બિહાર

ભારતના પૂર્વ ભાગમાં આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે આશરે 22° 0´થી 27° 30´ ઉ. અ. અને 83° 20´થી 88° 17´ પૂ. રે. વચ્ચેનો વિસ્તાર આવરી લે છે. તેનું કુલ ક્ષેત્રફળ 1,73,877 ચોકિમી. જેટલું છે. રાજ્યની ઉત્તર-દક્ષિણ લંબાઈ આશરે 600 કિમી. અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ 480 કિમી. જેટલી છે. હિમાલય પર્વતમાળા સુધી લંબાયેલી તેની ઉત્તર સીમા નેપાળને સ્પર્શે છે, જ્યારે તેની પૂર્વમાં પશ્ચિમ બંગાળ, દક્ષિણે ઓરિસા તથા પશ્ચિમ તરફ મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશની સીમાઓ આવેલી છે. આ રાજ્યને દરિયાકાંઠો મળ્યો નથી, તેથી તે સંપૂર્ણપણે બધી બાજુએ ભૂમિપ્રદેશોથી ઘેરાયેલું છે.

પ્રાચીન સમયમાં ‘મગધ’ નામે ઓળખાતો આ પ્રદેશ ભારતવર્ષમાં મહાન રાજકીય સત્તાનું તથા ભારતીય સંસ્કૃતિનું મહત્વનું કેન્દ્ર હતો. ત્યારે અહીં ઠેર ઠેર ‘બૌદ્ધ વિહારો’ જોવા મળતા હતા, તેથી આ રાજ્યનું ‘બિહાર’ નામ સંસ્કૃત શબ્દ ‘વિહાર’ (બૌદ્ધ મઠ) પરથી ઊતરી આવેલું છે, જે ત્યારપછીથી પ્રચલિત બનેલું છે અને આ પ્રદેશની પ્રાચીન પરંપરા અને ભવ્ય વારસાને પ્રતિબિંબિત કરે છે. આજે આ રાજ્ય કુલ 55 જિલ્લાઓમાં વહેંચાયેલું છે. તાજેતરનાં વર્ષોમાં દક્ષિણના કેટલાક વિભાગને અલગ કરી ‘વનાંચલ’ નામના નવા રાજ્યની રચના કરવાનાં ચક્રો ગતિમાન છે.

પ્રાકૃતિક રચના અને જળપરિવાહ : ભૂપૃષ્ઠરચનાના સંદર્ભમાં આ રાજ્યને મુખ્ય બે વિભાગોમાં વહેંચી શકાય : (1) ઉત્તરનું ગંગા નદીનું થાળું : રાજ્યનો ઉત્તર તરફનો આશરે અર્ધો ભાગ મેદાનોનો બનેલો છે. તેમાં ગંગા નદી તેના થાળામાં પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે. સમુદ્ર-સપાટીથી સરેરાશ 75 મીટરની ઊંચાઈ ધરાવતાં આ મેદાનો ગંગા તેમજ તેની શાખાનદીઓ દ્વારા વહન પામેલા કાંપ, રેતી, માટી વગેરે નિક્ષેપોથી રચાયેલાં છે. ગંગા નદીના વહેણની ઉત્તર અને દક્ષિણ બંને બાજુએ આ ફળદ્રૂપ મેદાની વિસ્તાર પથરાયેલો છે, જે ખરા અર્થમાં બિહારની સંસ્કૃતિને રજૂ કરે છે.

ઉત્તરમાં ‘નેપાલ હિમાલય’ની ગિરિમાળાના ઊંચા ભાગોમાંથી ઘાઘરા, ગંડક, કમલા, કારેહા, કોસી, મહાનંદા, બાગમતી જેવી નદીઓ નીકળે છે, દક્ષિણ તરફ વહે છે અને ગંગા નદીને મળે છે. આ બધી જ નદીઓ આપત્તિજનક પૂરની શક્યતાઓવાળી છે. કોસી તેનાં વિનાશક પૂરને કારણે હમણાં સુધી ‘બિહારની દિલગીરી’ તરીકે ઓળખાતી હતી, પણ ભારત-નેપાળ સીમા પર આ નદી પર બંધ બંધાતાં હવે પૂરથી થતા વિનાશક નુકસાન પર નિયંત્રણ મેળવી શકાયું છે.

આ મેદાની પ્રદેશ ભૂકંપને ગ્રાહ્ય ગણાય છે. હિમાલય તળેટીના ભૂકંપને પાત્ર ગણાતા આ પ્રદેશમાં 1934 અને 1988ના વિનાશકારી ભૂકંપોએ વ્યાપક ખુવારી કરી મૂકેલી.

