બિજોરું : દ્વિદળી વર્ગમાં આવેલા રુટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Citrus medica Linn. (સં. बीजापुर, मातुलुंग, फलपूट; હિં. बीजोरा; મ. મહાળુંગ; બં. ટાવાલેબુ; અં. citron) છે. તે 2.0 મી.થી 3.0 મી. ઊંચું ક્ષુપ અથવા નાનું વૃક્ષ છે અને ભારતનું સ્થાનિક (indigenous) હોવાનું મનાય છે. લીંબુના વર્ગની આ વનસ્પતિના અન્ય સહસભ્યોમાં નારંગી, સંતરાં, ગ્રેપફ્રુટ, પપનસ (ચિકોતરા), ખાટાં લીંબું, મીઠાં લીંબુ, ગદ્ધા લીંબુ, કમકવાટ અને ગલગલનો સમાવેશ થાય છે. તેનું મુખ્ય થડ ટૂંકું અને અસ્પષ્ટ હોય છે. તેના પર ઉદભવતી શાખાઓ ટૂંકી, કાંટાળી, જાડી અને અનિયમિત હોય છે. તેના કાંટા તીક્ષ્ણ, મજબૂત અને ટૂંકા હોય છે. પર્ણો મોટાં, અંડાકાર-લંબચોરસ અને દંતુર હોય છે. તેમના પર્ણાગ્ર ગોળાકાર હોય છે અને પર્ણદંડ સપક્ષ (winged) હોતા નથી. પુષ્પો મોટાં, બહારથી જાંબલી અને અંદરથી સફેદ કક્ષીય (axillary) અને 3થી 10ના સમૂહોમાં ગોઠવાયેલાં હોય છે. ફળ નારંગ (hespiridium) પ્રકારનું, લીંબુ જેવું પીળું, મોટું, લંબચોરસથી અંડાકાર, ખરબચડું અથવા ગાંઠોવાળું અને કેટલીક વાર ખાંચોવાળું હોય છે. તેની છાલ જાડી હોય છે અને ફળ નાની, નાજુક, સુરભિત (aromatic), મીઠી અને રસાળ પુટિકાઓ ધરાવે છે. બીજ અંડાકાર એકભ્રૂણીય અને અસંખ્ય હોય છે.

બિજોરું : (1) પર્ણો અને પુષ્પો સાથેની શાખા; (2) ફૂલનો ઊભો છેદ; (3) ફળ; (4) ફળનો આડો છેદ; (5) બી

તેની જુદી જુદી જાતોને ‘મીઠું બિજોરું’ અને ‘ખાટું બિજોરું’ – એમ બે મુખ્ય જૂથોમાં વહેંચવામાં આવે છે. ‘બીરા-જોરા’ જાત ઘરોની આસપાસ ઉગાડવામાં આવે છે. સંતરાં (C. reticulata) માટેની ખૂંટ અથવા સ્કંધ (stock) બનાવવા આ જાતનો ઉપયોગ કરવામાં આવે છે. કલમથી ઉત્પન્ન કરેલો છોડ શરૂઆતનાં પાંચ વર્ષોમાં ખૂબ સારી રીતે વૃદ્ધિ પામે છે; પરંતુ ત્યારપછી તે અસંગતતા (incompatibility) દર્શાવે છે અને તેની વૃદ્ધિ ક્રમશ: ઘટી જાય છે. તે પહાડી જનજાતિઓમાં ખૂબ પ્રખ્યાત છે. તેનો ગાજર જેવો સફેદ ભાગ કાચો ખાવામાં આવે છે. ‘સોહ-મેનોંગ’ આસામમાં બધે જ થાય છે; પરંતુ સ્કંધ તરીકે તે અસંગત છે; ‘છાંગુરા’ની જાત નાનાં ખરબચડાં ફળ ધરાવે છે; જેમાં ગર હોતો નથી. ‘તુરંજ’નાં ફળ મોટાં હોય છે અને તે મીઠી છાલ ધરાવે છે. ‘બિજોરાં’(C. limonimedica Lushington; આસામ – બાકોલ  – ખોવા – ટેંગા)ની જાતનાં ફળ નાનાં, ખાટાં અને પુષ્કળ રસાળ હોય છે. તે જાડી છાલ ધરાવે છે. તેનું ફળ છાલસહિત ખાદ્ય છે. તેનો રસ તાજગીભર્યું પીણું બનાવવામાં વપરાય છે. ‘મહાળુંગ’ અને ‘બંગાળી બિજોરું’ની જાતો દક્ષિણ ભારતીય આબોહવામાં સારી રીતે અનુકૂલન પામી છે. ‘કાગઝી કલન’ અથવા ‘નેપાલી કાગઝી’ ખાટાં લીંબુ અને બિજોરાના કુદરતી સંકરણથી ઉત્પન્ન થતી જાત હોવાનું માનવામાં આવે છે. તેને C. medica var. sphaerocarpa. R. Singh & Nath તરીકે ઓળખાવાય છે.

બિજોરાનું પ્રસર્જન બીજ અને કલમ દ્વારા થાય છે. કલમની પદ્ધતિઓમાં ‘હવાદાબ કલમ’ અને ‘આંખ’નો ઉપયોગ કરવામાં આવે છે. હવાદાબ કલમ જુલાઈમાં અને આંખ કલમ ફેબ્રુઆરીમાં કરવામાં આવે છે.

