બાવન જિનાલય : બાવન દેરીઓ સહિતનું જૈન મંદિર. કેટલાંક જૈન મંદિરોમાં બાંધકામની વિશિષ્ટ પ્રકારની રચના જોવા મળે છે. મૂલપ્રાસાદ(મુખ્ય મંદિર)ની ચારેય બાજુ સ્તંભાવલિયુક્ત પડાળીમાં દેવકુલિકાઓ(નાની દેરીઓ)ની હારમાળા કરેલી હોય છે. સામાન્ય રીતે પડાળીમાં દેવકુલિકાઓની સંખ્યા બાવન હોય તો આવું મંદિર બાવન જિનાલય તરીકે ઓળખાય છે, પરંતુ વાસ્તુવિદ્યાના ગ્રંથોમાં દેવકુલિકાઓની સંખ્યા 51 અને મૂલપ્રાસાદ થઈને બાવનની સંખ્યા ગણાવી છે. જમણી બાજુએ 17, ડાબી બાજુએ 17, પાછળની બાજુએ 9 અને સન્મુખે 8 દેવકુલિકાઓ રચવાનું શાસ્ત્રમાં જણાવ્યું છે.
આબુ પર આવેલાં વિમલવસહિ અને લૂણવસહિ મંદિરો ગુજરાતનાં સૌથી પ્રાચીન બાવન જિનાલયો છે. ભીમદેવ પહેલાના મંત્રી વિમલશાહે વિમલવસહિ મંદિર વિ. સં. 1088(ઈ. સ. 1031–32)માં બંધાવ્યું હતું. આ મંદિરની બાજુમાં તેજપાલે નેમિનાથનું મંદિર એના પુત્ર લૂણસિંહની સ્મૃતિમાં વિ. સં.1287 (ઈ. સ. 1230–31)માં બંધાવ્યું હતું. આ બંને મંદિર ગર્ભગૃહ, અંતરાલ, ગૂઢમંડપ, નવચોકી, રંગમંડપ, દેવકુલિકાઓ, બલાણક, હસ્તિશાલા વગેરે ભાગોને સમાવે છે. આ બંને મંદિરોની દીવાલો, દ્વારો, સ્તંભો, મંડપો, તોરણો, છતો વગેરેમાં સુંદર અને સૂક્ષ્મ કોતરકામ કરેલું છે. છતોમાં કરેલું સૂક્ષ્મ કોતરકામ ધ્યાનાકર્ષક છે. ભદ્રેશ્વર(જિ. કચ્છ)માં આવેલું પ્રસિદ્ધ જૈન મંદિર પણ બાવન જિનાલય પ્રકારનું છે. તે ગર્ભગૃહ, અંતરાલ, ગૂઢમંડપ, ત્રિકમંડપ, સભામંડપ, ચોકી અને દેવકુલિકાઓનું બનેલું છે.
સરોત્રા(જિ. બનાસકાંઠા)માં આવેલું બાવન જિનાલય મંદિર સલ્તનત કાલનું છે. શૈલીની ર્દષ્ટિએ તે ઈ. સ.ની તેરમી–ચૌદમી સદીમાં બંધાયું હોવાનું જણાય છે. તેમાં ગર્ભગૃહ, ગૂઢમંડપ, ત્રિકમંડપ, રંગમંડપ અને દેવકુલિકાઓ આવેલાં છે.
જામનગરનું શેઠ રાયસિ શાહ દેરાસર, કાવી(જિ. ભરૂચ)નાં સાસુ-વહુનાં દેરાસરો અને શંખેશ્વર(જિ. મહેસાણા)નું મંદિર પણ આ વર્ગમાં આવે છે. આ મંદિરો મુઘલ કાળનાં છે. શેઠ રાયસિ શાહ દેરાસર સંકુલમાંનું શાંતિનાથનું મંદિર બાવન જિનાલય છે. તે ગર્ભગૃહ, અંતરાલ, બે મંડપો, ચોકી અને દેવકુલિકાઓ ધરાવે છે. કાવીના સાસુના દેરાસરના મૂળનાયક આદિનાથ છે અને વહુના દેરાસરના મૂળનાયક ધર્મનાથ છે. આ બંને મંદિરોમાં ગર્ભગૃહ, અંતરાલ, ગૂઢમંડપ, ચોકી અને દેવકુલિકાઓ છે.
અમદાવાદમાં દિલ્હી દરવાજાની ઉત્તરે આવેલું હઠીસિંહનું મંદિર પણ બાવન જિનાલય પ્રકારનું છે. શેઠ હઠીસિંહે તેનું બાંધકામ શરૂ કરાવ્યું હતું, પરંતુ તેમનું અવસાન થતાં તેમની પત્ની હરકુંવર શેઠાણીએ વિ. સં. 1903(ઈ. સ. 1847)માં તે પૂરું કરાવ્યું. મંદિરના મૂળનાયક ધર્મનાથ છે. આ મંદિર, ગર્ભગૃહ, ગૂઢમંડપ, ત્રિકમંડપ, રંગમંડપ, ચોકી અને દેવકુલિકાઓ ધરાવે છે. મહાવીર સ્વામીની 2500મી જન્મજયંતીના સ્મારક રૂપે મંદિરના આગળના પ્રાંગણના વાયવ્ય ખૂણામાં છ મજલાનો માનસ્તંભ રચવામાં આવ્યો છે.
બાંધકામની ર્દષ્ટિએ ઉપર્યુક્ત બાવન જિનાલયો ગુજરાતનાં જૈન મંદિરોમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે.
થૉમસ પરમાર