દર વર્ષે નદીઓ દ્વારા નવો કાંપ ઉમેરાતો જતો હોવાથી તે ખૂબ ફળદ્રૂપ છે. તે રેતી અને કાંપની મિશ્ર કણરચના ધરાવે છે, પશ્ચિમ તરફ તેમાં ચૂનાયુક્ત કંકરનું પ્રમાણ વિશેષ છે. પૂર્વ તરફ જતાં તે ઘટતું જઈને નહિવત્ બની રહે છે.

ગંગા નદીના પટથી દક્ષિણ તરફ આવેલાં જૂના કાંપનાં સમતલ મેદાનો વધુ વૈવિધ્યપૂર્ણ છે. તે ઘેરા રંગની માટીથી કે પીળાશ પડતા કાંપથી બનેલાં છે. આ મેદાનોની વચ્ચે વચ્ચે ક્યાંક ક્યાંક ટેકરીઓ પણ જોવા મળે છે. દક્ષિણ દિશા તરફથી આવતી અને ગંગાને મળતી અનેક નદીઓ પૈકી શોણ મહત્વની છે. આ બધી નદીઓનાં જળ સિંચાઈમાં ઉપયોગી બની રહે છે.

બિહાર

(2) છોટા નાગપુરનો ઉચ્ચપ્રદેશ : ગંગા નદીના થાળાની દક્ષિણે આવેલો સ્ફટિકમય ખડકો(ગ્રૅનાઇટ)થી બનેલો આ ઉચ્ચપ્રદેશ રાજ્યના બાકીના આશરે અર્ધા ભાગને આવરી લે છે. વાસ્તવમાં તે નાના નાના શ્રેણીબદ્ધ ઉચ્ચપ્રદેશો, ટેકરીઓ અને ખીણોથી બનેલો છે. અહીંથી મુખ્યત્વે દામોદર, સુવર્ણરેખા, બ્રાહ્મણી તેમજ બીજી અનેક નદીઓ નીકળે છે અને અગ્નિ દિશા તરફ વહે છે. અહીં આવેલા રાંચી (600 મીટર) અને હઝારીબાગના ઉચ્ચપ્રદેશો (સ્થાનભેદે 800થી 1,200 મીટર) સરેરાશ 915 મીટરની ઊંચાઈ ધરાવે છે. આ બંને ઉચ્ચપ્રદેશોને અલગ પાડતી દામોદર નદી તેના સ્તરભંગનિર્મિત થાળામાં થઈને વહે છે. દામોદર નદીથાળાથી પશ્ચિમ તરફ બીજા ઘણા ઉચ્ચપ્રદેશો આવેલા છે. તેમની સરેરાશ ઊંચાઈ 900 મીટરની છે. લાંબા ગાળાની ઘસારા-ખવાણ-ધોવાણની ક્રિયા હેઠળ તે બધા સપાટ શિરોભાગવાળા બની રહેલા છે. સ્થાનિક ભાષામાં આ ઉચ્ચપ્રદેશો ‘પટ’ ((pats = પઠાર) તરીકે ઓળખાય છે. ગ્રૅનાઇટ ખડકોથી બનેલું, 1,365 મીટરની ઊંચાઈ ધરાવતું, પારસનાથનું શંકુઆકારનું શિખર રાજ્યનું સૌથી ઊંચું સ્થળ ગણાય છે. તે ભારતભરના જૈનો તથા સંથાલ આદિવાસીઓ માટે અતિ પવિત્ર ધાર્મિક સ્થળ મનાય છે. શોણ નદીને પેલે પાર વાયવ્યમાં કૈમુરનો ઉચ્ચપ્રદેશ આવેલો છે. તે નીચે સમક્ષિતિજ રેતીખડકો અને ઉપર ચૂનાખડકોથી બનેલો છે.

જે વિશ્વવંદ્ય વિભૂતિને બિહારે જન્મ આપ્યો તે ભગવાન ગૌતમ બુદ્ધની બોધિગયા ખાતેની અંદાજે 24.2 મીટર (80 ફૂટ) ઊંચી વિરાટ પ્રતિમા

આબોહવા : ભારતની જેમ જ બિહાર રાજ્યની આબોહવા મોસમી પ્રકારની છે. કર્કવૃત્ત બરોબર તેના દક્ષિણ-મધ્ય ભાગમાંથી પસાર થાય છે. અહીં ક્રમશ: માર્ચથી મધ્ય જૂન સુધી ઉનાળો, મધ્ય જૂનથી ઑક્ટોબર સુધી ચોમાસું અને નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શિયાળો – એ પ્રમાણેનું ઋતુચક્ર રહે છે. મેદાનોમાં જાન્યુઆરી અને મે માસનું તાપમાન અનુક્રમે 24° સે. અને 32° સે.થી ઊંચું રહે છે, પરંતુ ક્યારેક 39° સે. સુધી પણ જાય છે; પરંતુ હઝારીબાગ ઉચ્ચપ્રદેશનું તાપમાન નીચું રહે છે. ઉત્તર તરફના મેદાની પ્રદેશનું સરેરાશ લઘુતમ તાપમાન શિયાળામાં 11° સે. સુધીનું, પરંતુ જૂનથી ઑગસ્ટ દરમિયાન વધીને 27° સે. સુધી જાય છે. ઉચ્ચપ્રદેશો પર તાપમાન નીચું રહેતું હોવાથી, ભૂતકાળમાં ઉચ્ચપ્રદેશ પર આવેલા રાંચીને ઉનાળાના પાટનગર તરીકે ઉપયોગમાં લીધું હોવાની નોંધ મળે છે.

આ રાજ્યનો વર્ષનો મોટાભાગનો વરસાદ જૂનથી સપ્ટેમ્બર-ઑક્ટોબર સમયગાળામાં પડી જાય છે. રાજ્યનો સરેરાશ વરસાદ 1,100 મિમી. જેટલો ગણાય છે. રાજ્યના ઉત્તર અને પશ્ચિમ ભાગો વાર્ષિક આશરે 1,524 મિમી., ઉચ્ચપ્રદેશો આશરે 1,270 મિમી. તથા અન્ય મેદાની વિસ્તારો 1,016 મિમી. જેટલો વરસાદ મેળવે છે. નવેમ્બર-ડિસેમ્બરમાં ક્યારેક માત્ર 8 મિમી. જેટલો વરસાદ પડી જાય છે. શિયાળાની ઋતુ અહીં ખુશનુમા રહે છે.

વનસ્પતિજીવન : અહીંનાં જંગલો પાનખર પ્રકારનાં છે. મોટાભાગનાં જંગલો હિમાલયની તળેટીમાં તથા છોટા નાગપુરના ઉચ્ચપ્રદેશમાં આવેલાં છે. આ જંગલો સાલ વૃક્ષોથી સમૃદ્ધ છે. તે ઉપરાંત સીસમ, સાગ, વાંસ, તાડ, ખજૂરી, શીમળો, ખેર, જાંબુ, મહુડો, ખાખરો અને બીજાં અનેક પ્રકારનાં વૃક્ષો; વિવિધ પ્રકારના ક્ષુપો; બરછટ ઘાસ; બરુ અને વેલાઓ અહીં પુષ્કળ પ્રમાણમાં છે. ઇમારતી અને ઇંધન માટેનાં લાકડાં ઉપરાંત રાળ, ગુંદર, લાખ, મધ, મીણ, ફળફૂલો, પાન, ઘાસ વગેરે તેની અગત્યની જંગલપેદાશો છે. વળી આસન (Terminallia tomentosa) વૃક્ષોનાં પાન પર રેશમના કીડાનો ઉછેર કરવામાં આવે છે. એ જ રીતે સવાઈ ઘાસ અને વાંસનો ઉપયોગ કાગળ બનાવવા માટે થાય છે. વડલો-પીપળો રાજ્યમાં સામાન્યપણે જોવા મળતાં વૃક્ષો છે.

પ્રાણીજીવન : જંગલોના અંતરિયાળ ભાગોમાં વાઘ, ચિત્તા, હાથી, રીંછ, હરણ, સાબર, કાળિયાર, વરુ, ઝરખ, શિયાળ જેવાં પ્રાણીઓ વસે છે. વળી આ જંગલો બીજાં અસંખ્ય પ્રકારનાં નાનાંમોટાં પ્રાણીઓ, પક્ષીઓ, સરીસૃપો, માછલીઓ વગેરેથી પણ ભરપૂર છે. ‘હઝારીબાગ વન્યપ્રાણી અભયારણ્ય’ તેના ‘બંગાળ વાઘ’ માટે જાણીતું છે. આ સિવાય બેટલા(Betla)માં પાલામાઉ રાષ્ટ્રીય ઉદ્યાન તથા રાજગીરમાં વન્ય પ્રાણી અભયારણ્ય આવેલાં છે.

