બિરલા, આદિત્ય વિક્રમ (જ. 14 નવેમ્બર 1943, ન્યૂ દિલ્હી; અ. 1 ઑક્ટોબર 1995, બાલ્ટિમોર, યુ.એસ.એ.) : ભારતના અગ્રણી સાહસિક ઉદ્યોગપતિ. પિતાનું નામ બસંતકુમાર. માતાનું નામ સરલાદેવી. શરૂઆતનું શિક્ષણ કૉલકાતા ખાતે. 1962માં કલકત્તા યુનિવર્સિટીની બી.એસસી. અને 1964માં અમેરિકાની કૅમ્બ્રિજ ખાતેની એમ.આઈ.ટી. સંસ્થામાંથી કેમિકલ એન્જિનિયરિંગમાં એમ.એસસી.ની પદવી પ્રાપ્ત કર્યા પછી બિરલા ગ્રૂપની કંપનીઓમાં અનુભવ લઈને હિન્દુસ્તાન ગૅસ ઍન્ડ ઇન્ડસ્ટ્રીઝનો વહીવટ સંભાળ્યો. 1964માં તેમનું પહેલું સાહસ ઈસ્ટર્ન મિલ ઍન્ડ ઇન્ડસ્ટ્રીઝ લિ., કલકત્તા સ્થાપી. આ ઉદ્યોગમાં જમીન-સંપાદનથી ઉત્પાદન સુધીની સઘળી કામગીરી સફળ રીતે બજાવી કંપનીને સધ્ધર સ્થિતિમાં મૂકી. વધુમાં બિરલા ગ્રૂપની હિન્દુસ્તાન ગૅસ ઍન્ડ ઇન્ડસ્ટ્રીઝ લિ.નું સંચાલન પણ તેમણે સંભાળ્યું.
1966માં ખોટ કરતી ઇન્ડિયન રેયૉન લિ. વેરાવળની ફૅક્ટરી ખરીદી. આ કંપનીમાં લાગેલ આગને કારણે તેમાં ઘણું નુકસાન થયું, પરંતુ આદિત્ય બિરલાએ કુશળતા અને અનુભવનો ઉપયોગ કરીને કંપનીને ફરી સધ્ધર આર્થિક સ્થિતિમાં મૂકી. રોકાણકારોને સારું એવું વળતર આપ્યું. 1969માં ગ્વાલિયરમાં કૉસ્ટિક સોડાનો ઉદ્યોગ શરૂ કર્યો.
બિરલા જૂથની વિચારસરણી મુજબ, સૌ કોઈ પોતાની કંપનીનો વહીવટ સ્વતંત્ર રીતે સંભાળે, જેથી ગેરસમજૂતીને કોઈ અવકાશ રહે નહિ. તે પ્રમાણે પિતામહ ઘનશ્યામદાસ બિરલા અને પિતા વસંતકુમાર બિરલા સાથે કામનો અનુભવ લઈને પોતાના ઉદ્યોગોનો સ્વતંત્ર વહીવટ તેમણે સંભાળી લીધો.
તેમની વિચારસરણી ઉદારમતવાદી હતી. તેથી તેમણે પોતાની ર્દષ્ટિ બીજા એવા દેશો તરફ દોડાવી કે જ્યાં ઉદ્યોગોને પ્રોત્સાહન મળતું હોય અને સરકાર તરફથી કોઈ દખલગીરીનો ભય ન હોય અને એ રીતે પોતાની ઉદ્યોગસાહસિકતાને દાખવવાનો પૂરો અવકાશ પણ મળે.
