બિજાપુર (સત્તાવાર વિજયાપુરા) : કર્ણાટક રાજ્યના 31 જિલ્લાઓમાંનો એક જિલ્લો.

ભૌગોલિક સ્થાન : આ જિલ્લો 16° 82´ ઉ. અ. અને 75° 71´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. જે કર્ણાટક રાજ્યના ઉત્તર ભાગમાં રહેલો છે. દક્ષિણ ભારતની કૃષ્ણા અને ભીમા નદીની વચ્ચે આ જિલ્લો આવેલો છે. જેની પૂર્વમાં ગુલબર્ગા અને યાદગીર જિલ્લા, દક્ષિણે રાયચુર જિલ્લો, દક્ષિણ અને નૈર્ઋત્યે બાગાલકોટ જિલ્લો, પશ્ચિમે બેલગામ જિલ્લો, વાયવ્યે અને ઉત્તરે મહારાષ્ટ્ર રાજ્યના સાંગલી તેમજ સોલાપુર જિલ્લાઓ સીમા રૂપે આવેલાં છે. સમુદ્રસપાટીથી આશરે 606 મીટરની ઊંચાઈએ આવેલો છે.

ભૂપૃષ્ઠ : આ જિલ્લો દખ્ખણના ઉચ્ચપ્રદેશના સૂકા, લગભગ વર્ષાવિહીન પ્રદેશમાં આવેલો છે. તેનું ભૂપૃષ્ઠ ત્રણ વિભાગોમાં વહેંચાયેલું છે : (1) ઉત્તર પટ્ટો : તે ઇન્દી, સિંદગી તાલુકાઓને તથા બિજાપુર તાલુકાના ઉત્તર ભાગને આવરી લે છે. ઉત્તર તરફનો આ ભાગ વચ્ચે વચ્ચે સાંકડી ખીણોથી ભેદાયેલો, નીચો, ગોળાકાર, અસમતળ અને વૃક્ષવિહીન છે. અહીંની જમીનો છીછરી છે. મોટા ભાગની વસ્તી અહીં નદીકાંઠાના ભાગોમાં જ કેન્દ્રિત થયેલી છે. અહીં ગામડાં એકબીજાંથી ઘણાં દૂર આવેલાં છે. (2) મધ્ય પટ્ટો : તે બિજાપુર શહેરની દક્ષિણથી શરૂ થઈ ડોન નદીખીણને આવરી લે છે. અહીં પૂર્વ-પશ્ચિમ વિસ્તરેલી જાડા પડવાળી કાળી જમીનો આવેલી છે. (3) દક્ષિણ પટ્ટો : આ પટ્ટો કૃષ્ણા નદીના કાંપથી સમૃદ્ધ મેદાનોથી બનેલો છે. ઉજ્જડ ટ્રેપ ખડકપ્રદેશ દ્વારા આ વિભાગ મધ્ય પટ્ટાથી અલગ પડે છે. કૃષ્ણા નદીની આજુબાજુનો મેદાની વિસ્તાર સમૃદ્ધ જમીનોવાળો છે. અહીં પૂર્વ-પશ્ચિમ દિશામાં રેતીખડકોથી બનેલી ટેકરીઓની બે શ્રેણીઓ આવેલી છે. વધુ દક્ષિણે બાદામી તરફ તથા નૈર્ઋત્ય તરફ જતાં ટેકરીઓની સંખ્યા વધતી જાય છે, કાળી જમીનો ઓછી થતી જઈને રાતી જમીનોનું પ્રમાણ વધતું જાય છે. કાળી જમીનોમાં વર્ષમાં માત્ર એક વાર ખરીફ કે રવી પાક લઈ શકાય છે. નદીઓ અને કૂવાઓ દ્વારા સિંચાઈ થાય છે. આ જિલ્લામાં પાણીની ગુણવત્તા સારી નથી. મોટે ભાગે ક્ષારીય છે. પરિણામે નદીઓ અને ઝરણાના જળનો ખેતી માટે ઉપયોગ કરવો હિતાવહ છે.

બિજાપુર જિલ્લો

જળપરિવાહ : કૃષ્ણા, ભીમા, ઘટપ્રભા, માલપ્રભા અને ડોન અહીંની મુખ્ય નદીઓ છે. ઉત્તર અને દક્ષિણ તરફથી આવતી ભીમા અને ઘટપ્રભા કૃષ્ણાની શાખાનદીઓ છે. જિલ્લો ઘણાં નદી-નાળાંથી છેદાયેલો છે.

આબોહવા : અહીંની આબોહવા અર્ધશુષ્ક કહી શકાય. અહીં ઉનાળો વધુ ગરમ અને ભેજવાળો રહે છે. સરેરાશ તાપમાન 42° સે., નવેમ્બરથી જાન્યુઆરીના સમયગાળામાં ઠંડક અનુભવાય છે. સરેરાશ તાપમાન 28° સે. જેટલું રહે છે. ડિસેમ્બર માસમાં તાપમાન થોડું નીચું રહે છે. જૂનથી સપ્ટેમ્બર માસ દરમિયાન વર્ષાઋતુ અનુભવાય છે. આ ગાળામાં સરેરાશ વરસાદ 600 મિમી. જેટલો પડે છે.

