બાલા સરસ્વતી, તંજાવુર (જ. 13 મે 1918, ચેન્નઈ; અ. 9 ફેબ્રુઆરી 1984) : નૃત્ય-અભિનયમાં પ્રથમ પંક્તિની પ્રતિભા ધરાવતાં નૃત્યાંગના. ભક્તિ કવિ પુરંદરદાસ રચિત કન્નડ પદ ‘કૃષ્ણની બેગને બારો’ ટી. બાલા સરસ્વતી સાથે પર્યાય બની ગયું છે. તેમની રોમાંચક કારકિર્દી દરમિયાન આ પદને ભારતીય ધર્મ-સંસ્કૃતિથી પરિચિત કે અપરિચિત દેશવિદેશના પ્રેક્ષકો સમક્ષ રજૂ કરી તેમને પોતાના ઉત્કૃષ્ટ અભિનય – પાટવ દ્વારા અલૌકિક અનુભવની ચરમ સીમાએ પહોંચાડી ભાવવિભોર કર્યા હતા.
લગભગ અઢી સૈકાથી કર્ણાટક સંગીત અને નૃત્યની ઉચ્ચ કોટિની કલાવિભૂતિઓથી સિંચિત કલાવારસો તેમની રગેરગમાં વહેતો હતો. તેમની છઠ્ઠી પેઢીનાં દાદી પાપમ્માળ તંજાવુરના મરાઠા રાજાના દરબારમાં નામાંકિત નૃત્યાંગના અને ગાયિકા ગણાતાં હતાં. તેમની પુત્રી રુક્મિણી દરબારી ગાયિકા હતી અને રુક્મિણીની પુત્રી કામાક્ષીએ તેના શ્રેષ્ઠ નૃત્ય અને સંગીતથી દરબારની 75 વર્ષ સુધી કલાસેવા કરી હતી. કામાક્ષીની પુત્રી સુંદરબાળ પણ ગાયિકા હતી; પણ સુંદરબાળની પુત્રી ધનમ્માળે પ્રારંભિક નૃત્ય-સંગીતની તાલીમ બાદ વીણા પર એવું તો પ્રભુત્વ મેળવ્યું કે દક્ષિણમાં વીણાધનમ્માળ તરીકે તેઓ પ્રસિદ્ધ થયાં. તેમનાં પુત્રી જયમ્મા પણ પારંપરિક કલાઓ શીખ્યાં, પણ ગાયિકા તરીકે વખણાયાં. તેમનાં પુત્રીમાં અગાઉનાં વડીલોના ઉચ્ચ કલાગુણો સંચિત થયા હતા અને તેમણે દુનિયાભરમાં ભારતીય નૃત્યકલાવારસાને પ્રસિદ્ધ કર્યો, તે ટી. બાલા સરસ્વતી. ત્વરિત સ્ફુરણાથી ભાવોનું સૂક્ષ્મ નિરૂપણ કરવાની તેમની અજોડ કલાશક્તિને લીધે નૃત્યક્ષેત્રની શ્રષ્ઠ નૃત્યાંગનાઓની પ્રથમ પંક્તિમાં લેખાયાં.
‘બાલકુટ્ટિ’ને બાળપણથી પ્રસિદ્ધ કલાકારોને જોવા-સાંભળવાનો મોકો મળ્યો. માયલાપુર શિવમંદિરનાં પરંપરાગત દેવદાસી ગૌરીઅમ્માનો મુખાભિનય જોઈ એવાં પ્રભાવિત થતાં કે ઘરમાં કોઈ ન હોય ત્યારે જરીની કોરવાળી સાડી વીંટાળી કલાકો સુધી તેમની નકલ કરતાં. નૃત્ય-અભિનય પ્રત્યે આટલો લગાવ જોઈ ગૌરીઅમ્માએ સંકોચપૂર્વક ઘરનાં મોવડી વીણાધનમ્માળને બાલાને નૃત્ય શીખવવા સૂચવ્યું. બાલામાં કોઈ શારીરિક ખોડ નથી એની ખાતરી કર્યા પછી અને સંગીતનું શિક્ષણ ચાલુ રહેશે એવી બાંયેધરી મળ્યા પછી જ દાદીએ નૃત્યતાલીમ માટે પરવાનગી આપી. પારંપરિક નૃત્યાચાર્યોના પરિચયમાં હોવાથી કાંચીપુરમ્ કણ્ડપ્પા પિલ્લૈની ગુરુ તરીકે વરણી થઈ. ગૌરીઅમ્મા