બિસ્માર્ક, ઑટો વૉન (જ. 1 એપ્રિલ 1815, શોનહોઝન, પ્રશિયા; અ. 30 જુલાઈ 1896, ફ્રેડરિશરૂહ, જર્મની) : પ્રશિયાના વડા પ્રધાન. જર્મન સામ્રાજ્યના સર્જક અને પ્રથમ ચાન્સેલર. તે પ્રશિયાના જમીનદારના પુત્ર હતા. તેમણે ગોટિંગન અને બર્લિન યુનિવર્સિટીમાં કાયદાનું શિક્ષણ લીધું. પછી પ્રશિયાના ન્યાયતંત્રમાં વહીવટદાર તરીકે જોડાયા; પરંતુ તેમાંથી રાજીનામું આપી 1847માં ત્યાંની ધારાસભા(Diet)ના સભ્ય બન્યા. પ્રશિયાના રાજાએ 1851માં ફ્રૅન્કફર્ટની ફેડરલ ધારાસભામાં તેમની નિમણૂક કરી ત્યારે તેઓ જાણીતા બન્યા. આ દરમિયાન યુરોપના રાજકારણનો તેમને વાસ્તવિક અનુભવ મળ્યો. 1859માં તેમને પ્રશિયાના એલચી તરીકે રશિયા તથા તે પછી 1862માં ફ્રાન્સ મોકલવામાં આવ્યા. એ જ વર્ષે સપ્ટેમ્બર 1862માં તેમને પ્રશિયાના વડાપ્રધાન બનાવવામાં આવ્યા ત્યારે તે અનુભવી રાજનીતિજ્ઞ અને મુત્સદ્દી બની ગયા હતા. તેમણે તે સમયના પ્રશ્ર્નોના નિર્ણયો ભાષણો અને ઠરાવો દ્વારા નહિ, પરંતુ રુધિર અને શસ્ત્રો દ્વારા (by blood and iron) કરવામાં આવશે એવી જાહેરાત કરી. તેમણે વર્તમાનપત્રો પર નિયંત્રણો મૂક્યાં અને વિરોધીઓને દબાવી દીધા. તે પછીના દાયકામાં ત્રણ યુદ્ધો દ્વારા તેમણે જર્મન રાજ્યોનું એકીકરણ કર્યું. 1864માં સ્લેસ્વિંગ હોલ્સ્ટીનના પ્રશ્ને ડેન્માર્ક સાથે, 1866માં ઑસ્ટ્રિયા સાથે અને 1870માં ફ્રાન્સ સાથેનાં યુદ્ધોમાં વિજય મેળવી તેમણે જર્મન સામ્રાજ્ય સ્થાપ્યું. આ યુદ્ધો અગાઉ મુત્સદ્દીગીરીથી તેમણે ઉપર્યુક્ત રાજ્યોને અલગ પાડી દીધાં હતાં. તેમણે આ યુદ્ધો દ્વારા જર્મન રાજ્યો એકત્રિત કરી જર્મન સંઘની રચના કરી. પ્રશિયાનો રાજા વિલિયમ પહેલો જર્મન સંઘનો સમ્રાટ અને બિસ્માર્ક તેમના પ્રથમ ચાન્સેલર (વડાપ્રધાન) બન્યા. જર્મન સંઘ રાજ્યના વડા તરીકે બિસ્માર્કે પોતાની ગૃહનીતિ અને વિદેશનીતિ દ્વારા જર્મનીને યુરોપની મહાસત્તા બનાવી.
બિસ્માર્કે પોતાની ગૃહનીતિની શરૂઆત નવા સંઘીય બંધારણની રચનાથી કરી. તે પ્રશિયાના ચાહક હોવાથી તેમણે તે બંધારણમાંથી ઘણું બધું લીધું હતું. તેમણે મજબૂત કેન્દ્રીય વ્યવસ્થાની સ્થાપના કરી. રેલવે, તાર, ટપાલ, બૅન્કો, ટેલિફોન વગેરેની સત્તાઓ કેન્દ્ર સરકારે પોતાની પાસે રાખી. જોકે બિન-જર્મન પ્રજાઓનું જર્મનીકરણ કરવામાં તેમને સફળતા મળી નહિ. કૅથલિકો સાથેના સાંસ્કૃતિક સંઘર્ષમાં તેમને સફળતા મળી હતી. કૅથલિક જનતા અને કૅથલિક દેવળની ધાર્મિક પ્રવૃત્તિઓમાં રાજ્યે બિલકુલ દખલ ન કરવી જોઈએ તેમ તેઓ માનતા હતા; તેમ છતાં પોપની સર્વોપરિતા સ્વીકારી શકે તેમ ન હતા. કૅથલિકોની પોપભક્તિ અને પોપની મહત્વાકાંક્ષા જર્મન રાષ્ટ્રીયતાના વિકાસમાં અડચણરૂપ બને તેમ હતાં. એટલે તેમણે પોપ અને કૅથલિક દેવળના જર્મન રાષ્ટ્રીયતા તથા જર્મન સંસ્કૃતિ પરના આ નવા ભયને ખાળવા માટે તાત્કાલિક પગલાં લીધાં, જે જર્મન સંસ્કૃતિના રક્ષણ માટે હોઈને કૅથિલકો સાથેનો આ સંઘર્ષ ‘સંસ્કૃતિના રક્ષણ માટેના સંઘર્ષ’ તરીકે પ્રસિદ્ધ થયો. તેમને સમાજવાદીઓ સામે પણ વેપાર-ઉદ્યોગની નીતિમાં સંઘર્ષ થયો હતો. જર્મન ઉદ્યોગોના વિકાસ તથા નવાં ઊભાં થયેલાં કારખાનાંના મજૂરોના વર્ગને લીધે નવા પ્રશ્નો ઊભા થયા; કેમ કે મજૂર વર્ગ બળવાન બન્યો અને ઉદ્દામ માંગણી કરવા લાગ્યો. પરિણામે તેમણે મજૂરોની સ્થિતિ સુધારીને તથા સમાજવાદને દાબી દઈને તેમની જોડે કામ લીધું. તેમને સામાજિક કાયદાઓ, જર્મનીના મજૂરો માટે વૃદ્ધાવસ્થામાં પેન્શન, વીમો તથા દાક્તરી મદદના કાયદાઓ દ્વારા સહાય કરી. આ નીતિમાં તેમને થોડી સફળતા મળી.
