બિકાનેર : રાજસ્થાનના વાયવ્ય ભાગમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક તથા શહેર. ભૌગોલિક સ્થાન : તે 27° 11´થી 29° 03´ ઉ. અ. અને 71° 54´થી 74° 12´ પૂ. રે. વચ્ચેનો 27,244 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે જિલ્લો ઉત્તર તરફ ગંગાનગર જિલ્લાથી, ઈશાનમાં હનુમાનગઢ જિલ્લાથી, પૂર્વમાં ચુરુ જિલ્લાથી, દક્ષિણમાં નાગૌર અને જોધપુર જિલ્લાઓથી, નૈર્ઋત્યમાં જેસલમેર જિલ્લાથી તથા પશ્ચિમ અને વાયવ્યમાં પાકિસ્તાનની સરહદથી ઘેરાયેલો છે.
પ્રાકૃતિક રચના : જિલ્લાનો મોટો ભાગ નિર્જન તથા થરના રણથી છવાયેલો છે. આ સંદર્ભમાં જિલ્લાને બે મુખ્ય પ્રાકૃતિક વિભાગોમાં વહેંચેલો છે : (1) ઉત્તર અને પશ્ચિમ તરફનો રણ-આચ્છાદિત વિભાગ (2) દક્ષિણ અને પૂર્વ તરફનો અર્ધરણ વિભાગ. ઘણાંખરાં સ્થળોએ 6થી 30 મીટર ઊંચાઈ ધરાવતા, વારંવાર સ્થાન બદલતા રેતીના ઢૂવા જોવા મળે છે. જિલ્લાનો લગભગ સમગ્ર વિસ્તાર અફાટ રેતીથી છવાઈ રહેલો છે. નોખા, કોલાયત અને ધૂલમેડાના થોડાક દક્ષિણ ભાગોને બાદ કરતાં ક્યાંય પણ ખડક-વિવૃત્તિઓ જોવા મળતી નથી. જિલ્લાના કુલ ચાર તાલુકાઓ પૈકી કોલાયત તાલુકાને બાદ કરતાં બાકીના ત્રણેય તાલુકાઓની ભૂમિ રેતીથી આચ્છાદિત છે. કોલાયત તાલુકાના ભાગોમાં જોવા મળતા, રેતીખડકો કે ચૂનાખડકોથી બનેલા ટેકરા અહીં ‘મગરા’ નામે ઓળખાય છે.
જળપરિવાહ : જિલ્લામાં ટેકરીઓ ન હોવાથી કોઈ કાયમી નદીનાળાં જોવા મળતાં નથી. માત્ર કોલાયત, ગુજનેર અને ગુડા નજીક ક્યાંક ક્યાંક નાનાં મુદતી નાળાં નજરે પડે છે. અહીંના ભૂમિતળમાં ઉનાળા દરમિયાન થોડુંઘણું પાણી જાળવી રાખી શકે એવા કુદરતી ખાડા કોલાયત, જામસર અને લંકારણસર નજીક આવેલા છે. આ પૈકી કોલાયતનું સરોવર ધાર્મિક ર્દષ્ટિએ મહત્વનું બની રહેલું છે, તેને અહીંના વિશાળ સૂકા રણવિસ્તારનો રણદ્વીપ (oasis) કહે છે. જિલ્લાના પશ્ચિમ ભાગમાં રેતીના સ્થાયી ઢૂવાઓમાં નહેરો બનાવવામાં આવેલી છે, પરંતુ ક્યારેક સ્થાનાંતરિત થતી રેતી (જે પૂર્વ તરફ વિસ્તરતી જાય છે.) આ નહેરો કે રસ્તાઓ માટે ખતરારૂપ પણ બની રહે છે. આ ઉપરાંત, અહીં ક્ષારતાનું પ્રમાણ વધતું જાય છે.
