બાંસવાડા (વાંસવાડા)

January, 2000

બાંસવાડા (વાંસવાડા) : રાજસ્થાનના દક્ષિણ સીમાવર્તી ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક અને નગર. ભૌગોલિક સ્થાન : તે 23° 11´થી 23° 56´ ઉ. અ. અને 74° 00´થી 74° 47´ પૂ. રે. વચ્ચેનો આશરે 5,037 ચોકિમી. જેટલો ચતુષ્કોણીય વિસ્તાર આવરી લે છે, તથા ઉત્તર-દક્ષિણ 90 કિમી. અને પૂર્વ-પશ્ચિમ 80 કિમી. અંતરમાં પથરાયેલો છે. તેની ઉત્તર તરફ ઉદેપુર અને ચિતોડગઢ જિલ્લા, પૂર્વ તરફ મધ્યપ્રદેશનો રતલામ જિલ્લો, દક્ષિણ તરફ મધ્યપ્રદેશનો જાબુઆ જિલ્લો, નૈર્ઋત્ય તરફ ગુજરાતનો પંચમહાલ જિલ્લો તથા પશ્ચિમ તરફ ડુંગરપુર જિલ્લો આવેલા છે. બાંસવાડા નગર જિલ્લાની લગભગ મધ્યમાં આવેલું છે.

ભૂપૃષ્ઠ : જિલ્લાનો સમગ્ર વિસ્તાર અસમતળ ભૂપૃષ્ઠવાળો છે. પશ્ચિમ તરફ વચ્ચે વચ્ચે અરવલ્લી હારમાળાની નાની નાની ડુંગરધારો આવેલી છે, જ્યારે પૂર્વ ભાગ મોટેભાગે પહાડી અને જંગલોવાળો છે. મધ્ય-પશ્ચિમ ભાગ અમુક પ્રમાણમાં ખુલ્લો, ઓછો અસમતળ અને ખેતીયોગ્ય ફળદ્રૂપ જમીનોવાળો છે. પૂર્વ અને દક્ષિણ તરફ 510થી 620 મીટરની  ઊંચાઈ ધરાવતાં શિખરો આવેલાં છે. ઉત્તર તરફ 440 મીટરની ટેકરીઓ છે, જ્યારે સરેરાશ ઊંચાઈ 350 મીટરની છે. અહીંનું ભૂપૃષ્ઠ અગ્નિકૃત અને વિકૃત ખડકોવાળું પહાડી છે. પૂર્વ તરફનો વિસ્તાર ડેક્કન ટ્રેપના ખડકોથી બનેલી સપાટ શિરોભાગ ધરાવતી ટેકરીઓથી આવરી લેવાયેલો છે.

બાંસવાડા જિલ્લો (રાજસ્થાન)

જળપરિવાહ : મહીસાગર આ જિલ્લાની મુખ્ય નદી છે. તે મધ્યપ્રદેશના ધાર નજીકની નીકળી બાંસવાડામાં પ્રવેશ કરે છે; ત્યાંથી ગુજરાતમાં થઈ ખંભાતના અખાતને મળે છે. અનાસ, કાગદી, નાળ, એરાવ અને ચોપ તેની શાખાનદીઓ છે. ડુંગરાળ વિસ્તારમાંનાં વન કપાતાં જવાથી ત્યાંના વિભાગો ખુલ્લા બની ગયા છે. નદીધોવાણથી કોતરો રચાયાં છે અને જળપરિવાહ-થાળાંઓમાં કાંપનો જથ્થો જમા થયો છે.

આબોહવા : આ જિલ્લાની આબોહવા મોસમી  પ્રકારની છે. ઉનાળાનું મહત્તમ તાપમાન 46° સે. જ્યારે શિયાળાનું લઘુતમ તાપમાન 12° સે. જેટલું રહે છે. અહીંનો સરેરાશ વરસાદ 600 મિમી. ગણાય છે, પરંતુ અધિકતમ વરસાદ 1,440 મિમી. તો લઘુતમ વરસાદ 300 મિમી. જેટલો પડે છે.

