બિંબાણી, અફઝલખાન (જ. 1486; અ. 1553) : ગુજરાતના સલ્તનત સમયના વજીર. બિંબાણી અબદુલસમદ અફઝલખાનનો જન્મ સુલતાન મહમૂદશાહ બેગડાના સમયમાં થયો હતો. અફઝલખાન તેમનો ખિતાબ છે. તેઓ મુસ્લિમ શાસકોના પ્રસિદ્ધ વજીર હતા. તેમના પૂર્વજો પંજાબમાં આવેલા બિમ્બાન નામના સ્થળેથી આવીને અત્રે વસ્યા હતા. તેમના પૂર્વજો જ્ઞાનવિજ્ઞાન અને વિદ્યામાં પારંગત હતા. આ ખાનદાને અનેક વિદ્વાનો અને કાજીઓની ભેટ આપી છે. આવા ઉચ્ચ કેળવણી પામેલ ખાનદાનમાં બિંબાણીએ વિદ્વત્તા પ્રાપ્ત કરી હતી.
શરૂઆતમાં તેઓ સરકારી સેવામાં દાખલ થયા હતા અને બહાદુરશાહના શાસન દરમિયાન (1526–1537) મંત્રીપદ પ્રાપ્ત કર્યું હતું. કેટલાક તવારીખનવીસોએ નોંધ્યું છે તેમ તેઓ નમ્ર સ્વભાવના અને ખુદાના ખોફથી ડરનારા હતા. તેઓ ન્યાયાસન પર બેસતા ત્યારે પોતાની સામે એક વ્યક્તિને કફન લઈને ઊભી રાખતા, જેથી ન્યાય કરતી વેળા ખુદાનો ખોફ અને મોતનો ભય તેમની સામે રહે ! તેઓ અબ્બાસી ખાનદાનથી સંબંધ ધરાવતા હોઈ લોકો તેમનું સન્માન કરતા હતા. મંત્રીપદ દરમિયાન તેમની કેટલીક રાજકીય અને વહીવટી નિષ્ફળતાઓને કારણે સુલતાન તેમનાથી નારાજ હોવા છતાં, તેમની રાજકીય સૂઝ અને વિદ્વત્તાને લીધે તેઓ તેમનાં સલાહ-સૂચનો પર ધ્યાન આપતા હતા. ઈ. સ. 1554માં બુરહાન નામે એક ગુલામે સુલતાન મહમૂદશાહ ત્રીજાની સાથે તેમનું પણ 70 વર્ષની જૈફ વયે ખૂન કરી નાખ્યું. મહેમૂદાબાદથી તેમના મૃતદેહને અમદાવાદ લાવી દફનાવવામાં આવ્યો. તેમની કબર અમદાવાદમાં રાયપુર અને સારંગપુર દરવાજાની વચ્ચે આવેલી છે. તેમની કબરની નજીકમાં આવેલ એક સરાઈ (ધર્મશાળા) તેમણે બંધાવેલ છે. તેમના મકબરાની નજીકમાં એક પથ્થરની મસ્જિદ આવેલી હતી, જેનો મરાઠાઓના હુમલાઓ દરમિયાન વિનાશ થયેલો હતો.
બિંબાણીઓનું એક જ કુટુંબ આજે અમદાવાદમાં વસેલું છે. તેઓ સુલતાન અહમદશાહ પહેલાના મકબરાની સામે રહે છે. બીજું ખાનદાન વડોદરામાં રહે છે.
ઈસ્માઈલ કરેડિયા