આબોહવા-વનસ્પતિ : રાજસ્થાનનો આ વાયવ્ય ભાગ રણપ્રદેશ હોવાથી અહીં તદ્દન અલ્પ પ્રમાણમાં વરસાદ પડે છે, તેમજ ઊંચું તાપમાન રહે છે. પરિણામે હવામાં ભેજનું પ્રમાણ જળવાતું નથી, બાષ્પીભવન વધુ પ્રમાણમાં થાય છે, આબોહવા શુષ્ક રહે છે; તેમ છતાં ચોમાસા દરમિયાન જ્યાં થોડા પ્રમાણમાં પણ ભેજસંગ્રહ થઈ શકે છે ત્યાં 6 મીટરથી ઊંચાં નહિ એવાં છૂટાંછવાયાં બુઠ્ઠાં વૃક્ષો જોવા મળે છે. અહીં ઊગી નીકળતાં વૃક્ષો, છોડવા કે ઝાંખરાં વનસ્પતિજીવનનાં અસ્તિત્વનો માત્ર પુરાવો જ પૂરો પાડે છે. તે સ્થાનિક ઇમારતી બાંધકામ કે ખેતીનાં ઓજારો કે ઇંધન માટેનો કોઈ પુરવઠો પૂરો પાડતાં નથી. આ જિલ્લામાં જોવા મળતાં વૃક્ષો પૈકી માત્ર ખીજડો જ ઉલ્લેખનીય છે, જોકે અન્યત્ર રોહિડો, બોરડી અને પીલુડી જોવા મળે છે ખરાં. તળાવો કે બગીચાઓ નજીક સીસમ, વડ, પીપળ અને શિરીષ જેવાં વૃક્ષો ઊગે છે. આ સિવાય થોર, મુંજ, કાંસ, પાલો, ભૂઈ, સેવન કે ભૂરટ જેવી ઘાસ પ્રકારની વનસ્પતિ પણ ઊગી નીકળે છે.
ખેતી-સિંચાઈ-પશુપાલન : આ જિલ્લામાં માત્ર ખરીફ પાક જ લઈ શકાય છે. ધાન્ય પાકોમાં ઘઉં, બાજરો, જુવાર; અન્ય પાકોમાં કઠોળ, શેરડી, તેલીબિયાં તેમજ ઢોરોના ખોરાક માટે ઘાસનું વાવેતર થાય છે. અહીં ખેતીની જમીનોને સિંચાઈ પૂરી પાડવામાં નહેરોનો ઉપયોગ થાય છે. સિંચાઈવાળી 23,712 હેક્ટર જમીનોને 99.54 % પાણી નહેરો દ્વારા, બાકીની જમીનોને 0.46 % પાણી કૂવા કે પાતાળકૂવા દ્વારા પૂરું પડાય છે. ભેંસ, ઘેટાં અને બકરાં અહીં જોવા મળતાં મુખ્ય પશુ છે. તેમને માટે અહીં 9 પશુદવાખાનાં; 6 કૃત્રિમ ગર્ભાધાન-કેન્દ્રો, 3 પશુચિકિત્સાલયો; 5 હરતાંફરતાં પશુચિકિત્સા-વાહનો, 7 ગૌશાળાઓ અને 8 ઘેટાં-વિસ્તરણમથકોની વ્યવસ્થા છે.
ઉદ્યોગો : ઔદ્યોગિક વિકાસ માટે જરૂરી માળખાગત સુવિધાઓ અને નિષ્ણાત-જાણકારીની ઉપલબ્ધિના અભાવને કારણે આ જિલ્લો રાજ્યમાં ઉદ્યોગક્ષેત્રે વિકાસ પામી શકેલ નથી. તેથી મોટા પાયા પરના ઉદ્યોગો અહીં ઊભા થયેલા નથી. ગ્રામ ઔદ્યોગિક વિકાસ યોજના અન્વયે અહીં બિકાનેર નજીક ઊની કારખાનાં અને ડેરી જેવા નાના અને મધ્યમ કક્ષાના એકમો ઊભા થઈ શક્યા છે. અન્ય એકમોમાં માટીનાં વાસણો બનાવવાના અને પોલાદ-પ્રક્રમણના ઊની એકમોનો સમાવેશ થાય છે. છાપકામ-પ્રેસ, શીતાગાર, બરફનાં કારખાનાં, રાસાયણિક તેમજ આયુર્વેદિક ફાર્મસીઓ, ગુંદર બનાવવાના એકમો; નિસ્યંદિત જળ, બૅટરી, ઍસિડ, વીજાણુ-સાધનો, યાંત્રિક સામગ્રી અને સાઇકલોના એકમો પણ અહીં છે. કુટિર-ઉદ્યોગો પૈકી હાથસાળ અને વણાટના, લોહ-પોલાદી માળખાંના, રંગાટીકામના, છપાઈકામના, ઊની ભરતનાં, રમકડાં, કાગળ, ભૂંજિયા અને રસગુલ્લાં બનાવવાના એકમો વિકસ્યા છે. આ જિલ્લામાં પુષ્કળ પ્રમાણમાં મળી રહેતો મહત્વનો કાચો માલ ઊન છે. ઊનનું વાર્ષિક ઉત્પાદન હજારો ક્વિટંલ થાય છે. જિલ્લાભરમાં 182 જેટલાં અધિકૃત ઊની કારખાનાં આવેલાં છે. તેમાંથી ઊની પોશાકો, ધાબળા બને છે, તેમજ ઊનનું પ્રક્રમણ થાય છે.