જંગલો-વનસ્પતિઓ : જિલ્લામાં આવેલી અરવલ્લીની ટેકરીઓના ઢોળાવો પર તથા અસમતળ પ્રદેશોમાં જંગલો આવેલાં છે. તે બધાં પર્ણપાતી પ્રકારનાં છે અને તેમની ગીચતા પણ સ્થાનભેદે જુદી જુદી છે. સમતળ મેદાની વિસ્તારોમાંનાં 80 % વન કપાઈ ગયાં છે. સાગ અહીંની મુખ્ય ઊપજ છે. તે ઉપરાંત ખજૂરી, વાંસ, બાવળ, આંબા, મહુડા, લીમડા, પીપળા, ટીમરુ, હલ્દુ, કલમ, ખાખરો, કંજેરી, સાદડ, ધાવડો, ખેર વગેરે વૃક્ષો જોવા મળે છે. આ ઉપરાંત અન્ય ઘણી જાતની વનસ્પતિ પણ અહીં થાય છે.

ખેતી : આ જિલ્લામાં મુખ્યત્વે ખરીફ પાકો જ લેવાય છે. ખેતીલાયક જમીનો પૈકી 67.03 % ધાન્ય પાકો માટે, 22.70 % કઠોળ માટે અને 10.27 % અન્ય પાકો માટે ઉપયોગમાં લેવાય છે. કૃષિપાકોમાં ક્રમ મુજબ મોટેભાગે મકાઈ, ડાંગર, ચણા અને ઘઉંનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અમુક પ્રમાણમાં શેરડી, કઠોળ અને તેલીબિયાંનું વાવેતર પણ થાય છે. આ જિલ્લામાં 47.08 % સિંચાઈ-કૂવા અને પાતાળકૂવા દ્વારા, 28.87 % તળાવો દ્વારા તથા 24.05 % અન્ય સ્રોતો દ્વારા કરવામાં આવે છે. જિલ્લાની 21,725 હેક્ટર જમીનોને સિંચાઈ હેઠળ આવરી લેવામાં આવેલી છે. આ જિલ્લામાં સિંચાઈ માટે તથા પશુઓને પાણી પીવા માટે કુલ 528 જેટલાં તળાવો આવેલાં છે. તે પૈકીનાં મુખ્ય તળાવો ઘાંટોલ, આસન, તલવાડા, નોગામા, વાગીદોરા, ગનોડા, ખોડન, અર્થુના અને મેતવાલા ગામોમાં આવેલાં છે; જ્યારે 18,474 જેટલા કૂવા છે. મહી નદી પરના બંધનું પાણી હવે લગભગ 70,000 હેક્ટર જમીનોને અપાતું થયું છે. જિલ્લાની જમીનો મુખ્યત્વે કાળી તથા ભૂરી માટીથી બનેલી છે, નદીઓની જમીનો કાંપથી બનેલી છે.

પશુપાલન : જિલ્લામાં ભેંસ, ગાય, બળદ, ઘેટાં, બકરાં, ઘોડાં, ગધેડાં, ખચ્ચર, ઊંટ અને ડુક્કર જેવાં પ્રાણીઓ તથા મરઘાંનો ઉછેર થાય છે. અહીં 15 પશુદવાખાનાં અને બે હરતાં-ફરતાં પશુસારવાર માટેનાં વાહનોની સુવિધા ઊભી કરવામાં આવેલી છે.

ઉદ્યોગો : આ જિલ્લો ઔદ્યોગિક ર્દષ્ટિએ પછાત છે. અહીં બાંસવાડા ટેક્ષટાઇલ મિલ અને બાંસવાડા સિન્ટેક્સ મિલ જેવા બે મોટા પાયા પરના ઉદ્યોગો માટે જરૂરી આબોહવાનું અનુકૂલન મળી રહે એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ ઉપરાંત, ચામડાંની પેદાશો, લોખંડ-પોલાદ અને હસ્તકારીગરીની ચીજવસ્તુઓ, ખેતી માટેનાં ઉપયોગી ઓજારો, રેડિયો-ટ્રાન્ઝિસ્ટર, સૌંદર્યપ્રસાધનો તથા પ્રિન્ટિંગ પ્રેસ જેવા નાના પાયા પરના ઘણા ઉદ્યોગોને વિકસાવવામાં આવ્યા છે. લુહારીકામ, સુથારીકામ, વાંસની પેદાશો, પતરાળાં-પડિયા, ઈંટો, દોરી-દોરડાં બનાવવાના, બીડી, વણાટકામ, ચામડાં કમાવાનાં અને પગરખાં બનાવવાનાં તથા રાચરચીલું, સોપસ્ટોન અને આરસનાં કારખાનાંના એકમોનો ગ્રામ-વિસ્તારોમાં કુટિર ઉદ્યોગો તરીકે વિકાસ થયો છે. મહીબંધ પર બે જળવિદ્યુત-મથકો આવેલાં છે.

