બિંદુર છેલે (1913) : બંગાળી સાહિત્યકાર શરદચંદ્ર ચટ્ટોપાધ્યાયની 9 પ્રકરણમાં વિભાજિત રસપ્રદ વાર્તા. ‘બિંદુર છેલે’ ગ્રંથમાં 3 ટૂંકી વાર્તાઓ – ‘બિંદુર છેલે’, ‘રામેર સુમતિ’ (1914) અને ‘પથ-નિર્દેશ’નો સમાવેશ થાય છે. સ્ત્રીસ્વભાવના અને ચિત્તતંત્રના ઊંડા અભ્યાસી તરીકે શરદબાબુ પત્નીજીવનનું, સ્ત્રીજીવનનું સાર્થક્ય માતૃત્વમાં રહેલું છે એમ લેખે છે. આ વાર્તા તેની આંતરિક સૂક્ષ્મતા અને કથાતત્વની રોચકતાને કારણે ઘણી જ અસરકારક નીવડી છે.
આ વાર્તાની નાયિકા બિંદુવાસિની એક ધનાઢ્ય જમીનદારની અસાધારણ સ્વરૂપવતી, પરંતુ અહંકારી કન્યા છે. તેની જેઠાણી અન્નપૂર્ણા પોતાના પુત્ર અમૂલ્યધનની સંપૂર્ણ દેખભાળ તેને સોંપે છે, ત્યારથી બિંદુ તેની સંભાળમાં કશી કચાશ રાખવા ઇચ્છતી ન હોવાને કારણે તેને તેની જેઠાણી, તેના વકીલ પતિ માધવ, ચાકરડી કદમ વગેરે સાથે વારંવાર ઊભાં થતાં ગેરસમજ, વિખવાદ અને કટુતા આ વાર્તામાં દર્શાવ્યાં છે. ધનવાન કુટુંબને શોભે તેવી રીતભાત ને રહેણીકરણી માટેનો બિંદુનો દુરાગ્રહ ઘરનાં સૌના જીવને ઊંચા કરી મૂકે છે, છતાં તેના જેઠ જાદવ મુખુજ્જે બિંદુને ગૃહલક્ષ્મી ગણીને તેની દરેક ઇચ્છા પૂરી કરવા તત્પર રહે છે. જાદવ સૌજન્ય, ભોળપણ, ક્ષમા અને સહનશીલતાની મૂર્તિ છે. બંગાળી માનવ-સ્વભાવમાં બહારથી જોવા મળતી આળસ, મંદતા, વ્યસનપરસ્તી જેવી મર્યાદાઓ હેઠળ રહેલી બહાદુરી, ઉદારતા અને અખૂટ ધૈર્ય જેવી વિશેષતા તેમજ બીજાનાં મનને સમજવાની ગૂઢ શક્તિનો આ વાર્તામાં પરિચય થાય છે.
બિંદુ જાણે અમૂલ્યની સગી માતા હોય તેવું – તેટલું વાત્સલ્ય તેના પર રાખે છે. તેનાં ઉછેર, શિક્ષણ અને સંસ્કાર શ્રીમંત કુટુંબને છાજે તેવાં થાય તે એના જીવનનો આદર્શ છે. માધવના નવા મકાનને લગતી વિધિ બાબતમાં બિંદુ અને તેની જેઠાણી વચ્ચે કટુતા ઊભી થાય છે અને દિવસો સુધી અમૂલ્યનો વિયોગ સહી ન શકતાં તેનું હૃદય હચમચી ઊઠે છે અને ઉપવાસ આદરી મરવા પડે છે. જોકે, તેના જેઠની સમયસરની સૂઝ અને શ્રદ્ધા બિંદુને મરતી બચાવી લે છે અને બિંદુ આખરે અમૂલ્યને મેળવી શકે છે. આમ, બધું સમેસુતર પાર ઊતરે છે શરદબાબુની આ વાર્તા સીધી, સરળ અને રસિક વર્ણનશૈલીને લીધે રસપ્રદ બની છે. તેમની આ કૃતિનો અન્ય કૃતિઓની જેમ ગુજરાતી અનુવાદ કરવામાં આવ્યો છે. ‘બિંદુનો કીકો’ રૂપે તેનું નાટ્યરૂપાંતર પણ ગુજરાતીમાં અનેક વાર ભજવાયું હતું.
બળદેવભાઈ કનીજિયા