આ જિલ્લામાં મળી આવતાં આર્થિક ખનિજોમાં મુલતાની માટી, સાદી મૃદ, શ્વેત મૃદ, પીળો ગેરુ, લિગ્નાઇટ, ચિરોડી અને ગ્રિટનો સમાવેશ થાય છે. બિકાનેર તાલુકાના જામસર ગામમાંથી 30 મીટરની જાડાઈ ધરાવતા ભારતભરમાં શ્રેષ્ઠ ગુણવત્તાવાળા ચિરોડી-નિક્ષેપો વિપુલ પ્રમાણમાં મળે છે. બિકાનેર તાલુકાનાં પાલના અને માઢ ગામોમાંથી મુલતાની માટી મળે છે. કોલાયત તાલુકામાંથી તેમજ પાલના નજીકથી લિગ્નાઇટ મળી આવે છે. કાચ-રેતીના જથ્થા પણ મળે છે. જિલ્લામાંથી મળતા રેતીખડક, ચૂનાખડક (ડોલોમાઇટ પ્રકાર, કંકર પ્રકાર) અને કપચી ઇમારતી બાંધકામમાં ઉપયોગમાં લેવાય છે.
વેપાર : આ જિલ્લામાંથી ઊનના ગાલીચા અને ધાબળા; ઘી, સાકર, ઢોરોનાં હાડકાં, ચામડાં અને રાઈની નિકાસ થાય છે; જ્યારે પોલાદ કાપડ, પોશાકો, ચોખા, તમાકુ, ધાતુની ચીજવસ્તુઓ, કરિયાણું, કોલસા અને ઝવેરાતની આયાત થાય છે. અહીં દૂધનું ઉત્પાદન ઠીક ઠીક પ્રમાણમાં થતું હોવાથી તેમાંથી રસગુલ્લાં જેવી મીઠાઈઓ બનાવીને જિલ્લાની બહાર મોકલવામાં આવે છે. જિલ્લામાં આશરે જુદી જુદી રાષ્ટ્રીયકૃત બૅંકોની 50 જેટલી શાખાઓ છે, તે પૈકીની 20 જેટલી શાખાઓ ગ્રામવિસ્તારમાં આવેલી છે. બિકાનેર, નોખા અને લંકારણસર અહીંનાં મુખ્ય વેપારી મથકો ગણાય છે. જિલ્લામાં 21 જેટલા પેટ્રોલ પંપો છે. ત્રણ સિનેમાગૃહો પણ છે.
પરિવહન : બિકાનેર જિલ્લો જોધપુર, નાગૌર, ચુરુ અને ગંગાનગર જિલ્લાઓ સાથે પાકા રસ્તાઓથી જોડાયેલો છે. મુખ્ય માર્ગોમાં બિકાનેર–અનુપગઢ–ગંગાનગર, બિકાનેર–લંકારણસર–સુરતગઢ, બિકાનેર–ફાલોડી, બિકાનેર–રતનગઢ, બિકાનેર–સરદારશહરનો સમાવેશ થાય છે. બિકાનેર રાષ્ટ્રીય ધોરી માર્ગ 11થી પણ જોડાયેલું છે. આ જિલ્લો મીટરગેજ રેલમાર્ગ દ્વારા દિલ્હી, જોધપુર, ગંગાનગર, આગ્રા તથા ભટિંડા સાથે પણ સંકળાયેલો છે. આ ઉપરાંત જિલ્લામાંથી બે મુખ્ય અને બે શાખા-રેલમાર્ગો પસાર થાય છે. મુખ્ય રેલમાર્ગ પૈકીનો એક બિકાનેર શહેરને ચુરુ જિલ્લાના સદલપુર સાથે જોડે છે અને દિલ્હી જાય છે; તો બીજો નાગૌર જિલ્લાના મેડતારોડ થઈને જોધપુર જાય છે. એક શાખા-રેલમાર્ગ હનુમાનગઢ તો બીજો કોલાયતને જોડે છે. આ જિલ્લામાં આંતરિક હવાઈ સુવિધા ઉપલબ્ધ નથી, પરંતુ વિશેષ ઉપયોગ માટે બિકાનેર શહેરથી 14 કિમી. અંતરે નલ ખાતે હવાઈ ઉતરાણની વ્યવસ્થા રાખેલી છે. આ ઉપરાંત, બિકાનેર ખાતે સરકીટ હાઉસ અને ડાક બંગલાની તથા કોલાયત, લંકારણસર અને દેહ (કોલાયત તાલુકો) ખાતે વિશ્રામગૃહોની સગવડ છે.
