બીઓ ઝાં બૅપ્ટિસ્ટ

January, 2000

બીઓ ઝાં બૅપ્ટિસ્ટ (જ. 21 એપ્રિલ 1774, પૅરિસ; અ. 3 ફેબ્રુઆરી 1862, પૅરિસ) : ફ્રેંચ ભૌતિકશાસ્ત્રી અને પોલરીમિતિની પહેલ કરનાર વૈજ્ઞાનિક. પિતા જૉસેફ બીઓ ફ્રેંચ સરકારમાં તિજોરી અધિકારી હતા. 1792માં ઝ્યૉ બીઓ ફ્રેંચ લશ્કરમાં જોડાયા અને એક વર્ષ સેવા આપી, જે દરમિયાન બ્રિટન સામે યુદ્ધમાં પણ લડ્યા. ત્યારબાદ ‘લેકોલ સોંત્રાલ ધ્ બૉવે’ નામની વિખ્યાત શૈક્ષણિક સંસ્થામાં વિદ્યાર્થી બન્યા. તે સમયે વિખ્યાત વૈજ્ઞાનિકો જૉસેફ લૂઇ કોન્ત ધ્ લગ્રાંઝ (1736–1813) તથા ક્લોદ લૂઇઝ બરતોલે (1748–1822) ત્યાં તેમના અધ્યાપકો હતા. 1795માં ફ્રેંચ ક્રાંતિના આખરી દિવસોમાં શેરીનાં રમખાણોમાં ભાગ લીધો. તેના કારણે થોડો સમય સજારૂપે તેમને જેલમાં જવાનું થયું. તેમનાં લગ્ન મિલ બ્રિસોં સાથે થયાં અને તેમના થકી એદોઆર-કોંસ્તો નામનો પુત્ર જન્મ્યો.

ઝ્યાઁ બીઓની કારકિર્દી ઉજ્જ્વળ રહી. 1797માં બૉવેની યુનિવર્સિટીમાં ગણિતશાસ્ત્રના પ્રાધ્યાપક થયા, 1800માં કૉલેજ દ ફ્રાંસમાં ગણિતીય ભૌતિકશાસ્ત્રના પ્રાધ્યાપક, 1803માં ફ્રેંચ અકાદમીના સભ્ય, 1808માં નેપોલિયને સ્થાપેલ યુનિવર્સિટીમાં ગણિતીય ભૌતિકશાસ્ત્રના પ્રાધ્યાપક અને 1816થી 1826 સુધી ખગોળશાસ્ત્રના પ્રાધ્યાપક રહ્યા. 1840થી 1849 સુધી ફૅકલ્ટીના ડીન રહ્યા. 1840માં તેમને રૂમફર્ડ ચંદ્રક એનાયત થયો.

 બૅપ્ટિસ્ટ બીઓ ઝાં

ઝ્યૉ બીઓનાં અનેક વૈજ્ઞાનિક સંશોધનો છે. 1803માં અવકાશમાંથી આવતી ઉલ્કાઓનું રાસાયણિક પૃથક્કરણ કર્યું. 23 ઑગસ્ટ 1804ના વિખ્યાત ફ્રેંચ રસાયણશાસ્ત્રી જે. એલ. ગે-લ્યુસાક (1778–1850) સાથે પ્રથમ વાર વૈજ્ઞાનિક પરીક્ષણો માટે બલૂનમાં 5 કિમી. સુધી ઉડ્ડયન કરીને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર તથા હવામાનશાસ્ત્રનો જુદી જુદી ઊંચાઈ સુધી અભ્યાસ કર્યો. 1806માં ફ્રેંચ ભૌતિકશાસ્ત્રી દોમિનિક ફ્રાન્સવા ઝ્યાઁ આરાગૉ (1786–1853) સાથે સ્પેન જઈને રેખાંશ(મેરિડિયન)નો ચોથો ભાગ માપ્યો, જેથી તેના આધારે લંબાઈનો એકમ મીટર પ્રમાણભૂત કરી શકાય. કેટલાક વાયુઓનો વક્રીભવનાંક શોધ્યો. પ્રકાશના ચક્રીય ધ્રુવીભવન(rotary polarization)ની ઘટના શોધી અને સર્વપ્રથમ પોલારિસ્કોપ બનાવ્યું; જેના વડે 1835માં કોઈ પણ દ્રાવણમાં સાકરનું પ્રમાણ  કેટલું હોય છે, તે જાણી શકાયું. સ્કૉટિશ ભૌતિકશાસ્ત્રી સર ડેવિડ બ્રુસ્ટર(1781–1868)ના સહયોગમાં દ્વિ-અક્ષીય (biaxial) સ્ફટિકો શોધ્યા. 1820માં ફ્રેંચ ભૌતિકશાસ્ત્રી ફેલિક્સ સાવારની (1791–1841) સાથે વાહકતારમાં વીજપ્રવાહ પસાર કરતાં ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રનો અભ્યાસ કર્યો (બીઓ અને સાવારનો નિયમ) અને શોધી કાઢ્યું કે એક તારમાંથી પસાર થતા વીજપ્રવાહને લીધે ઉદભવતા ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા તારથી અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. પાણીની સંતૃપ્ત બાષ્પના દબાણ તથા ઉષ્માવાહકતા ઉપરથી ઉષ્મા-વહન(heat flow)ના નિયમો તારવ્યા.

ઝ્યાઁ બીઓએ ફ્રેંચ ભાષામાં અનેક વૈજ્ઞાનિક પુસ્તકો લખ્યાં છે. 1802માં ‘એસે દ જ્યૉમેત્રી એનાલીતિક’, 1805માં ‘ત્રેતે એલેમોન્તેર દ’સ્ત્રોનૉમિક ફીઝિક’ ત્રણ ખંડોમાં, 1816માં ‘ત્રેતે દ ફીઝિક એક્સપેરિમોન્તાલ મૅતેમૅતિક’ ચાર ખંડોમાં, 1858માં ‘મેલાંઝ સ્યાંતિ એ લિતેરેર’ના ત્રણ ખંડો મુખ્ય છે. તેમના નામ ઉપરથી એક પ્રકારના ખનિજને બીઓટાઇટ (બાયોટાઇટ) તરીકે ઓળખવામાં આવે છે.

મિહિર જોશી