બાંસવાડા અને ઘાંટોલ વચ્ચે 35 કિમી.ની લંબાઈમાં દળદાર તથા પતરીમય ગ્રૅફાઇટનો સ્થાનભેદે 1થી 10 મીટરની જાડાઈનો પટ્ટો આવેલો છે. હુતખેડા, પંચલવાસા, ઇમ્પલીપાડા અને સાસ્કોટા નજીક આ ગ્રૅફાઇટનું શારકામ દ્વારા ઉત્ખનન કરવામાં આવે છે. આ ગ્રૅફાઇટ 5 % થી 15 %ની કક્ષાવાળો છે તથા તેનો કુલ અનામત જથ્થો 13 લાખ મિલિયન ટન જેટલો અંદાજવામાં આવેલો છે. તેનો ઉપયોગ ભઠ્ઠીઓ, ક્રૂસિબલ અને પેન્સિલ માટે તેમજ સ્નેહક તરીકે કરવામાં આવે છે. ખામેરા અને બોંગરા વચ્ચેના 10 ચોકિમી. જેટલા વિસ્તારમાં ચૂનાખડકો અને આરસપહાણ મળે છે. ચૂનાખડકનો જથ્થો આશરે 5 કરોડ ટન જેટલો છે.

જિલ્લાનાં શિવનિયા, સાગવા, ઇટાલા, ભતડી, તાંબેસરા, દોમગરિયા નજીક 22 % થી 48 % ધાતુધારક મૅંગેનીઝનાં અયસ્ક મળે છે, તેનો અનામત જથ્થો આશરે 25,000 ટન જેટલો છે. આશરે 2,000 ટન જેટલા સોપસ્ટોનનું વાર્ષિક ઉત્પાદન લેવાય છે. પાયરાઇટ અને પાયહ્રોટાઇટ સહિતનાં તાંબાનાં અયસ્ક જારખા, ભૂખિયા, પારસોલા, જગપરા અને હમતિયા ખાતેથી મળે છે. સલોપત અને રામકા મુન્ના ખાતેથી ફૉસ્ફોરાઇટ મળી આવે છે. આ ઉપરાંત જિલ્લામાંથી અમુક પ્રમાણમાં ક્વાર્ટ્ઝ, ઍઝ્બેસ્ટૉસ અને અબરખ પણ મળી રહે છે. થોડું સીસું, જસત અને ચાંદીનું પ્રમાણ પણ તાંબાના અયસ્ક સાથે રહેલું હોવાનું જાણવા મળેલું છે.

વેપાર : જિલ્લાથી બહાર મોકલાતા માલસામાનમાં અનાજ, ઘી, ગોળ, ઊન, મગફળી, તલ, ચામડાં, ખાલ, તથા પશુઓનો અને આયાતી વસ્તુઓમાં ધાતુઓ, દવાઓ, કાપડ, તમાકુ, ખાંડ, મીઠું, બધા પ્રકારનાં તેલ વગેરેનો સમાવેશ થાય છે. વ્યવહારની સરળતા માટે શહેરી, અર્ધશહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં અનુક્રમે 27, 5 અને 22 જેટલી બકો કામ કરે છે.