તેમની વિદેશનીતિનો ઉદ્દેશ યુરોપમાં શાંતિ જાળવી રાખવાનો હતો. જોકે જર્મનીના એકીકરણ માટે તેમણે યુદ્ધોનો આશ્રય લીધો હતો અને પોતાની કૂટનીતિ દ્વારા યુરોપની શાંતિ જાળવવા માટે તેઓ પ્રયત્ન કરતા હતા. તેમની વિદેશનીતિનો ઉદ્દેશ યુરોપનાં રાષ્ટ્રોમાં ફ્રાન્સને મિત્રવિહોણું રાખવાનો હતો. વિવિધ હેતુઓ પાર પાડવા માટે તેમણે મૈત્રીપૂર્ણ સંધિઓ કરી હતી અને મિત્ર-જૂથો ઊભાં કર્યાં હતાં. 1872માં તેમણે ઑસ્ટ્રિયા, રશિયા અને જર્મનીના ત્રણ સમ્રાટોને એકત્રિત કરી ત્રણ સમ્રાટોના સંઘની રચના કરી. આ તેમની વિદેશનીતિનો પહેલો વિજય હતો. ઈ. સ. 1879માં આ સંઘ તૂટી પડતાં જર્મની અને ઑસ્ટ્રિયાના દ્વિજૂથની રચના કરી. 1882માં તેમાં ઇટાલીને સામેલ કરી ત્રિરાજ્ય સંઘ ઊભો કરવામાં આવ્યો. 1884માં તેમણે રશિયા સાથે સંધિ કરી. તેમણે ઇંગ્લૅન્ડ સાથે સંધિ નહિ કરવા છતાં મિત્રતા જાળવી હતી. આમ તેમની સિદ્ધિઓ દ્વારા બિસ્માર્ક તેમના સમયના યુરોપના મહાન રાજનીતિજ્ઞ સાબિત થયા હતા. 1871થી 1890ના સમય દરમિયાન તેઓ યુરોપીય રાજકારણના પથનિર્માતા બન્યા હતા. તેમની નીતિ સંધિઓ દ્વારા યુરોપમાં સત્તાની સમતુલા જાળવી રાખવા, ફ્રાન્સને એકલું પાડી દેવા તથા જર્મનીનું સંરક્ષણ સાધવા તરફ હતી. ટૂંકમાં તે સમયે યુરોપની શાંતિ તેમના પર નિર્ભર હતી. કૈસર વિલિયમ પહેલાના અવસાન બાદ તેમનો યુવાન પુત્ર વિલિયમ બીજો કૈસર બન્યો. તે ઉદ્ધત અને મહત્વાકાંક્ષી હતો. પોતે દૈવી અધિકારના ખ્યાલથી જીવતો હતો. તેથી બિસ્માર્ક સાથે વિલિયમ બીજાને અનેક બાબતોમાં મતભેદ પડ્યા. બિસ્માર્કની નીતિથી પાદરીઓ અને ઉદારમતવાદીઓ પણ ત્રાસી ગયા હતા. તેથી તેમણે સમ્રાટને ટેકો આપ્યો અને વૃદ્ધ વડાપ્રધાને 20મી માર્ચ 1890ના રોજ રાજીનામું આપવાથી એક જ્વલંત કારકિર્દીનો અંત આવ્યો. આ પછી બિસ્માર્કને લ્યુએનબર્ગના ડ્યૂકની તથા ફિલ્ડમાર્શલની પદવીઓ આપવામાં આવી.
મીનળ શેલત