ખેતી-પશુપાલન : રાજ્યની લગભગ 50 % ભૂમિ ખેતી હેઠળ છે અને વસ્તીના 75 % લોકો અહીં ખેતીમાં રોકાયેલા છે. ખેડૂતોને કોસી, તિલૈયા, મયૂરાક્ષી, કોણાર વગેરે જેવી બહુહેતુક પરિયોજનાઓ તેમજ અન્ય નાની સિંચાઈ-યોજનાઓનો લાભ મળી રહે છે. રાજ્યમાં ભેજવાળી તથા શુષ્ક આબોહવામાં થતા પાકો ઉગાડવામાં આવે છે. વર્ષમાં વધુમાં વધુ ત્રણ પાક લઈ શકાય છે. ડાંગર એ અહીંનો વ્યાપક પ્રમાણમાં ઉગાડવામાં આવતો ધાન્યપાક છે. અન્ય પાકોમાં ઘઉં, જવ, મકાઈ, ચણા અને અન્ય કઠોળ, શણ, શેરડી, તેલીબિયાં, તમાકુ, વિવિધ ફળો તથા શાકભાજી વગેરેનો સમાવેશ થાય છે. પૂર્વ તરફના ગરમ, ભેજવાળાં ફળદ્રૂપ મેદાનોમાં શણ તથા વાયવ્ય ભાગના નિશ્ચિત પટ્ટામાં શેરડીની સારી ઊપજ લેવાય છે. મુઝફ્ફરપુર અને દરભંગા કેરી, કેળાં અને લીચી જેવાં ફળો માટે, બિહાર શરીફ તેના બટાટા માટે અને ગંગાકાંઠો તેના મરચાંના પાક માટે જાણીતા બનેલા છે. ખેતીની સાથે ખેડૂતો ગાય, ભેંસ જેવાં દુધાળાં ઢોરની પશુપાલન પ્રવૃત્તિ પણ કરે છે. સૂકા પૂળા, ઘઉંનું પરાળ તથા ધાન્ય-છોતરાં પશુખોરાકમાં ઉપયોગી બને છે. ઉપરાંત પશુઓના ઘાસચારા માટે જરૂરી પાકોનું વાવેતર પણ થાય છે.

ઊર્જા સંસાધનો-ખનિજસંપત્તિ : કોલસો એ ખાસ કરીને અહીંના લોખંડ-પોલાદ-ઉદ્યોગમાં તથા તાપવિદ્યુતના ઉત્પાદનમાં જરૂરી ઊર્જા-સંસાધન બની રહેલો છે. અહીંનાં દામોદર ખીણનાં કોલસાક્ષેત્રો રાષ્ટ્રની કોકિંગ કોલસાની જરૂરિયાત પૂરી પાડે છે. રાજ્યમાં ઘણાં તાપ અને જળવિદ્યુત-મથકો સ્થાપવામાં આવેલાં છે. આ પૈકી તિલૈયા, મૈથોન, કોણાર અને પંચેત હિલ ખાતેના ચાર શ્રેણીબદ્ધ જળવિદ્યુત બંધોની તેમજ બોકારો, ચંદ્રપુરા, દુર્ગાપુર તથા અન્ય તાપવિદ્યુત-મથકોની કામગીરી દામોદર ખીણ કૉર્પોરેશન  (DVC) સંભાળે છે. વધુમાં પત્રાતુ, બરૌની તથા મુઝફ્ફરપુર ખાતે આવેલાં તાપવિદ્યુતમથકો તેમજ સુવર્ણરેખા અને કોસી પરનાં તાપવિદ્યુતમથકોનાં વિદ્યુત ઉત્પાદન અને વિતરણનું કાર્ય બિહાર રાજ્ય વિદ્યુત બૉર્ડ સંભાળે છે.

છોટા નાગપુરના ઉચ્ચપ્રદેશના અતિપ્રાચીન ખડકોમાંથી વિવિધ પ્રકારની ખનિજસંપત્તિ મળે છે. અહીંથી લોખંડ, તાંબું, મૅંગેનીઝ, ક્રોમાઇટ, યુરેનિયમ, બૉક્સાઇટ, ગ્રૅફાઇટ, અબરખ, ચિનાઈ માટી, અગ્નિજિત માટી, ચૂનાખડક, કાયનાઇટ (ઉષ્ણતા-અવરોધી ગુણધર્મ-ધારક ઍલ્યુમિનો-સિલિકેટ), ઍપેટાઇટ, પાયરાઇટ વગેરે ખનિજોનું ખનન થાય છે. સિંગભૂમનાં લોહખનિજોનું ક્ષેત્ર તો છેક ઓરિસા સુધી વિસ્તરેલું છે. તે ઉત્કૃષ્ટ કક્ષાના હીમેટાઇટથી સમૃદ્ધ છે. બિહાર રાજ્યમાં કોલસાના પણ ઘણા મોટા ભંડારો આવેલા છે અને તેનું ઉત્ખનન પણ થાય છે. ભારત તેમજ દુનિયાભરમાં બિહાર અબરખના ઉત્પાદનમાં મોખરે છે.

