બાવા, વિજયગિરિ (જ. 24 માર્ચ 1987, ચાણસોલ, ખેરાલુ, જિ. મહેસાણા) : ગુજરાતી ફિલ્મોના એક અત્યંત જાણીતા આશાસ્પદ દિગ્દર્શક.
એમણે પ્રારંભિક શિક્ષણ પોતાના ગામ ખેરાલુમાં લીધા બાદ અમદાવાદની એલ. ડી. આર્ટ્સ કૉલેજમાંથી અંગ્રેજી સાહિત્ય સાથે બેચરલ ઑફ આર્ટ્સનો અભ્યાસ કરેલો છે. ફિલ્મના ક્ષેત્રે રસ હોવાથી એમણે દસ્તાવેજી ફિલ્મોના સર્જનની શરૂઆત કરી. 2012થી અત્યાર સુધીમાં એમણે 300 જેટલી દસ્તાવેજી ફિલ્મોનું સર્જન કરેલું છે. એમની ‘સોમનાથ મંદિર’, ‘નમીયે ગિરનાર’ અને ‘પાવાગઢ પંચ મહોત્સવ’ પરની દસ્તાવેજી ફિલ્મો ખૂબ પ્રશંસા પામી છે. 2015માં એમણે પ્રથમ ફીચર ફિલ્મ ‘પ્રેમજી : રાઇઝ ઑફ વૉરિયર’ બનાવી. આ ફિલ્મને ગુજરાત રાજ્યનાં 14 જેટલાં પારિતોષિકો પ્રાપ્ત થયાં હતાં જે એક ઇતિહાસ છે. ગુજરાતી ફિલ્મોમાં એમણે એક નવી જ શૈલીની શરૂઆત કરી, પોતાની એક આગવી ઓળખ ઊભી કરી.

વિજયગિરિ બાવા
પરંપરાગત ગુજરાતી ફિલ્મોની શૈલીથી એમની ફિલ્મો અલગ જ હતી. આ પછી ‘મોન્ટુની બીટુ’ 2019માં સર્જાઈ, જેમાં અમદાવાદની પોળમાં જિવાતી જિંદગી, મિત્રતા, પ્રેમ અને સંબંધોની કથા રજૂ થઈ છે. 2021માં ‘21મું ટિફિન’નું સર્જન કર્યું. આ એક એવી ફિલ્મ હતી જેની પસંદગી રાષ્ટ્રીય ફિલ્મોના પેનોરમા માટે થઈ હતી અને આ રીતે રાષ્ટ્રીય ફિલ્મના પેનોરમામાં પસંદગી પામનારી ચોથી ગુજરાતી ફિલ્મ હતી. ફિલ્મ ‘કસુંબો’ 2024માં સર્જાઈ, જેમાં ત્યાગ, બલિદાન, માતૃભૂમિ, આદિનાથ દાદા અને આઈ ખોડિયારનાં રખોપાંની ઐતિહાસિક શૌર્યકથા રજૂ થઈ છે. અત્યાર સુધીમાં ચાર જ ફિલ્મોનું સર્જન કર્યું હોવા છતાં એક ગુજરાતી ફિલ્મોના એક અગ્રગણ્ય દિગ્દર્શકમાં એમની ગણના થાય છે. એમણે ટેલિવિઝન માટે પણ સર્જન કરેલું છે.
વિજયગિરિ બાવાનાં લગ્ન 2011માં ટિવંકલ બાવા જોડે થયાં છે. એમને એક પુત્ર છે.
અભિજિત વ્યાસ
