બીઓડી (BOD – biological oxygen demand)

January, 2000

બીઓડી (BOD – biological oxygen demand) : જૈવરાસાયણિક પ્રાણવાયુ-જરૂરિયાત એટલે પ્રદૂષિત પાણીમાં આવેલાં કાર્બનિક સંયોજનોનું સૂક્ષ્મજીવો દ્વારા વિઘટન કરતાં તેમના દ્વારા જે પ્રાણવાયુ વપરાતો હોય તેનો આંક. આ માહિતીના આધારે પ્રદૂષિત પાણીનો ઉપચાર કરવો સરળ બને છે.

BODને માપવા એક લિટર પ્રદૂષિત પાણીમાં જેના પ્રાણવાયુનું પ્રમાણ જ્ઞાત હોય તેવું પાણી ઉમેરી તેને મંદ કરવામાં આવે છે. આ મિશ્રિત પાણીને 20° સે. તાપમાને ઇન્ક્યુબેટરમાં 5 દિવસ સુધી મૂકવામાં આવે છે. આ ગાળા દરમિયાન સૂક્ષ્મજીવો વડે કેટલો પ્રાણવાયુ વપરાયો તે જાણવા શેષ પ્રાણવાયુનું વજન મિ.ગ્રામમાં કરવામાં આવે છે. આમ કરવાથી BODનો ખ્યાલ આવે છે.

મળમૂત્ર, તેમજ જૈવરાસાયણિક પદાર્થો પાણીમાં ભળવાથી, આવા પદાર્થોના વિઘટનથી પાણી ગંદું બને છે. ઘરવપરાશમાં વપરાયેલ પાણી ઉપરાંત જૈવરાસાયણિક એકમોમાં ખાસ કરીને ચર્મોદ્યોગ, ખાંડ-ઉદ્યોગ, આલ્કોહૉલ-ઉદ્યોગ અને ફાર્માસ્યૂટિકલ ઉદ્યોગ જેવા ઔદ્યોગિક એકમોમાં વપરાયેલ પાણી ગંદું હોય છે. તેનો શુદ્ધીકરણ-ઉપચાર કર્યા વગર જો એ પાણીને તળાવ, સરોવર, નદી કે દરિયામાં છોડવામાં આવે તો તે જળાશયોમાં વસતા સજીવો માટે તે ખતરનાક અને ઘણી વાર જીવલેણ નીવડે છે. તેથી BOD કસોટી વડે આ પાણીની ચકાસણી કરી તેની શુદ્ધિ કરવી અનિવાર્ય બને છે.

હોસંગ ફરામરોજ મોગલ