બાષ્પિત્ર (boiler) : બૉઇલર અથવા વરાળ-જનિત્ર (steam-generator), જે પ્રવાહીનું વરાળમાં રૂપાંતર કરે છે. સામાન્ય રીતે વરાળ-પાવર-પ્લાન્ટમાં વપરાતાં બૉઇલરમાં એક ભઠ્ઠી હોય છે, જેમાં બળતણ (fuel) બાળવામાં આવે છે. બાષ્પિત્રની સપાટીઓ, બળતણ વાયુમાંથી ઉષ્માનું પારેષણ પાણીને કરે છે. બાષ્પપાત્રમાં વરાળ એકત્રિત થાય છે. બૉઇલરમાં વપરાતાં બળતણ, જીવાવશેષ (fossil) અથવા બિનઉપયોગી બળતણ હોય છે. નાભિકીય પ્રક્રિયા(nuclear reactor)ની મદદથી ન્યૂક્લિયર બાષ્પિત્રમાં વરાળ ઉત્પન્ન કરવામાં આવે છે. બાષ્પિત્ર ઈસવી સનની પહેલી સદીમાં હિરો વડે બાંધવામાં આવેલાં. સત્તરમી સદી પહેલાં, વરાળનો પ્રાયોગિક કાર્ય માટે ઉપયોગ કરવાનો વિચાર આવેલો નહિ. 1679માં ફ્રાન્સમાં, ડૅનિસ પેપિને સુરક્ષાવાલ્વ સાથેના પ્રથમ બાષ્પિત્રનો અભિકલ્પ (design) તૈયાર કરેલો. આનો ઉપયોગ અઢારમી સદીમાં ઇંગ્લૅન્ડમાં શરૂ થયો. પહેલાંનાં બાષ્પિત્રો, ઘડતર-લોઢામાંથી બનાવવામાં આવતાં. પણ ઊંચા દબાણ અને તાપમાનને ધ્યાનમાં લઈને ઉત્પાદકોએ સ્ટીલનાં બાષ્પિત્રો બનાવવાનાં શરૂ કર્યાં. આધુનિક બાષ્પિત્રો લોખંડની મિશ્ર ધાતુમાંથી બનાવવામાં આવે છે. આ ધાતુ ઘણા ઊંચા દબાણ અને ઊંચા તાપમાનને સહન કરી શકે છે. મોટાભાગનાં બાષ્પિત્રો અગ્નિ-નળી અથવા જલ-નલિકા પ્રકારમાં વિભાજિત કરી શકાય છે. અગ્નિ-નળી પ્રકારનાં બાષ્પિત્રોમાં, સ્ટીલની નળીની આજુબાજુ પાણી હોય છે, જ્યારે ગરમ વાયુ ભઠ્ઠીમાંથી નળીની અંદરથી વહે છે. પાણીની સપાટીની ઉપર વરાળ નળાકાર ડ્રમની અંદર એકઠી કરવામાં આવે છે. વરાળનું દબાણ જો વધી જાય તો વધારાની વરાળ બહાર કાઢવા માટે સુરક્ષાવાલ્વ બેસાડવામાં આવ્યો હોય છે. આ પ્રકારના વાલ્વ બધા જ પ્રકારનાં બાષ્પિત્રો માટે જરૂરી હોય છે. તે વધી જતા દબાણની સામે જરૂરી સુરક્ષા આપે છે. આ પ્રકારનાં બાષ્પિત્રો સરળતાથી સંસ્થાપિત થઈ શકે છે અને વાપરવામાં સરળ રહે છે. મકાનોને ગરમી આપવા તેમજ કારખાનામાંની પ્રક્રિયા માટે તે વપરાય છે. વરાળ-યંત્રોમાં પણ આ પ્રકારનાં બાષ્પિત્રો વપરાય છે.
જલ-નલિકા પ્રકારનાં બાષ્પિત્રોમાં, પાણી નળીઓમાંથી પસાર કરવામાં આવે છે, જ્યારે ભઠ્ઠીમાં ઉત્પન્ન થતો ગરમ વાયુ, નળીની બહારથી પસાર થાય છે. વીસમી સદીમાં જ્યારે મોટા જથ્થામાં વરાળની જરૂરિયાત પડવા માંડી અને સાથે અગ્નિ-નળીમાં બાષ્પિત્રો વડે ઉત્પન્ન થતી વરાળના દબાણ અથવા ઉષ્ણતામાન કરતાં વધુ દબાણ અને ઉષ્ણતામાનની જરૂર પડી ત્યારે જલ-નલિકા પ્રકારનાં બાષ્પિત્રો બનાવવામાં આવ્યાં. આ પ્રકારનાં બાષ્પિત્રોમાં નળીઓ, વરાળડ્રમની બહાર હોય છે અને તે બાષ્પિત્રો અગ્નિ-નળીના બાષ્પક કરતાં ઘણાં જ નાનાં હોય છે. આથી, આ પ્રકારનાં બાષ્પિત્રો ઊંચું દબાણ ને તાપમાન ઉત્પન્ન કરી શકે છે. મોટા પાવર પ્લાન્ટ અને સ્ટીમ મિલ્સમાં વપરાતાં મોટી શક્તિ ઉત્પન્ન કરતાં બાષ્પિત્રો, કાગળની મિલો, ઑઇલ રિફાઇનરી, કેમિકલ પ્લાન્ટ અને અન્ય મોટા ઔદ્યોગિક એકમો આ પ્રકારનાં બાષ્પિત્રો વાપરે છે.
પ્રદીપ સુરેન્દ્ર દેસાઈ