બિરલા, કુમારમંગલમ (જ. 14 જૂન 1967, કોલકાતા-) : ભારતના અગ્રણી ઉદ્યોગપતિ. પિતાનું નામ આદિત્ય વિક્રમ. માતાનું નામ રાજશ્રી. શરૂઆતનું શિક્ષણ મુંબઈ ખાતે. મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.કૉમની પદવી મેળવી અને પછી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયા(ICAI)માંથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પદવી મેળવી. ત્યારબાદ વર્ષ 1992માં લંડન બિઝનેસ સ્કૂલમાંથી એમબીએનું શિક્ષણ પૂર્ણ કર્યું. પત્ની નીરજા બિરલા. સંતાનો પુત્રીઓ – અનન્યા બિરલા, અદ્વૈતેષા બિરલા, પુત્ર – આર્યમાન બિરલા.
વર્ષ 1995માં પિતા આદિત્ય વિક્રમ બિરલાનું કૅન્સરની બીમારીમાં અવસાન થતાં કુમારમંગલમે યુવાવસ્થામાં જ દુનિયાના ત્રણ ખંડમાં પથરાયેલા અને 3 અબજ ડૉલરનું વાર્ષિક ટર્નઓવર ધરાવતા બિરલા ગ્રૂપની જવાબદારી સંભાળી. ત્યારબાદ કુમાર મંગલમ્ બિરલાએ આદિત્ય બિરલા ગ્રૂપને ખરા અર્થમાં બહુરાષ્ટ્રીય બનાવી દીધું. હાલ આદિત્ય બિરલા ગ્રૂપ દુનિયાના છ ખંડો – ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, યુરોપ, આફ્રિકા, એશિયા અને ઑસ્ટ્રેલિયામાં 36 દેશોમાં વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત છે, જેનું વાર્ષિક ટર્નઓવર અંદાજે 60 અબજ ડૉલર છે. તેમાંથી અડધોઅડધ ટર્નઓવર વિદેશોમાંથી પ્રાપ્ત થાય છે. ગ્રૂપની વિવિધ કંપનીઓમાં જુદી જુદી રાષ્ટ્રીયતા ધરાવતા કુલ કર્મચારીઓની સંખ્યા અંદાજે 1,40,000 છે.
આદિત્ય બિરલા ગ્રૂપનું નેતૃત્વ સંભાળ્યા પછી તેમણે ત્રણ મોટાં પરિવર્તનો કર્યા. એક, ગ્રૂપની વિવિધ કંપનીઓને એક બ્રાન્ડ હેઠળ સંગઠિત કરી. બે, ગ્રૂપની કામગીરીમાં વ્યાવસાયિક અભિગમ લાવી દીધો અને ગ્રૂપની કામગીરીનું વિવિધ ક્ષેત્રો અને જુદાં જુદાં દેશોમાં વિસ્તરણ કર્યું.
કુમાર મંગલમે ગ્રૂપની કમાન સંભાળ્યા પછી સૌપ્રથમ ગ્રૂપની તમામ કંપનીઓની કામગીરીને એક બ્રાન્ડ આદિત્ય બિરલા ગ્રૂપ (ABG) હેઠળ સંગઠિત કરી. વર્ષ 1991માં ભારતીય અર્થતંત્રમાં ઉદારીકરણ શરૂ થયું હતું. પરિણામે ભારતીય બજાર વૈશ્વિક કંપનીઓ માટે ખૂલી ગયું હતું. એટલે સમયની જરૂરિયાત અનુસાર તેમણે ગ્રૂપના કર્મચારીઓમાં વ્યાવસાયિક અભિગમ વિકસાવવાની નીતિ અપનાવી. આ માટે તેમણે બિરલા ગ્રૂપમાં પહેલી વાર કર્મચારીઓને 60 વર્ષની વયે નિવૃત્તિ કરવાની જાહેરાત કરી. આ નીતિનો સરળતાપૂર્વક અમલ કરવા તેમણે કર્મચારી સંગઠનો સાથે સંવાદ અને સમાધાનની નીતિ અપનાવી. તેમાં તેમની કુનેહ જોવા મળી. સાથે સાથે તેમણે જે તે ક્ષેત્રના યુવાન વ્યાવસાયિકોને ગ્રૂપમાં સામેલ કરીને તેમને કામગીરી કરવાની સ્વતંત્રતા આપી.
તેમણે બિરલા ગ્રૂપની કામગીરીનું વિસ્તરણ કરવા અને ગ્રૂપની સ્થિતિને વધારે મજબૂત કરવા માટે મોટા પાયે દુનિયાની જાણીતી કંપનીઓને અધિગ્રહણ કરવાની નીતિ અપનાવી. વર્ષ 2000માં બિરલાએ ઇન્ડિયન ઍલ્યુમિનિયમ કંપનીનું અધિગ્રહણ કર્યું. વર્ષ 2004માં બિરલાએ એલ એન્ડ ટીના સિમેન્ટ વ્યવસાયને ખરીદી લીધો અને તેનું નામ બદલીને અલ્ટ્રાટેક સિમેન્ટ કર્યું. એ જ વર્ષ 2004માં બિરલા ગ્રૂપની સૌથી મોટી કંપની હિંદાલ્કોમાં ઇન્ડસ્ટ્રીઝે ઇન્ડિયન ઍલ્યુમિનિયમ કંપની(ઇન્દાલ)ના તમામ વ્યવસાયોનું વિલીનીકરણ કર્યું.
