બિને-સાયમન બુદ્ધિકસોટીઓ : ફ્રેંચ મનોવિજ્ઞાની બિનેએ સાયમનની મદદથી તૈયાર કરેલી મનોમાપનની કસોટીઓ.

આલ્ફ્રેડ બિનેએ 1905માં પ્રથમ બુદ્ધિકસોટી તૈયાર કરી મનોવિજ્ઞાનમાં માપનના ક્ષેત્રે એક હરણફાળ ભરી એમ કહેવાય. બિને અને તેના સહકાર્યકરો વર્ષો સુધી બુદ્ધિમાપન માટે સંશોધન કરતા રહ્યા. હસ્તાક્ષરમાપન જેવી ઘણી બધી રીતો અજમાવી જોઈ; પણ આ બધાંને અંતે લાગ્યું કે, બુદ્ધિની જટિલતાને સમાવી શકાય એવી રીતે માપન કરવું એ બહુ મોટો પડકાર છે. 1904માં ફ્રેંચ સરકારે બિનેની અધ્યક્ષતા નીચે એક કમિશનની સ્થાપના કરી. શાળામાં શિક્ષણમાં નબળા પડતા વિદ્યાર્થીઓ અને મંદ બુદ્ધિનાં બાળકોને કેન્દ્રમાં રાખીને તેમના નબળા પડતા અભ્યાસનાં કારણો શોધવાનું કામ કમિશનને સોંપાયું હતું.

આ કમિશનના ઉપક્રમે બિનેએ સાયમનની મદદથી 1905માં પ્રથમ બુદ્ધિકસોટી તૈયાર કરી.

બિને-સાયમન કસોટીનું પ્રથમ સંસ્કરણ (1905) :  આ કસોટીમાં 30 જેટલી બૌદ્ધિક સમસ્યાઓ પસંદ કરી એમને કઠિનતામૂલ્યની ર્દષ્ટિએ ચઢતા ક્રમમાં ગોઠવવામાં આવી હતી. 3થી 11 વર્ષની વયનાં 50 ‘નૉર્મલ’ બાળકો પર આ કસોટીનો ઉપયોગ કરીને જે તે સમસ્યાનું કઠિનતામૂલ્ય નક્કી કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કેટલાંક મંદ બુદ્ધિનાં બાળકો અને પુખ્તવયસ્કો પર પણ આ કસોટીથી ચકાસણી કરવામાં આવી હતી. આ કસોટીની સમસ્યાઓમાં વિવિધ બૌદ્ધિક કાર્યોની વિશાળ શ્રેણી સમાવી લેવામાં આવી હતી. ખાસ કરીને બિનેએ બૌદ્ધિક ઘટકો તરીકે જે કાર્યો અગત્યનાં ગણ્યાં તે બધાંનો સમાવેશ કરવાનો પ્રયત્ન એમાં કરવામાં આવ્યો હતો – જેમ કે નિર્ણયાત્મકતા, ગ્રહણશક્તિ, સમજશક્તિ, તર્કશક્તિ વગેરે. તેમાં સંવેદનલક્ષી અને પ્રત્યક્ષીકરણલક્ષી વિગતોનો પણ સમાવેશ થયો હતો; આમ છતાં આખીય કસોટીમાં શાબ્દિક શક્તિનું પ્રભુત્વ ઊપસી આવતું હતું. તેમાં અંકો ગણવાની સાદી પદ્ધતિ વપરાતી હતી. આખરી અંકો ગણવાની વસ્તુલક્ષી પદ્ધતિની રચના થઈ શકી નહોતી. આમ છતાં, પ્રથમ કસોટી તરીકે તેનું ઐતિહાસિક મહત્વ ઘણુંબધું છે.