અભિનય શીખવતાં. બાલાની ઉંમર માત્ર 4 વર્ષની હતી. વહેલી પરોઢથી નૃત્ય-તાલીમ શરૂ થાય અને કલાકો સુધી સાધના ચાલે, તે પછી તમિળ, કન્નડ, તેલુગુ અને સંસ્કૃત ભાષાનાં પદ અને શ્લોકો શીખવાનાં. સાંજે કચેરીમાં નૃત્ય કરવાનું હોય ત્યારે રસ્તામાં જ માના ખભા પર ઊંઘ કાઢી લેવાની; કારણ દાદી બપોરે પગ વાળી બેસવા ન દે; નૃત્ય-સાધકોને વિશ્રામ ન ખપે. દાદીની ખ્યાતિને લીધે સંગીતજ્ઞો તેમની સલાહ લેવા આવતાં. તે બધાંના કલાગુણો બાલા મેળવે તેવું તેઓ ઇચ્છતાં. આથી બાલકૃષ્ણ, ગૌરીઅમ્મા, ચિન્નયા નાયડુ વગેરે પાસેથી પદો શીખ્યાં. કુચિપુડી વિદ્વાન વેદાન્તમ્ લક્ષ્મીનારાયણ શાસ્ત્રી પાસેથી અભિનયનું વિસ્તૃતીકરણ શીખ્યાં. આમ બાલામાં કલાના સર્વોચ્ચ ગુણોનું સિંચન થયું.
કાંચીપુરમના અમાનાક્ષી અમ્મળના મંદિરના પ્રાંગણમાં બાલાનું પ્રથમ જાહેર નૃત્ય – આરંગેત્રમ્ – થયું ત્યારે બાલાની ઉંમર 7 વર્ષની હતી. આ પછી તરત મદ્રાસમાં સંગીત-નૃત્ય-ધુરંધરો સમક્ષ નૃત્ય રજૂ કરી પ્રશંસા મેળવી. 15 વર્ષની ઉંમર દરમિયાન તેમની ખ્યાતિ પ્રસરી ચૂકી હતી. આથી ઉદયશંકરે તેમના વિદેશપ્રવાસમાં બાલા જોડાય તેવી ઇચ્છા વ્યક્ત કરી, પણ તેમની મૌલિક શૈલી અને બાલાની પારંપરિક નૃત્યશૈલીનો મેળ ન ખાય તેથી, જયમ્માળે નામરજી દાખવી; તેમ છતાં ઉદયશંકરના નૃત્ય-સચિવ હીરેન ઘોષે 1935માં અખિલ બાંગ્લા પરિષદમાં કાર્યક્રમ યોજી બાલાનો અને દક્ષિણની આ શૈલીનો પ્રથમ પરિચય કરાવ્યો. ત્યારબાદ લખનૌમાં રવીન્દ્રનાથ ઠાકુરે તેમનું નૃત્ય જોઈ શાંતિનિકેતનમાં તેમને નૃત્ય માટે આમંત્રણ આપ્યું. થોડાં વર્ષ પછી શારીરિક અસ્વસ્થતાને લીધે ક્યારેક બેસીને અભિનય થઈ શકતો. ગુરુ કણ્ડપ્પા ઉદયશંકર સાથે જોડાયા, પણ એકાદ વર્ષમાં કાચી ઉંમરે મૃત્યુ પામ્યા. આમ અનેક શારીરિક અને માનસિક વિટંબણાથી પીડિત બાલાની કારકિર્દી ડામાડોળ બની. મદ્રાસની સંગીત અકાદમીમાં નૃત્ય શીખવા ડૉ. બી. રાઘવને બંદોબસ્ત કર્યો, તેથી નૃત્ય સાથે તેમનો સંપર્ક ચાલુ રહ્યો. પણ આવી પરિસ્થિતિમાંથી ઊગરવા તેમને ઈશ્વરનો આશરો લેવો પડ્યો. સરકારી નિયમ વિરુદ્ધ તિરુતન્નીના પ્રસિદ્ધ કાર્તિકેય સ્વામીના મંદિરમાં દેવની પ્રતિમા સમક્ષ તેમણે પોતાની કળા અર્પણ કરી. તે પછી જાણે ચમત્કાર થયો. ડચ નૃત્યસંશોધક બૅરિલ ડ ઝિયૉટે નર્તક રામગોપાલ સાથે મળી દિલ્હીમાં 1950ની શરૂઆતમાં કાર્યક્રમ ગોઠવ્યો. તે પછી ફરીથી અનેક શહેરોમાં નિમંત્રણ મળવા માંડ્યાં. 