પ્રવાસન : બિકાનેર જિલ્લો પ્રવાસીઓ માટે થરનું રણ જોવા માટેનું આકર્ષણ-કેન્દ્ર બની રહેલો છે. બિકાનેર ઉપરાંત મુલાકાતયોગ્ય અન્ય સ્થળો પણ છે.
કોલાયત : બિકાનેર જિલ્લાનો એક તાલુકો અને તાલુકાસ્થળ. તે બિકાનેરથી 51 કિમી. અંતરે આવેલું છે. તે ઘણું જ ધાર્મિક મહત્વ ધરાવે છે. અહીં આવેલા એક તળાવ નજીક પ્રાચીન સમયમાં કપિલ મુનિએ ભારતીય દર્શનશાસ્ત્ર માટેનો સાંખ્ય આશ્રમ શરૂ કરેલો. આજે તે ધાર્મિક મહત્વને યાદ કરી ઘણા લોકો તેની મુલાકાત લે છે. કેટલાક સહેલાણીઓ વરસાદની મોસમમાં અહીં આવીને ઉજાણીની મોજ માણે છે.
દેશનોક : બિકાનેરથી સડકમાર્ગે 30 કિમી. અંતરે આવેલું આ નાનું નગર કર્ણીજીના મંદિર માટે જાણીતું બનેલું છે. ત્યાં બિકાનેરના અગાઉના રાજાઓના કુલરક્ષક દેવની પૂજા થતી.
રાજસ્થાનના અન્ય ભાગોની જેમ અહીં પણ ઘણા તહેવારો ઊજવાય છે તથા ધાર્મિક સ્થળો પર મેળા ભરાય છે. આ પૈકી કોલાયત મેળો, દેશનોક મેળો, નગીનીજીનો મેળો તથા મુકામ મેળો ઉલ્લેખનીય છે. જૈનો મહાવીર જયંતી અને પર્યુષણના તહેવારો, શીખો વૈશાખી, નાનક જયંતી અને ગુરુ ગોવિંદસિંહનો જન્મદિન તથા મુસ્લિમો ઈદ-ઉલ-ફિત્ર, ઈદ-ઉલ-ઝુહા, શબે બારાત, બારાવફાત અને રમઝાનના તહેવારો રંગેચંગે ઊજવે છે.
ગુજનેર : આખાય જિલ્લામાં આ સ્થળ સુંદર ગણાય છે. તે બિકાનેરથી નૈર્ઋત્યમાં આશરે 30 કિમી. અંતરે આવેલું છે. આ સ્થળ તેના આકર્ષક જળમહેલથી શોભી ઊઠે છે. અહીં અગાઉના રાજવીઓ ઉનાળામાં સહેલ માણવા આવતા અને ગરમીનો સમય ગાળતા. આ જળાશય પર સાઇબીરિયાથી રેતીચાહક શાહી પક્ષીઓ (પગે પીછાંવાળાં મરઘાંની જાતનાં પક્ષી) આવે છે. રાજવીઓ તેમનો શિકાર કરીને મોજ માણતા. અહીં જંગલી પક્ષીઓ, કાળિયાર, છીંકારા જેવાં પ્રાણીઓ પણ ઘણી સંખ્યામાં આ જળાશય નજીક આવે છે. આ રમણીય સ્થળ જોવા ઘણા દેશી-પરદેશી પ્રવાસીઓ આવે છે.