આ જિલ્લો વન્યપ્રાણીઓ અને ગીચ જંગલો માટે ભારતમાં વધુ જાણીતો છે. અહીં વાઘ, દીપડા, હાથી, નીલગાય, સાબર, ભસતું હરણ, સ્લોથ રીંછ, જરખ, શિયાળ અને જંગલી ભેંસ જોવા મળે છે. આ જિલ્લામાં 257 પ્રકારના  છોડ રહેલા છે. મુખ્ય વૃક્ષોમાં મગનોલિયા, સિંકોના, વૈટલ, સાગ, સાલ, રોઝવુડ, ખેર, પલાસ વગેરે જોવા મળે છે.

અર્થતંત્ર :  આ જિલ્લામાં ઉદ્યોગ-ધંધાનો આધાર મોટે ભાગે ખેતી સાથે સંકળાયેલો છે. જિલ્લાના કુલ વિસ્તારના 74% જેટલો વિસ્તાર ખેતી હેઠળ રહેલો છે. જ્યારે 0.19% વિસ્તારમાં જંગલો છવાયેલાં છે. કુલ ખેતીના 82% વિસ્તાર વર્ષાઋતુ પર નિર્ભર છે. જ્યારે 17% જેટલા વિસ્તારને સિંચાઈનો લાભ મળે છે. અહીંના મુખ્ય કૃષિપાકોમાં જુવાર, મકાઈ, બાજરી, ઘઉં, તુવેર, લાલ ચણા, બેંગાલ ચણા, લીલા ચણા તેમજ અન્ય કઠોળનું ઉત્પાદન મેળવાય છે. રોકડિયા પાકોમાં તેલીબિયાં મુખ્ય છે. જેમાં કપાસ, શેરડી, મગફળી, સૂરજમુખીનું વાવેતર કરવામાં આવે છે. બાગાયતી ખેતીના મુખ્ય પાકોમાં દ્રાક્ષ, દાડમ, બોર, જામફળ, લીંબુ વગેરે છે. ખેતી સિવાય ખેડૂતો વધારાની આવક મેળવવા માટે બળદ, ભેંસ, ગાય, ઘેટાં-બકરાં તથા મરઘા પાળે છે. મીઠા પાણીના મત્સ્ય-ઉછેરને વધુ મહત્ત્વ અપાય છે.

ઍસ્બેસ્ટૉસ અને ચૂનાખડકો સિવાય અન્ય કોઈ આર્થિક ર્દષ્ટિએ મહત્વ ધરાવતાં ખનિજો અહીં મળતાં નથી. બાગલકોટ સિમેન્ટ ફૅક્ટરી અહીંનો એકમાત્ર મુખ્ય ઉદ્યોગ છે. સિમેન્ટ-આધારિત ઇન્ડિયન હ્યુમ પાઇપ કંપની સ્થાપવામાં આવી છે. જિલ્લામાં આશરે 500 જેટલા નાના પાયા પરના સૂચિત એકમો વિકાસ પામેલા છે. કપાસનું જિનિંગ અને પ્રેસિંગ કારખાનું છે. બે સ્પિનિંગ મિલો તથા 44 જેટલા વણાટ-એકમો પણ કાર્ય કરે છે. આ ઉપરાંત સિંગતેલ, ખોળ, બરફ, બીડી, ખીલા, ચિનાઈ માટીનાં વાસણો, ગ્રીઝ, સ્નેહકો, પ્રકાશીય કાચ અને રાસાયણિક સામગ્રીના એકમો પણ આવેલા છે. વળી લોખંડ-પોલાદનું, તાંબાનાં પતરાંનું તેમજ ખાંડનું કારખાનું આવેલાં છે. હાથસાળ-ઉદ્યોગ આ જિલ્લામાં વધુ વિકસેલો છે. સૂતર અને રેશમી દોરા, તેમનું વણાટ અને રંગાટીકામ અહીં પેઢીઓથી ચાલ્યું આવે છે. સાડીઓ અને કબજાના કાપડ(blouse pieces)નું અહીં પુષ્કળ વેચાણ થાય છે.

અહીંથી સુતરાઉ કપડાના ઔષધીય પાટા, સિંગતેલ, તેલીબિયાં, જુવાર, હાથસાળ અને યાંત્રિક સાળની સાડીઓ તથા કબજાનું કાપડ, સિમેન્ટ, ખાંડ વગેરેની જિલ્લા બહાર નિકાસ થાય છે. જિલ્લામાં સડક અને રેલમાર્ગોની સવલત હોવાથી બિજાપુર તેમજ અન્ય મોટાં નગરોમાં ઉપર્યુક્ત માલસામાનનો વેપાર ખૂબ વિકસ્યો છે. બાગલકોટ સિમેન્ટ માટે, ઇન્દીનગર ગોળ માટે, જામખંડી બીડી માટે જાણીતાં છે. તાલીકોટામાં જુદા જુદા માપના કાપેલા પાષાણપાટડાનો નિકાસી વેપાર ચાલે છે. વણાટકામ માટેના કાચા માલ ઉપરાંત જુવાર, ચોખા, ઘઉં જેવાં ખાદ્યાન્ન તથા શેરડી અને કાપડની અહીં આયાત કરવામાં આવે છે.