બોધિગયા ખાતેનું બૌદ્ધ મંદિર

ઉદ્યોગો : ખેતી, પશુઓ, જંગલપેદાશો અને ખનિજ-પેદાશો ઉદ્યોગો માટેનો જરૂરી કાચો માલ પૂરો પાડે છે. રાજ્ય સરકાર સંચાલિત ઔદ્યોગિક વિકાસ નિગમોએ સંખ્યાબંધ ઔદ્યોગિક સંકુલો સ્થાપ્યાં છે. ગૃહોપયોગી ચીજોને લગતા ઉદ્યોગોમાંથી મોટાભાગના શ્રમિકો રોજી મેળવે છે. બાકીના લોકો લોહ-પોલાદ તથા અન્ય ધાતુ-અધાતુ આધારિત ઉદ્યોગો તથા ખાદ્ય ચીજોને લગતા ઉદ્યોગોમાં કામ કરે છે. મુખ્યત્વે જમશેદપુર, બોકારો અને રાંચી ખાતે ભારતનાં સૌથી મોટાં ઔદ્યોગિક સંકુલો આવેલાં છે. પ્રાદેશિક ઔદ્યોગિક વિતરણના સંદર્ભમાં જોતાં સિંગભૂમ અને ધનબાદ, આ બે જિલ્લાઓમાં ઉદ્યોગોનું વિશેષ કેન્દ્રીકરણ થયેલું છે. આ સિવાય આ રાજ્યમાં આર્થિક ર્દષ્ટિએ વિકસિત પ્રદેશો અન્યત્ર પણ આવેલા છે. જમશેદપુર, એ લોખંડ-પોલાદ ઉદ્યોગનું સૌથી મોટું કેન્દ્ર છે; એટલું જ નહિ, તેની સાથે સાથે બીજા અનેક પ્રકારના ઇજનેરી તથા આનુષંગિક ઉદ્યોગોનો પણ વિકાસ થયો છે. ઘાટશિલા પાસે તાંબા-ગાળણ સંકુલ આવેલું છે, જ્યારે ચાઇબાસા ખાતે સિમેન્ટનું તથા કાન્દ્રા ખાતે પટ-કાચનું ઉત્પાદન થાય છે. અન્ય ઔદ્યોગિક કેન્દ્રોમાં ચિત્તરંજન (રેલ-એન્જિન), ચન્ડિલ (સ્પૉન્જ લોખંડ), રાંચી (ભારે યંત્રસામગ્રી), દાલમિયાનગર (કાગળ, સિમેન્ટ, રસાયણો વગેરે), બરૌની (પેટ્રોરસાયણો), પટણા (હળવા ઉદ્યોગો), પત્રાતુ અને આદિત્યપુર (લોહ-પોલાદ મિશ્રધાતુ ઉદ્યોગો), કોડર્મા (અબરખ-ઉદ્યોગ) અને હાજીપુર (ટી.વી.સેટ, દવાઓ) વગેરેનો સમાવેશ થાય છે.

આ રાજ્યમાં નાના પાયા પરના પરંપરાગત કુટિર-ઉદ્યોગોની પેદાશો ઘણી લોકપ્રિય છે. તે પૈકી રેશમ-ઉદ્યોગ, લાખ તથા કાચકામ, હાથવણાટની પેદાશો, પિત્તળનો સરસામાન, ચિનાઈ માટીનાં વાસણો તથા હસ્તકૌશલ્યની બીજી અનેક ચીજોનું ઉત્પાદન થાય છે. વળી પૌરાણિક કથાવસ્તુને કાપડ પર આબેહૂબ રેખાંકિત કરવાની કલા તેમજ કાપડ પરનું મધુબની ચિત્રકામ હવે વિદેશી મુદ્રા કમાવી આપતી ચીજ–કળાઓમાં સ્થાન પામ્યાં છે.

પરિવહન-પ્રવાસન : આ રાજ્યમાં વર્ષોથી નદીઓના જળમાર્ગોનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થતો આવ્યો છે, પણ હવે તેનું મહત્વ થોડુંક ઘટી ગયું છે. અહીં આશરે 84,805 કિમી.ની લંબાઈના સડકમાર્ગો આવેલા છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ રાજ્યનાં કેટલાંક સ્થળોનો ઉપયોગ થયેલો તેથી ત્યાં તે સમયથી સારા સડકમાર્ગો બાંધવામાં આવેલા છે. આજે આ પ્રદેશની સડક-પરિવહન-સેવાઓ સર્વોત્તમ કક્ષાની ગણાય છે. રાજ્યનાં અગત્યનાં ગામો અને શહેરોને અહીંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરી માર્ગો દેશનાં મહત્વનાં શહેરો તેમજ ભાગો સાથે સાંકળે છે. આમ સડકમાર્ગો અહીંના જનજીવનને ધબકતું રાખે છે.