વસ્તી : 1991 મુજબ જિલ્લાની વસ્તી 12,11,140 જેટલી છે. તે પૈકી 6,42,550 પુરુષો અને 5,68,590 સ્ત્રીઓ છે. ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 7,29,998 અને 4,81,142 જેટલું છે. અહીં હિન્દી, રાજસ્થાની અને ઉર્દૂ ભાષાઓ બોલાય છે. ધર્મવિતરણની ર્દષ્ટિએ જિલ્લામાં હિન્દુઓ : 10,54,015; મુસ્લિમો : 1,26,710; જૈનો : 25,475; શીખો : 12,589; ખ્રિસ્તી : 982; બૌદ્ધ 24; અન્ય ધર્મી : 26 તેમજ બાકીના 1,319 જેટલા છે. જિલ્લાભરમાં શિક્ષિતોની સંખ્યા 4,03,925 જેટલી છે; તે પૈકી ગ્રામીણ અને શહેરી વિતરણ અનુક્રમે 1,37,180 અને 2,66,745 જેટલું છે. જિલ્લામાં 520 પ્રાથમિક શાળાઓ, 133 માધ્યમિક અને 61 ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તથા 14 જેટલી કૉલેજો છે. અહીં તબીબી કૉલેજ તથા વેટરનરી સાયન્સ કૉલેજ પણ આવેલી છે. બિકાનેર શહેર રમતગમત ક્ષેત્રે પણ આગળ પડતું સ્થાન ધરાવે છે. જિલ્લામાં ક્ષય-ચિકિત્સાકેન્દ્ર સહિતનાં 8 સરકારી દવાખાનાં, 3 પ્રસૂતિગૃહો બાળકલ્યાણ કેન્દ્રો, 30 નાનાં દવાખાનાં અને 4 પ્રાથમિક સ્વાસ્થ્યકેન્દ્રો આવેલાં છે.
આ જિલ્લાને બે ઉપવિભાગો(ઉત્તર બિકાનેર અને દક્ષિણ બિકાનેર)માં, અને દરેક ઉપવિભાગને બે બે તાલુકાઓ(બિકાનેર, નોખા, લંકારણસર અને કોલાયત)માં વહેંચેલો છે. બંને ઉપવિભાગોનું મુખ્ય મથક બિકાનેર છે. આ ઉપરાંત ચાર સમાજવિકાસ ઘટકો પણ છે. અહીં ચાર નગરો અને 650 (70 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે. 1991 મુજબ બિકાનેરની વસ્તી 4,15,000 જેટલી છે.
ઇતિહાસ : આ જિલ્લાનું બિકાનેર નામ તેના જિલ્લામથક બિકાનેર પરથી પાડેલું છે. બિકાનેર શહેર રાવ બિકાએ વસાવેલું. એક એવી માન્યતા પણ પ્રચલિત છે કે આ સ્થળની મૂળ માલિકી નૈરા અથવા નેરા નામની વ્યક્તિની હતી. તેણે પોતાનું નામ આ સ્થળ સાથે રાવ બિકાના નામ સહિત જોડાય એ શરતે પોતાનું આ સ્થળ સોંપેલું; આ રીતે બિકા અને નેરા જોડાઈને બિકાનેર થયેલું છે. રાવ બિકા જોધપુરના સ્થાપક મહારાજા જોધાના 14 પુત્રો પૈકીના એક હતા.
1927માં ગંગ નહેરના વિકાસ બાદ, આ વિસ્તારના વહીવટી વિભાગોમાં મોટા પાયા પરના ફેરફારો થયા. અગાઉનો બિકાનેર રાજ્યનો પ્રદેશ બે જિલ્લાઓમાં વહેંચાઈ ગયો : સદર બિકાનેર અને ગંગાનગર. બંને વિભાગો રેવન્યૂ કમિશનરના અંકુશ હેઠળ મુકાયેલા. 1949માં બિકાનેરના રજવાડાનું બૃહદ્ રાજસ્થાન રાજ્યમાં વિલીનીકરણ કરવામાં આવ્યું. આમ તે રાજસ્થાન રાજ્યના પાંચ મોટા વિભાગો પૈકીનો એક વિભાગ બની રહેલો છે. ત્યારપછીનાં વર્ષોમાં તાલુકાઓ તથા ગામડાંની વહેંચણીમાં નજીવા ફેરફારો થયેલા છે.