પરિવહન : જિલ્લામાં સડકમાર્ગો અને રેલમાર્ગોની સગવડો સારી છે. સોલાપુર-ચિત્રદુર્ગનો રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 13 અને 218 આ જિલ્લામાંથી પસાર થાય છે. અહીં રાજ્યમાર્ગો, જિલ્લામાર્ગો પણ છે. જિલ્લાનાં બધાં જ (19) નગરોમાં સડકમાર્ગોની સગવડ છે. સોલાપુર–ચિત્રદુર્ગનો બ્રૉડગેજ રેલમાર્ગ છે. બિજાપુર અને બાગલકોટ અહીંનાં મુખ્ય રેલમથકો છે, અન્ય નાનાં રેલમથકો પણ છે. જિલ્લાભરમાં ટપાલસેવાની સુવિધા 53 % જેટલી છે. આ જિલ્લાનાં નગરો શોલાપુર, હુબલી, પુણે, કોલ્હાપુર તથા હૈદરાબાદ સાથે સડકમાર્ગોથી જોડાયેલાં છે.

વસ્તી : આ જિલ્લાનો વિસ્તાર 10,541 ચો.કિમી. જ્યારે વસ્તી (2011 મુજબ) 21,77,331 છે. વસ્તીગીચતા દર ચો.કિમી.એ 207 છે. સેક્સ રેશિયો દર 1000 પુરુષોએ 954 મહિલાઓ છે. સાક્ષરતાનું પ્રમાણ 67.02% છે. આશરે 23% લોકો શહેરમાં વસે છે. પછાત જાતિ અને આદિવાસી જાતિની ટકાવારી અનુક્રમે 20.34% અને 1.81% છે. ધર્મના સંદર્ભમાં જોઈએ તો હિંદુઓની વસ્તી 82.07% છે. જ્યારે મુસ્લિમો 16.97%, જૈન 0.40% જ્યારે અન્યનો સમાવેશ 0.56%માં થાય છે. આ જિલ્લામાં કન્નડ (74.96%), ઉર્દૂ (15.57%), લંબાડી (5.13%), મરાઠી (2.47%) જ્યારે અન્ય ભાષા બોલનારાઓની ટકાવારી (1.87%) છે. આ જિલ્લાને વહીવટી દૃષ્ટિએ 5 તાલુકા અને 199 પંચાયતોમાં વહેંચવામાં આવ્યો છે.

આ જિલ્લો વ્યવસાયી શિક્ષણનું મુખ્ય કેન્દ્ર છે. આર્ટ્સ, કૉમર્સ અને સાયન્સ કૉલેજોમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાનું શિક્ષણ અપાય છે. એન્જિનિયરિંગ કૉલેજ જે વિશ્વસરૈયા ટૅકનૉલૉજી યુનિવર્સિટી સાથે સંકળાયેલી છે. મેડિકલ કૉલેજો અને સંશોધનકેન્દ્રો પણ આવેલાં છે. સૈનિક શાળા, કર્ણાટક રાજ્યમાં બહેનોની યુનિવર્સિટી આવેલી છે. પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ આવેલી છે જે સરકાર માન્ય અને ખાનગી પણ છે. કૃષિ યુનિવર્સિટીનું મહત્ત્વ વધુ છે. આ સિવાય હોમસાયન્સ, ફિઝિકલ એજ્યુકેશન, ફૅશન ડિઝાઇનર, કમ્પ્યૂટર સાયન્સને લગતી શૈક્ષણિક સંસ્થાઓ પણ આવેલી છે.

અહીં મંદિરો, સ્થાપત્ય અવશેષો, આર્કિટૅક દૃષ્ટિએ મહત્ત્વનાં પ્રાચીન વારસાનાં સ્થળો પણ આવેલાં છે. પ્રવાસ માટેનાં ધાર્મિક-ઐતિહાસિક મથકોમાં ઐયાહલી, બાદામી, બાગેવાડી, બાગલકોટ, વિજાપુર, બીગી, મહાલિંગપુર, ગુલદગુડા, તાલીકોટ, તેરદલ વગેરેનો સમાવેશ થાય છે.