આ રાજ્યમાં રેલમાર્ગોની પણ સારી જાળ પથરાયેલી છે. તેનાં મુખ્ય નગરોને રેલસુવિધા મળેલી છે. 1864માં શરૂ કરવામાં આવેલો દિલ્હી–કલકત્તા રેલમાર્ગ આ રાજ્યમાં થઈને પસાર થાય છે. મુઝફ્ફરપુર–સમસ્તીપુર–બરૌની–કટિહાર તથા મુઝફ્ફરપુર થી ચાપરા રેલમાર્ગોને બ્રૉડગેજમાં ફેરવવામાં આવ્યા છે. રાજ્યમાં પટણા, ધનબાદ, ગયા, બરૌની, મુઝફ્ફરપુર, કટિહાર, સમસ્તીપુર જેવાં અગત્યનાં રેલજંકશનો છે. પટણા, રાંચી, જમશેદપુર અને ગયામાં હવાઈ મથકોની સગવડ છે. અહીંથી દેશનાં અગત્યનાં શહેરો તરફ નિયમિત રીતે નિયત આંતરિક હવાઈ સેવાઓ ચાલે છે.

આ રાજ્ય ઐતિહાસિક, ધાર્મિક અને સાંસ્કૃતિક વારસો ધરાવે છે. ખાસ કરીને જૈન અને બૌદ્ધ ધર્મનાં સ્થાનકો દેશ-વિદેશના યાત્રિકો માટે તેમજ પાટલીપુત્ર, નાલંદા, વૈશાલી વગેરેના અવશેષો ઇતિહાસ તથા સંસ્કૃતિના રસિકો અને અભ્યાસીઓ માટે આકર્ષણ પૂરું પાડે છે. અહીંનાં કેટલાંક ગિરિમથકો અને સૃષ્ટિસૌંદર્યની ર્દષ્ટિએ અગત્યનાં સ્થળો તેમજ અદ્યતન ઔદ્યોગિક નગરો પણ પ્રવાસન માટેની ભૂમિકા પૂરી પાડે છે. આ પૈકી ગયા (હિન્દુ યાત્રાધામ), બોધિગયા (બૌદ્ધ યાત્રાધામ), પટણા (પ્રાચીન પાટલીપુત્રના અવશેષો, ગોલઘર વગેરે), નાલંદા અને વિક્રમશીલ (બૌદ્ધ વિદ્યાપીઠોના અવશેષો), પાવાપુરી (જૈન યાત્રાધામ), ભીમબંધ (ગરમ પાણીના ઝરા), રાંચી (ગિરિમથક, મંદિરો, જળધોધ), બેટલા (પાલામાઉ રાષ્ટ્રીય ઉદ્યાન), હઝારીબાગ (વન્ય પ્રાણી અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન), વૈશાલી (જૈન-બૌદ્ધ યાત્રાધામ, અશોકસ્તંભ વગેરે), નેતરહાટ (ગિરિમથક, જળધોધ વગેરે), રાજગીર (જૈન-બૌદ્ધ યાત્રાધામ, ઝરા, જળધોધ, ગિરિમથક, વન્યપ્રાણી અભયારણ્ય), પારસનાથ (જૈન યાત્રાધામ તથા આદિવાસીઓનાં દેવસ્થાન), ટોપચાંચી (કુદરતી સૌંદર્ય વગેરે), જમશેદપુર તથા બોકારો (પોલાદનગર), સસારામ, માનેર, બરૌની, બારાગોન, તિલૈયા, ધનબાદ, ઘાટશિલા, ઝરિયા, કિસનગઢ, ચિત્તરંજન, દરભંગા, દાલમિયાનગર વગેરે અગત્યનાં છે.

ઉચ્ચ શિક્ષણ અને સંસ્કારના પ્રાચીન ભવ્ય ભૂતકાળની સ્મૃતિ સમાન નાલંદા વિદ્યાપીઠના અવશેષો

વસ્તી-વસાહતો : ભારતમાં  સૌથી વધુ વસ્તીવાળાં રાજ્યોમાં ઉત્તર પ્રદેશ પછી બિહાર બીજા ક્રમે આવે છે. 1991 મુજબ આ રાજ્યની કુલ વસ્તી 8,63,74,465 જેટલી છે. સમગ્ર રાજ્યમાં સરેરાશ વસ્તી-ગીચતાનું પ્રમાણ દર ચોકિમી. 497 વ્યક્તિઓનું છે. રાજ્યની આશરે 75 % વસ્તી ઉત્તરનાં મેદાનોમાં કેન્દ્રિત થયેલી છે. દક્ષિણે આવેલા છોટા નાગપુરના ઉચ્ચપ્રદેશ તરફ જતાં વસ્તીવિતરણ અને ગીચતાનું પ્રમાણ ઘટતું જાય છે. રાજ્યના ઔદ્યોગિક પ્રદેશો, ખાણો તથા નદીખીણોમાં વધુ વસ્તી જોવા મળે છે.

