બાસ્કેટ બૉલ

January, 2000

બાસ્કેટ બૉલ : એક વિદેશી રમત. આ રમતની શોધ અમેરિકાના મૅસેચૂસેટ્સ રાજ્યની સ્પ્રિંગફિલ્ડ શારીરિક શિક્ષણ તાલીમ કૉલેજના અધ્યાપક ડૉ. જેમ્સ નેયસ્મિથે ઈ.સ. 1891માં કરી હતી. ઓગણીસમી સદીના છેલ્લા દાયકાના મધ્ય ભાગમાં યુવાન વર્ગને ફાજલ સમયનો સદુપયોગ કરવા માટે ઇન્ડોર અને આઉટડોર રમી શકાય તેવી રમતની જરૂરિયાત હોવાથી ડૉ. નેયસ્મિથે આ રમતની શોધ કરી. 1894માં આંતરરાષ્ટ્રીય રમત તરીકે એના નિયમો બહાર પાડવામાં આવ્યા.

લક્ષ્યસિદ્ધિ માટે મથતા બાસ્કેટ બૉલના રમતવીરો

1897માં અમેરિકામાં પ્રથમ વર્લ્ડ બાસ્કેટ બૉલ ચૅમ્પિયનશિપ યોજાઈ. વિશ્વમાં આ રમતનો પ્રચાર સ્પ્રિંગફિલ્ડ કૉલેજના તાલીમાર્થીઓ અને અમેરિકન પાદરીઓ દ્વારા થયો. વિશ્વમાં આ રમતનો વિકાસ કરવા માટે 1932માં આંતરરાષ્ટ્રીય બાસ્કેટ બૉલ ફેડરેશનની સ્થાપના કરવામાં આવી અને 1933માં ઇટાલીમાં સૌપ્રથમ વાર વર્લ્ડ યુનિવર્સિટી ચૅમ્પિયનશિપ રમાઈ. 1936માં બર્લિનમાં યોજાયેલ ઓલિમ્પિક રમતોત્સવમાં આ રમતને સૌપ્રથમ સ્થાન મળ્યું. 1950થી અધિકૃત રીતે વર્લ્ડ બાસ્કેટ બૉલ ચૅમ્પિયનશિપ યોજાઈ. 1951માં એશિયન રમતોત્સવમાં આ રમતની શરૂઆત થઈ. ભારતમાં લગભગ 1900માં આ રમત ચાર્લ્સ પીટરસન દ્વારા કલકત્તામાં શરૂ કરવામાં આવી અને 1920થી વાય.એમ.સી.એ. કૉલેજ, ચેન્નઈ દ્વારા ભારતમાં તેનો ફેલાવો કરવામાં આવ્યો. 1950માં રાષ્ટ્રીય બાસ્કેટ બૉલ ફેડરેશનની શરૂઆત થઈ અને 1952થી રાષ્ટ્રીય ચૅમ્પિયનશિપની શરૂઆત કરવામાં આવી.

બાસ્કેટ બૉલની રમત પાંચ ખેલાડીઓની બનેલી બે ટુકડીઓ વચ્ચે 20 મિનિટના બે અર્ધસમય માટે રમાય છે. વચ્ચે 10 મિનિટનો વિરામ હોય છે. રમતને અંતે જે ટુકડી વધુ ગુણ મેળવે તે વિજેતા ગણાય છે.

નવીનચંદ્ર જાદવભાઈ ચનિયારા