ઇતિહાસ : અહીંના લોકો જિલ્લાના ભવ્ય ભૂતકાળ માટે ગૌરવ અનુભવે છે. કિંવદન્તીઓ, સ્મારકો, પરંપરાઓ તથા ઇતિહાસ-ઉપલબ્ધ માહિતીને આધારે તેની તવારીખ દૂરદૂરના પ્રાગ્-ઐતિહાસિક ભૂતકાળ તરફ દોરી જાય છે. ઐહાલ, બાદામી, બાગલકોટ, ધૂળખેડ, ગાલ્ગલી, કાલાગદી અને મહાકૂટ જેવાં અહીંનાં સ્થળો રામાયણના દંડકારણ્યમાં આવેલાં સ્થળોની યાદ અપાવે છે. ઐહાલના ઇલ્વલ અને બાદામીના વાતાપિ જેવા રાક્ષસોનો અગસ્ત્ય ઋષિએ મહાકૂટ ખાતે નાશ કર્યાની બાબત બિજાપુર સાથે સંબંધ ધરાવે છે. આ જિલ્લાના કેટલાક પ્રદેશોમાં આદિમાનવો વસતા હતા એ બાબત પુરાતત્ત્વીય ખોજસંશોધનોમાંથી જાણવા મળે છે.

ગોળ ગુંબજ, બિજાપુર

અગાઉના મુંબઈ પ્રાંતના એક ભાગરૂપ આ જિલ્લાને 1956ના નવેમ્બરમાં રાજ્ય પુનર્રચના અન્વયે કર્ણાટક (જૂનું મૈસૂર) રાજ્યમાં ભેળવવામાં આવેલો. બિળગી જે પહેલાં ઉપતાલુકો હતો તેને 1 ઑક્ટોબર, 1959ના રોજ તાલુકામાં ફેરવવામાં આવેલો છે. આ રીતે બિજાપુરના પહેલાંના 10 તાલુકામાંથી હવે 11 તાલુકા થયા છે.

બિજાપુરની આદિલશાહી (1489–1686) : બહમની રાજ્યમાંથી સ્વતંત્ર થયેલ આદિલશાહી વંશની રાજ્યસત્તા. બિજાપુરના સૂબેદાર યૂસુફ આદિલખાનથી આદિલશાહી વંશની શરૂઆત થઈ. તેમણે બિજાપુરને રાજધાની બનાવી એક સ્વતંત્ર અને શક્તિશાળી રાજ્યની સ્થાપના કરી. આદિલખાન તુર્કીનો વતની હતો. ત્યાંથી તે ગુલામ તરીકે ભારત આવ્યો હતો. ભારતમાં વિદેશી અમીરોના નેતા મહમૂદ ગાવાને તેણે પોતાનો દત્તકપુત્ર બનાવ્યો. યૂસુફ આદિલખાનના ગુણોથી પ્રભાવિત થઈ સુલતાન મુહમ્મદશાહ બહમનીએ તેને પોતાના અમીરોમાં સ્થાન આપ્યું. સુલતાન મુહમ્મદશાહના મૃત્યુ પછી બહમની સુલતાન સાથેનો નજીકનો સંબંધ સમાપ્ત થયો અને 1489માં તેણે પોતાની સ્વતંત્રતાની ઘોષણા કરી.

સ્વતંત્ર બિજાપુરનું રાજ્ય વિશાળ અને શક્તિશાળી હતું અને બહમની રાજ્યના વિઘટનથી દક્ષિણમાં જે અન્ય મુસલમાન રાજ્યો સ્વતંત્ર થયાં હતાં તે બિજાપુરથી ડરતાં હતાં. બિદરમાં બરીદશાહી વંશના સ્થાપક કાસિમ બરીદની પ્રેરણાથી વિજયનગરના નરસિંહ રાયે બિજાપુર પર આક્રમણ કર્યું; પરંતુ યૂસુફે તેને પરાસ્ત કર્યો. તેને કાસિમ બરીદ સાથે અવારનવાર સંઘર્ષ થતો. યૂસુફે 1502માં શિયા સંપ્રદાયને રાજ્યધર્મ જાહેર કર્યો. તે ધર્માંધ ન હતો; અન્ય ધર્મો તરફ તેની ર્દષ્ટિ સમભાવની હતી. તેણે એક મરાઠા સરદારની પુત્રી સાથે લગ્ન કર્યું હતું, જેના પ્રભાવથી તે ધાર્મિક બાબતોમાં સહિષ્ણુ બન્યો હતો. દક્ષિણનાં સુન્ની રાજ્યોએ તેનો વિરોધ કર્યો અને સંયુક્ત રીતે તેની પર આક્રમણ કરવાની તૈયારી કરવા લાગ્યા. યૂસુફને ભયંકર સ્થિતિનો ખ્યાલ આવતાં તેણે ભાગીને વરાડમાં ઇમાદશાહનું શરણ સ્વીકાર્યું અને તેની સલાહ પ્રમાણે સુન્ની સંપ્રદાયને ફરીથી રાજ્યધર્મ તરીકે જાહેર કર્યો. અહમદનગર અને ગોલકોંડાના સુલતાનો સુન્ની સંઘથી અલગ થઈ જતા, કાસિમ બરીદ એકલો પડ્યો. યૂસુફે સરળતાથી કાસિમ બરીદને હરાવ્યો અને બિદરને બિજાપુરમાં ભેળવી દીધું.