રાજ્યની આશરે 13 % વસ્તી શહેરી અને 87 % વસ્તી ગ્રામીણ છે. મેદાનો સુસંબદ્ધ અથવા તો ઝૂમખાકાર, જ્યારે ઉચ્ચપ્રદેશો છૂટીછવાઈ ગ્રામ્ય-વસાહતો ધરાવે છે. છોટા નાગપુરના ઉચ્ચપ્રદેશમાં આવેલા રાંચી, સિંગભૂમ અને સંથાલ પરગણું – આ ત્રણ જિલ્લાઓમાં રાજ્યની આશરે 80 % આદિવાસી વસ્તી આવેલી છે. અહીં સંથાલ, ઓરોં, મુંડા, હો, ખારિયા વગેરે મુખ્ય આદિવાસી કોમો છે.

બિહારના 83 % લોકો હિન્દુ તથા 14 % લોકો ઇસ્લામ ધર્મ પાળે છે. મોટાભાગની મુસ્લિમ વસ્તી ઉત્તર બિહારમાં વસે છે. મોટાભાગના આદિવાસીઓ હિન્દુ ધર્મ પાળે છે, થોડાક લોકો ખ્રિસ્તી જ્યારે થોડાક જીવધર્મ(પ્રકૃતિધર્મ)નું અનુસરણ કરે છે. રાજ્યમાં મુખ્યત્વે હિન્દી અને ઉર્દૂ (મુસ્લિમોની ભાષા) જેવી ભાષાઓનો ઉપયોગ થાય છે. વળી ભોજપુર, રોહતાસ, સારણ તેમજ પૂર્વ અને પશ્ચિમ ચંપારણ્ય જેવા જિલ્લાઓમાં ભોજપુરી, દરભંગા, સહર્સા જિલ્લાઓમાં મૈથિલી; પટણા, ગયા, મોંઘીરમાં માગધી ભાષા અને બોલીઓ બોલાય છે. દક્ષિણ તરફ વસતાં આદિવાસી જૂથો મુંદારી, સંથાલી, હો, ઓરોં વગેરે ભાષા અને બોલીઓનો ઉપયોગ કરે છે.

સમગ્ર રાજ્યમાં શિક્ષણનું પ્રમાણ 38.54 % (1991) જેટલું છે; તેમાં પણ સ્ત્રીઓનું શિક્ષણપ્રમાણ તો ઘણું નીચું (23 %) છે. પટણા, રાંચી, દરભંગા, ભાગલપુર, મુઝફ્ફરપુર, બોધિગયા, નાલંદા, મેસરા અને પુસામાં વિશ્વવિદ્યાલયો છે, તેમજ સંખ્યાબંધ યુનિવર્સિટી સંલગ્ન કૉલેજો છે. વળી પટણા, રાંચી, દરભંગા, જમશેદપુર, ભાગલપુર વગેરે ખાતે મોટી હૉસ્પિટલો તથા મેડિકલ-તબીબી કૉલેજો આવેલી છે.

આ રાજ્યનાં અગત્યનાં નગરોમાં પાટનગર પટણા [10,98,572  : (1991)], જમશેદપુર (8,34,535), ધનબાદ (8,17,549), રાંચી (6,14,454), બોકારો (4,15,686), ગયા (2,93,971), ભાગલપુર (2,54,993), મુઝફ્ફરપુર (2,40,450), દરભંગા (2,18,274), બિહાર શરીફ (2,00,976) વગેરેનો સમાવેશ થાય છે.

ઇતિહાસ : બિહારનો ઇતિહાસ અતિપ્રાચીન હોવા છતાં ભવ્ય અને ભાતીગળ રહ્યો છે. એક વખતના ‘મગધ’ નામથી ઓળખાતા આ પ્રદેશે પ્રશાસન, ધર્મ, તત્વજ્ઞાન, સ્થાપત્ય, શિક્ષણ અને સાહિત્યમાં આગવું સ્થાન હાંસલ કર્યું હતું. વળી તે બૌદ્ધ તથા જૈન ધર્મોની

