બીજાણુ (spore) : વૃદ્ધિ પામીને સ્વતંત્ર સજીવમાં પરિણમતો એક જૈવિક સૂક્ષ્મ ઘટક. સામાન્ય રીતે પ્રજીવો (protozoa), બૅક્ટેરિયા, ફૂગ (fungi), લીલ (algae) જેવા સૂક્ષ્મ કદના સજીવો બીજાણુ ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે. વિપરીત સંજોગોમાં આ સૂક્ષ્મજીવો પોતાની સપાટી ફરતે એક કવચ બનાવીને બીજાણુમાં રૂપાંતર પામતા હોય છે. આવા બીજાણુઓનો ફેલાવો પાણી કે પવન જેવાં પરિબળોને લીધે એક સ્થળેથી બીજા સ્થળે થાય છે; દાખલા તરીકે પર્યાવરણમાં ભેજનું પ્રમાણ ઘટે અથવા તાપમાન પ્રતિકૂળ હોય ત્યારે બૅસિલસ કે ક્લૉસ્ટ્રિડિયમ પ્રજાતિના બૅક્ટેરિયા બીજાણુ બનાવે છે. આ બીજાણુને સૂક્ષ્મજીવની સુષુપ્ત અવસ્થા તરીકે વર્ણવી શકાય. આ અવસ્થામાં તેની ચયાપચયની ક્રિયા ખૂબ જ ધીમી બને છે. ફૂગ પણ બીજાણુનું નિર્માણ કરતી હોય છે, પરંતુ આ પ્રક્રિયા પ્રજનનના ભાગરૂપે થતી હોય છે. ફૂગમાં બીજાણુના અંકુરણ ફૂગની સંખ્યામાં વધારો થાય છે, જ્યારે બૅક્ટેરિયામાં બીજાણુદીઠ માત્ર એક જ સંતાનને જન્મ આપે છે.

બૅક્ટેરિયાના બીજાણુઓ ઊંચા તાપમાન સામે ટકી રહેવાની ક્ષમતા ધરાવે છે. જ્યારે ફૂગના બીજાણુઓમાં આ ગુણધર્મ હોતો નથી. બૅક્ટેરિયાના બીજાણુની દીવાલમાં અનેક સ્તરો આવેલા હોય છે. વળી તેનામાં રહેલું કૅલ્શિયમમાંથી બનેલું કવચ બીજાણુને ઊંચું તાપમાન સહન કરવાની શક્તિ બક્ષે છે. આથી ઊકળતા પાણીમાં પણ તેઓ નાશ પામતા નથી.

બીજાણુના કદ, આકાર અને કોષમાં થતા તેના નિર્માણસ્થાન પરથી ચેપી બૅક્ટેરિયાને પારખી શકાય છે; દાખલા તરીકે, ધનુર માટે કારણભૂત ક્લૉસ્ટ્રિડિયમ ટિટાનીના બીજાણુ કોષના છેડા પરના ભાગમાંથી નિર્માણ પામે છે અને કોષનો આકાર દીવાસળીની સળી જેવો બને છે. આ રચના બૅક્ટેરિયાની જાતની ઓળખ માટે ઉપયોગી બને છે. જુદી જુદી બૅક્ટેરિયાની જાતોમાં બીજાણુનાં સ્થાન અને કદ જુદાં જુદાં હોય છે અને તેમની ગરમી સામેની પ્રતિકારશક્તિ પણ જુદી જુદી હોય છે.

જ્યારે કોષને ભેજ, પોષક તત્વો, તાપમાન વગેરે પર્યાવરણિક પરિબળો અનુકૂળ હોય ત્યારે બીજાણુનું અંકુરણ થતું હોય છે અને નવો કોષ મહત્તમ વૃદ્ધિ પ્રાપ્ત કરે છે.

ગૅસ્ટ્રોએન્ટરાઇટિસ જેવા આંતરડાના ચેપના દર્દીઓ તેમજ અપચો કે અજીર્ણથી પીડાતા દર્દીઓની સારવારમાં જે દવાઓ વપરાય છે, તેમાં સ્પૉરોલૅક્ટોબૅસિલસ પ્રજાતિના બૅક્ટેરિયાના બીજાણુઓનો સમાવેશ કરવામાં આવે છે, જેની મદદથી દર્દી પોતાનો ખોરાક પચાવી શકે છે. વળી તેથી આંત્રચેપના દર્દમાં રાહત મળે છે. કેટલાક રોગોમાં દર્દીને સારવારના ભાગરૂપ લાંબા સમય સુધી પ્રતિજૈવકો (antibiotics) આપવામાં આવે છે, આને પરિણામે શરીરને ઉપયોગી આંતરડામાં રહેલા સામાન્ય સૂક્ષ્મજીવસમૂહ (normal microflora) નાશ પામે છે અથવા તો તેની સંખ્યા ખૂબ જ ઘટી જાય છે. આ આડઅસર નિવારવા માટે પણ સ્પૉરોલેક્ટોબેસિલસના બીજાણુ દર્દીને કૅપ્સ્યૂલ સ્વરૂપે આપવામાં આવે છે.

હોસંગ ફરામરોજ મોગલ