1510માં પૉર્ટુગીઝોએ ગોવા જીતી લીધું. યૂસુફ આદિલશાહનું તે પ્રિય મથક હતું. યૂસુફે પૉર્ટુગીઝોને પરાજિત કર્યા; પરંતુ તે પછી થોડા સમયમાં યૂસુફનું મૃત્યુ થયું અને પૉર્ટુગીઝોએ ગોવા પર ફરીથી અધિકાર સ્થાપિત કર્યો.

યૂસુફના મૃત્યુ પછી તેનો સગીર પુત્ર ઇસ્માઇલ આદિલખાન સત્તા પર આવ્યો. તેણે વિજયનગર અને અહમદનગર સાથે સફળ યુદ્ધો કર્યાં. વિજયનગર પાસેથી તેણે રાયચુર દોઆબનો પ્રદેશ મેળવ્યો. 1534માં તેનું મૃત્યુ થયું. ત્યારબાદ મલ્લુ આદિલખાન સુલતાન બન્યો, જેને પદભ્રષ્ટ કરીને, અંધ બનાવી દીધો અને નવા શાસક તરીકે ઇબ્રાહીમ આદિલશાહ સત્તા પર આવ્યો. તેણે સુન્ની સંપ્રદાયને રાજ્યધર્મ તરીકે જાહેર કર્યો. વિદેશીઓને રાજકીય સેવાઓથી દૂર કર્યા. વિજયનગરના રાય રામરાજ પાસેથી ગાદી છીનવી લેનાર પરમાલ  પાસેથી ધન મેળવવાની લાલચે ઇબ્રાહીમે તેને સૈન્ય સહિત સહાય કરી છતાં રામરાજ ગાદી પુન: પ્રાપ્ત કરવામાં સફળ થયો.

ઇબ્રાહીમ આદિલશાહે અહમદનગર, બિદર અને ગોલકોંડા સાથે  સફળ યુદ્ધો કર્યાં. પાછળથી તે વિલાસી બન્યો અને 1557માં મૃત્યુ  પામ્યો. તે અત્યંત કઠોર હતો. પોતાને રોગમુક્ત ન કરી શકનાર હકીમોનો તેણે વધ કરાવ્યો હતો.

તેના પછી અલી આદિલશાહ સત્તા પર આવ્યો. તેણે ફરીથી શિયા સંપ્રદાયને રાજ્યધર્મ બનાવ્યો. તેનાથી રાજ્યમાં અસંતોષ ફેલાયો. 1558માં વિજયનગરના રામરાજ સાથે ગઠબંધન કરીને તેણે અહમદનગર પર આક્રમણ કર્યું, પરંતુ આ સમયે હિંદુઓએ એટલા બધા મુસલમાનોનો વધ કર્યો કે ખુદ અલી આદિલશાહ ધ્રૂજી ઊઠ્યો અને તેણે વિજયનગર સાથે ધર્મયુદ્ધનો વિચાર કર્યો. દક્ષિણનાં ચાર મુસ્લિમ રાજ્યો – બિજાપુર, ગોલકોંડા, બિદર અને અહમદનગરે સંઘ રચીને હિંદુ રાજ્ય વિજયનગરની વધતી શક્તિ રોકવા 1565માં તેના પર આક્રમણ કર્યું અને તાલીકોટના યુદ્ધમાં તેને પરાજિત કર્યું. 1580માં અલી આદિલશાહની ત્યક્તા રખૈલે તેનો વધ કર્યો.

1580માં દ્વિતીય ઇબ્રાહીમ આદિલશાહ સત્તા પર આવ્યો. તે સગીર વયનો હોવાથી કિશ્વરખાન રાજ્યકારભાર ચલાવતો. 1619માં બિદર જીતી લેવામાં આવ્યું. સપ્ટેમ્બર, 1627માં ઇબ્રાહીમ આદિલશાહ મૃત્યુ પામ્યો. 1686માં મુઘલ શહેનશાહ ઔરંગઝેબે આ પ્રદેશને પોતાની સત્તામાં સમાવી લીધો.

બિજાપુર (શહેર) : બિજાપુર જિલ્લાનું જિલ્લામથક અને શહેર જે કર્ણાટક રાજ્યના પાટનગર બૅંગાલુરુથી 519 કિમી. દૂર છે.

તે 16° 83´ ઉ. અ. અને 75° 7´ પૂ. રે. પર આવેલું છે. સમુદ્રસપાટીથી 606 મીટર ઊંચાઈએ આવેલ શહેરનો વિસ્તાર 102.38 ચો.કિમી. છે. તેની વસ્તી (2011 મુજબ) 3,26,360 છે. જે કર્ણાટક રાજ્યમાં વસ્તીની દૃષ્ટિએ 9મા ક્રમે આવે છે. આ શહેરની વાયવ્યે આશરે 8 કિમી. દૂર ડોન નદી વહે છે જે ક્રિશ્ના નદીની શાખા નદી છે.