પરિવહન : આ જિલ્લામાંથી એક પણ રાષ્ટ્રીય ધોરી માર્ગ પસાર થતો નથી. જિલ્લો આશરે 742 કિમી.ની લંબાઈના સડકમાર્ગોથી સંકળાયેલો છે. અહીંથી પસાર થતા મુખ્ય માર્ગોમાં બાંસવાડા–પ્રતાપગઢ–ચિત્તોડગઢ–અજમેર–જયપુર; બાંસવાડા–ઉદયપુર–રાણકપુર–જોધપુર; બાંસવાડા–ડુંગરપુર–હિંમતનગર–અમદાવાદ; બાંસવાડા–રતલામ–ઉજ્જૈન–ઇન્દોર–ઓમકારેશ્વર; બાંસવાડા–ધરિયાવદ તથા બાંસવાડા–ઝાલોદ–દાહોદ–વડોદરા–મુંબઈનો સમાવેશ થાય છે. આ બધા માર્ગોને સારી સ્થિતિમાં જાળવવામાં આવે છે. મહી નદી પર એક પુલ પણ બાંધવામાં આવ્યો છે. જિલ્લામાં રેલમાર્ગની સુવિધા નથી. અહીંનાં નજીકમાં નજીકનાં રેલમથકો રતલામ અને દાહોદ છે, જ્યાંથી મુબંઈ અને દિલ્હી તરફ જવાની સગવડ મળી રહે છે.

પ્રવાસન : બાંસવાડા જિલ્લો તેનાં કેટલાંક ઐતિહાસિક તેમજ પુરાતત્વીય સ્મારકો માટે જાણીતો બનેલો છે. અહીંનાં નૈસર્ગિક ર્દશ્યો તથા લીલીછમ હરિયાળી માણવા માટે નજીકના તેમજ દૂરના પ્રવાસીઓ આવતા રહે છે.

કલિંજરા : બાંસવાડાથી નૈર્ઋત્યમાં આશરે 30 કિમી. અંતરે કલિંજરા ખાતે જૈન મંદિરોનાં ખંડિયેરો આવેલાં છે.

કુશલગઢ : આ નગરથી આશરે 8 કિમી. અંતરે મરગડા ગામમાં મંગલેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે, દર વર્ષે અહીં મેળો ભરાય છે. કુશલગઢની નજીકમાં જ અંદેશ્વર નામનું એક જૂનું જૈન મંદિર છે, ત્યાં પણ દર વર્ષે કાર્તિકી પૂનમે મેળો ભરાય છે. હિન્દુ તેમજ જૈનો આ મેળો મહાલવા આવે છે.

પાનાહેડા : બાંસવાડાથી આશરે 22 કિમી. અંતરે ગઢી તાલુકામાં પાનાહેડાનું ઐતિહાસિક મહત્વ ધરાવતું સ્થળ આવેલું છે. માંડલિકે બંધાવેલું મંડલેશ્વર મહાદેવનું મંદિર આ ગામના તળાવની પાળ પર આવેલું છે. અહીંથી મળેલા એક લેખમાં વાગડના પરમાર શાસકોની માહિતી મળે છે.

અર્થુના : બાંસવાડાથી 55 કિમી. દૂર ગઢી તાલુકાનું અર્થુના ઐતિહાસિક, કલાત્મક તેમજ પુરાતત્વીય ર્દષ્ટિએ ઘણું મહત્વ ધરાવે છે. અહીં પંદરમી સદી દરમિયાન બંધાયેલાં મનાતાં મંદિરો (સોમનાથ મંદિર, મંડલેશ્વર મંદિર, નીલકંઠ મંદિર, ભૂલવણિયા મંદિર) આવેલાં છે.

તલવાડા : બાંસવાડાથી આશરે 15 કિમી. અંતરે તલવાડા નામનું ઐતિહાસિક સ્થળ આવેલું છે. અહીં જૂના સમયનું સૂર્યમંદિર તથા જૈન મંદિરો અને કેટલાંક જૂનાં સ્મારકો આવેલાં છે. આ ઉપરાંત તાંબેસરાનાં જૈન મંદિર, છીંછનું બ્રહ્માજીનું મંદિર, ત્રિપુરસુંદરી વગેરે જેવાં ધાર્મિક સ્થળો પણ છે.