બિને-સાયમન કસોટીનું બીજું સંસ્કરણ (1908) : આ સંસ્કરણમાં ઘણીબધી નવી વિગતો ઉમેરવામાં આવી હતી અને સંતોષપ્રદ ન લાગી હોય તેવી કેટલીક વિગતો દૂર કરવામાં આવી. બધી વિગતોને વયજૂથ પ્રમાણે અલગ પાડીને રજૂ કરવામાં આવી. 3થી 13 વય-જૂથના વિદ્યાર્થીઓ પર આ કસોટી વાપરી તેનાં પરિણામો પરથી આ ગોઠવણ કરવામાં આવી. જે તે વય-જૂથના 80 %થી 90 % ‘નૉર્મલ’ વિદ્યાર્થીઓ સફળતાપૂર્વક ઉકેલી શકે તે વિગત કે સમસ્યાને તે જૂથમાં સમાવવામાં આવી. આ બધાં જ વય-જૂથોમાંથી સમસ્યાઓના સાચા ઉકેલ આવ્યા હોય તેને આધારે બાળકે જે અંક પ્રાપ્ત કર્યા હોય તેને તે બાળકની માનસિક કક્ષા ગણવામાં આવતી. ‘નૉર્મલ’ બાળકોએ જે ઉંમરે આટલા અંકો મેળવ્યા હતા તે ઉંમર જેટલી તે બાળકની માનસિક કક્ષા ગણવામાં આવતી હતી. આમ તો માનસિક કક્ષા માનસિક વય જ ગણાય પણ વિકાસાત્મક તબક્કાઓની પ્રત્યક્ષ ચકાસણીના અભાવે બિનેએ ‘માનસિક વય’ શબ્દ વાપરવાનું ટાળ્યું હતું અને બિનવિવાદાસ્પદ એવો શબ્દ-માનસિક કક્ષા વાપરવાનું વધારે સલામત માન્યું હતું.

બિને-સાયમન કસોટીનું ત્રીજું રૂપાંતર (1911) : આ વર્ષ દરમ્યાન બિનેનું અવસાન થયું. આ કસોટીમાં કોઈ મૂળભૂત ફેરફારો કરવામાં આવ્યા ન હતા. બહુ જ નજીવા ફેરફારો સાથે કસોટીની વિગતોનું પુન; સ્થાનાન્તીકરણ કરવામાં આવ્યું. કેટલાક વય-તબક્કાઓમાં નવી કસોટીવિગતો તેમજ પુખ્તાવસ્થા સુધીની કસોટીઓ ઉમેરવામાં આવી.

આ કસોટીના ઉદભવ સાથે જ તે વિશ્વના નિષ્ણાતોનાં ધ્યાનનું કેન્દ્ર બની. ઘણીબધી ભાષાઓમાં તેનાં રૂપાંતરો-ભાષાંતરો થયાં. યુરોપમાંથી વિસ્તરીને અમેરિકા સુધી પહોંચેલી આ કસોટીનો ત્યાં પણ વ્યાપક ઉપયોગ થયો. વ્યાપક નમૂનાને આધારે માનાંકો શોધવાનું પણ શરૂ થયું. આ બધા પ્રયત્નોમાં સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાં એમ. એલ. ટર્મને 1916માં તૈયાર કરેલ કસોટી ઘણી મહત્વની બની રહી, જેને સ્ટેનફર્ડ બિને કસોટી તરીકે ઓળખવામાં આવી. તેમાં ઘણાબધા ટૅકનિકલ અને સામગ્રીગત ફરફારો કરવામાં આવ્યા અને તે પછી તેનું અત્યાર સુધી પુન:સંસ્કરણ થતું જ રહ્યું છે. ત્યારપછી વૅક્સ્લર બુદ્ધિકસોટીઓ અને બ્રિટિશ ઍબિલિટી સ્કેલ જેવી નવી કસોટીઓ આવી અને એ કસોટીઓ ઘણી સક્ષમ હોવા છતાં બુદ્ધિકસોટી તરીકે બિને-સાયમન કસોટીનું મૂલ્ય કસોટીના વિકાસના ઇતિહાસમાં એક પાયાના સોપાન તરીકે અણનમ રહ્યું છે.

પ્રતીક્ષા રાવલ