તેની કોઈ પદ્ધતિસરની ખેતી કરવામાં આવતી નથી; પરંતુ ખાસ કરીને કચ્છમાં તેનું છૂટુંછવાયું વાવેતર થાય છે. તેની વ્યવસ્થિત ખેતી માટે 5 × 5 મીટરના અંતરે ઉનાળામાં તૈયાર કરેલા ખાડાઓમાં જુલાઈ–ઑગસ્ટમાં કલમોથી રોપણી કરવામાં આવે છે. ઉનાળામાં દર આઠ દિવસે અને શિયાળામાં દર બાર દિવસે પાણી આપવું જરૂરી હોય છે. જરૂરિયાત પ્રમાણે નીંદામણ, ગોડ અને આંતરખેડ કરવામાં આવે છે. છોડની ઉંમર પ્રમાણે 20થી 50 કિગ્રા. દેશી છાણિયું ખાતર અને 2થી  5 કિગ્રા. દિવેલીનો ખોળ આપવામાં આવે છે.

આયુર્વેદ અનુસાર તેનું ફળ ખાટું, તીખું, ઉષ્ણ, કંઠશુદ્ધિકારક, લઘુ, પ્રિય, દીપન, રુચિકર, સ્વાદુ અને જિહવા તેમજ હૃદયને શુદ્ધ કરનાર છે. તે શ્વાસ, કાસ, વાયુ, કફ, તૃષા, પિત્ત, હેડકી, અરુચિ અને રક્તપિત્તનો નાશ કરે છે. કુમળાં ફળ પિત્ત, વાત, કફ અને રક્તદોષ ઉત્પન્ન કરે છે. અર્ધા કાચા બિજોરાના ગુણો કાચા બિજોરા જેવા જ હોય છે. પાકું બિજોરું ઉત્તમ વર્ણકારક, હૃદ્ય, બલકર અને પૌષ્ટિક છે અને શૂળ, અજીર્ણ, વિબંધ, વાયુ, કફ, દમ, અગ્નિમાંદ્ય, ઉધરસ, અરુચિ અને સોજાનો નાશ કરે છે. તેના ફળની છાલ કડવી, સ્નિગ્ધ, દુર્જર, ઉષ્ણ અને ગુરુ છે અને કૃમિ, વાયુ અને કફનો નાશ કરે છે. તેની છાલનો રસ સ્વાદુ, શીતળ, ગુરુ, ધાતુવર્ધક, સ્નિગ્ધ, કફકારક અને વાતપિત્તનાશક છે. તેની છાલનો અંદરનો ભાગ શૂળ, પિત્ત, અરોચક, વાત, કમરના રોગ અને ઉદર સંબંધી થનાર રોગનો નાશ કરે છે અને ભેદક છે. બિજોરાની અંદરનું કેસર દીપન, મેદ્ય, લઘુ, ગ્રાહી અને રુચિકર હોય છે અને ગુલ્મ, ઉદર, શ્વાસ, કાસ, હેડકી, વાત, મદાત્યય, ઉન્માદ, શોષ, વિબંધ, અર્શ અને ઊલટીનો નાશ કરે છે. કેસરનો રસ પાર્શ્વ, બસ્તિશૂળ, કફ, અરુચિ, વાયુ, દમ, ઉધરસ અને ઊલટી મટાડે છે. તેનાં બીજ કડવાં, પથ્ય, દીપન, ગર્ભપ્રદ, દુર્જર, ગુરુ, ઉષ્ણ અને બલકર છે અને કફ, અર્શ, સોજા, વાયુ અને પિત્તનો નાશ કરે છે. તેનાં મૂળ અર્શ, કૃમિ, વિષૂચિકા, મલબંધ અને શૂળનો નાશ કરે છે. મીઠું બિજોરું શીતળ, મધુર, ગુરુ, વૃષ્ય, દુર્જર અને સ્વાદિષ્ટ હોય છે; અને ત્રિદોષ, પિત્ત, દાહ, રક્તદોષ, મલબંધ, દમ, ઉધરસ, ક્ષય અને હેડકીનો નાશ કરે છે. વગડાઉ બિજોરું તીક્ષ્ણ, ઉષ્ણ રુચિકર અને ખાટું હોય છે અને વાયુ અને આમદોષપ્રદ તેમજ કૃમિ, દમ અને કફનો નાશ કરે છે.

તે જંતુ (કૃમિ) ઉપર; સુખે પ્રસવ થવા ઉપર; અપસ્માર ઉપર; ગર્ભસ્થાન શુદ્ધ થવા ઉપર; હેડકી ઉપર, શૂળ ઉપર; ઊલટી અને જુલાબ ઉપર; કર્ણશૂળ અને સ્રાવ ઉપર; શીઘ્ર પ્રસૂતિ થવા ઉપર; હૃદરોગ અને ક્ષય ઉપર; ગર્ભધારણ માટે; મુખસંબંધી કફવાતરોગ, શોષ, જડપણું અને અરુચિ ઉપર; ભ્રમ અને પિત્તવિકાર ઉપર; પથરી ઉપર; બરોળના રોગો ઉપર; ગોળા અને આફરા ઉપર; પિત્તજ્વરની તૃષામાં  અને પિત્તજન્ય શિરોરોગ ઉપર ઉપયોગમાં લેવામાં આવે છે.

તેનો મુરબ્બો ઉત્તમ થાય છે. મુરબ્બામાં એલચી, જાવંત્રી અને અન્ય મસાલા નાખી તેનો ઘણાં વર્ષો સુધી ઉપયોગ કરી શકાય છે. તેનાં ફળનાં અથાણાં બનાવી શકાય છે.

આદિત્યભાઈ છ. પટેલ

કરસનભાઈ પુરુષોત્તમભાઈ કીકાણી