બાલવાડી : પ્રાથમિક શિક્ષણના ઔપચારિક આરંભ પૂર્વે બાળકને સ્વાભાવિક રીતે શિક્ષણાભિમુખ કરવાની વિશિષ્ટ પ્રવૃત્તિ તથા તે સંબંધી સંસ્થા. આવી સંસ્થાઓ વિવિધ નામે ઓળખાય છે. તેમાં બાલવાડી એક છે. જર્મનીના ફ્રીડરિખ ફ્રૉબેલ (1782–1852) અને ઇટાલીનાં મારિયા મૉન્ટેસૉરી(1870–1952)એ બાલવાડીની સંકલ્પના આપી.

બાલવાડી નાનકડી શાળા કે શાળાનો વિશેષ વર્ગ છે. ત્રણથી પાંચ વર્ષની વયનાં બાળકો ત્યાં શિક્ષિકા સાથે થોડા કલાકો ગાળે છે. શિક્ષિકા તેમને ચિત્રકામ કરવા પ્રેરે છે; ગીતો ગવડાવે છે; રમતો રમાડે છે; રમકડાં – ઘણુંખરું શૈક્ષણિક રમકડાં – રમવા પ્રેરે છે. આ રીતે બાળક ભાષાની સમજ કેળવવા સાથે આસપાસના વિશ્વ સાથે સંવાદ સાધતું થાય છે.

ઇતિહાસ : બાલવાડી-આંદોલનનો આરંભ જર્મનીના ફ્રીડરિખ ફ્રૉબેલે કર્યો. 1837માં બ્લૅન્કનબર્ગમાં તેણે પહેલી બાલવાડીની સ્થાપના કરી. બીજા કેટલાક શિક્ષણશાસ્ત્રીઓએ આ પ્રકારની પ્રવૃત્તિ કરવા માંડેલી. પણ ‘બાલવાડી’ (kindergarten)નામનો પહેલો ઉપયોગ ફ્રૉબેલે કર્યો. તેણે કહ્યું, ‘‘…..હું આને શિશુશાળા નથી કહેતો, કારણ કે શાળામાં બાળક ભણે એ રીતે અહીં બાળકોને ભણાવવામાં આવે એવું હું નથી ઇચ્છતો. કશા દાબ કે ભાર વિના તેઓ સ્વૈરવિહાર કરતાં વિકાસ સાધે તેવી સ્વતંત્ર વ્યવસ્થા એમને આપવા ઇચ્છું છું.’’ પ્રતીકો દ્વારા વિશ્વની એકરૂપતા વ્યક્ત થતી સમજાવી શકાય છે એમ માનતા ફ્રૉબેલે લાકડાના દડા, ઘન, નળાકાર, સૂતરના દડા તથા તેમના માટેના તેજસ્વી રંગોનું આયોજન કર્યું. આ પ્રતીકોને તેણે ‘ભેટ’ નામ આપ્યું. જોકે ત્યારપછી જર્મનીની બહાર જે બાલવાડીઓ શરૂ થઈ તેમાં ધાર્મિક, નૈતિક અને ચારિત્ર્યઘડતરના વિષયો પર વિશેષ ધ્યાન અપાયું. વીસમી સદીના આરંભનાં વર્ષોમાં યુરોપ, અમેરિકા અને એશિયાના દેશોમાં બાલવાડી પદ્ધતિનો ઝડપથી પ્રસાર થયો.

ગુજરાતમાં ગિજુભાઈ બધેકાને પોતાના સંતાનની કેળવણીના પ્રશ્ને ગંભીર વિમાસણમાં મૂકી દીધા. તેમણે વકીલાતનો વ્યવસાય છોડીને ભાવનગરમાં દક્ષિણામૂર્તિમાં ‘શિશુવિહાર’ની સ્થાપના કરી. સમગ્ર જીવન કોમળ પુષ્પ સમાં બાળકોની હળવા હાથે માવજત કરવામાં અર્પી દીધું. હરભાઈ ત્રિવેદીએ ‘ઘરશાળા’ દ્વારા, તો જુગતરામ દવેએ આદિવાસીઓના ક્ષેત્રમાં વેડછીમાં ‘વનસ્થળી’ જેવી સંસ્થા દ્વારા – એમ વિવિધ શિક્ષણકારોએ આ ક્ષેત્રે ક્રાંતિકારી પ્રદાન કર્યું. અમદાવાદમાં મજૂર મહાજન સંઘ જેવી સંસ્થા આજે પણ શ્રમિક વિસ્તારોમાં આંગણવાડીઓ દ્વારા આ પ્રકારનું કાર્ય કરે છે.