તાતા આયર્ન ઍન્ડ સ્ટીલ કંપનીનું લોખંડનું કારખાનું, જમશેદપુર

પ્રવૃત્તિઓનું મુખ્ય કેન્દ્ર બન્યું હતું. આ બંને ધર્મો અહીં વિકસ્યા અને તેમનો અન્યત્ર તેમજ ભારતભરમાં ફેલાવો પણ થયો. બુદ્ધના સમય પછી નાલંદા, બૌદ્ધ મતનું અભ્યાસકેન્દ્ર અને તે પછી વિશ્વવિદ્યાલય બનેલું. ત્યાં અભ્યાસ કરી નિપુણ બનવા માટે ચીન, તિબેટ, કોરિયાથી વિદ્યાર્થીઓ આવતા. વિદ્વાનોથી તે ભરચક રહેતું. આજે આ નાલંદા વિશ્વવિદ્યાલયના અવશેષો ખોદી કાઢવામાં આવ્યા છે અને ત્યાં સંગ્રહાલય પણ ઊભું કરવામાં આવ્યું છે.

ઈ.સ. પૂર્વેના સમયથી અને તે પછી પાટલીપુત્ર (આજનું પટણા) નામના નગરે આખાય ભારતવર્ષના પાટનગર તરીકેની મહત્વની ભૂમિકા ભજવી હતી. ચંદ્રગુપ્ત અને અશોક જેવા મૌર્ય વંશના મહાપ્રતાપી સમ્રાટોએ તે વખતે વિશ્વભરમાં ભારતવર્ષની કીર્તિનો ફેલાવો કરેલો. સમ્રાટ અશોકના મૃત્યુ પછી એ ફેલાવામાં ઓટ આવી. આમ છતાં ગુપ્ત વંશના સમ્રાટો – ચંદ્રગુપ્ત બીજો, સમુદ્રગુપ્ત, સ્કંદગુપ્ત વગેરેના સમયમાં આ પ્રદેશે અગાઉ ગુમાવેલી ભવ્યતા અને કીર્તિ પાછાં મેળવેલાં. ત્યારપછી કુશાણ વંશના શાસકોએ અહીં રાજ્ય કરેલું.

મધ્યયુગમાં આ પ્રદેશ દિલ્હીના મુસ્લિમ સુલતાનોના શાસન તળે આવ્યો. શેરશાહ સૂરીએ આ પ્રદેશમાં સડકમાર્ગો બંધાવ્યા અને પ્રાચીન પાટલીપુત્ર નગરની નજીકમાં જ પટણા શહેરની સ્થાપના કરી. મોગલોના સમયમાં અહીંની પ્રજાએ સુખ-શાંતિનો અનુભવ કરેલો. મોગલ સામ્રાજ્યની પડતી પછી આ પ્રદેશ બંગાળના નવાબોના હાથમાં આવ્યો. 1757માં પ્લાસીનું યુદ્ધ થતાં અહીં અગ્રેજોની પકડ મજબૂત બનતી ગઈ. 1911 સુધી બિહાર એ બંગાળના ઇલાકાનો એક ભાગ હતું. 12 ડિસેમ્બર 1911ના રોજ બિહાર અને ઓરિસાના વિસ્તારને આવરી લેતો એક અલગ પ્રાંત રચવામાં આવ્યો. 1936માં ઓરિસા જુદું પડતાં બિહારનો પ્રાંત અલગ થયો. એકબે નાના ભાગોની ફેરબદલીને બાદ કરતાં બિહાર ત્યારથી એના વિસ્તારની ર્દષ્ટિએ અકબંધ રહ્યું છે. સ્વાતંત્ર્ય પછી ભારતમાં રાજ્યોની પુનર્રચના થતાં આજનું બિહાર રાજ્ય અસ્તિત્વમાં આવેલું છે.

સત્યાગ્રહનો પ્રારંભ વાસ્તવમાં તો દક્ષિણ આફ્રિકામાં થઈ ચૂક્યો હતો, પરંતુ 1917માં ગાંધીજી બિહારમાં આવ્યા ત્યારે તેમણે ગળી ઉગાડતા ખેડૂતોને અંગ્રેજો દ્વારા થતા અન્યાય અને અત્યાચાર સામે સવિનય કાનૂનભંગ લડત લડવાનો સફળ પ્રયોગ આ રાજ્યમાં કર્યો. આમ અહીંથી આઝાદીના આંદોલનમાં એક મજબૂત કડીનો ઉમેરો થયો. ત્યારપછી તો બિહારે સ્વતંત્રતાની લડતમાં ઘણો ફાળો આપ્યો. ‘હિન્દ છોડો’ આંદોલનમાં અહીંના અનેક યુવાનોએ ભોગ આપ્યા છે. ’42ની ચળવળમાં પટણા સચિવાલય પર ઝંડો ફરકાવવા જતાં શહીદ થયેલા યુવાનોની સ્મૃતિ બિહારના અને ભારતના ઇતિહાસને ચિરંતન અજવાળતી રહેશે.

બીજલ પરમાર