જિલ્લાનાં જુદાં જુદાં સ્થળોએ ભરાતા મેળાઓ પૈકી વાગીદોરા તાલુકાના બોરીગામ નજીકની ટેકરી પર દર વર્ષે ચૈત્રી પૂર્ણિમાએ ભરાતા ઘોટિયા આંબાના તથા મહા વદ એકમે ભરાતા ઘોડી રણછોડજીના મેળાઓનું મહત્વ વધુ છે. આ બંને મેળાઓમાં આશરે 5,000 જેટલા લોકોની ભીડ જામે છે. વળી બોરીગામમાં પાંડવોની મૂર્તિઓ ધરાવતું એક મંદિર આવેલું છે. એમ કહેવાય છે કે વનવાસ દરમિયાન પાંડવો અહીં થોડોક સમય રહેલા. આ સ્થળ દાહોદથી નજીકમાં આવેલું છે. આ ઉપરાંત, અહીં હોળી, દિવાળી, રક્ષાબંધન, દશેરા, ઈદ-ઉલ-ફિતુર, ઈદ-ઉલ-ઝૂહા, મોહરમ અને બારાવફાત જેવા તહેવારો પણ ઊજવાય છે.

વસ્તી : 1991 મુજબ જિલ્લાની વસ્તી 11,55,600 જેટલી છે, તે પૈકી 5,86,855 પુરુષો અને 5,68,745 સ્ત્રીઓ છે. ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 10,66,406 અને 89,194 છે. હિન્દી અને રાજસ્થાની અહીં બોલાતી મુખ્ય ભાષાઓ છે. ધર્મવિતરણ મુજબ હિન્દુ : 10,93,974; મુસ્લિમ : 35,324; જૈન : 17,853; ખ્રિસ્તી : 7,748; શીખ : 361; બૌદ્ધ : 22 તેમજ અન્ય 318 જેટલા છે. જિલ્લામાં 2,37,039 શિક્ષિતો છે. જિલ્લાભરમાં 723 પ્રાથમિક શાળાઓ, 145 માધ્યમિક શાળાઓ, 44 ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, 2 વ્યાવસાયિક શિક્ષણની શાળાઓ, 2 વ્યાવસાયિક તાલીમી કૉલેજો તથા 3 સામાન્ય કૉલેજો આવેલી છે. 2 વાચનાલયો, 2 જાહેર પુસ્તકાલયો અને 1 શ્રોતાગૃહ–નાટ્યગૃહ–સમાજગૃહ પણ છે. અહીં 37 હૉસ્પિટલો, 105 નાનાં દવાખાનાં, 19 બાળકલ્યાણ-કેન્દ્રો સહિતનાં પ્રસૂતિગૃહો, 25 પ્રાથમિક સ્વાસ્થ્યકેન્દ્રો, 7 કુટુંબનિયોજન-કેન્દ્રો, 54 પ્રાથમિક ઉપસ્વાસ્થ્ય-કેન્દ્રો, 1 ક્ષયચિકિત્સા-કેન્દ્ર તથા 17 અન્ય ઔષધીય મથકો આવેલાં છે. હૉસ્પિટલો અને દવાખાનાંઓમાં ઍલોપેથિક, આયુર્વેદિક, યુનાની અને હોમિયોપેથિક શાખાઓનો સમાવેશ થઈ જાય છે.

વહીવટી ર્દષ્ટિએ જિલ્લાને 5 તાલુકા(બાંસવાડા, ઘાંટોલ, ગઢી, વાગીદોરા, કુશલગઢ)માં અને 8 સમાજવિકાસ ઘટકોમાં વહેંચેલો છે. અહીં 4 નગરો અને 1,462 (31 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે. જિલ્લાના વિકાસ અર્થે હમણાં દુષ્કાળ તેમજ અન્ય રાહતકાર્યો માટેની ગ્રામીણ વિકાસ, આવાસ-વિકાસ, પીવાના પાણી વગેરે માટેની યોજનાઓ અમલમાં મુકાઈ છે.