ભારતમાં સ્વતંત્રતા પછી પૂર્વપ્રાથમિક ક્ષેત્ર પ્રત્યે લક્ષ અપાયું. 1966માં કોઠારી પંચે રાજ્યકક્ષાનું એકમ સ્થાપવા ભલામણ કરી. 1986માં રાષ્ટ્રીય શિક્ષણ-નીતિ અંતર્ગત કેન્દ્ર સરકારે વિવિધ સૂચનો કર્યાં. 1988માં શિક્ષણ-પરામર્શ મંડળે બાલમંદિરોની વ્યવસ્થા સરકારે સંભાળવી એવી ભલામણ કરી. આ બધા સમયગાળામાં રાજ્યસંચાલિત બાલમંદિરોની સંખ્યા વધતી ગઈ અને 1999માં તે 1,800 જેટલી થઈ. નગરો તથા મહાનગરોમાંની અનેક શાળાઓએ જુનિયર કે. જી. (junior kindergarten) તથા સીનિયર કે. જી.(senior kindergarten)ના નામે શિશુવિભાગો ચાલુ કર્યા. અત્યારે આ વિવિધ બાલવાડીઓમાં નામમાં છે તેવી કાર્યમાં એકરૂપતા રહી નથી. સરકારી બાલમંદિરોને કરકસરના કારણે સમય પ્રમાણે વિકસવાનો અવસર મળતો નથી. તેડાગર બહેનને માસિક રૂ. 300, બિનતાલીમી શિક્ષકને માસિક રૂ. 600 તથા તાલીમપ્રાપ્ત શિક્ષકને માસિક રૂ. 750 વેતન અપાય છે. બીજી બાજુ નિજી બાલમંદિરોમાં સંચાલકો વાલીઓ પાસેથી મોટી રકમો મેળવે છે. આ બધાંનું નિયમન કરવાની વ્યવસ્થા નથી.

યશપાલ સમિતિ : બાલશિક્ષણના સંદર્ભમાં યશપાલ સમિતિએ ‘ભાર વગરના ભણતર’ની ભલામણ કરી હતી. આ વિષયમાં વડોદરાની મ. સ. યુનિવર્સિટીની ગૃહવિજ્ઞાન વિદ્યાશાખાના પ્રારંભિક બાલવિકાસ અભ્યાસસામગ્રી કેન્દ્ર (Early Child Development Learning Resources Centre) દ્વારા જૂન 1996થી અમલમાં આવે એ રીતનો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો. રાજ્યના શિક્ષણ વિભાગે 30 જાન્યુઆરી 1996ના દિવસે આની વિગતો માન્ય બાલવાડીઓને મોકલી આપી. અભ્યાસક્રમમાં ચાર હેતુઓ સ્પષ્ટ કરાયા છે :

(ક) શારીરિક વિકાસ,

(ખ) સામાજિકતાનો વિકાસ,

(ગ) ભાષાવિકાસ, અને

(ઘ) જ્ઞાનલક્ષી વિકાસ.

આ ચાર મૂળ હેતુઓ સાથે સંલગ્ન વિવિધ ઉદ્દેશો તથા ઉદ્દેશદીઠ વિવિધ ક્ષમતાઓનો નિર્દેશ કરાયો છે. આ પ્રવૃત્તિકેન્દ્રી અભ્યાસક્રમ વર્ષવાર વહેંચાયેલો છે; પણ, આ ક્ષેત્રે પ્રગતિ ધીમી છે.

શિક્ષક પ્રશિક્ષણ : બાલવાડીમાં શિશુઓ સાથે કામ પાડવાનું હોવાથી, તેનો શિક્ષક બાલમાનસ, શિક્ષણપ્રક્રિયા આદિમાં પ્રશિક્ષિત હોવો જોઈએ. આ કાર્ય પૂર્વપ્રાથમિક પ્રશિક્ષણ વિદ્યાલય કરે છે. દસમું ધોરણ પસાર કરનાર તેમાં પ્રવેશ માટે પાત્ર ગણાય છે. ત્યાં જરૂરી અભ્યાસક્રમમાં પ્રશિક્ષણ લઈ સફળ થનાર વિદ્યાર્થી તાલીમી અથવા પ્રશિક્ષિત (trained) ગણાય છે. આવો શિક્ષક બાલવાડી, બાલમંદિર, આંગણવાડી, કે. જી. આદિ વિદ્યાલયોમાં શિક્ષણકાર્ય કરવાની અધિકૃતતા ધરાવે છે.

રિખવભાઈ શાહ