આ શહેર ખાદ્યપાકોનું મુખ્ય ખરીદ-વેચાણ કેન્દ્ર છે. અહીં જિનિંગ મિલ, તેલીબિયાં પીલવાનાં કારખાનાં, સાબુ, રસાયણો અને રંગોના એકમો આવેલા છે. દૂધની વિવિધ પેદાશો બનાવવાના એકમો આવેલા છે.

બિજાપુર ભૌગોલિક અને વ્યૂહાત્મક દૃષ્ટિએ સડક માર્ગોથી મોટાં શહેરો સાથે સંકળાયેલ છે. આ શહેરમાંથી રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 50 (સોલાપુર – મેંગ્લોર) અને નં. 218 (હુબલી – હમનાબાદ) તેમજ રાજ્યના ધોરી માર્ગો પસાર થાય છે. રાજ્ય પરિવહન અને ખાનગી બસોની સુલભતા રહેલી છે. મધ્ય રેલવે અને દક્ષિણ પશ્ચિમ રેલ વિભાગની ટ્રેનો માટેનું બિજાપુર મુખ્ય જંકશન છે. અહીં બ્રૉડગેજ રેલમાર્ગોનું વીજળીકરણ થઈ ગયેલું છે. દક્ષિણ ભારતનાં મુખ્ય રેલવે જંકશનો સાથે બિજાપુર સંકળાયેલું છે. આ શહેરની નજીકનું હવાઈ મથક ગુલબર્ગા છે. જે આશરે 150 કિમી. દૂર છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી બિજાપુર હવાઈ મથક નિર્માણ કરવાનું આયોજન છે.

આ શહેરમાં હિંદુ, મુસ્લિમ, જૈન અને અન્ય ધર્મના લોકો વસે છે. જેની ટકાવારી અનુક્રમે 62.12%, 35.36%, 1.14% અને 1.18% છે. સાક્ષરતાનું પ્રમાણ 83.43% જ્યારે સેક્સ રેશિયો દર 1000 પુરુષોએ 932 મહિલાઓ છે. મુખ્ય બોલાતી ભાષા કન્નડ (51.43%), ઉર્દૂ (34.35%), મરાઠી (5.38%), લમ્બાડી (3.85%), હિન્દી (2.01%), તેલુગુ (1.17%) અને અન્ય ભાષા (1.81%)ઓ છે.

આ શહેરમાં વ્યાવસાયિક શિક્ષણની અનેક સંસ્થાઓ આવેલી છે. અહીં શિક્ષણનો વ્યાપ 1980 પહેલાંથી થયો હતો. અનેક શૈક્ષણિક સંસ્થાઓમાં સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન અને માનવસંસ્કૃતિને લગતું શિક્ષણ આપવામાં આવે છે. વિશ્વસરૈયા ટૅકનૉલૉજી યુનિવર્સિટી સાથે એન્જિનિયરિંગ કૉલેજો સંકળાયેલી છે. કર્ણાટક રાજ્ય મહિલા યુનિવર્સિટી પણ આવેલી છે. પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ આવેલી છે. જે રાજ્ય સરકાર દ્વારા સંચાલિત અને ખાનગી સંસ્થાઓ (સરકાર માન્ય) હોય છે.

આ શહેરમાં અનેક ઐતિહાસિક સ્મારકો અને સ્થાપત્યો આવેલાં છે. તે સૂકીભઠ્ઠ ધરતી પર વસેલાં છે. જે જૂના વખતમાં વિજયપુર, વિદ્યાપુર કે મોહમદપુરા નામોથી ઓળખાતું હતું. આ શહેરના ઇતિહાસને ચાર ભાગમાં વહેંચવામાં આવ્યો છે. ચાલુક્ય રાજવંશનો સમયગાળો ઈ. સ. 535થી 757, રાષ્ટ્રફૂટનો સમયગાળો ઈ. સ. 757થી 973, કાલાચૂરી અને હોયસળનો ગાળો ઈ. સ. 973થી 1200 અને દેવગિરિ યાદવનો સમયગાળો ઈ. સ. 1185થી 1312 મુસ્લિમોના આક્રમણ સુધીનો ઇતિહાસકારો ગણે છે. ઈ. સ. 1312થી 1668 સુધીના સમયગાળામાં બહામી સલ્તનતથી બિજાપુરના સુલતાનોનું પ્રભુત્વ રહ્યું હતું. 1686ની સાલમાં મુગલ શહેનશાહ ઓરંગઝેબે વિજાપુર ઉપર પ્રભુત્વ મેળવ્યું હતું. મુગલોનું શાસન 1723 સુધી રહ્યું હતું. 1724થી 1760 સુધી હૈદરાબાદના નિઝામે પ્રભુત્વ સ્થાપ્યું હતું. 1769થી 1818 સુધી મરાઠાઓએ શાસન કર્યું હતું. 1818થી ભારત સ્વતંત્ર થયું ત્યાં સુધી બ્રિટિશરોએ હકૂમત સ્થાપી હતી.