1969માં જ્યારે તેમણે થાઇલૅન્ડમાં સ્પિનિંગ મિલનો ઉદ્યોગ શરૂ કરવાનો વિચાર કર્યો ત્યારે ભારત સરકારે વિદેશી મુદ્રામાં રોકાણ માટે મંજૂરી ન આપી. તેમણે વિચક્ષણ બુદ્ધિ અને સાહસિકતા બતાવી તે દેશના જ નાગરિકો અને બિનનિવાસી ભારતીયોની મદદથી પૂરતી મૂડી ઊભી કરી અને પોતાનો ફાળો ભારતમાંથી મશીનરીની નિકાસ કરીને પૂરો પાડ્યો. આ કાર્યપદ્ધતિ પછી તેમણે પરદેશમાં શરૂ કરેલાં અન્ય સાહસોમાં પણ માર્ગદર્શક બની રહી. થાઇલૅન્ડમાં નાખેલી આ સ્પિનિંગ મિલની ક્ષમતા સમયાંતરે 12,000માંથી વધારીને 30,000 ત્રાકોની કરી. તેવી જ રીતે થાઇલૅન્ડમાં શરૂ કરેલ વિસ્કોઝ સ્ટેપલ ફાઇબરની ક્ષમતા પણ રોજના 24 ટનથી વધારી 40 ટન સુધી પહોંચાડી.
આ સફળતાથી તેમને ખાતરી થઈ કે ભારતની ઉદ્યોગો ચલાવવાની ક્ષમતા વિકાસશીલ દેશો માટે ખરેખર લાભદાયી છે અને ભારતના ઉદ્યોગપતિઓ વિશ્વસ્તરે પણ સફળ રીતે હરીફાઈ કરી શકે તેવી ક્ષમતા ધરાવે છે. તેમના મતે યોગ્ય તાલીમ, સાથીઓ પર પૂરો વિશ્વાસ, સત્તાની સોંપણી અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન ઉદ્યોગને સરળ કરવાની ચાવી છે. વળી, આદિત્ય બિરલાના નમ્ર સ્વભાવ ઉપરાંત તેમની લોકોને પારખવાની સૂઝ અને મુશ્કેલ પરિસ્થિતિને સુલઝાવવાની આવડતે પણ તેમની સફળતામાં સહાય કરી.
આદિત્ય બિરલા એ થાઇલૅન્ડ, ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ, મલેશિયા, મૉરેશિયસ, ઇજિપ્ત વગેરે દેશોમાં સ્પિનિંગ મિલ અને કાપડની મિલ ઉપરાંત વિસ્કોઝ સ્ટેપલ ફાબર, કાર્બન બ્લૅક પૉક્સી રેઝિન્સ, પામ ઑઇલ, રબરનાં મોજાં, હાઇડ્રોજન પેરૉક્સાઇડ, ફૉસ્ફોરિક કેમિકલ્સ અને એક્રિલિક ફાઈબર વગેરે વસ્તુઓ ઉત્પન્ન કરતા ઉદ્યોગો પણ સ્થાપ્યા.
આ ઉપરાંત બિરલા જૂથના સૌથી મોટા પ્રતિષ્ઠિત ઉદ્યોગો ગ્વાલિયર રેયૉન લિ. અને ટિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ લિ. નું સંચાલન ઘનશ્યામદાસ બિરલાએ પોતાના પૌત્રને સોપ્યું. આમ, આદિત્ય બિરલા પાસે ભારતમાં 18 અને વિદેશમાં સ્થાપેલ 19 ઉદ્યોગોનું સામ્રાજ્ય આવ્યું. તેમણે મેળવેલી સફળતા તેમના ઉદ્યોગોએ 1971માં કરેલા આશરે રૂ. 20 કરોડના વેચાણમાંથી 1995માં 37 ઉદ્યોગોના વિસ્તારેલા આશરે રૂ. 16,000 કરોડના વેચાણ સુધી વૃદ્ધિ થઈ તે પરથી સમજાય તેમ છે. તેમાં ભારતમાં આવેલ ઉદ્યોગોનો ફાળો રૂ. 9,000 કરોડનો હતો; જ્યારે વિદેશનો ફાળો રૂ. 7,000 કરોડનો હતો. આ સઘળી કંપનીઓનો કુલ નફો આશરે રૂ. 1,500 કરોડ હતો.
જિગીશ દેરાસરી