બિયેટા ડુંગરધાર : ઍટલાન્ટિક મહાસાગરના દક્ષિણ કૅરિબિયન સમુદ્રતળ પરની અધોદરિયાઈ ડુંગરધાર. હિસ્પાનીઓલા ટાપુ પરની બિયેટા ભૂશિરમાંથી તે દરિયાઈ જળમાં નીચે તરફ વિસ્તરેલી છે. તેની ઉપસ્થિતિ (trend) દક્ષિણી-નૈર્ઋત્ય તરફી છે. આ સમુદ્રમાં આ ડુંગરધાર બે ભાગમાં વહેંચાઈ જાય છે : કોલંબિયન અગાધ દરિયાઈ મેદાન (deep sea-plain) તથા વેનેઝુએલન અગાધ દરિયાઈ મેદાન. આ બે થાળાં અરુબા વિભાજક(Aruba gap)થી અલગ પડે છે. બિયેટા ડુંગરધાર દક્ષિણ અમેરિકી ખંડીય ઢોળાવ સુધી પહોંચે તે પહેલાં અણિયાળી બની રહે છે. આ ડુંગરધારને બિયેટા ઉપસાવ (Beata rise) તરીકે ઘટાવવાની નથી. બિયેટા ઉપસાવ વેનેઝુએલન થાળાની તદ્દન નજીક પૂર્વમાં આવેલો છે.
ગિરીશભાઈ પંડ્યા