જોવાલાયક સ્થળો : બિજાપુરમાં આદિલશાહી સુલતાનોએ સુંદર બગીચા, ઇમારતો, મહેલો, કિલ્લાઓ, મિનારા મસ્જિદો અને મકબરા નિર્માણ કર્યાં હતાં, જેમાં ટર્કિશ ભાતની છાંટ દેખાઈ આવે છે. આ શહેરમાં આજે 50 મસ્જિદો, 20 મકબરા, કિલ્લા, ગુંબજ જેવાં સ્થાપત્યો આવેલાં છે જે આજે પણ જળવાયેલાં મળે છે. આ સિવાય આનંદ મહેલ, અસર-ઈ-શરીફ મહલ, ભવ્ય કમાનવાળો ગગન મહલ, સાત માળની સાત મંજિલ, જૈન મંદિરમાંથી ‘ઓલ્ડ મોસ્ક’, બે માળનો ગડીઓવાળો ગુંજબ વગેરે

બિજાપુરનો કિલ્લો : બિજાપુરનો આ કિલ્લો 10 કિમી. જેટલી લંબાઈમાં વિસ્તરેલો છે, તેને ફરતી 12થી 15 મીટર પહોળી સળંગ ખાઈ પણ છે. તેની દીવાલો સ્થાનભેદે 9થી 15 મીટરની ઊંચાઈવાળી અને 6 મીટરની જાડાઈવાળી છે. કિલ્લાને 106 બુરજ અને 5 દરવાજા છે. દરવાજાઓને 15 સેમી. જાડાં કમાડ છે. એ કમાડ બનાવવામાં વપરાયેલા ખીલાનાં દળદાર ટોપકાં ઉપરાંત એમાં 30 સેમી. લાંબા, અણિયાળા, ભાલા જેવા ખીલા પણ રક્ષણાર્થે જડવામાં આવેલા જોવા મળે છે. ત્રણ બુરજવાળા સૌથી બહારના દરવાજે આર્ક કિલ્લા નામનો નગરદુર્ગ છે. તેમાં અગાઉના વખતમાં મહેલો અને બગીચા હતા, આજે તે ખંડિયેરો છે. સરજી બુરજ 1658માં બાંધેલો, ત્યાં મલિક-ઇ-મેદાન નામની 55 ટન વજન ધરાવતી કાંસાની મોટી તોપ મૂકેલી છે; લૅન્ડા કસબ પર આવી જ બીજી એક તોપ છે, તે બિજાપુરમાંની મોટામાં મોટી તોપ ગણાય છે, તેની લંબાઈ 6.6 મીટર અને મુખાગ્ર ભાગનો વ્યાસ 1.3 મીટર છે. ત્રીજો અર્ધગોળાકાર મિનારાવાળો ફરાંજી બુરજ છે, ત્યાં તોપો રાખવાની ઘણી પીઠિકાઓ છે. અહીંનાં ભારતવિખ્યાત સ્થાપત્યોને કારણે બિજાપુર ‘દક્ષિણ ભારતનું આગ્રા’ કહેવાય છે. દુઆર્ત બાર્બોસા વર્ધેમ જેવા મુસાફરોએ તેને ‘ડેક્કન ક્વીન’ તરીકે નવાજેલું છે.

ગોળ ગુંબજ : બિજાપુર તેનાં ભવ્ય સ્થાપત્યો પૈકી વિશેષે કરીને તો ગોળ ગુંબજ તથા ઇબ્રાહીમના રોજા માટે વિશ્વવિખ્યાત બનેલું છે. ગોળ ગુંબજ તેની વિશિષ્ટ પ્રકારની સ્થાપત્યકલા માટે જાણીતો બન્યો છે. દુનિયાભરમાં તે બીજે ક્રમે આવતો સૌથી મોટો ગુંબજ છે, તેનો વ્યાસ 38 મીટરનો છે. (પ્રથમ ક્રમે આવતો 42–43 મીટર વ્યાસવાળો સેન્ટ પીટરનો ગુંબજ રોમના વૅટિકન સિટીમાં આવેલો છે, ત્રીજા ક્રમે આવતો 33 મીટરના વ્યાસવાળો સેન્ટ પૉલનો ગુંબજ લંડનમાં આવેલો છે.) બિજાપુરના ગોળ ગુંબજની નીચે તરફની ઇમારત સમચોરસ આકારની છે, તેની ચારે બાજુ, ઉપરથી ગોળાકાર કમાનોવાળાં પ્રવેશદ્વારો છે. આ ઇમારતની દીવાલો 3 મીટરની જાડાઈવાળી છે એટલું જ નહિ, એક પણ થાંભલાના આધાર વિના તે તેના તળભાગથી 33 મીટરની ઊંચાઈવાળા ગુંબજના મથાળા સુધી બાંધવામાં આવેલી છે. દીવાલોના ખૂણાઓ પર ચાર અષ્ટકોણીય મિનારા જોડેલા છે. દીવાલો પરની માત્ર ચાર ઊંચી અણીદાર કમાનો પર આખો ગુંબજ આધારિત છે. ગુંબજનો અંદર તરફનો બધો જ ભાગ સળંગ પોલાણવાળો છે. આ આખીય ઇમારત વાસ્તવમાં તો સુલતાન મહમ્મદ આદિલશાહનો મકબરો છે.

