બિરલા, ઘનશ્યામદાસ (જ. 1894, પિલાણી, રાજસ્થાન; અ. 11 જૂન 1983, લંડન) : સ્વાતંત્ર્ય-સંગ્રામમાં કૉંગ્રેસને અઢળક આર્થિક સહાય કરનાર, શિક્ષણક્ષેત્રે વિપુલ દાન આપનાર અને ધાર્મિક ક્ષેત્રે ભવ્ય મંદિરો બંધાવનાર ભારતના અગ્રગણ્ય ઉદ્યોગપતિ. રાજસ્થાનના વેપારી પરંપરાવાળા કુટંબમાં ઘનશ્યામદાસનો જન્મ થયો હતો. તેમના પિતાનું નામ બળદેવદાસ અને માતાનું નામ યોગેશ્વરીદેવી હતું. તેમનું શૈશવ પિલાણીમાં વીત્યું હતું અને પાંચમા ધોરણ સુધીનો અભ્યાસ પણ તેમણે ત્યાં જ કર્યો હતો. સંજોગોવશાત્ તેઓ વધુ અભ્યાસ કરી શક્યા નહિ, પરંતુ પિલાણી તેમની જન્મભૂમિ અને વિદ્યાભૂમિ હોવાથી તેની સાથે તેમનો સ્નેહતંતુ સમગ્ર જીવન દરમિયાન અતૂટ રહ્યો હતો.
13 વર્ષની કુમળી વયે દુર્ગાદેવી સાથે તેમનું લગ્ન થયું હતું. આ પત્ની 4 વર્ષના ટૂંકા લગ્નજીવન બાદ અવસાન પામ્યાં, તે પછી બીજા વર્ષે મહાદેવી સાથે તેમનું લગ્ન થયું હતું. દોઢ દસકાના આ દ્વિતીય લગ્નજીવન બાદ તેમનાં બીજાં પત્ની પણ અવસાન પામ્યાં. બિરલા ત્રીજું લગ્ન કરવાની અવઢવમાં હતા, પરંતુ ગાંધીજીની સલાહ સ્વીકારીને તેમણે શેષજીવન વિધુરાવસ્થામાં જ ગાળવાનો નિર્ણય લીધો.
1910માં તેઓ પિલાણીથી કલકત્તા ગયા અને બિરલા બ્રધર્સ નામની પેઢી સ્થાપીને શણનો વેપાર અને દલાલી શરૂ કર્યાં. આ અનુભવ મેળવીને 25 વર્ષની યુવાન વયે તેમણે સાહસ કરીને બિરલા જ્યૂટ મિલની સ્થાપના કરી અને શણ-ઉદ્યોગમાં અંગ્રેજોના એકચક્રી ઔદ્યોગિક સામ્રાજ્યને પડકાર કર્યો. એમણે 1920માં લંડનમાં ઈસ્ટ ઇન્ડિયા પ્રૉડક્ટ્સના નામે જોડાનો ધંધો શરૂ કરેલો. બિરલા જ્યૂટ મિલની સફળતાએ બિરલાને ખૂબ પ્રેરણા આપી. 1947માં દેશ સ્વતંત્ર થયો ત્યાં સુધીમાં તો બિરલાએ જિયાજીરાવ કૉટન મિલ, કેસોરામ કૉટન મિલ, સતલજ કૉટન મિલ, ટેક્સ્ટાઇલ મશીનરી કૉર્પોરેશન અને બીજી અનેક કંપનીઓની સ્થાપના કરી અને તેમનું સફળતાપૂર્વક સંચાલન કર્યું. સેન્ચ્યુરી કૉટન મિલ અને હિન્દુસ્તાન ટાઇમ્સ જેવી અનેક કંપનીઓમાં તેઓ સંચાલક તરીકે પ્રભાવક બની રહ્યા.
