બિગ્નોનિયા : દ્વિદળી વર્ગમાં આવેલા બિગ્નોનિયેસી કુળની એક પ્રજાતિ. આ પ્રજાતિ સ્વરૂપની ર્દષ્ટિએ બે મુખ્ય પ્રકારની જાતિઓ ધરાવે છે : (1) વૃક્ષ અને (2) આરોહી.
Bignonia megapotamica એ બગીચામાં અથવા રસ્તાની બેઉ બાજુએ રોપવામાં આવતી વૃક્ષજાતિ છે. આ વૃક્ષ મધ્યમ ઊંચાઈનું થાય છે. પર્ણો સાધારણ નાનાં, થોડાં લાંબાં ચળકતાં અને ઝૂકતાં હોય છે. ફેબ્રુઆરી–માર્ચ માસમાં એને મોટાં આછા જાંબલી રંગનાં પુષ્પો ઝૂમખાંમાં આવે છે ત્યારે એ ખૂબ આકર્ષક લાગે છે. બીજી કેટલીક જાતિઓની માફક આનાં પર્ણો પુષ્પનિર્માણ સમયે ખરી ગયેલાં હોતાં નથી. એટલે પર્ણો અને પુષ્પ બંનેની સુંદરતા સાથે જોવા મળે છે.
આયુર્વેદમાં વપરાતાં ટેટુ, રગતરોહિડો, પાટલા વગેરે વૃક્ષો કેટલાકને મતે બિગ્નોનિયાની જ જાતિઓ છે. જોકે એનાં વૈજ્ઞાનિક નામો અનુક્રમે (Oroxylum indicum = B. indica, Tecomela undulata = B. undulata) અને Dolichandrone atrovirens = B. atrovirens – એમ આપવામાં આવ્યાં છે.
બિગ્નોનિયાની ઘણી આરોહી જાતિઓ જાણીતી છે.
B. gracilis : પર્ણો મધ્યમ કદનાં સાધારણ ચળકતાં હોય છે. આ વેલ ઠીક ઠીક ઝડપથી વધે છે એટલે હરિતગૃહ (green house) માટેના મંડપ ઉપર કે જાલ (trellis) બનાવવા અથવા દીવાલ ઉપર ચઢાવવા માટે વધારે અનુકૂળ રહે છે. એમાંથી નીકળતાં સૂત્રો(tendrils)ને લીધે વેલ એના આધાર ઉપર મજબૂત પકડ ધરાવે છે. પુષ્પો થોડાં લાંબાં, ભૂંગળા આકારનાં, પીળા રંગનાં પુષ્કળ પ્રમાણમાં આવે છે. પુષ્પના આકારને લીધે એને તૂર્ય પુષ્પ (trumpet flower) પણ કહે છે. પુષ્પો ફેબ્રુઆરીમાર્ચ– માસમાં આવે છે અને બેે-ત્રણ માસ ટકે છે. ક્યારેક બીજી ઋતુમાં કોઈ કોઈ ફૂલ જોવા મળે છે.
B. venusta : આને ગોલ્ડન શાવર પણ કહે છે. નામ પ્રમાણે કેસરી–ગુલાબી રંગનાં આંગળી જેવાં જાડાં–લાંબાં પુષ્પો ઝૂમખાંમાં આવે છે અને આખો છોડ પુષ્પોથી ભરાઈ જાય છે ત્યારે એ ખૂબ જ સુંદર લાગે છે. પુષ્પો શિયાળામાં આવે છે. ક્યારેક શિયાળામાં ઠંડી ઓછી થઈ જાય છે ત્યારે પુષ્પ પણ ઓછાં થઈ જાય છે અને ફરી પાછી ઠંડી પડે તો પુષ્પોનો બીજો બહાર પણ આવે છે. દિલ્હી જેવાં સ્થળોએ તો ફૂલો ઘણો લાંબો વખત ટકે છે. એટલે તો રાષ્ટ્રપતિ ભવનની પાછળની બાજુ શિયાળામાં આ પુષ્પોથી ભરેલી બૉર્ડર લાંબેથી બધાંના આકર્ષણનું કેન્દ્ર બને છે. તેનાં પર્ણો બીજી જાતિઓ જેવાં જ લગભગ હોય છે.
B. purpurea, B. magnifica, B. chamberlineae, B. cherare વગેરે જાતિઓ પણ આરોહી છે. બધી જાતિઓની વંશવૃદ્ધિ બીથી, કટકારોપણથી અથવા ગુટી કે દાબ કલમથી થાય છે.
મ. ઝ. શાહ