બિસાઉ : આફ્રિકા ખંડના પશ્ચિમ છેડે આવેલા ગિની-બિસાઉ દેશનું પાટનગર, મુખ્ય બંદર તથા મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 11° 51´ ઉ. અ. અને 15° 35´ પ.રે. તે પશ્ચિમ આફ્રિકામાં ઍટલાન્ટિક મહાસાગરને કિનારે ગેબા નદીના મુખ પર વસેલું છે. તેનો મુખ્ય ઉદ્યોગ ખાદ્યપ્રક્રમણનો છે, કારણ કે નાળિયેર અને ચોખા અહીંની મહત્વની પેદાશો છે. આ શહેર વેપારવણજનું, વિદેશી વેપારનું અને દેશના ઉદ્યોગોનું મથક બની રહેલું છે.
1765માં પૉર્ટુગીઝોએ આ સ્થળ પર આવીને કિલ્લેબંધીવાળા ‘બિસાઉ’ની સ્થાપના કરેલી. ત્યારે તે ગુલામોનો વેપાર કરતું મથક બની રહેલું. તે પછીનાં સો વર્ષમાં તેનો ઠીક ઠીક પ્રમાણમાં વિકાસ થયેલો. 1869માં તેને મુક્ત બંદર બનાવવામાં આવ્યું. 1941થી 1974 સુધી તે પૉર્ટુગલનું દરિયાપારનાં સંસ્થાનો પૈકીનું સંસ્થાન હતું અને પૉર્ટુગીઝ-ગિનીનું પાટનગર હતું. આ આખોય પ્રાંત ગિની-બિસાઉ દેશ તરીકે 1974માં સ્વતંત્ર થયો છે. 1992 મુજબ આ શહેરની વસ્તી 1,45,000 જેટલી છે.
ગિરીશભાઈ પંડ્યા