સ્વતંત્ર ભારતમાં પણ એમની ઔદ્યોગિક આગેકૂચ ચાલતી રહી. ગ્વાલિયર રેયૉન, હિન્દુસ્તાન ઍલ્યુમિનિયમ, યુનાઇટેડ કૉમર્શિયલ (યુકો) બૅંક જેવી મોટી કંપનીઓની સ્થાપના કરી. આર્થિક અને વાણિજ્ય-વિષયક બાબતો અંગે તેમણે અનેક વિદેશપ્રવાસો કર્યા. કંપનીની સ્થાપના કરી તેનું કુશળ સંચાલન કરી શકે તેવા સંચાલકોની શોધ કરવાની સૂઝ બિરલાની પોતીકી હતી. તેઓ આવા સંચાલકોને સહજ ભાવે સત્તાસોંપણી કરી શકતા હતા, જે એમના વિસ્તરતા આર્થિક સામ્રાજ્યનું રહસ્ય હતું. પોતે કોઈ પણ સમયે સંચાલનને લગતી તેમજ હિસાબી બાબતોની ઝીણામાં ઝીણી વિગતો તપાસશે એવો સંદેશ એમણે પોતાના સમગ્ર ઔદ્યોગિક સામ્રાજ્યમાં પહોંચાડ્યો હતો. આથી, આ બધી કંપનીઓનાં સંચાલન એકંદરે કાર્યક્ષમ રહ્યાં.
ગાંધીજી અને એમના પછી આગેવાન કૉંગ્રેસીઓ સાથે ગાઢ સંબંધો કેળવી એમણે પોતાનું ઔદ્યોગિક સામ્રાજ્ય સ્થાપ્યું હતું એવા આક્ષેપો એમની સામે થયા હતા અને ‘હજારે અહેવાલ’માં આ આક્ષેપોને સમર્થન પણ આપવામાં આવ્યું હતું, આમ છતાં તેઓ વિચલિત થયા ન હતા.
1926માં કૉલકાતામાં એમના બિરલા પાર્ક નજીક હિન્દુ-મુસલમાન વચ્ચે કોમી રમખાણ ફાટી નીકળેલાં. તે પ્રસંગે ઘનશ્યામદાસે અભૂતપૂર્વ હિંમત દાખવી બંને કોમોના શક્ય એટલા નાગરિકોને બચાવવા પ્રયત્ન કરેલા. આ કાર્યથી રાજકીય ક્ષેત્રે એમની ખ્યાતિ વધી. તેથી 1927માં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં તેઓ કૉંગ્રેસ વિરુદ્ધ ચૂંટણી લડેલા અને જીતેલા. ચૂંટણી દરમિયાન પણ બિરલાને મોતીલાલ નેહરુ જેવા કૉંગ્રેસ આગેવાનોનાં ઉદાર વલણોની અનુભૂતિ થયેલી; ત્યારબાદ બિરલા કૉંગ્રેસ તરફ અને એની સ્વાતંત્ર્યપ્રાપ્તિ માટેની લડત તરફ અને તેમાંયે ખાસ કરીને ગાંધીજી તરફ આકર્ષાયા. ગાંધીજીની અનેકવિધ પ્રવૃત્તિઓ તેમજ કૉંગ્રેસની સ્વતંત્રતા પહેલાંની લડતો અને સ્વતંત્રતા પછીની અનેક પ્રવૃત્તિઓ માટે બિરલાએ અઢળક આર્થિક સહાય કરી. આમ છતાં, એમણે કૉંગ્રેસના સભ્ય થવાનું મુનાસિબ માન્યું નહિ. બીજી બાજુ, ગોળમેજી પરિષદમાં ગાંધીજીએ એમને પોતાની સાથે લંડન લઈ જવાનું મુનાસિબ માનેલું. બિરલા ખુદ ખાદી પહેરતા હતા. દેશનાં મોટાં શહેરોમાં બિરલા હાઉસ તરીકે ઓળખાતી બિરલાની મહેલાતોમાં રાજકીય પુરુષો એકત્ર થતા હતા. બધાં જ બિરલા હાઉસો રાજકારણની પ્રવૃત્તિઓનાં કેન્દ્રો બની ગયાં હતાં. આ પ્રકારની