1961માં ટોકિયો ખાતે ઈસ્ટ વેસ્ટ કૉન્ફરન્સમાં ડૉ. કપિલા વાત્સ્યાયનના ર્દઢ સંકલ્પ અને અથાગ પરિશ્રમને કારણે બાલા સરસ્વતીનો કાર્યક્રમ રખાયો. કાર્યક્રમને અંતે બાલાની સ્થૂળતા અને મોટી ઉંમરને લીધે તેમના નૃત્ય વિશે શંકા ધરાવતા હતા તેઓ અશ્રુભેર ઘૂંટણિયે પડી તેમની પ્રશંસા કરતા થયા. બ્રિટનનાં રાણી ઇલિઝાબેથના ભત્રીજા લૉર્ડ હેરવુડે તો તરત વડાપ્રધાન જવાહરલાલ નેહરુને પ્રશંસાભર્યો તાર કર્યો અને 1963ના વિશ્વવિખ્યાત એડિનબરો મહોત્સવમાં નૃત્ય માટે તેમને નિમંત્રણ આપ્યું. દિવસો અગાઉ ટિકિટો ખરીદાઈ ગઈ હતી. બાલાએ પણ હૃદય અને સાંધાની બીમારી હોવા છતાં મન મૂકી નૃત્ય કર્યું. લાગટ 8 દિવસ દરરોજ નવી કૃતિઓ રજૂ કરી પ્રેક્ષક અને પ્રેસનાં મન જીતી લીધાં.
આ પહેલાં 1962માં બાલાએ અમેરિકાના પ્રવાસ દરમિયાન ન્યૂયૉર્કની એશિયા સોસાયટી દ્વારા આયોજિત લગભગ 40 જેટલા કાર્યક્રમો દેશભરમાં કર્યા અને બહોળો પ્રેક્ષકગણ અને શિષ્યવૃંદ ઊભાં કર્યાં. પછીનાં કેટલાંક વર્ષો સુધી ભરતનાટ્યમ્ શૈલીની ઊંડી રુચિ જગાડી, પારંપરિક નૃત્યકળાની અસ્મિતા વધારી. અમેરિકાનાં ઉત્કૃષ્ટ નૃત્યકારો ટેડ શાન, તેમનાં પત્ની ઍગ્નિસ ડે મિલે, માર્થા ગ્રેહામ, રૂથ સેંટ ડેનિસ, માર્સ કનિંગહામ, ઉપરાંત વૉલ્ટર ટેડી, એલન હ્યૂજિસ જેવાં નૃત્ય-સમીક્ષકોની ચાહના મેળવી. બાલા સરસ્વતી સાચા અર્થમાં નૃત્યકળાનાં વિદેશમાં દૂત બન્યાં.
તેમની દીર્ઘકાલીન રોમાચંક નૃત્યકારકિર્દી દરમિયાન દેશવિદેશમાં અનેક પુરસ્કારો અને સન્માન મળ્યાં. 1955માં રાષ્ટ્રીય સંગીત નાટક અકાદમીએ તેમને પુરસ્કાર એનાયત કર્યો. રાષ્ટ્રપતિ દ્વારા ‘પદ્મભૂષણ’ અને ‘પદ્મવિભૂષણ’ના રાષ્ટ્રીય પુરસ્કારથી તેમની કળા બિરદાવાઈ. રવીન્દ્રભારતી યુનિવર્સિટી અને બીજાં કેટલાંક વિશ્વવિદ્યાલયોએ માનાર્હ ડૉક્ટરેટની પદવી તેમને આપી. મદ્રાસની સંગીત અકાદમીએ પહેલી વાર એક નૃત્યાંગનાને 1973માં ‘સંગીત-કલાનિધિ’ની ઉપાધિ આપી. 1975માં તમિળ ઇસાઇ સંગમે ‘ઇસાઇ પેરારિયર’નું સન્માન આપ્યું. શાંતિનિકેતનની વિશ્વભારતી યુનિવર્સિટીએ 1978માં ‘દેશિકોત્તમ’- (D. Lit.)ની પદવી તેમને એનાયત કરી.
આ નૃત્ય-અભિનયની વિરલ વિભૂતિ અને એક સંસ્થા ગણાતાં ટી. બાલા સરસ્વતીનું મધુપ્રમેહની માંદગીને કારણે અવસાન થતાં એક મહાન નૃત્યપરંપરાનો અંત આવ્યો.
પ્રકૃતિ કાશ્યપ