આ ગુંબજ આટલો બધો પ્રખ્યાત થવાનું સૌથી મહત્વનું કારણ તેની અજાયબીભરી રચનામાં સમાયેલું છે. આ ગુંબજ હેઠળ ગમે ત્યાં ઊભા રહીને અન્યના કાનમાં કરેલો અત્યંત ધીમો ગણગણાટ કે આંગળાંના ટચાકા કે દીવાસળી ઘસવાનો અવાજ પણ દસ-બાર વખત ફરીફરીને થોડા મોટા અવાજે પ્રતિધ્વનિત થયા કરે છે. આ પ્રકારના રચનાત્મક સ્થાપત્ય પરથી ભારતના પ્રાચીન સ્થપતિઓ તથા બાંધકામ-નિષ્ણાતોની સિદ્ધિઓ તેમજ કૌશલ્યનો અંદાજ આવે છે. ઉદભવતા જતા પડઘાઓની મોજ ખરેખર માણવી હોય તો ખૂબ વહેલી સવારે ત્યાં પહોંચી જવું જોઈએ, કારણ કે ત્યાં સવારથી જ પ્રવાસીઓનો ધસારો પડઘા સાંભળવા માટે શરૂ થઈ જાય છે. આ ઇમારત નવ માળની છે, નવમા માળે ગોળ ગુંબજ છે. ગુંબજ સુધી પહોંચવા માટે 45 સેમી. ઊંચાઈવાળું એક, એવાં 108 પગથિયાં ચડવાં પડે છે. થાકી જવાતું હોવા છતાં ગુંબજમાં પહોંચી ગયા પછી જે અવર્ણનીય આનંદની અનુભૂતિ થાય છે તેમાં થાક વીસરી જવાય છે.

ગુંબજ ઉપરાંત અન્ય ઘણી પ્રાચીન ઇમારતો; જેવી કે મસ્જિદો, મકબરા, મહેલો વગેરે તેમની અપ્રતિમ કલાકારીગરીથી પ્રવાસીઓને સ્તબ્ધ કરી મૂકે છે. તે પૈકી કેટલીક ઇમારતો ખંડિયેર હાલતમાં છે, તો કેટલીક આશ્ચર્યજનક રીતે એવી ને એવી અકબંધ પણ છે.

જામી મસ્જિદ : અલી આદિલશાહ પહેલાએ જામી મસ્જિદ બંધાવેલી. આ ઇમારત 137 મીટર લાંબી અને 68 મીટર પહોળી વિશાળ લંબચોરસ આકારની, ફૂલેલા ગુંબજો તથા ભવ્ય મિનારાઓવાળી છે. ઊંચી પીઠિકા (platform) પર બાંધેલો ‘ઇબ્રાહીમ રોજો’ ઇબ્રાહીમ આદિલશાહ બીજાનો મકબરો છે. તેની સાથે  મસ્જિદ પણ છે. આ રોજો દક્ષિણ ભારતીય શૈલીથી બાંધેલો છે, તેના પરનાં શણગાર અને ભાત અવર્ણનીય છે. ખવાઈ ગયેલું પ્રવેશદ્વાર ધરાવતો મહેતર મહેલ એ વાસ્તવમાં મહેલ નથી પણ નકશીકામવાળું શણગારેલું પ્રવેશદ્વાર છે. તેની સ્થાપત્યશૈલી ઇબ્રાહીમ રોજાને મળતી આવે છે. શહેરની પશ્ચિમે આશરે 6 કિમી.ને અંતરે નૌ(નવ)રસપુરનાં ખંડિયેર આવેલાં છે, તે ઇબ્રાહીમ આદિલશાહ બીજાએ બાંધેલા નવા શહેરના ભગ્નાવશેષો છે. અહીં નૌરસ અથવા સંગીત મહેલ નામની અત્યંત આકર્ષક ઐતિહાસિક ઇમારત પણ છે. આ ઉપરાંત ઐતિહાસિક મહત્વ ધરાવતાં સુંદર કોતરણીવાળાં શિલ્પો, ચિત્રો, હસ્તપ્રતો, હથિયારો વગેરે પણ ગોળ ગુંબજ નજીક આવેલા અહીંના પુરાતત્ત્વીય સંગ્રહસ્થાનમાં પ્રદર્શિત કરાયેલાં છે.

નીતિન કોઠારી

મીનળ શેલત

ગિરીશભાઈ પંડ્યા