પ્રવૃત્તિઓને કારણે 1920માં બંગાલ સરકારે બિરલાને પકડવાનાં વૉરન્ટ કાઢેલાં. આથી ત્રણ મહિના સુધી બિરલા ગુપ્ત વેશે નાસતા-ભાગતા ફરેલા. આ જ પ્રમાણે થોડાં વર્ષો બાદ બ્રિટિશ સરકારના હુકમ છતાં, ભારતના વાઇસરૉયે બિરલાની ધરપકડ કરી નહોતી. બીજી બાજુ ગાંધીજીની ખાસ વિનંતીને માન આપી બિરલા હરિજન સેવક સંઘના પહેલા પ્રમુખ બન્યા હતા. ‘હરિજન’ મુખપત્રને હિન્દીમાં પ્રકાશિત કરવાનું એમણે શરૂ કર્યું હતું. અંગ્રેજ સત્તાધીશો સમક્ષ બિરલા કૉંગ્રેસના પ્રવક્તા તરીકેનું કામકાજ પણ સંભાળતા હતા. બિરલાનું કાર્ય ઔદ્યોગિક અને રાજકીય ક્ષેત્રો પૂરતું જ મર્યાદિત ન હતું. શિક્ષણક્ષેત્રે બનારસ હિન્દુ યુનિવર્સિટીની સ્થાપના પ્રસંગે 1922માં બિરલાએ ત્રણ લાખ રૂપિયાનું દાન આપીને ઘણા રાજવીઓને દંગ કરી દીધા હતા. પોતાના જન્મસ્થાન પિલાણીને એમણે શૈક્ષણિક પ્રવૃત્તિઓનું આગેવાન કેન્દ્ર બનાવવા કોશિશ કરી. પિલાણીમાં એમણે જગમશહૂર બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજી ઍન્ડ સાયન્સ(BITS–બિટ્સ)ની સ્થાપના કરી. વળી પિલાણીમાં ટૅકનિકલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટેક્સ્ટાઇલ્સની પણ સ્થાપના કરી. આ ઉપરાંત પોતાના દરેક કારખાનામાં એક હિન્દી અને બીજી અંગ્રેજી માધ્યમની એમ બે શાળાઓ સ્થાપી.
પોતાનું શિક્ષણ પાંચમા ધોરણ સુધીનું હતું, છતાં એ ખૂબ વાંચતા. ગાંધીજી પર ‘મહાત્માજીની છાયામાં’ નામનું પુસ્તક એમણે 1940માં લખ્યું હતું. આ ઉપરાંત, અર્થશાસ્ત્ર, વાણિજ્ય, ઉદ્યોગ, સાહિત્ય, ધર્મ અને ગાંધીજી પર ઘણા લેખો અને કેટલાંક પુસ્તકો તેમણે લખ્યાં હતાં. તેઓ ખૂબ અસરકારક વક્તા હતા. ગીત-સંગીત પીરસવાના અને માણવાના તેઓ શોખીન હતા. 1927માં 33 વર્ષની ઉંમરે એ ઇન્ટરનેશનલ લેબર કૉન્ફરન્સના સભ્ય બન્યા હતા. 1929માં એમણે ફેડરેશન ઑવ્ ઇન્ડિયન ચેમ્બર્સ ઑવ્ કૉમર્સની સ્થાપના કરી અને તેના તેઓ પ્રથમ પ્રમુખ બન્યા. બીજી બાજુ 1928–29માં અંગ્રેજ સરકારે એમને ખિતાબની નવાજેશ કરવાની દરખાસ્ત મૂકી તો એમણે તેનો અસ્વીકાર કર્યો.
બિરલા મંદિરો બંધાવવા, મિલકતો ખરીદવા અને બાંધવાના શોખીન હતા. આથી દિલ્હી, મથુરા વગેરે સ્થળોએ ભગવાન કૃષ્ણનાં મંદિરો બંધાવ્યાં, જે બિરલા મંદિરો તરીકે જાણીતાં છે.
એમની અંત્યેષ્ટિ લંડનમાં કરવામાં આવી હતી.
સૂર્યકાન્ત શાહ