વર્ષ 2006 ભારતીય ઉદ્યોગજગત અને કુમાર મંગલમ્ બિરલા માટે સીમાચિહ્ન પુરવાર થયું. આ વર્ષે તેમના નેતૃત્વમાં આદિત્ય બિરલા ગ્રૂપે ઍલ્યુમિનિયમ રોલ્ડ ઉત્પાદનોમાં દુનિયાની સૌથી મોટી કંપની નોવેલિસ ઇન્ક.ને 6 અબજ ડૉલર(એ સમયે રૂ. 27,000 કરોડ)માં ખરીદી લીધી. એ સમયે નોવેલિસ ખોટમાં જતી હતી. ભારતીય કૉર્પોરેટજગતમાં આ અધિગ્રહણ એ સમયે કોઈ પણ વિદેશી કંપની માટે થયેલો સૌથી મોટો સોદો હતો. પછી આદિત્ય બિરલા ગ્રૂપની કંપની હિંદાલ્કો વિશ્વની સૌથી મોટી ઍલ્યુમિનિયમ રોલિંગ કંપની બની ગઈ છે. અત્યારે દુનિયામાં દર ત્રીજું ઍલ્યુમિનિયમ કેન નોવેલિસ ઍલ્યુમિનિયમમાંથી બને છે.
તેમણે ગ્રૂપના મુખ્ય વ્યવસાયોની સાથે અન્ય નવાં અને વિકસતાં ક્ષેત્રોમાં પણ પ્રવેશ કર્યો, જેમ કે ટેલિકૉમ્યુનિકેશન, રિટેલ, વીમો અને નાણાકીય સેવાઓ વગેરે. વર્ષ 2018માં તેમણે તેમની ટેલિકૉમ્યુનિકેશન કંપની આઇડિયાનું વોડાફોન સાથે વિલીનીકરણ કર્યું હતું, જેના પરિણામે વોડાફોન-આઇડિયા લિમિટેડ ભારતીય ટેલિકોમ ક્ષેત્રની સૌથી મોટી કંપની બની ગઈ હતી. સાથે સાથે તેમણે ભારતના સતત વૃદ્ધિ કરતા રિટેલ ક્ષેત્રમાં ગ્રૂપની સ્થિતિને મજબૂત બનાવવા વર્ષ 2013માં ફ્યુચર ગ્રૂપની પ્રસિદ્ધ બ્રાન્ડ પેન્ટાલૂનને ખરીદી લીધી હતી.
વર્ષ 1999માં કુમાર મંગલમની અધ્યક્ષતામાં સિક્યોરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા(સેબી)એ ભારતીય શૅરબજારોમાં ‘ઇનસાઇડર ટ્રેડિંગ’ની સમસ્યાનું સમાધાન કરવા અને કૉર્પોરેટ ક્ષેત્રમાં નીતિમત્તાનાં ધોરણો સ્થાપિત કરવા એક સમિતિની રચના કરી હતી. આ સમિતિનો અહેવાલ હાલ ભારતીય કૉર્પોરેટ ક્ષેત્ર માટે આદર્શ અને નીતિમત્તા સાથે વહીવટનો માપદંડ ગણાય છે.
કુમાર મંગલમ્ બિરલાની ગણના હાલ ભારત અને દુનિયાના ટોચના દિગ્ગજ ઉદ્યોગપતિઓમાં થાય છે. તેમને ભારતનાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 22 માર્ચ, 2023ના રોજ દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન પૈકીનું એક ‘પદ્મભૂષણ’ એનાયત કર્યું હતું. પદ્મ સન્માન મેળવનારા તેઓ બિરલા પરિવારના ચોથા સભ્ય છે. આ ઉપરાંત તેમને અત્યાર સુધી 20થી વધારે પ્રતિષ્ઠિત પુરસ્કારો મળ્યા છે, જેમાં જગપ્રસિદ્ધ ફૉર્બ્સ મૅગેઝિન દ્વારા વર્ષ 2012માં ‘આંતરપ્રિન્યોર ઑફ ધ યર’, વર્ષ 2013માં ‘ધ ઇકૉનૉમિક ટાઇમ્સ દ્વારા ધ બિઝનેસ લીડર ઓફ ધ યર’ જેવા પુરસ્કારો સામેલ છે.
તેમણે બિરલા પરિવારની સમાજોપયોગી પ્રવૃત્તિને સારી રીતે આગળ વધારી છે. વર્ષ 2020માં આદિત્ય બિરલા ગ્રૂપે કોવિડ મહામારી દરમિયાન રાહતનાં પગલાં સ્વરૂપે પીએમ-કેર્સ ફંડમાં રૂ. 400 કરોડનું દાન કરવાની સાથે કુલ રૂ. 500 કરોડનું પ્રદાન કર્યું હતું. વળી કુમાર મંગલમે તેમના દાદા બસંત કુમાર બિરલાની યાદમાં લંડન બિઝનેસ સ્કૂલમાં બી. કે. બિરલા સ્કૉલર્સ પ્રોગ્રામ પણ શરૂ કર્યો છે, જે અંતર્ગત દર વર્ષે એમબીએના 10 વિદ્યાર્થીઓને 15 મિલિયન પાઉન્ડની શિષ્યાવૃત્તિ આપવામાં આવે છે.
તેમની યુવા ઉદ્યોગસાહસિકોને સલાહ ઉતાવળ ન કરવી, દિશા નિર્ધારિત કરવી, ધૈર્ય સાથે તમારા લક્ષ્યાંક તરફ આગળ વધવું, લક્ષ્યાંક માટે પર્યાપ્ત નાણાકીય જોગવાઈ કરવી, પરિવર્તનનો સ્વીકાર કરવો અને સ્થિતિસંજોગોનો બરોબર અભ્યાસ કરીને ખંતપૂર્વક આગળ વધવું.
કેયૂર કોટક