ઇતિહાસ : બાંસવાડા જિલ્લાનો વિસ્તાર અગાઉ વાગડ નામથી ઓળખાતો હતો અને તેનો વહીવટ વટપદ્રક (વડોદરા) ખાતેથી થતો હતો. આશરે 4,000 વર્ષ અગાઉ અહર સંસ્કૃતિ વિકસેલી હતી, પરંતુ વાગડનો જૂનો સળંગ ઇતિહાસ પૂરેપૂરો ઉપલબ્ધ નથી. તે પશ્ચિમના ક્ષત્રપો દ્વારા શાસિત હતો. જિલ્લાના સુરવણિયા ગામ ખાતેથી 181થી 353 દરમિયાનના ચાંદીના સિક્કાથી ભરેલો ખજાનો અહીંના ઉત્ખનનમાંથી મળી આવેલો. આ સિક્કાઓને 11 મહાક્ષત્રપો અને 10 ક્ષત્રપોના સમયના ગણવામાં આવે છે. આ શાસકો પૈકીનો છેલ્લો મહાક્ષત્રપ રુદ્રસિંહ ત્રીજો હતો. તેને ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય બીજાએ 388માં હરાવેલો. ત્યારપછી આ પ્રદેશ ગુપ્તો દ્વારા શાસિત રહ્યો હોવાનું જણાય છે. 499માં હૂણ રાજવી તોરમાને ગુપ્તોને અહીંથી હાંકી કાઢેલા. તોરમાણના પુત્ર મિહિરકુલને માળવાના યશોધર્માને હરાવીને હૂણ શાસનનો અંત આણેલો. ત્યારપછી આ વાગડ પ્રદેશ વલ્લભીના સામ્રાજ્યના એક ભાગરૂપ રહેલો. 725થી 738 વચ્ચેના ગાળામાં આરબોએ આ પ્રદેશ પર આક્રમણ કરેલું, પરંતુ મેવાડ(મેડાપત)ના ગુહિલોતોએ તેમને હાંકી કાઢેલા.

દસમી સદીની શરૂઆતમાં વાગડનો આ પ્રદેશ પરમારોને જાગીર તરીકે મળ્યો. તેમણે અહીંના અર્થુના (જૂનું ઉત્થનક) ખાતે રાજધાની રાખી અને વહીવટ કર્યો. આ પરમારો પૈકી કંકદેવ અને માંડલિક નામના રાજવીઓ વધુ જાણીતા બનેલા છે. વાગડનો છેલ્લો પરમાર રાજા વિજયરાજ હતો, તેનું શાસન અહીં 1109 સુધી ચાલેલું, મેવાડના  સામંતસિંહે 1171(અથવા 1175)ના ગાળામાં તેને હરાવ્યો. તે પછી આ પ્રદેશ ગુજરાતના સોલંકી(ચૌલુક્યો)ને હસ્તક ગયો. તેમણે અહીં 1196 સુધી રાજ્ય કરેલું. ત્યારબાદ સામંતસિંહ ગુહિલોતોના વારસોએ ફરીથી આ પ્રદેશ કબજે કર્યો અને ત્યારે બાંસવાડા વાગડ પ્રદેશનો પૂર્વ ભાગ બની રહ્યું તથા પશ્ચિમ ભાગ ડુંગરપુરના પ્રદેશ તરીકે ઓળખાયો. 1179થી 1859 સુધી આ પ્રદેશ પર જુદાં જુદાં શાસનો આવ્યાં અને ગયાં.

આ ગાળા દરમિયાન 1660માં મહારાવ કુશલસિંહ આ પ્રદેશની ગાદી પર આવ્યા, તેમણે ભીલોનો પ્રદેશ જીતી લઈને ત્યાં કુશલગઢ વસાવ્યું અને તે જાગીર ઠાકુર અખાઈરાજને સોંપેલી. કેટલાકના મત મુજબ આ પ્રદેશ ઠાકુર અખાઈરાજે અહીંના કુશલ નામના ભીલ મુખી પાસેથી જીતી લીધેલો અને કુશળ ભીલના નામ પરથી તેને ‘કુશલગઢ’ નામ આપેલું. 1866માં બાંસવાડાના મહારાવ લક્ષ્મણસિંહ અને તેમના સામંતો વચ્ચે વિખવાદ ઊભો થયેલો. તેનું સમાધાન કરવામાં આવ્યું, જેમાં બાંસવાડા રાજવીએ કુશલગઢના વહીવટમાં દખલ કરવી નહિ અને તેના બદલામાં બાંસવાડાના રાજવીને રૂપિયા 1,100 આપવાનું ઠરાવેલું. 1913માં અહીંના કેટલાક ભીલ લોકોએ ગોવિંદગિરિની દોરવણી હેઠળ બળવાનો નિષ્ફળ પ્રયાસ કરેલો. 1945માં બાંસવાડા ખાતે પ્રજામંડળ નામનું એક વહીવટી એકમ રચાયેલું અને કેટલાક વહીવટી સુધારાઓ સૂચવવામાં આવેલા. 1949માં આ રજવાડાને બૃહદ રાજસ્થાન રાજ્યમાં ભેળવી દેવામાં આવ્યું. આજુબાજુની બધી જાગીરોને એકત્ર કરીને હાલના બાંસવાડા જિલ્લાની રચના થયેલી છે.

