ મેકર’ નાટક માટે બે અને ગથેના ‘ફાઉસ્ટ’ નાટક માટે બે ગીતોનું તેમણે સ્વરસંયોજન કર્યું હતું.
તેમનો એકમાત્ર ઑપેરા ‘ફિડેલિયો’ છે. તેનો લિબ્રેટિસ્ટ (વાર્તા અને સંવાદોનો લેખક) સૉન્લેઇશ્નર છે. ઑર્કેસ્ટ્રા અને વૃંદગાન દ્વારા તેમણે નાટ્યતત્વોને ઉઠાવ આપ્યો છે. ગેરવાજબી રાજકીય કેદ અને ઉત્કટ પ્રેમ ખાતર ફના થવાનો ભાવ આ ઑપેરામાં નિરૂપાયાં છે.
તેમનો પ્રભાવ એક સદી સુધી યુરોપ પર ઊંડો રહ્યો. શુબર્ટ, શુમન, મૅન્ડલ્સન, ચાઇકૉવ્સ્કી, બ્રાહ્મ્સ, બ્રકનર, વાગ્નર, દ્વોર્જાક, સ્મેતાના, માહલર, બર્લિયોઝ ઇત્યાદિ રંગદર્શી સંગીતકારો પર તેઓ ઘેરી છાપ મૂકી ગયા હતા.
અમિતાભ મડિયા