બિગ્નોનિયેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. તે લગભગ 120 પ્રજાતિ અને 750 જાતિઓનું બનેલું છે અને મુખ્યત્વે ઉષ્ણ પ્રદેશોમાં વિતરણ પામેલું છે. તેની બહુ ઓછી જાતિઓ બંને ગોળાર્ધોના સમશીતોષ્ણ પ્રદેશોમાં થાય છે. ઉત્તરીય દક્ષિણ અમેરિકામાં તેની પ્રજાતિઓ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. કેટલીક પ્રજાતિઓ ઉષ્ણકટિબંધીય આફ્રિકા અને માડાગાસ્કરમાં પણ થાય છે. એશિયામાં ઘણી થોડી જાતિઓ વિતરિત થયેલી છે. જાણીતી જાતિઓમાં Millingtonia hortensis L. (બૂચ), Bignonia unguiscati L. (નખવેલ), Tecoma radicans Juss. (તિલોત્તમા), Tecoma stans (L.) H.B.K. યલો બેલ્સ અને Kigelia pinnata DC. કકુમ્બર ટ્રી વગેરેનો સમાવેશ થાય છે.
આ કુળની જાતિઓ વૃક્ષ, ક્ષુપ કે ઘણી વખત આરોહી હોય છે અને ક્વચિત્ શાકીય (Incarvillea) અથવા ઉપક્ષુપ [(suffrutescent); દા.ત., Eccremocarpus] સ્વરૂપે પણ જોવા મળે છે. ઘણી જાતિઓમાં આરોહણની ક્રિયા પર્ણિકાના સૂત્રમાં થતા રૂપાંતરણ દ્વારા થાય છે. કેટલાકમાં શ્લેષી મૂળ દ્વારા (દા.ત., તિલોત્તમા), તો બીજી કેટલીક જાતિઓમાં સૂત્ર કે શ્લેષી મૂળ (clinging root) સિવાય આરોહણ થાય છે. કેટલીક આરોહી જાતિઓના પ્રકાંડમાં અસાધારણ દ્વિતીય વૃદ્ધિ થાય છે; જે દરમિયાનમાં આંતરદારૂક (interxylary) અન્નવાહક પેશી ઉદભવે છે. પર્ણો સાદાં અથવા મોટેભાગે દ્વિ કે ત્રિપીંછાકાર [બૂચ (Millingtonia), ટેટુ (oroxylum)] કે પંજાકાર (Nyctocalos) સંયુક્ત હોય છે. તે સમ્મુખ કે ભાગ્યે જ ભ્રમિરૂપ [whorled; (Diplanthera)] અથવા એકાંતરિક (Amphicome) અને અનુપપર્ણીય (exstipulate) હોય છે. પુષ્પવિન્યાસ દ્વિશાખિત (bichasial) પરિમિતથી માંડી એકશાખી (monochasial) પરિમિત (cymose) હોય છે અને તે નિપત્ર (bract) અને નિપત્રિકાઓ (bracteoles) ધરાવે છે. પુષ્પ સંપૂર્ણ, એકવ્યાસ-સમમિત (zygomorphic), દ્વિલિંગી, અધોજાય (hypogynous), સુંદર અને મોટાં હોય છે. વજ્ર 5 વજ્રપત્રોનું બનેલું હોય છે. તે યુક્તવજ્રપત્રી, ઘંટાકાર (campanulate) અને ધારાસ્પર્શી (valvate) હોય છે. દલપુંજ 5 દલપત્રો ધરાવે છે, તે ઘંટાકાર કે નિવાપાકાર (infundibuliform) હોય છે. દલપત્રો અસમાન કે કેટલીક વાર દ્વિઓષ્ઠીય; પૃથુપર્ણ જેવું (spathodea) અથવા છિન્નત (truncate) હોય છે. તે દ્વિઓષ્ઠીય હોય તો ઉપરનો ઓષ્ઠ બે અને નીચેનો ઓષ્ઠ ત્રણ દલપત્રો વડે બને છે અને કોરછાદી (imbricate) કલિકાન્તરવિન્યાસ (aestivation) ધરાવે છે. પુંકેસરચક્ર સામાન્યત: ચાર પુંકેસરોનું બનેલું હોય છે. તે દ્વિદીર્ઘક (didynamous) હોય છે. પાંચમું પશ્ચ પુંકેસર વંધ્ય અને અવશિષ્ટ હોય છે; ભાગ્યે જ પાંચ પૂર્ણ પુંકેસરો (ટેટુ) કે 2 પૂર્ણ પુંકેસરો અને 3 વંધ્ય પુંકેસરો (catalpa) હોય છે. તે દલલગ્ન (epipetalous), દલપત્રો સાથે એકાંતરિક અને દલપુંજનલિકાના ફૂલેલા ભાગેથી જોડાયેલા હોય છે. પરાગાશયો એકબીજાને સ્પર્શતાં હોય તેવાં આસંજિત (conivent = adherent), દ્વિખંડી અને અંતર્મુખી (introse) હોય છે અને તેમનું સ્ફોટન લંબવર્તી રીતે થાય છે. પરાગાશયના ખંડો સમાંતર અથવા દ્વિવક્ર (divericate) હોય છે. પુંકેસરો અધોજાયી બિંબ (disc) પરથી ઉત્પન્ન થાય છે. સ્ત્રીકેસરચક્ર દ્વિયુક્તસ્ત્રીકેસરી ઊર્ધ્વસ્થ, દ્વિકોટરીય બીજાશયનું બનેલું હોય છે, જે અક્ષવર્તી (axile) જરાયુવિન્યાસ ધરાવે છે અને પ્રત્યેક કોટરમાં અસંખ્ય અંડકો હોય છે. Kigelia અને Eceremocarpusમાં બીજાશય એકકોટરીય હોય છે અને તે બે દ્વિશાખિત ચર્મવર્તી (parietal) જરાયુઓ ધરાવે છે. પરાગવાહિની સાદી અને પરાગાસન દ્વિશાખિત હોય છે. બીજાશયના તલપ્રદેશમાં આવેલા વલયાકાર કે ગાદી જેવા બિંબ દ્વારા મધુરસનો સ્રાવ થાય છે. ફળ દ્વિકપાટીય (bivalvular), વિવરીય (loculicidal) કે પટીભંગસ્ફોટક (septicidal) પ્રાવર પ્રકારનું હોય છે. Kigelia, Parmentiera અને Crescentia જેવી કેટલીક પ્રજાતિઓમાં અસ્ફોટી કાષ્ઠમય અનષ્ઠિલ પ્રકારનું ફળ હોય છે. પ્રાવર ફળમાં બીજ પુષ્કળ અને સપક્ષ (winged) હોય છે. પરંતુ માંસલ ફળમાં બીજ ચપટાં હોવા છતાં સપક્ષ હોતાં નથી. કેટલીક વાર ગુચ્છકેશી [(comose), દા.ત., Chilopsis] હોય છે. બીજ અભ્રૂણપોષી (nonendospermous) હોય છે અને તે સીધો ભ્રૂણ ધરાવે છે. તેનું પુષ્પીય સૂત્ર છે :
મોટાભાગની વૃક્ષ, ક્ષુપ કે આરોહી વનસ્પતિઓ શોભાની વનસ્પતિઓ છે; જેમ કે, Spathodea campanulata Beauv, Jacaranda mimosaefolia D. Don., Millingtonia hortensis L. (બૂચ), Kigelia pinnata DC. (કકુમ્બર ટ્રી); Tecoma stans (L.) H.B.K. (યલો બેલ્સ); Tecoma radicans Juss. (તિલોત્તમા); Oroxylam indicum Vent. (ટેટુ); Crescentia cyjete. L. અને Bignonia unguis-cati (નખવેલ). Spathodea campanulata Beauv., Tecomella undulata Seem. (રગતરોહિડો) અને Millingtonia hortensis L.f.(બૂચ)નો ઇમારતી કાષ્ઠ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. રગતરોહિડો ઔષધ વનસ્પતિ છે. બૂચની છાલમાંથી નીચલી ગુણવત્તાવાળા બૂચ બનાવવામાં આવે છે.
બૅન્થમ અને હૂકરે આ કુળને ગેસ્નેરિયેસી અને પિડાલિયેસીની વચ્ચે પર્સોનેલ્સ ગોત્રમાં મૂક્યું છે. ઍંગ્લર અને પ્રેન્ટલે તેને ટ્યૂબીફ્લોરીમાં, હચિન્સને બિગ્નોનિયેલ્સમાં અને ક્રોન્ક્વિસ્ટ અને તખ્તજાને સ્ક્રોફ્યુલારિયેલ્સમાં મૂકેલ છે. તે સ્ક્રોફ્યુલારિયેલ્સ સાથે ગાઢ સંબંધ ધરાવે છે.
યોગેશ ડબગર
બળદેવભાઈ પટેલ