બાંસવાડા (શહેર) : જિલ્લાનું મુખ્ય વહીવટી મથક. ભૌગોલિક સ્થાન : 23° 33´ ઉ. અ. અને 74° 27´ પૂ. રે. બાંસવાડાના પ્રથમ શાસક જગમલે તે વસાવેલું હોવાનું મનાય છે. તે પછીની ચાર સદીના ગાળા સુધી તે રાજધાનીના સ્થળ તરીકે રહેલું. આ નગરની પૂર્વમાં ટેકરીઓથી ઘેરાયેલા ગર્તમાં મહારાવ જગમલની રાણીએ બંધાવેલું બાઈતળાવ આવેલું છે. નગરથી 1 કિમી.ને અંતરે જૂના રાજવીઓની સ્મૃતિરૂપ છત્રીઓ આવેલી છે. નગરમાં કેટલાંક હિન્દુ અને જૈન મંદિરો તેમજ એક જૂની મસ્જિદ છે. નજીકના ભવાનપુરા ગામ પાસે મુસ્લિમ સંત અબદુલ્લા પીરની દરગાહ છે, જ્યાં વોહરા સમુદાયના ભાવિકો દર વર્ષે દર્શનાર્થે આવે છે. અહીં ડાયલાવ તળાવ, સોમાઈ માતા તથા મદારેશ્વરની ટેકરીઓ શહેરની રમણીયતામાં ઉમેરો કરે છે. આ નગરમાં નાનાંમોટાં થઈને આશરે 140 જેટલાં મંદિરો છે. આ નગર આજુબાજુના પ્રદેશ માટેનું મહત્વનું ખેતીબજાર, ઔદ્યોગિક અને વેપારી મથક બની રહેલું છે. અહીં જિનિંગ મિલો, આટાની મિલો તથા હાથવણાટ અને  કાષ્ઠકામના એકમો વિકસ્યા છે. રાજસ્થાન યુનિવર્સિટી સંલગ્ન એક કૉલેજ પણ છે.

સોળમી સદીની શરૂઆતમાં આ નગરની સ્થાપના થયેલી ત્યારે નગર ફરતે કિલ્લો બાંધવામાં આવેલો. ત્યારે તે એક દેશી રજવાડું હતું અને વડું જાગીરી મથક પણ હતું. અમુક વખત માટે તે ડુંગરપુર રાજ્યનો એક ભાગ પણ રહેલું. સ્વતંત્રતા મળ્યા બાદ તેને રાજ્યના એક અંતર્ગત ભાગ તરીકે ભેળવી દેવામાં આવેલું છે. આ નગરનું ‘બાંસવાડા’ નામ આ સ્થળના સ્થાપક મહારાવ જગમલે અહીંના મૂળ ભીલ મુખી બાંસણા(અથવા વાસણા)ને મારી નાખેલો, તેના પરથી ઊતરી આવ્યાનું જણાય છે. વળી જગમલના સમય અગાઉના મળેલા એક લેખમાં બાંસવાલા નામના ગામનો ઉલ્લેખ પણ મળે છે. એ પણ શક્ય છે કે આ સ્થળ પર વાંસનાં પુષ્કળ ઝાડ ઊગતાં હતાં, તેથી પણ આ નામ પ્રચલિત બન્યું હોય. બાંસવાડાની વસ્તી હવે આશરે એક લાખ જેટલી થઈ છે.

શંકરલાલ ત્રિવેદી

ગિરીશભાઈ પંડ્યા