બિકાનેર (શહેર) : જિલ્લાનું વહીવટી વડું મથક. ભૌગોલિક સ્થાન : 28° 01´ ઉ. અ. અને 73° 18´ પૂ. રે. આ શહેર રાવ બિકાએ 1448માં વસાવેલું. તે બધી બાજુએથી શુષ્ક ભૂમિભાગોથી ઘેરાયેલું હોવા છતાં તેમાં ઘણી, ઊંચી ઇમારતો, ભવ્ય કિલ્લો અને મંદિરો આવેલાં છે. સમગ્ર રાજસ્થાનના કોઈ પણ શહેરમાં ભાગ્યે જ જોવા મળે એવા પ્રકારની કોતરણી અહીં રાતા રેતીખડકમાંથી બનાવેલી ઇમારતોમાં નજરે પડે છે. આખુંય બિકાનેર કોટથી આરક્ષિત હોઈ ભવ્ય દેખાવવાળું, રમણીય શહેર બની રહેલું છે. આજુબાજુના રેતાળ વિસ્તારથી ઊંચાઈ પર વસેલું બિકાનેર ઘણે દૂરથી પણ નજરે પડે છે. શહેરની નૈર્ઋત્યમાં ઊંચા ખડકાળ ભાગ પર ‘બિકા કી ટેકરી’ નામનો જૂનો કિલ્લો આવેલો છે. રાવ બિકાએ બિકાનેર વસાવ્યું તેનાં ત્રણ વર્ષ અગાઉ તે બાંધવામાં આવેલો છે. આજે તો માત્ર તેનાં ખંડિયેર જ જોવા મળે છે. અહીં નજીકમાં જ રાવ બિકા, રાવ નારુજી, રાવ લંકારણ અને રાવ જેતસિંહનાં સ્મારકો આવેલાં છે. 1589થી 1594 દરમિયાન રાવ રામસિંહના શાસનકાળ વખતે બે પ્રવેશદ્વારવાળો બીજો એક કિલ્લો બાંધવામાં આવેલો છે. આ પ્રવેશદ્વારો વટાવ્યા પછી પણ જુદાં જુદાં નામવાળા ત્રણથી ચાર બીજા દરવાજા પણ આવે છે. તે બધાની રક્ષણ-દીવાલો પર મિનારા બાંધેલા છે. કિલ્લા ફરતી ખાઈ ખોદેલી છે. પૂર્વ તરફનું મુખ્ય પ્રવેશદ્વાર કરણપોળ અને બીજું પ્રવેશદ્વાર સૂરજપોળ કહેવાય છે. અહીંના મહેલો(વિશેષે કરીને ગંગા-નિવાસ દરબાર-ખંડ)ને તેમના રેતીખડકો પરની બેનમૂન કોતરણીની ભાત ગજબનો ઉઠાવ આપે છે. મહેલોની દીવાલો પરનાં વૃક્ષો, ફૂલો, વાદળ તેમજ અન્ય આકારોએ આકર્ષક શોભા ઉપસાવી છે. તે મુઘલ અસરવાળી રાજપૂત ચિત્રકલાનો અજોડ નમૂનો પૂરો પાડે છે. બિકાનેર ખાતેથી ‘રાજસ્થાન પત્રિકા’ (હિન્દી), ‘રાષ્ટ્રદૂત’ સામયિક બહાર પડે છે. બિકાનેર ખાતે આકાશવાણીનું મથક પણ છે.
લાલગઢ મહેલ : બિકાનેર શહેરના કોટની દીવાલથી બહાર તરફ આવેલી, રાતા રેતીખડકના પથ્થરોમાં કોતરણી કરેલી, ચિત્રોથી સજ્જ ભવ્ય ઇમારત. આ મહેલ વીસમી સદીની શરૂઆતમાં મહારાજા ગંગાસિંહે તેમના પિતા લાલસિંહની યાદમાં બંધાવેલો. તેમાં સો જેટલા ખંડ તથા વિરલ પુસ્તકો અને મૂળ હસ્તપ્રતોથી સમૃદ્ધ ગ્રંથાગાર છે. અહીં 38 ખંડ ધરાવતી રાજવી કક્ષાની હોટેલ પણ આવેલી છે.
દેવીકુંડ : બિકાનેર શહેરથી પૂર્વમાં આશરે 6 કિમી. અંતરે આ કુંડ આવેલો છે. તેની એક તરફ અહીંના અગાઉના રાજવીઓનાં સ્મારકો છે. તે બધાં સુંદર ઘુમ્મટોથી સજ્જ હોવાથી પ્રવાસીઓ માટેનું આકર્ષણનું સ્થળ બની રહેલું છે.
ગિરીશભાઈ પંડ્યા