બિટુમિન : વિવિધ પ્રકારનાં ઘન કે અર્ધઘન હાઇડ્રોકાર્બન દ્રવ્યો માટે વપરાતું સામાન્ય નામ. જેમાં મુખ્યત્વે કાર્બન-હાઇડ્રોજન વધુ પ્રમાણમાં હોય અને ઑક્સિજન, નાઇટ્રોજન, ગંધક ઓછા પ્રમાણમાં હોય એવા ઘેરાથી કાળા રંગવાળા, ડામર જેવા, કુદરતી રીતે મળી આવતા, અચોક્કસ બંધારણવાળા ઘટ્ટ પ્રવાહીથી બરડ-ઘન સુધીની સ્થિતિ ધરાવતા કોઈ પણ હાઇડ્રોકાર્બન ખનિજ કે દ્રવ્યને બિટુમિન કહી શકાય.
બિટુમિનને અમેરિકન અંગ્રેજી ભાષામાં આસ્ફાલ્ટ તરીકે ઓળખવામાં આવે છે. બિટુમિનનું બંધારણ 80% કાર્બન (વજનથી) 10% હાઇડ્રોજન અને 6% સલ્ફર કહી શકાય.
મૂળભૂત રીતે તો આ શબ્દ પિચ જેવા પ્રાકૃત ખનિજ, ડામર કે આસ્ફાલ્ટ માટે વપરાતો હતો. હવે કાર્બન ડાયસલ્ફાઇડમાં દ્રાવ્ય હોય એવું કોઈ પણ દ્રવ્ય, પછી તે સ્નિગ્ધ, પ્રવાહી, ઘન કે સળગી ઊઠે એવું મિશ્રણ હોય – એ બધાં જ માટે આ શબ્દ વપરાય છે. તેને ઘણી વાર હાઇડ્રોકાર્બનના સમાનાર્થી પર્યાય તરીકે પણ ઘટાવાય છે. કુદરતમાં મળી આવતા આવા પદાર્થોને 1912માં અમેરિકન સોસાયટીએ ચકાસણી અર્થે લીધેલા ત્યારે આ પ્રકારના પદાર્થો માટે ‘બિટુમિન’ શબ્દ પ્રયોજેલો. પ્રકારભેદે તેની કઠિનતા અને બાષ્પશીલતા ભિન્ન ભિન્ન હોય છે, જે ક્રૂડ ખનિજતેલથી આસ્ફાલ્ટાઇટ સુધીના બહોળા પ્રકારોમાં બદલાયા કરે છે.
‘શિલાજિત’ નામથી બજારમાં વેચાતું મળતું વિવિધ ગુણવાળું મનાતું ઔષધ એ એક પ્રકારનું ઘન હાઇડ્રોકાર્બન છે; તે ઉચ્ચ હિમાલયના કેટલાક ખુલ્લા ભાગોમાં સપાટી પરના નિક્ષેપ તરીકે મળી આવે છે. તે હાઇડ્રોકાર્બન હોવા છતાં પેટ્રોલિયમ સાથે તેને કોઈ સંબંધ નથી. તેની ઉત્પત્તિ સંપૂર્ણપણે સેન્દ્રિય છે અને અર્વાચીન સમયની પેદાશ છે.
70% બિટુમિનનો ઉપયોગ રસ્તા બાંધવામાં થાય છે.
ગિરીશભાઈ પંડ્યા